Monday, November 14, 2016
જ્યારે મોરારજી દેસાઇએ મોટી નોટો રદ કરી
Moraraji Desai / મોરારજી દેસાઇ |
આઝાદ ભારતમાં ચલણી નોટો પાછી ખેંચવાના
નિર્ણયનો સીધો કે આડકતરો સંબંધ રાજકારણ સાથે છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી અને
ત્યાર પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પક્ષની ખિચડી સરકાર બની. તેના
વડાપ્રધાન મોરારજી દેસાઇ અને બીજા સાથીદારોએ અગાઉની કોંગ્રેસ સરકાર સામે ખાસ્સા
ખુન્નસથી કામ લીધું. (ખુન્નસ પેદા થવાનાં કારણોમાંથી ઘણાં કારણ વાજબી હતાં). એ
સિલસિલામાં, કેટલાક આરોપ પ્રમાણે, કોંગ્રેસી સરકારના હોદ્દેદારો અને તેમના મળતીયા
ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવવા માટે, 1978માં રૂ. એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ. દસ
હજારની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયના વાજબીપણા વિશે ભાગ્યે જ
શંકા કરી શકાય. કારણ કે, આજના ભારતમાં રૂ. પાંચ હજાર ને રૂ.દસ હજારની ચલણી નોટોની
જરૂર પડતી નથી, તો એ વખતે જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત રૂ.685 હતી, ત્યારે આટલી
મોટી ચલણી નોટોની જરૂર કોને પડતી હશે?
યોગાનુયોગે રૂ. પાંચસો અને રૂ.એક હજારની
ચલણી નોટો રદ કરવાનો બીજી વારનો નિર્ણય પણ કેન્દ્રની બિનકોંગ્રેસી સરકારના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે. આ નિર્ણયને એકંદરે વ્યાપક આવકાર મળ્યો છે. કારણ
કે તેનો આશય કાળાં નાણાં ઉપરાંત બનાવટી નોટો અને ત્રાસવાદ માટે વપરાતાં બે નંબરી
નાણાંને અંકુશમાં લેવાનો છે. આ મતલબની જાહેરાતમાં તથ્ય છે. સાથોસાથ, તેની રાજકીય
અસરો પણ ચર્ચાઇ છે. જેમ કે, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણી આવી રહી છે અને
તેમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે. ચૂંટણી સાવ નજીક હોય અને રાજકીય પક્ષો ઠાંસી
ઠાંસીને ભરેલી નાણાંકોથળીઓનાં મોં ખોલવા યુદ્ધોત્સુક હોય ત્યારે તેમના ભાથામાં
રહેલી પાંચસો-હજારની બે નંબરી નોટોને ‘કાગળીયાં’માં ફેરવી દેવાથી વિરોધી છાવણીમાં અંધાધૂંધી ફેલાઇ શકે છે. આ ઉપરાંત,
કાળાં નાણાંના મુદ્દે કડક પગલાં લેવા માટે સરકાર કૃતનિશ્ચયી છે અને લોકસભાની
ચૂંટણી વખતે આપેલું (રૂ.15 લાખ જમા કરાવવા સિવાયનું) વચન વડાપ્રધાને પાળ્યું છે,
એવો પ્રચાર લોકો પર અસર પાડવા માટે ઉપયોગી બની શકે છે. પાકિસ્તાનના મોરચે સર્જિકલ
સ્ટ્રાઇકનો જશ અને કાળાં નાણાંના મોરચે પાંચસો-હજાર રૂપિયાની ચલણી નોટો રદ કરવાનો
જશ સરકારને ચૂંટણીપ્રચારમાં બહુ કામ લાગે એમ છે.
ચલણમાં રહેલા સિક્કા અને નોટો રદ કરવાનો
સિલસિલો આઝાદી પછીનાં થોડાં વર્ષોમાં આરંભાયો હતો. આઝાદી મળ્યા પછી પણ રૂપિયો
ગાડાના પૈડા જેટલો રહ્યો હતો. પૈસાને બદલે આનાનું ચલણ હતું. એક રૂપિયો સોળ આનામાં
વહેંચાયેલો હતો. સૌથી નાનો એકમ હતોઃ પાઇ. બાર પાઇનો એક આનો થતો હતો. અંગ્રેજોની
વિદાય પછી પણ આના ચલણમાં રહ્યા. રૂપિયાથી ઓછી રકમના સિક્કામાં અડધો (આઠ આના)
ઉપરાંત ચાર આના, બે આના અને એક આના ઉપલબ્ધ હતા. (કંજૂસ-લોભી લોકો માટે ‘રૂપિયાના ત્રણ અડધા શોધે એવો છે’-એવી
કહેણી પણ ત્યારે ચલણી હતી.)
ચલણમાં ફેરફારની શરૂઆત 1954થી થઇ. અગાઉ
અંગ્રેજી રાજમાં (1946માં) રૂ. એક હજાર અને રૂ.દસ હજારની નોટો ચલણમાંથી રદ કરવામાં
આવી હતી. તેમને 1954માં ફરી દાખલ કરવામાં આવી અને સાથે રૂ. પાંચ હજારની નોટ પણ નવી
મૂકવામાં આવી. બીજા વર્ષે ‘ઇન્ડિયન કોઇનેજ એક્ટ’માં ફેરફાર કરવામાં આવ્યો. તે મુજબ, 1 એપ્રિલ, 1957થી આનાનું ચલણ
નીકળી ગયું અને પાઇનું સ્થાન નયા પૈસાએ લીધું. મેટ્રિક પદ્ધતિ પ્રમાણે, એક રૂપિયો
100 નયા પૈસાનો બનેલો હતો. 1964 સુધી રૂપિયાનો સૌથી નાનો એકમ નયા પૈસા તરીકે
ઓળખાતો રહ્યો, પણ 1 જૂન, 1964થી નયાનું લટકણીયું નીકળી ગયું અને તે ફક્ત પૈસા
તરીકે ઓળખાવા લાગ્યો. વર્ષો વીતતાં રૂપિયાનું મૂંલ્ય ઘટતું ગયું તેમ એક, બે અને
ત્રણ પૈસાના સિક્કા ચલણમાંથી દૂર થતા ગયા અને રૂપિયા-બે રૂપિયાની નોટોનું સ્થાન
સિક્કાએ લીધું. કારણ કે એ નોટો છાપવાની ઝંઝટ અને ખર્ચ જેટલી તેની કિંમત ન હતી.
