Sunday, April 26, 2020

એક પત્ર કોરોનાને

પ્રિય કોરોના વાઇરસ,

મહાનુભાવોના નામ આગળ જેમ માનનીય, આદરણીય, વંદનીય, પરમશ્રદ્ધેય, માન્યવર વગેરે લખાય, એટલે તે બધા કંઈ આવા થઈ જતા નથી. ‘પ્રિય’ના મામલે તારે પણ એવું જ સમજવું. લાખોને હાણ પહોંચાડાનારા મહાનુભાવો માનનીય હોય, તો જ તું પ્રિય હોઈ શકે.

તારા વિશે પહેલી વાર સાંભળ્યું, ત્યારે જાણકારોએ કહ્યું હતું કે તારા નામનો અર્થ થાય છે તાજ (મુગટ). પણ ખરેખર તો તારું નામ તાજ નહીં, તારાજ હોવું જોઈતું હતું. કારણ કે, તેં ખાધુંપીધું કશું નહીં, ને આખી દુનિયા તારાજ કીધી. તારા નામમાં છૂપાયેલી ગૂઢ પ્રતીકાત્મકતા છાની રહે એવી નથી. દેશદુનિયાની ઘણી તારાજીઓ માટે કોરોના એટલે કે તાજની (સત્તાની) ખેંચતાણ કારણભૂત હોય છે. પણ હકીકત એ છે કે તારો આતંક શરૂ થયા પછી, બધી પ્રતીકાત્મકતાઓ ને બધું ચિંતન કોરાણે રહી જાય છે. (ગુજરાતનાં ચિંતનબાજ લેખકો-વાચકોની વાત જુદી છે.)

ભારતમાં આવ્યા પછી હજુ સુધી તને કોઈએ ‘તમે કેવા?’ એવો સવાલ પૂછ્યો કે નહીં? ગમે તે થાય, પણ આ સવાલ પૂછવામાંથી અમે ન જઈએ. આખરે સાંસ્કૃતિક પરંપરા જેવું કશું હોય કે નહીં? તારી તાકાત જોયા પછી તો રાજકારણમાં તારો કેવો વટ પડી ગયો હશે, તેની કલ્પના કરી શકાય છે. કેટલા બધા રાજકીય પક્ષો તારા ભયનો લાભ લેવા માટે ને તારા નામે મત ઉઘરાવવા માટે થનગનતા હશે?

તારી સ્ટાર વૅલ્યુનો કંઈ ખ્યાલ છે તને? તારાથી હજારમા ભાગની અસરકારકતા અને બીક ધરાવનારા લોકો માટે પણ રાજકીય પક્ષોમાં પડાપડી ચાલતી હોય છે. તારા આવતાં પહેલાં, જેનો પ્રભાવ હોય એવા દરેક નેતાને ભાજપમાં સામેલ કરવા માટે માનનીય ગૃહમંત્રી ઉત્સુક રહેતા હતા. જોકે, તને તો કોઈ આવું દબાણ કરે તો પણ શી રીતે? તારી સીડી બનાવીને તને બ્લૅકમેઇલ કરી શકાય નહીં, તને કરોડોની લાલચ કે ચક્કી-પિસિંગની ધમકી આપી શકાય નહીં, તને રાજ્યસભાનું સભ્યપદું, રાજ્યપાલપદું કે મંત્રીપદું પણ આપી શકાય નહીં.

તારું કામ ધર્મપ્રચારકો જેવું છે. પ્રસાર સિવાયની બીજી બધી વાત  (મૂલ્યો કે માનવતા પણ) તારા માટે ગૌણ છે. કેમ કરીને પોતાના સંઘને-પોતાની જમાતને વિસ્તારવાં એ જ જાણે કે એકમાત્ર લક્ષ્ય છે. કોઈ સમાજશાસ્ત્રીને વાઇરસપ્રસાર અને ધર્મપ્રસારનો તુલનાત્મક અભ્યાસ કરવાનું કહેવું પડશે.

