Monday, October 16, 2017

ગાંધીહત્યાઃ વાદવિવાદ અને વિકૃતિ

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’ (અદાલતના મદદકર્તા)ની નિમણૂંક કરી છે.

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા-હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ-પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી-પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુદ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે  શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રુજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફ્ફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય).

ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધીક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કોંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધીક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધીયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધીક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ તમારાના નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કોંગ્રેસની, પણ તમારા સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી-રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડીયા ખાંચા ને ખાનાંમાં પુરીને રજૂ કરવા પડે છે?

ધીક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધીક્કાર ઓસરતો નથી, બલ્કે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગ્યા તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે-- કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વોટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધીક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઉભું કરવામાં અથવા એવું વાતાવરણ ઉભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધીક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબીત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે. પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વોટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે, તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેક્ટિવ) અસરથી મનાવાતો જશ્ન જ છે.

ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સુફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

2 comments:

  1. ઉર્વીશભાઈ, સત્ય નિરપેક્ષ મૂલ્ય છે. એમાં 'મારું' અને 'અન્યનું' એવાં અલગ અલગ પરિમાણો ન હોઈ શકે. ગાંધીજીનું સત્ય એટલા માટે 'સત્ય' છે કે એ સમયની કસોટી ઉપર પાર ઉતર્યું છે.

    ReplyDelete
  2. Excellent article. Have we failed to understand Gandhian ideology. Gandhi was a true humanitarian . We can't assess him with Hindu or Muslim point of view. He had achieved beyond our imagination. A true man who understood humanity in its real sense of the term.

    ReplyDelete