Monday, January 08, 2024
માથું ખંજવાળવા વિશે
મથાળું વાંચીને કેટલાક વાચકો માથું ખંજવાળે તો નવાઈ નહીં. કારણ કે, માથાના ખોડા ઉપરાંત આશ્ચર્ય, આઘાત, ગુંચવણ, સવાલ, વિચાર જેવાં ઘણાં કારણસર માણસ માથું ખંજવાળી શકે છે. વિચારકો ગાલ પર આંગળીઓ રાખીને પડાવેલા ફોટા મુકે છે, તેને બદલે તેમના લખાણ સાથે (પોતાનું) માથું ખંજવાળતા ફોટા મુકતા હોત તો વિચારક તરીકેની તેમનો વધારે પ્રભાવ પડત.
ચિબુક પર હાથ મુકીને વિચારતા માણસનું શિલ્પ જગવિખ્યાત છે, પણ માથું ખંજવાળતા માણસનું શિલ્પ બનાવ્યું હોત તો તે વધારે અર્થઘન બની રહેત. અથવા લિઓનાર્દો દ વિન્ચીએ સ્મિત કરતી મોનાલિસાને બદલે એવા જ સ્મિત સાથે માથું ખંજવાળતી મોનાલિસાનું ચિત્ર બનાવ્યું હોત, તો ચિત્રના રહસ્યમાં અનેક ગણો વધારો થઈ ગયો ન હોત? ‘મોનાલિસાના માથામાં જુઓ પડી છે, એટલે તે માથું ખંજવાળે છે‘ એવા શુષ્ક અર્થઘટનથી લઈને ‘મોનાલિસા પોતે કેમ સ્મિત કરી રહી છે એ વિચારે, સ્વયંલીલાથી જ રહસ્યાંદોલિત થઈને, ચિત્તના ગૂઢ વ્યાપારોમાં નિમગ્ન બનીને માથું ખંજવાળી રહી છે’—એવા વિવેચનને પણ અવકાશ રહેત.
એટીકેટ એટલે કે રીતભાતના ચુસ્ત નિયમો પ્રમાણે માથું ખંજવાળવું એ અસભ્ય ક્રિયા ગણાય છે. કોઈની હાજરીમાં, કોઈની સામે માથું ખંજવાળવાથી જોનાર ખંજવાળનારના માથા વિશે જ નહીં, તેની અંદર રહેલા પદાર્થ વિશે પણ શંકાકુશંકાઓ કરી શકે છે. ખરી કમાલ તો ત્યારે થાય, જ્યારે સામેવાળાએ માથું કેમ ખંજવાળ્યું, એ વિચારતાં વિચારતાં ખુદ જોનાર પોતે જ પોતાનું માથું ખંજવાળવા બેસી જાય. કેમ કે, માથાના ખોડા કે જુ સિવાયનાં કારણે માથું ખંજવાળવું એ મહદ્ અંશે અનૈચ્છિક અને લગભગ રીફ્લેક્સ એક્શનની જેમ થતી પ્રતિક્રિયા છે. કંઈક સમજવામાં ગુંચ પડી નથી ને માથામાં હાથ ગયો નથી. એ ચેષ્ટા એવી છે કે ભ્રષ્ટાચારની જેમ તેનું આચરણ લગભગ દરેક જણ દ્વારા થાય છે. છતાં દરેક જણ ઇચ્છે છે કે બીજાએ તે ન કરવું જોઈએ. પોતાના માટે જે જરૂરિયાત કે મજબૂરી લાગતી હોય, તે બીજા કરે ત્યારે અનિષ્ટ લાગે, તે માનવપ્રકૃતિની કમાલ છે.
સમાજમાં ગૌરવઘેન વ્યાપે ત્યારે શરમ અને ગૌરવ, અસલામતી અને દાદાગીરી—એવી બે વિરોધાભાસી લાગણીઓ સમાંતરે ચાલે છે. મોટા ભાગના લોકોને અત્યાર સુધીમાં તેનો અનુભવ થઈ ચૂક્યો હશે. એ જ તરાહ પર, માથું ખંજવાળવાને કારણે ટીકાને પાત્ર બનેલા લોકો નવા મેળવેલા ગૌરવભાન પછી કહી શકે છે, ‘અમારું માથું. અમારો હાથ, અમારો દેશ અને અમે ખંજવાળીએ, તેમાં તમારે શા માટે મોં મચકોડવું જોઈએ? માથું છે તો ખંજવાળીએ પણ ખરા. જેમને જાહેરમાં માથું ખંજવાળનારા ન ગમતા હોય તેમણે દેશ છોડીને જતા રહેવું જોઈએ.’