સમાજની વાત પરથી યાદ આવ્યું : તારા ભયથી અમારા માનવસમાજની આખી સ્થિતિ કામચલાઉ ધોરણે બદલાઈ ગઈ છે. હજુ ઘણા નમૂનાઓ તારી સામેની આ લડાઈને વાઇરસ વિરુદ્ધ માનવજાતને બદલે કાળા વિ. ધોળા કે મુસલમાન વિ. હિંદુનાં ચોકઠાંની બહાર નીકળીને જોઈ શકતાં નથી.પણ હવે તેમના મનમાં—શરીરમાં  નહીં, મનમાં—રહેલા વાઇરસની કોઈ રસી નથી. આવાં લોકોને કમનસીબે ક્વૉરન્ટીનમાં રાખવાની ફરજ પાડી શકાતી નથી. એટલે તે સમાજમાં છૂટાં ફરતાં હોય છે અને ભેદભાવનો માનસિક ચેપ ફેલાવ્યા કરે છે.

બીજી વાત ઘરે રહેવાની છે. તારી બીકે લોકો બહાર નીકળતાં બંધ થયાં, એટલે પ્રકૃતિએ પોતાનું અસલી, રળિયામણું સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. માનવજાતે પ્રકૃતિના ચહેરા પર ધુમાડા ઠાલવીને તેને એવો બનાવી દીધો હતો કે ખુદ પ્રકૃતિ અરીસામાં જુએ તો છળી મરે. પણ માણસોને ઘરમાં પુરાવાનો વખત આવતાં પ્રકૃતિના ચહેરા પરની કુમાશ પાછી આવી છે. તારા બદલે કોઈ નેતા આવું કરવામાં નિમિત્ત બન્યા હોત તો તેમને શાંતિ માટેનું નૉબેલ પારિતોષિક મળી ગયું હોત. તારા કિસ્સામાં એ પારિતોષિક તને નહીં, પણ તને અંકુશમાં લેતી શોધ કરનારને મળશે એવું લાગે છે.

હમણાં સુધી વૈશ્વિક આતંકની વાત નીકળે, એટલે લોકો ISISને યાદ કરતાં હતાં. પણ તેં ISISનો એ દરજ્જો છીનવી લીધો. ગનીમત છે કે અમેરિકાએ તારા નામનું કોઈ ઇનામ-બિનામ કાઢ્યું નથી. જોકે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જે રીતે તારી ઉપેક્ષા કરીને તારો પ્રભાવ વધવા દીધો છે, એ જોતાં કોઈ ક્યાંક તેમના નામનું ઇનામ જાહેર ન કરી દે.

ઘણા લોકોને આતંક, ભય, પ્રભાવ, પ્રભુત્વ—આ બધા શબ્દો વચ્ચે ખાસ ફરક લાગતો નથી. તેમાંથી કોઈ તારું મંદિર બનાવીને બાધાઆખડીનો ધંધો ચાલુ કરી દે તો કહેવાય નહીં. અમુક દરગાહ પર માસ્ક ચઢાવવાથી કે અમુક દેરી પાસે આવેલા ઝાડ પર એપ્રન લટકાવવાથી તને વશમાં કરી શકાય છે, એવું કોઈ ચલાવે તો ચાલી પણ જાય. કારણ કે,અમારે ત્યાં કેટલાક વશ કરવા ને બાકીના વશ થવા માટે સદાકાળ ઉત્સુક હોય છે.

ખબર છે, આમ તો તને પત્ર લખવાનો કશો મતલબ નથી. પણ લોકશાહીમાં નાગરિકોને મતલબ ન હોય એવી ઘણી ચીજો કરવાની ને આશા રાખવાની ટેવ પડી જાય છે. જેમ કે, સરકાર પાસેથી સાચી માહિતીની આશા, આફત વખતે કોમવાદ ન ફેલાવવામાં આવે તેની આશા, વડા પ્રધાન પત્રકારપરિષદ ભરીને ખુલ્લાશથી સવાલના જવાબ આપે એવી આશા, ગૌરવના અફીણઘેનમાં લોકો વાસ્તવિકતા ભૂલી ન જાય એવી આશા...આ બધાની વચ્ચે, તને કાબૂમાં આણવાની આશા સૌથી વધારે વાસ્તવિક છે. આજે નહીં ને ગમે ત્યારે તને અંકુશમાં લાવી દઈશું. બાકીની આશાઓ વિશે આવું કહી શકાય તેમ નથી.

કોઈએ તને કદી મળવાનું ન થાય એવી આશા સાથે,
લિ. માનવજાતનો મિત્ર

No comments:

Post a Comment