Wednesday, October 12, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૨) : પુસ્તક અનાવરણ માટેની ‘સર્જિકલ સ્ટ્રાઇક’

(બોલ્યુંચાલ્યું માફ)
ગુજરાતમાં સભા-સમારંભ-કાર્યક્રમો યોજવાના કોર્સ ચાલતા નથી. છતાં લોકોને એ કળા આવડતી નથી. તેનો અર્થ એ થયો કે આધુનિક સમયમાં ભણેલા વિદ્યાર્થીઓના અજ્ઞાન માટે તેમના ભણતરને દોષ દેવામાં આવે છે, તે યોગ્ય નથી. ગયા સપ્તાહે સમારંભની સૌથી મોટી સમસ્યા એવા સંચાલકો ઉપરાંત માઇક અને વક્તાઓના બાયો ડેટાને લઇને ઊભી થતી મુશ્કેલીઓની વાત કરી, પરંતુ હરિકથાની જેમ સભાસમસ્યાકથા પણ અનંત છે. તેનો વઘુ એક અઘ્યાયઃ

કેટલાક સમારંભોમાં બીજા કાર્યક્રમોની સાથે એક મુખ્ય કાર્યક્રમ પુસ્તકનું અનાવરણ કરવાનો હોય છે. પુસ્તકના દૃષ્ટિબિંદુથી આખી વાત વિશે વિચારીએ તો આવી સભાને ‘કૌરવસભા’ જ કહેવી પડે. કેમ કે, તેમાં થોડા લોકો પુસ્તકનું ચીરહરણ કરવા તત્પર હોય છે અને બાકીના લોકો તેમને અટકાવવાને બદલે ચૂપચાપ તમાશો જોયા કરે છે. એટલું જ નહીં, તાળીઓ અને તસવીરો પાડે છે. (આવું તો કૌરવસભામાં પણ થયું ન હતું.)  કોઇ કહેશે કે અનાવરણ અને ચીરહરણ બે બહુ જુદી વાત છે. પરંતુ પહેલાં જ કહ્યું કે અહીં પુસ્તકના દૃષ્ટિબિંદુથી વાત થાય છે, એટલે માણસો તેની સાથે સંમત ન થાય, તે સ્વાભાવિક છે.

કેટલાક ઉત્સાહી આયોજકો જેનું અનાવરણ થવાનું હોય એ પુસ્તકને એટલા વાઘા પહેરાવે છે-એટલાં આવરણ ચઢાવે છે કે જાણે તેને વિમોચન માટે નહીં, કાળસંદૂક (ટાઇમ કેપ્સુલ)માં મૂકવા માટે તૈયાર કરતા હોય અને બસો-પાંચસો-હજાર વર્ષ પછી જ તે ખુલવાનું હોય.  પેકિંગની ઉપર સેલોટેપ અને એની ઉપર વળી પેકિંગનું એક આવરણ અને એની ઉપર લાલ-ભૂરી રેશમી રિબન. આ પ્રક્રિયામાં સેલોટેપનો વપરાશ એટલા છૂટા હાથે થયેલો હોય કે પ્રકાશકને (કે આયોજકને) સાઇડમાં સેલોટેપનો બિઝનેસ હશે એવી પણ શંકા જાય. (અલબત્ત, પુસ્તકનું બજાર અને ખાસ તો, પ્રકાશનઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં, સ્ટેશનરીનો ધંધો મુખ્ય અને પુસ્તકનો ધંધો સાઇડ પર હોવાની સંભાવના વધારે મજબૂત ગણાય.)

આવી રીતે સજ્જ કરાયેલું પુસ્તક ટ્રેમાં અનાવરણ માટે હાજર કરવામાં આવે, ત્યારે ‘મંચસ્થ મહાનુભાવો’ને એ પુસ્તક ઓછું ને પડકાર વધારે લાગે છે. એવું લાગે છે જાણે કોઇએ પુસ્તકને પેકિંગ મટિરીયલ નહીં, રાણા પ્રતાપશાઇ બખ્તર પહેરાવીને મોકલ્યું હોય. પહેલાંના વખતમાં પડકારજનક કામ કરવાનું હોય ત્યારે રાજદરબારમાં પાનનું બીડું ફેરવવામાં આવતું હતું. જે પરાક્રમી જણ એ પડકાર ઉપાડીને પોતાની બહાદુરી બતાવવા ઇચ્છતો હોય, તેણે તાસકમાંથી પાનનું બીડું લઇ લેવાનું. (અઘરાં કામ માટે ‘બીડું ઝડપવું’ એવો પ્રયોગ આ રીતે વપરાતો થયો) આધુનિક સમયમાં રાજારજવાડાં રહ્યાં નહીં, પાનનાં બીડાં પાંચ-દસ રૂપિયામાં પાનના ગલ્લે મળતાં થઇ ગયાં ને પડકારજનક કામો એટલાં વધી પડ્યાં કે દર કામ દીઠ માણસ પાનનાં બીડાં ખાતો ફરે તો તેને પાન ખરીદવાને બદલે ગલ્લો ખોલવો સહેલો (ને સસ્તો) પડે. પરંતુ પુસ્તક વિમોચન સમારંભમાં પેકિંગનાં આવરણોથી સજ્જ પુસ્તક તાસક ઉર્ફે ટ્રેમાં આવે, ત્યારે એવું લાગે છે જાણે જૂની પરંપરામાં કોઇએ પાનના બીડાની જગ્યાએ પુસ્તક રજૂ કર્યું છે. એ જ પ્રતીક છે ને પડકાર પણ એ જ છે : ખરા બહાદુર હો તો ચહેરા પરની રેખા સુદ્ધાં બદલાય નહીં ને તમારી પોઝિશનમાં પંક્ચર ન પડે એ રીતે પુસ્તકનું પેકિંગ ખોલી બતાવો.

ક્યારેક મંચ પર જેટલા લોકો, એટલાં પુસ્તક પેક કરવામાં  આવે છે, તો ક્યારેક સમુહલગ્ન કે સમુહ યજ્ઞોપવિતના ધોરણે એક જ આવરણમાં બધાં પુસ્તક પેક થાય છે. પેકિંગ એક જ હોય ત્યારે તેને સમારંભની મુખ્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તે તાસકમાંથી પેકેટ ઉપાડીને હાથમાં લે છે અને એક નજરે તેની પેકિંગ પદ્ધતિ સમજવાનો પ્રયાસ કરે છે--એટલે કે સેલોટેપ ક્યાં અને કેટલી માત્રામાં લગાડેલી છે અને એવાં કયાં ઠેકાણાં હોઇ શકે છે જ્યાં સેલોટેપ અચૂક હશે, પણ પહેલી નજરે દેખાતી નથી-- તેનો ત્વરિત અંદાજ મેળવી લે છે. પછી જ્યાંથી સેલોટેપનો છેડો ઊંચો થવાની સંભાવના સૌથી ઉજળી હોય, ત્યાં એ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. એટલે કે નખના ખૂણાથી એ ભાગને સહેજસાજ ઊંચો કરી જુએ છે. આશાવાદી વિમોચકને લાગે છે કે ‘નખ મારીશું ત્યાં સેલોટેપનો છેડો મળી જશે ને એક વાર એ મળી ગયો પછી તો હું છું ને સેલોટેપ છે..’

પરંતુ  ઘણી વખત ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની જેમ પહેલી જ સેલોટેપ હઠીલી પુરવાર થાય છે. ‘આસનસે મત ડોલ’ની પંક્તિ ચરિતાર્થ કરતી એ ટેપ પેકિંગ સાથે એકાકાર થયેલી લાગે છે. એ સંજોગોમાં આજુબાજુ ઉભેલા લોકો ‘રહેવા દો, આમાં તમારું કામ નહીં’ એવો ભાવ વ્યક્ત કરીને કે વ્યક્ત કર્યા વિના, પુસ્તકનું પેકિંગ હાથમાં લે છે. ક્યારેક એવું પણ બને છે કે પહેલી એક-બે સેલોટેપ સહેલાઇથી ઉખડી જાય છે. એટલે અનાવરણ કરનાર માની લે છે કે ‘બસ, હવે તો અહીંથી આમ ખેચું એટલે પેકિંગ છૂટું ને પુસ્તક ખુલ્લું થઇ જશે.’ પણ જીવનની વરવી વાસ્તવિકતા વ્યક્ત કરતું બ્રહ્મજ્ઞાન તેની રાહ જોતું હોય છે.  પેકિંગમાં સેલોટેપનો પહેલો કોઠો ભેદ્યા પછી બીજો કોઠો તૈયાર જ હોય છે. આવું એકાદ-બે વાર થાય એટલે અનાવરણકર્તાને શંકા પડે છે હજુ આવા કેટલા કોઠા ભેદવાના હશે? અને દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણ ભગવાનની કથાની જેમ, આ પુસ્તકના પેકિંગમાં પણ કોઇ અદૃશ્ય શક્તિ ચીર પૂરી રહી છે કે શું? દ્રૌપદીનાં ચીર નીકળ્યાં જ કરે, તો  દુઃશાસન જેવો દુઃશાસન પણ થાકી ગયો હતો. તેની સરખામણીમાં (એકંદરે અને ઘણુંખરું) સારા કહી શકાય એવા અનાવરણકર્તાની શી વિસાત?

