Monday, November 21, 2016

ટેકનોલોજી વિશે સવાલ ઊભા કરતી ટ્રમ્પની જીત


ચૂંટણીનાં પરિણામ પછી જીતેલા ઉમેદવાર જીતનાં અને હારેલા ઉમેદવાર હારનાં કારણ આપે તે સમજાય, પણ અમેરિકામાં વાત એટલેથી પૂરી ન થઇ. દુઃસ્વપ્નવત્ ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ફેસબુકના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગે જાહેર નિવેદન દ્વારા ખુલાસો આપવાનો વારો આવ્યો. તેમની કંપની પરનો ગંભીર આરોપ એ હતો કે ચૂંટણીનું પરિણામ આવું વિચિત્ર આણવામાં- ટ્રમ્પ જેવા અંતિમવાદીને જીતાડવામાં ફેસબુકનો ફાળો મહત્ત્વનો છે. ફેસબુકના માધ્યમથી ફેલાવવામાં આવેલા અનેક જૂઠા સમાચારે ટ્રમ્પની તરફેણમાં લોકમત ઊભો કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો.

આવો આરોપ ટ્રમ્પવિરોધી છાવણીમાંથી આવે તો તેને ગણતરીમાં ન લેવાય. પરંતુ ફેસબુકની અંદરના થોડા લોકોને પણ ફેસબુકની ભૂમિકા ચિંતાજનક લાગી. સાથોસાથ, ટ્રમ્પ એવા ઉમેદવાર હતા જેમની જીત કોઇ એક પક્ષની હાર ને બીજા પક્ષની જીત તરીકે નહીં, પણ બેજવાબદાર ધીક્કારની જીત તરીકે જોવાય. આ પરિણામ વિરોધી એવા ડેમોક્રેટિક પક્ષને જ નહીં, ટ્રમ્પના ખુદના રીપબ્લિકન પક્ષમાંથી પણ ઘણાને આંચકાજનક લાગ્યું હશે. તેથી પરિણામ પછી અમુક વર્તુળોમાં માહોલ એવો ઉભો થયો, જાણે અમેરિકાનો પગ કુંડાળામાં પડી ગયો—અને પગને કુંડાળા સુધી લઇ આવવામાં ટેકનોલોજીએ, ખાસ કરીને સોશ્યલ મિડીયાએ, મહત્ત્વની ભૂમિકા અદા કરી.

આરોપના ટેકામાં અપાતાં ઉદાહરણમાંથી એક નમૂનોઃ ખ્રિસ્તી ધર્મગુરુ પોપે ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને ટેકો આપ્યો છે, એવા સમાચાર જૂઠાણું ફેલાવતી એક વેબસાઇટે ઘડી કાઢ્યા અને ફેસબુક પર મૂક્યા. તેનો રદીયો આવે ત્યાર પહેલાં અને પછી પણ આ સમાચાર આશરે 10 લાખ વાર શેર થયા. એ સમાચારનો ખુલાસો પ્રગટ થયો, પણ તેના લેવાલ થોડા લોકો જ હતા. અલબત્ત, ફેસબુકને ન્યાય ખાતર કહેવું જોઇએ કે આવું ફક્ત સોશ્યલ મિડીયા પર જ થાય એવું નથી. છાપાં અને ટીવી ચેનલોમાં આ તરકીબ દાયકાઓથી ચાલી આવે છેઃ એક વાર સમાચાર ચઢાવી દેવાના. પછી ખુલાસો આવે ત્યારે એ પણ આપી દેવાનો. એ કેટલા લોકો વાંચવાના? માટે, ઝકરબર્ગની દલીલ સાચી લાગે છે કે ફેસબુક પર ચાલેલાં જૂઠાણાંએ અમેરિકાના ચૂંટણી પરિણામને પલટી નાખ્યું હોવાની વાત અસંભવ છે.

કોઇ એક સાઇટ પર આટલો મોટો આરોપ મૂકી ન શકાય. સાથોસાથ, હવેની ચૂંટણીઓમાં ફેસબુક જેવી સાઇટની તાકાતને નજરઅંદાજ પણ ન કરી શકાય. ફેસબુકની શરૂઆત ભલે સોશ્યલ નેટવર્કિંગ માટે એટલે કે હળવામળવાના ઓટલા તરીકે થઇ હોય, પણ તેના યુઝર્સની વસ્તી ચીન અને ભારત જેવા દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. (ફેસબુક યુઝર્સનો કુલ આંકડોઃ 1 અબજ 79 કરોડ. ભારતની વસ્તી સવા અબજ, ચીનની વસ્તી, એક અબજ 35 કરોડ)) માટે, તેની અણદેખેલી અસરો હવે ઉભરી રહી છે. મોબાઇલ ફોન આવ્યો ત્યારે કોઇએ ધાર્યું ન હતું કે આવનારા દાયકામાં એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર જેવી કંઇક ચીજવસ્તુઓના બજાર પર તરાપ વાગશે. એવી જ રીતે, ફેસબુક મીડિયા કંપની બનશે એવું ખુદ ઝકરબર્ગે નહીં ધાર્યું હોય, પરંતુ અત્યારે તેનો પ્રભાવ કોઇ મીડિયા કંપની કરતાં જરાય ઓછો નથી. ચૂંટણી પહેલાં પ્રમુખપદના ઉમેદવારો વચ્ચે થતી ચર્ચા ટીવી પર લાઇવ દર્શાવાય છે. તેમાં આ વખતે ટીવી ચેનલની દર્શકસંખ્યા કરતાં ફેસબુકની દર્શકસંખ્યાનો આંકડો વધી ગયો. અમેરિકામાં થયેલાં સર્વેક્ષણો પ્રમાણે પુખ્ત વયના લગભગ અડધાઅડધ લોકો સમાચારો માટે ચેનલ કે અખબારો નહીં, પણ સોશ્યલ મિડીયાનો આશરો લે છે.