શરીરશાસ્ત્ર પ્રમાણે માથું અને કરોડરજ્જુ સંકળાયેલાં હોય છે, પરંતુ જાહેર જીવનમાં એવું બનવું અનિવાર્ય નથી. એટલે ઘણા માથાવાળા લોકો તેમના માથાની અંદર રહેલો ‘ખોડો’ જાહેરમાં (લેખો કે ભાષણો દ્વારા) ઉડાડે ત્યારે સમજુ જણ વિચારે છે કે આ માથું હોવાની નહીં, કરોડરજ્જુ નહીં હોવાની નિશાની વધારે લાગે છે.
સભ્યતા તો જાહેરમાં માથું ખંજવાળવાની જ ના પાડે છે. છતાં, જાહેરમાં માથું ખંજવાળના કેટલાક પ્રકારોમાં પહેલો પ્રકાર સભ્યતાપૂર્વક ખંજવાળવાનો છે. તેમાં માણસ પોતાનો હાથ માથા નજીક લઈ જાય છે અને હથેળી માથા પર પસવારતો હોય એવો અભિનય કરતાં, જોનારની નજર ચુકાવીને હળવેકથી ખંજવાળી લે છે. તેનાથી સામેવાળાના મનમાં ભ્રમ પેદા થાય છે. દરમિયાન, સલુકાઈથી માથું ખંજવાળી લેનારે હાથ સામાન્ય સ્થિતિમાં લાવી દીધો હોય છે.
બીજા પ્રકારમાં માણસ વિચારવા માટે ખંજવાળતો નથી, પણ ખંજવાળવા માટે વિચારવાનો અભિનય કરે છે. પોતે જાણે ઊંડા વિચારમાં સરી પડ્યો હોય અને વિચારવાની ક્રિયાના વિસ્તાર તરીકે-તેના ભાગરૂપે ખંજવાળતો હોય તેમ તેનો હાથ માથામાં લઈ જાય છે અને બિનધાસ્ત, સભ્યતાની ઐસીતૈસી કરીને ખંજવાળે છે. પણ એ વખતે ચહેરા પર તે ખંજવાળતા નહીં, વિચારવાના ભાવ રાખે છે. તેનાથી જોનારને લાગે છે કે આમ તો આ જણ જાહેરમાં ખંજવાળે નહીં, પણ મુદ્દો જ એવો છે કે વિચાર-વિચારમાં તેમણે ખંજવાળી લીધું હશે.
ત્રીજા પ્રકારમાં કળા ઓછી ને જોશ વધારે હોય છે. તેમાં માણસ પહેલાં એકાદ લસરકાથી માથું ખંજવાળવાની શરૂઆત કરે છે. પણ જોતજોતાંમાં આંગળીઓની સંખ્યા, તેમનું આવર્તન અને તેમાં રહેલું જોશ વધતાં જાય છે. થોડી વારમાં તો એવું લાગે છે કે તેમને રોકવામાં નહીં આવે તો તે ખંજવાળીને માથાના વાળને મૂળમાંથી ઉખાડી નાખશે. તેમને ખંજવાળતા જોઈને ક્યારેક સામેવાળાને અસુખ થવા માંડે છે. સાથે એવી બીક પણ લાગે છે કે સામેવાળાને તેમના માથાથી સંતોષ નહીં થાય, તો ક્યાંક મારું માથું ખંજવાળવા ન લાગે.
ગમે તેવી એટીકેટની વાતો છતાં, માથું ખંજવાળવું તંદુરસ્ત લોકશાહી માટે ઉપકારક છે તેમાં બેમત નથી. સત્તાધીશોની નીતિરીતિઓ સામે માથું નમાવી દેવાને બદલે તેના વિશે મૂંઝવણ અનુભવવી, માથું ખંજવાળવું અને સવાલ પૂછવા એ ચડિયાતો અને યોગ્ય વિકલ્પ છે. આ રીતે માથું ખંજવાળવું એ કરોડરજ્જુની તંદુરસ્તી માટે પણ ફાયદાકારક નીવડી શકે છે.
‘સત્તાધીશોની પીઠ ખંજવાળવાને બદલે પોતાનું માથું ખંજવાળવું એ સાચી દેશભક્તિ છે’—આવું કોઈ મહાપુરુષે કે મહામહિલાએ કહ્યું ન હોય તો એ કહેવાનો સમય પાકી ગયો નથી?
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment