Friday, November 21, 2014

‘કાળું નાણું’ નહીં, જય શ્યામલક્ષ્મી માતા

નવી સરકારનું ખાતું સમજાતું નથી : એક તરફ એ દેશમાં ગરીબમાં ગરીબ લોકોનાં બેન્કખાતાં ઉઘાડવા માટે ‘જનધન’ યોજના જાહેર કરે છે, તો બીજી તરફ જે ખાતાં ઑલરેડી ખુલી ચૂકેલાં છે- ભલે ને તે સ્વિસ બેન્કમાં ખુલેલાં હોય- તેને બંધ કરવાની ફિરાકમાં છે. સરકારી ‘જનધન યોજના’નું સૂત્ર છે : ‘આપકા ખાતા ભાગ્યવિધાતા’. હિંદી ભાષાનું ખપજોગું અથવા વ્યવહારુ જ્ઞાન ધરાવતા ઘણા લોકોને આ સૂત્રથી ગેરસમજ થાય છે. તેમને લાગે છે કે સરકાર તેમને ચેતવણી આપી રહી છે : ‘સંભાળજો, તમારાા ભાગ્યવિધાતા હોવાનો દાવો કરનારા લોકો જ (તમારું ધન) ખાઇ રહ્યા છે.’

સવાલ એ છે કે સ્વિસ બેન્કનાં ખાતાં રહેલું ધન પણ ‘જનધન’ નથી તો શું ‘પશુધન’ છે? કેટલાક ચોખલિયા એને ‘પરજનધન’ કે ‘પરધન’ ગણી શકે, પરંતુ તાત્ત્વિક રીતે બઘું નાણું બીજાનું (એટલે કે સરકારી) નથી હોતું? ભલભલા ચુસ્ત ગાંધીવાદી પણ એમ ન કહી શકે કે ‘હું તો સ્વાવલંબન-સ્વાશ્રયમાં માનું છું. રોજ ચરખા પર પાંચસો-પાંચસોની ખાદીની નોટો કાંતું નહીં ત્યાં સુધી સૂતો નથી.’

‘બધા માણસ એક જ કુદરતનાં સંતાન હોય તો તેમાં કાળા-ધોળાના ભેદ શા માટે?’ એવો સવાલ શાણા લોકો અવારનવાર પૂછતા હોય છે. પરંતુ નાણાંની વાત આવે એટલે, બીજી ઘણી ભાવનાઓની જેમ, સમાનતાની ભાવના પણ લોકોના મનમાંથી વરાળ થઇને ઉડી જાય છે. ‘રીઝર્વ બેન્ક જ નાણાં છાપતી હોય તો તેમાં કાળાં શું ને ધોળાં શું?’ આવો મૂળભૂત સમાનતાલક્ષી સવાલ લોકોને થતો નથી. ઊલટું, આવી સમદૃષ્ટિ ધરાવનારા લોકોને તે જાહેરમાં તુચ્છકારથી (અને મનમાં અહોભાવથી) જુએ છે.

નાણાંને જ્યાં લક્ષ્મી ગણવામાં આવે છે, એ સંસ્કૃતિમાં નાણાંનો તુચ્છકાર થાય અને એ પણ કેવળ તેના રંગને કારણે, એમાં સંસ્કૃતિનું હળાહળ અપમાન છે. ફિલ્મો અને કળાકૃતિઓના મામલે ‘સંસ્કૃતિ પર હુમલો’ના બહાને ગુંડાગીરી કરવા ઉતરી પડતી પ્રજાએ ખરેખર તો કાળાં નાણાંના સંરક્ષણ માટે મેદાને ઉતરવું જોઇએ અને ‘શ્યામલક્ષ્મીસંરક્ષણ દળ’ કે ‘અખિલ ભારતીય કૃષ્ણલક્ષ્મીસંરક્ષક સેના’ જેવું કોઇ સંગઠન ઊભું કરવું જોઇએ. આ સંગઠનના લોકોએ કોંગ્રેસ સાથે જોડાવું કે ભાજપ સાથે કે પછી બિનરાજકીય રહીને તમામ રાજકીય પક્ષોને સેવા આપવી, એ સંસ્થાપકોએ નક્કી કરવાનું રહે. પણ તેમને કદી કામની અને ઑર્ડરની ખોટ નહીં પડે એટલું અવશ્ય કહી શકાય.

નવરચિત સંગઠનનું મુખ્ય કામ સૌથી પહેલાં તો લોકોને એ સમજાવવાનું રહેશે કે ‘ખબરદાર, જો કોઇએ ‘શ્યામલક્ષ્મી’ માટે કાળાં નાણાં જેવો અપમાનજનક શબ્દપ્રયોગ વાપર્યો છે તો. અમે એવો વિરોધ કરીશું કે ભારત છોડીને કાયમ માટે દુબઇ જતા રહેવાનો વારો આવશે.’ કર્મઠ કાર્યકરોને આ ધમકી મોળી કે ભવિષ્યલક્ષી લાગવાનો સંભવ છે. તેમના હાથમાં આવતી ખંજવાળ સંપૂર્ણપણે વર્તમાનકાળની હોય ત્યારે ભવિષ્યની રાહ કોણ જુએ? તેમના લાભાર્થે એવાં આયોજન પણ કરી શકાય કે ‘જે પ્રસાર માઘ્યમો શ્યામલક્ષ્મીનો ઉલ્લેખ ‘કાળાં નાણાં’ તરીકે કરશે તેમની ઑફિસની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.’ તેમાં માઘ્યમના કર્તાહર્તાઓની શ્યામલક્ષ્મીની વિગતો જાહેર કરવાથી માંડીને ઑફિસમાં ધૂસી જઇને તોડફોડ કરવા સુધીની બાબતો સમાવિષ્ટ હોઇ શકે. ‘જે લોકો જાહેરમાં ‘કાળાં નાણાં’ જેવા સંસ્કૃતિઘાતી શબ્દોનો પ્રયોગ કરશે, તેમની હાલત  રામાયણ-મહાભારત વિશે સંશોધનપૂર્વક ગ્રંથો લખનારા વિદ્વાનો જેવી કે કળા દ્વારા મુક્ત અભિવ્યક્તિ કરનારા કલાકારો જેવી થશે. તેમને જાહેરમાં સંસ્કૃતિદ્રોહી તરીકે ચીતરીને ધીક્કારપાત્ર બનાવી દેવામાં આવશે.’ - એવું પણ જાહેર કરી શકાય.

આ વર્ણનમાં જેમને અતિશયોક્તિ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે સંસ્કૃતિદ્રોહના નામે આ બધા પ્રકારની ગુંડાગીરી થઇ ચૂકી છે. તેમાં કશું કાલ્પનિક નથી, તો પછી સંસ્કૃતિની વ્યાખ્યામાં વહેરોઆંતરો શા માટે? સીતાનું કે સરસ્વતીનું ‘અપમાન’ આપણને આટલું ખટકતું હોય, તો લક્ષ્મીનું શા માટે નહીં? ફક્ત એટલા માટે કે તે શ્યામ છે? શ્યામને લઇને કવિતાઓ ને કવિતડાંનો વરસાદ વરસાવનારી અને તેને હોંશે હોંશે ઝીલનારી સંસ્કૃતિમાં શ્યામ રંગ પ્રત્યે આટલો દ્વેષભાવ કે ઉપેક્ષાભાવ કેમ?  

એક વાર શ્યામલક્ષ્મીને બળુકું સંરક્ષણ મળવાની શરૂઆત થઇ જાય, એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાંથી કાળા નાણાંની સમસ્યા દૂર થઇ જશે. ના, કાળું નાણું દૂર નહીં થાય, પણ તેને સમસ્યા ગણીને શરમાવાને બદલે તેને સંસ્કૃતિ ગણીને હરખાવા માટે લોકો પ્રેરાશે. આફતને અવસરમાં પલટાવવાના અગાઉ આવા ઘણા પ્રયોગ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે, તો એક પ્રયોગ ઓર સહી.