જેમને મુખ્ય મહેમાન તરીકે શોભાવ્યા હોય એવા જણની સ્થિતિ હેમ્લેટ જેવી થાય છે : પેકિંગ ખોલવાના પ્રયાસ ચાલુ રાખું? કે આયોજકો સામે ઠપકાસૂચક નજરે જોઇને તેમને પેકિંગ સોંપી દઉં? તેમની આવી દશા જોઇને આજુબાજુવાળા તેમની વહારે આવે છે અને એક-બે જણ તેમના હાથમાં પુસ્તકનો જે ભાગ આવે, તેનું પેકિંગ ખોલવાનો અને ખુલે નહીં તો તેને ખેંચી કાઢવાનો પ્રયાસ કરે છે. એ વખતે મનોમન પેકિંગ કરનારની સાત પેઢીનું પુણ્યસ્મરણ ચાલુ હોય છે. સભાગૃહમાં બેઠેલા અને સંચાલકની ઉઘરાણીને વશ થઇને વારેઘડીએ તાળીઓ પાડતા, એક-બે વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપી ચૂકેલા શ્રોતાઓ અનાવરણની પ્રક્રિયા દરમિયાન દર્શકો બની જાય છે અને ‘પેકિંગ વિરુદ્ધ  મંચસ્થ મહાનુભાવો’ની આ રસાકસીભરી મેચમાંથી ભરપૂર મનોરંજન મેળવે છે. કોઇ અવળચંડા તો વળી બે-ચાર મિત્રો સાથે મળીને કટોકટીની આ ક્ષણો દરમિયાન તાળીઓના ગડગડાટ કરે છે. તેનાથી આયોજકોની અને અનાવરકોની ક્ષોભજનક સ્થિતિ વધારે ઘેરી બને છે.

છેવટે પુસ્તકનું પેકિંગ દૂર થાય તે સાથે જ અનાવરણકર્તાઓનાં ચહેરા પર છવાયેલાં તનાવનાં વાદળ વિખરાય છે અને પ્રસન્નતાનો સૂર્ય ઝળહળી ઉઠે છે. એ સાથે જ  અચાનક સભાગૃહમાં અજવાળું લાગવા માંડે છે. પરંતુ મોટા ભાગના લોકો એવું માને છે કે એ ઝળહળાટ પુસ્તક અનાવરણની ફોટોગ્રાફી કરનારા લોકોની કેમેરા ફ્‌લેશનો છે.

3 comments:

  1. આ હિસાબે એકાદ પુસ્તક 'અનાવરણ કરવાની પાંચ સરળ રીતો' ઉપર પણ ન લખાવું જોઈએ?

    ReplyDelete
  2. ઘણા તો મંચ પર જ પુસ્તક વિમોચન કરતી વખતે જ પુસ્તક ની એવી દશા કરી નાખે કે આપણ ને લાગે કે આવા સજ્જનો કે વિદ્ધાનો પુસ્તક ના રચયિતા પ્રત્યે છુપો રોષ કે દાઝ ન કાઢતા હોય....

    ReplyDelete
  3. અનાવરિત થયેલાં અમુક પુસ્તકો જોઈને એમ થાય કે આને પાછાં પેક કરીને કાળસંદૂકમાં ઉતારી દેવા જોઈએ.

    ReplyDelete