પરિણામ પહેલાંના સમયગાળામાં ફેસબુક પર સમાચાર પ્રત્યે વહેરોઆંતરો રાખવાના આરોપ પણ થયા હતા. ફેસબુકના ટ્રેન્ડિંગ ટોપિક્સવિભાગમાં રાજકીય સમાચારો સાથે છેડછાડ થતી હોવાના સંગીન આરોપ પછી ટ્રેન્ડિંગ ટોપિક્સની ટીમને પાણીચું પકડાવાયું હતું. એવી જ રીતે, વિએતનામ યુદ્ધ વખતે અમેરિકાએ ફેંકેલા નેપામ બોમ્બની ઝાળથી બચવા માટે ભાગતી નિર્વસ્ત્ર કિશોરીની ઐતિહાસિક તસવીર ફેસબુકે ઉડાડી દીધા પછી વિવાદ થયો હતો. કેમ કે, એ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો નહીં, યુદ્ધની ભયાનકતાનો હિસ્સો હતી. આ પ્રકારની ઘટનાઓને કારણે ફેસબુક જેવી સાઇટો તેની પર મુકાતી સામગ્રીના ફક્ત વાહકનું કામ કરે છે કે પછી સામગ્રીમાં પણ ચંચુપાત કરે છે, એ મુદ્દો સતત ચર્ચાસ્પદ રહ્યો છે. એક તરફ તેમણે સાઇટ પરની સામગ્રીમાં કશી દખલ થતી નથી એવી ખાતરી આપવી પડે છે અને બીજી તરફ, જૂઠાણાંને સાઇટ પરથી કેવી રીતે દૂર રાખવામાં આવશે તેની વાત પણ કરવી પડે છે. છતાં, જેમ આ સાઇટોનો પ્રભાવ વધે, તેમ તેમની તટસ્થતા અને કેવળ માધ્યમ તરીકે વર્તવાની નિર્દોષતા વધુ ને વધુ પ્રમાણમાં શંકાના દાયરામાં આવતાં જાય છે.

ટ્રમ્પ જેવા ધીક્કારના દૂત ચૂંટાઇ જાય તેના માટે ફક્ત ટેકનોલોજીને કે સોશ્યલ નેટવર્કિંગે દોષ આપવો 
અયોગ્ય છે. પરંતુ એટલું સ્વીકારવું પડે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટોએ તેમને અઢળક મદદ પૂરી પાડી છે. બેફામ લખનારા-જૂઠાણાં ફેલાવનારા અને બધી મર્યાદાઓ નેવે મૂકીને વિરોધી મત પર તૂટી પડનારા ટ્રોલ ટેકનોલોજીના સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષ જેવી આડપેદાશ છે. ટ્રમ્પનાં બેફામ ટ્વિટ-વિધાનોને ધ્યાનમાં રાખીને કેટલાક ટીકાકારોએ તેમને અમેરિકાના પહેલા ટ્રોલ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાવ્યા છે. રવીશકુમારે ટ્રોલ’ (troll)નું હિંદી કર્યું હતુઃ લઠૈત—વાતેવાતે પોતાના અને બીજાના માટે લાઠી ચલાવનાર દાંડ) સોશ્યલ નેટવર્કિંગે અસલામતી અને પૂર્વગ્રહોથી પીડાતા મોટા વર્ગને અભૂતપૂર્વ રીતે જોડી આપ્યો છે, જે અગાઉના કોઇ પણ માધ્યમ માટે શક્ય ન હતું. પરિણામે આ વર્ગ ભૌગોલિક રીતે વેરવિખેર હોવા છતાં, સોશ્યલ નેટવર્કિંગ પર તેમનો સૂર એકસરખો અને કાન ફાડી નાખે એવો સંભળાય છે.

ટ્રોલને એકજૂથ બનાવવા અને સમાંતરને બદલે ઘણી વાર મુખ્ય શક્તિ તરીકે ઉભારવા એ સોશ્યલ મિડીયાની આગવી લાક્ષણિકતા છે. તેની સામે પરંપરાગત માધ્યમો પણ પોતાની જૂની મર્યાદાઓમાંથી ઉભરી શકતાં નથી એ હકીકત છે. પ્રચારના આરંભિક તબક્કે ટીઆરપીની લ્હાયમાં ટ્રમ્પનાં આખેઆખાં અને એડિટ કર્યા વગરનાં ભાષણ દર્શાવ્યા, એ અમારી ભૂલ હતી એવું સીએનએનના એક જવાબદાર અધિકારીએ પરિણામ પછી જાહેર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.


ટ્રમ્પની જીત ગમે તેટલી આંચકાજનક લાગે, પણ તેની જવાબદારી સોશ્યલ મિડીયા પર નાખીને છટકી જવા જેવું નથી. પરંપરાગત માધ્યમોથી માંડીને બીજા પ્રચારકોએ પોતપોતાની નિષ્ફળતા અંગે અને સોશ્યલ મિડીયાના જ ધનુષ અને બાણનો ઉપયોગ અનિષ્ટોની વિરુદ્ધમાં કેવી રીતે કરી શકાય, એ અંગે પણ વિચાર કરવો રહ્યો. 

No comments:

Post a Comment