કાળા નાણાંને પ્રતિષ્ઠા અપાવવી એ સંસ્કૃતિકાર્ય છે, એવી પ્રતિજ્ઞા લીધા પછી સૌથી પહેલાં તો એકાદ પુરાણનો હવાલો આપીને લક્ષ્મીજીના શ્યામસ્વરૂપ વિશેની કથા શોધી કાઢવી જરૂરી છે. જેમ કે,  લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનથી ખાનગીમાં થોડાં ઘરેણાં મૂકી રાખ્યાં હોય. એક દિવસ નારદમુનિ આવે અને વિષ્ણુ ભગવાનની મશ્કરી કરતાં કહે કે ‘માણસો તો ઇન્કમટેક્સવાળાથી ઘરેણાં છુપાવે છે, પણ પ્રભુ, તમે ઘરેણાં કોનાથી સંતાડ્યાં છે?’ વિષ્ણુ ભગવાન આરોપનો ઇન્કાર કરે. નારદજી તેમને અમુકતમુક જગ્યાએ જોવાનું કહે અને ત્યાંથી સંતાડેલાં ઘરેણાં નીકળે એટલે વિષ્ણુ ભગવાન નારાજ થાય. એ જ વખતે લક્ષ્મીજીનો પ્રવેશ થાય, વિષ્ણુ ભગવાન ઘડીકમાં ઘરેણાંની, તો ઘડીકમાં લક્ષ્મીજીની સામે ગુસ્સાથી જુએ. કચવાટથી લક્ષ્મીજીનો રંગ શ્યામ પડી જાય. ઘરેણાં છુપાવવા પાછળ સંસારહિતની કઇ લાગણી કામ કરતી હતી એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમજાવે, એટલે મામલો થાળે પડી જાય, પણ લક્ષ્મીજીનું એ વખતનું સ્વરૂપ શ્યામલક્ષ્મી તરીકે પ્રચલિત બને.

પૌરાણિક કથા પછીનું બીજું પગથિયું તેમને એક વાર ફાળવી દેવાનું છે. સંતોષીમાનો શુક્રવાર એમ શ્યામલક્ષ્મીમાતાનો રવિવાર. કારણ કે તેમના ભક્તો અઠવાડિયામાં છ દિવસ તો કામ કરતા હોય. બીજું કારણ એ કે શ્યામલક્ષ્મીનાં અસલી મંદિર જેવી કેટલીક સ્વિસ બેન્કો રવિવારે પણ ખુલ્લી હોય છે. પછી રહ્યું શ્યામલક્ષ્મીમાતાનું ‘અમારી બીજી કોઇ શાખા નથી’ પ્રકારનું મંદિર. તેમાં પ્રસાદ તરીકે કોઇ પણ ધાતુના, પણ સિક્કા જ રાખવાના. ઉપર એક તરફ શ્યામલક્ષ્મીનું ચિત્ર હોય અને પાછળ જુદા જુદા આંકડા લખેલા હોય. ભેટ મૂકનારને શ્યામલક્ષ્મીમાતાના પ્રસાદ તરીકે સિક્કો મળે. ભાવિક ભક્તો ધનતેરસના દિવસે એ સિક્કાને પૂજનમાં પણ મૂકી શકે.

શ્યામલક્ષ્મીનું મંદિર થવાથી એક ફાયદો એ થશે કે લોકોએ પોતાની શ્યામલક્ષ્મી વિદેશી ‘મંદિરો’ (બેન્કો)માં મૂકવા જવું નહીં પડે. ઘરબેઠાં, ‘સ્વર્ગાદપિ ગરિયસી’ એવી જન્મભૂમિમાં રહીને જ, પોતાની શ્યામલક્ષ્મીનો અસરકારક વહીવટ શ્યામલક્ષ્મીમાતાનાં મંદિરો થકી કરી શકાશે. અમુક એકરમાં પથરાયેલાં શ્યામલક્ષ્મીનાં મંદિર પછી તો ઠેકઠેકાણે ખુલવા લાગશે અને મલ્ટીપ્લેક્સ મંદિરોની વર્તમાન ફેશન પ્રમાણે, એ મંદિરમાં પછી તો ગમે તે અને બધા દેવીદેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકાશે. શ્યામલક્ષ્મીને હડઘૂત કરવાને બદલે પૂજવાનો ખરો પરચો તો ત્યારે મળશે વિદેશની શ્યામલક્ષ્મી લિકેન્સ્ટાઇન કે મોરેશિયસની બેન્કોને બદલે ભારતનાં શ્યામલક્ષ્મી મંદિરોમાં ઠલવાશે અને ભારતનાં શ્યામલક્ષ્મી સ્થાનકોનો જયજયકાર વ્યાપી રહેશે.

(તા.ક. : શ્યામલક્ષ્મીવ્રત, વાર કે તેમના મંદિરનો આઇડિયા વાપરનારે આ લખનારને યોગ્ય અને શ્યામ નહીં એવી લક્ષ્મી ચૂકવવી જરૂરી છે)

No comments:

Post a Comment