Tuesday, October 22, 2013

‘વિલન’ વાવાઝોડા સામેની લડાઇમાં ‘હીરો’ પુરવાર થયેલું ભારતીય હવામાન ખાતું

રાજ્યસભાનાં સાંસદ જયા બચ્ચને માર્ચ ૧૮, ૨૦૧૩ના રોજ રાજ્યસભામાં સવાલ પૂછ્‌યો હતો, ‘હવામાનની આગાહી કરવાની દેશની વર્તમાન વ્યવસ્થા આંતરરાષ્ટ્રિય ધોરણની છે? અને તેના આઘુનિકીકરણની કોઇ યોજના ખરી?’

આ તારાંકિત સવાલના જવાબમાં, ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝ’ના મંત્રી જયપાલ રેડ્ડીએ કહ્યું હતું, ‘વરસાદની આગાહીની બાબતમાં ભારતીય હવામાન ખાતાની પ્રણાલી દુનિયાના મોટા ભાગના દેશોની હરોળમાં મુકી શકાય એવી છે. તેનું સ્તર હજુ ઊંચે લઇ જવાના પ્રયાસ થઇ રહ્યા છે.’ તેમણે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન હવામાન ખાતાના આઘુનિકીકરણના પહેલા તબક્કામાં થયેલી કામગીરીની અને કેવાં સાધન વસાવાયાં છે તેની વિગતો આપી હતી.

સામાન્ય સંજોગોમાં આ જવાબ રાબેતા મુજબના સરકારી આશ્વાસનમાં ખપી ગયો હોત, પરંતુ ઓરિસાના કાંઠે ખતરનાક વાવાઝોડું ત્રાટકવાની સ્થિતિ ઊભી થઇ, ત્યારે હવામાન ખાતા માટે કસોટીની ઘડી આવી. વિદેશી નિષ્ણાતોએ વાવાઝોડાને ખતરનાક ગણાવ્યું હતું. એટલું જ નહીં, એવો નિર્દેશ પણ કર્યો હતો કે ભારતીય હવામાન ખાતું આ વાવાઝોડાની ગંભીરતાને ઓછી આંકી રહ્યું છે. પરંતુ ભારતીય હવામાન ખાતું અવઢવ અનુભવવાને બદલે પોતાની આગાહીને ખાત્રીપૂર્વક વળગી રહ્યું. તેના વડા એલ.એસ.રાઠોડે પ્રસાર માઘ્યમોને ભારતીય આગાહી પર ભરોસો રાખવા કહ્યું.

આ વર્તણૂંક જક્કી ભારતીય બાબુશાહી વલણમાં ખપી ગઇ હોત. પરંતુ ભારતીય હવામાન ખાતાની આગાહી ગંભીરતાથી લઇને ઓરિસા તથા અમુક અંશે આંધ્ર પ્રદેશની રાજ્ય સરકારોએ મોટા પાયે આગોતરી બચાવ કામગીરી શરૂ કરી. નવેક લાખ લોકોને તટીય વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેમના રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ બઘું સરકારી તંત્ર પાસેથી અપેક્ષિત હોતું નથી. એટલે ઘણાને સુખદ આશ્ચર્ય થયું. રાજકારણને વશ થઇને ફરિયાદ કરવી જ પડે, એવા લોકોના ભાગે ફક્ત એટલો જ ધોખો કરવાનો આવ્યો કે ‘કામચલાઉ વિસ્થાપિતોને સરકારી છાવણીમાં ગરમ ભોજન મળતું નથી.’

ભારતીય હવામાન ખાતાની સચોટ આગાહી અને તેના આધારે થયેલી સરકારી કામગીરીને કારણે લાખો જીવ બચ્યા. ટીકા અને આંગળીચીંધામણના વાવાઝોડામાં ભારતીય હવામાન ખાતાનો ઘ્વજ તહસનહસ થઇ જવાને બદલે શાનથી લહેરાયો.

***

કહેણી છે કે ‘વહુ અને વરસાદને જશ નહીં’. પરંતુ ભારતમાં દાયકાઓથી હવામાન ખાતાની આબરૂ જોતાં કહેવું પડે કે ‘વહુ અને વરસાદની આગાહી કરનાર (હવામાન ખાતા)ને જશ નહીં.’

પશ્ચિમી દેશોમાં હવામાન ખાતું એકદમ ચોક્કસ આગાહી કરવા માટે જાણીતું. તેના આધારે લોકો પોતાનો રોજિંદો વ્યવહાર નક્કી કરી શકે. પરંતુ ભારતનું હવામાન ખાતું મોટે ભાગે રમૂજનો વિષય બનતું હતું. તે વરસાદની આગાહી કરે એટલે ‘જાણકારો’ કટાક્ષપૂર્ણ સ્મિત સાથે કહે,‘આજે તો ચોક્કસ વરસાદ નહીં પડે. કારણ કે હવામાન ખાતાએ વરસાદ પડવાની આગાહી કરી છે.’

પરંતુ વર્ષ ૨૦૦૬માં કેન્દ્ર સરકારે ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝ’ નામે નવા મંત્રાલયની રચના કરી. તેનો મુખ્ય હેતુ દુષ્કાળ, પૂર, ભૂકંપ, ત્સુનામી, વાવાઝોડાં જેવી કુદરતી આફતોની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સજ્જતા કેળવવાનો હતો. નવા મંત્રાલયમાં ડીપાર્ટમેન્ટ ભારતીય હવામાન ખાતા ઉપરાંત ડીપાર્ટમેન્ટ ઓફ ઓશન ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટિરીઓલોજી તથા નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ જેવી અલગ અલગ કામ કરતી સંસ્થાઓને એક છત્ર તળે લાવી દેવાઇ.