1977માં થયેલી ચૂંટણી પછી મોરારજી દેસાઇની
જનતા સરકાર બન્યાના થોડા મહિનામાં ગુજરાતી અર્થશાસ્ત્રી આઇ.જી. પટેલ રીઝર્વ
બેન્કના ગવર્નરપદે નીમાયા. (અત્યારે ગુજરાતી ઉર્જિત પટેલ રીઝર્વ બેન્કના ગવર્નરપદે
છે.) નાણાં મંત્રી તરીકે એચ.એમ.પટેલ હતા, જે સરદાર પટેલના જમાનામાં તેમના વિશ્વાસુ
અધિકારી તરીકે જાણીતા હતા. અલબત્ત, આઇ.જી. (ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ) પટેલની ઓળખ
ફક્ત ગુજરાતી તરીકે આપવી અયોગ્ય ગણાય. અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમની ખ્યાતિ
આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી હતી. બ્રિટનની ‘લંડન
સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’ના તે પહેલા ભારતીય ડાયરેક્ટર હતા. તેમની
સેવાઓનો ભારતને લાભ મળે તે આવકાર્ય બાબત હતી.
રીઝર્વ બેન્કના દસ્તાવેજી ઇતિહાસમાં
નોંધાયા પ્રમાણે, 1978ની ઉત્તરાયણના દિવસે રીઝર્વ બેન્કની (મુંબઇ) ઓફિસમાંથી એક
સિનિયર અફસરને દિલ્હી જવાનું જણાવાયું. એ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને જણાવવામાં
આવ્યું કે સરકાર રૂ. એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ.દસ હજારની ચલણી નોટો રદ કરી
દેવા માગે છે અને તેને અમલી બનાવવા માટેના જરૂરી વટહુકમનો ખરડો તેમણે એક જ દિવસમાં
તૈયાર કરી આપવાનો છે. એટલું જ નહીં, આ કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમણે કોઇ સાથે
વાતચીત કરવાની નથી. મુંબઇની ઓફિસ સાથે પણ નહીં, જેથી આ નિર્ણયની ગુપ્તતા જળવાઇ
રહે.
સરકારે ધાર્યા પ્રમાણે 15 જાન્યુઆરીના રોજ
આ ખરડો તૈયાર થઇ ગયો. તેની પર રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 16 જાન્યુઆરીની વહેલી
સવારે સહી કરી અને એ જ દિવસે સવારે નવ વાગ્યાના રેડિયો સમાચારમાં આ નોટો રદ કરવાની
જાહેરાત થઇ.
courtesy : Grandpacoins.in |
‘ગુજરાતી’
અને ‘પટેલ’ના સામ્ય
વિશે વધુ પડતા ઉત્સાહી થતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે આઇ.જી. પટેલ જનતા
સરકારના નિર્ણય સાથે સંમત ન હતા. તેમણે નાણાંમંત્રી હીરુભાઇ (એચ.એમ.) પટેલને
કહ્યું હતું કે આ પ્રકારનાં પગલાંથી ધાર્યું પરિણામ મળતું નથી. કેમ કે, કાળાં
નાણાં ધરાવનારા લોકો લાંબા સમય સુધી એ રકમ રોકડ સ્વરૂપે સંઘરી રાખતા નથી. આઇ.જી.એ
એમ પણ કહ્યું હતું કે કાળાં નાણાં લોકો સુટકેસમાં કે ઓશિકાંનાં કવરમાં ભરીને મૂકી
રાખે છે, એવું માનવામાં નર્યું ભોળપણ છે. તેમ છતાં, હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદમાં
બતાવેલી ખાલી સુટકેસથી માંડીને અનેક ફિલ્મોમાં કાળાં નાણાં આ જ રીતે દર્શાવાય છે.
જનતા સરકારના આ નિર્ણય પછી એક જ દાયકામાં
(1987)માં રૂ. પાંચસોની ચલણી નોટ મૂકાઇ અને વર્ષ 2000થી રૂ. એક હજારની નોટ આવી.
એવી જ રીતે, રૂ. એક હજારની નોટ નાબૂદ કર્યા પછી વર્તમાન સરકાર રૂ. બે હજારની ચલણી
નોટ લાવી રહી છે. માટે સરકારના નિર્ણયને વાજબી રીતે આવકાર આપ્યા પછી, કાળાં નાણાં
સામેના યુદ્ધમાં જયજયકારના પોકાર પાડવાની ઉતાવળ કરવા જેવી નથી.
Labels:
demonetization,
economy
Subscribe to:
Post Comments (Atom)
Ek munjavan bharyo prashn chhe (topic aa j chhe. pan, currency related chhe black money related nai)
ReplyDeleteKe je loko paisa bank ma bharava pan nathi mangta ane koi rite enu valtar pan nathi ichchhata. Arthat, paisa jata kare chhe. Ena lidhe desh ni economy ma kevi asar pade. Sarkar ane e vyakti banne ne nuksan thay ke khali e vyakti ne j ?