બીજા વર્ષથી હવામાન ખાતાના આઘુનિકીકરણનો પહેલો તબક્કો (૨૦૦૭-૨૦૧૨) આરંભાયો. તેમાં ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીસ’ના મંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, ઑટોમેટિક વેધર સ્ટેશન્સ, ઑટોમેટિક રેન ગેજ, ડોપ્લર વેધર રડાર જેવી આઘુનિક સામગ્રી વસાવવામાં આવી. પહેલાં હાથેથી થતું ઘણું કામ સ્વયંસંચાલિત પદ્ધતિથી કરી નાખવામાં આવ્યું. વિભાગના વિજ્ઞાનીઓને ખેતી, ઉડ્ડયન જેવાં ચોક્કસ ક્ષેત્રોમાં મોસમને લગતી ચેતવણી અને આગાહી કરવાની ખાસ તાલીમ આપવામાં આવી.

હવામાન ખાતાના આઘુનિકીકરણની મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીનો અંદાજ આપતા કેટલાક આંકડા : ૬૭૫ ઑટોમેટિક વેધર સ્ટેશન સહિત ચોવીસે કલાક હવામાનનાં વિવિધ પાસાં પર નજર રાખવાની વ્યવસ્થા, ૧૦૨૪ ઑટોમેટિક રેઇન ગેજ, ગુજરાતના ભૂજ સહિત દેશભરમાં ૧૭ ઠેકાણે ડોપ્લર વેધર રડાર. આ સાધનો ઉપરાંત વિશ્વભરના ઉપગ્રહો તરફથી મળતી વિગતો ખપમાં લઇને સચોટ આગાહી કરી શકાય એ માટે હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સાધનો વસાવાયાં.

આ બધાના પરિણામે, ત્રણ દિવસ પહેલાં સુધીની વરસાદની આગાહીની ચોક્સાઇ પહેલાં ૫૦ થી ૬૦ ટકા જેટલી હતી, તે વધીને ૭૦ ટકાથી ૯૫ ટકા સુધી પહોંચી. એવી જ રીતે, ચોમાસામાં જિલ્લાસ્તરે પાંચ-સાત દિવસ પહેલાંથી કરાતી વરસાદની આગાહીની ચોક્સાઇ ૬૦-૭૦ ટકાથી વધીને ૭૫-૮૫ ટકા થઇ.

હવામાન વિજ્ઞાનનો મામલો બેહદ ટેક્‌નિકલ હોવાથી, તેમાં મોટા ભાગના લોકોની ચાંચ ન ડૂબે એ ખરું. બસ, વરસાદ કેટલો આવ્યો, ગરમી કેવી પડી, વરસાદી વાદળો લાવતું લૉ પ્રેશર ક્યાં વિકસી રહ્યું છે, કેટલા કલાકમાં વરસાદની આગાહી છે- એવી પ્રાથમિક માહિતી માટે થોડા લોકો ભારતીય હવામાન ખાતાની વેબસાઇટ જોતા હતા અને એટલું અનુભવતા હતા કે આ ખાતાની ઢબછબ સરકારી હોવા છતાં, તેનાં સજ્જતા-ગુણવત્તામાં મોટો ફરક પડ્યો છે. પરંતુ ઓરિસાના વાવાઝોડાના મામલે પ્રસાર માઘ્યમોએ રાજ્ય સરકારોના પ્રયાસ ઉપરાંત મુક્ત કંઠે ભારતીય હવામાન ખાતાની કામગીરીનાં પણ વખાણ કર્યાં.   વર્ષ ૧૯૯૯માં ઓરિસામાં આવેલા વાવાઝોડામાં ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને હજારો લોકોએ જીવ ખોયા ત્યારે જ્યોતિષીઓની આગાહીના ભરોસે કામ કરતા મુખ્ય મંત્રીની સાથોસાથ હવામાન ખાતું પણ પૂરેપૂરા વાંકમાં આવ્યું હતું. કારણ કે આટલી ગંભીર ઘટનાની સચોટ આગાહી તે સવેળા કરી શક્યું ન હતું. એવી જ રીતે, વરસાદને લગતી આગાહીમાં પણ હવામાન ખાતાને ડફણાં ખાવાની ટેવ પડી ગઇ હતી. પરંતુ આ વખતની સ્થિતિ જુદી હતી. ઓક્ટોબર ૮, ૨૦૧૩ના દિવસે વાવાઝોડું સર્જાઇ રહ્યું હતું ત્યારથી હવામાન ખાતાએ તેને ઓળખી પાડ્યું અને છેક ઓક્ટોબર ૧૨ સુધી તેના વિશે સતત, ચોક્કસ અને વિશ્વસનીય માહિતી આપવાનું ચાલુ રાખ્યું.

છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતીય હવામાન ખાતાની સુધરેલી કામગીરીની નોંધ લેવાતી થઇ છે. ગયા વર્ષે જુદા જુદા દેશોના હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહીઓની ચોક્સાઇને લગતા એક અભ્યાસમાં જણાયું હતું કે ભારતીય હવામાન ખાતાની આગાહી અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશના હવામાન ખાતાની હરોળમાં મુકી શકાય એવી અને કેટલાક કિસ્સામાં તો એનાથી પણ ચડિયાતી હતી. ઓરિસાના વાવાઝોડાએ ભારતીય પ્રસાર માઘ્યમોની અને સામાન્ય નાગરિકો હવામાન ખાતા તરફ જોવાની દૃષ્ટિમાં હકારાત્મક પરિવર્તન આવે એવી પૂરી સંભાવના છે.

આ વખતે હવામાન ખાતાની આબરૂની છત્રી કાગડો ન થઇ

No comments:

Post a Comment