Tuesday, February 02, 2010
બીટી રીંગણનો વિવાદઃ આખું કોળું (કે રીંગણ) શાકમાં
બીટી રીંગણ વિશેની જાગૃતિ કમ, જિજ્ઞાસા જ્યાદાનો મોટે ભાગે આટલેથી અંત આવે છે. ગૃહિણીઓ બીટી રીંગણ વિશે વઘુ પૂછપરછ કરે એટલે ‘મને ખબર નથી’ના વિકલ્પે તેમના ‘બેટરહાફ’ કહે છે,‘તારે જાણવાની જરૂર નથી.’ સરકારોનું વલણ પણ ખાસ જુદું નથી. બીટી રીંગણની સંભવિત અસરો અને સાવચેતીનાં પગલાં વિશે પૂછવામાં આવે એટલે, ભારતીય પતિની ભૂમિકામાં આવી જતાં સરકારો ‘અમને ખબર નથી’ અને ‘તમારે જાણવાની જરૂર નથી’ના વિકલ્પે કહે છે,‘એ બઘું અમે જોઇ લઇશું.’
બીટી રીંગણની પ્રાથમિક અને જરૂરી માહિતી મેળવતાં પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે આ વિવાદ જૈવિક (ઓર્ગેનિક) વિરૂદ્ધ રાસાયણિક ખેતીનો નથી. આ વિવાદ બે જીવનશૈલીનો, બે વિચારધારાનો કે પૂર્વ વિરૂદ્ધ પશ્ચિમનો નથી. નફાખોર કંપનીઓ વિરૂદ્ધ ગરીબ ખેડૂતોનો પણ નથી. આ સૈદ્ધાંતિક કે આદર્શો-મૂલ્યોની ચર્ચા નથી. તેનો સીધો સંબંધ આપણા રોજબરોજના જીવન અને આરોગ્ય સાથે છે.
બીટી રીંગણની તરફેણનાં ‘ગાજર’
‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.
તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતો મુર્દાબાદ અને રીંગણનો છોડ ઝિંદાબાદ!
બીટી રીંગણની તરફેણ કરતી કંપનીઓ અથવા માણસોના મુખ્ય દાવા આટલા છેઃ
- પાક સલામત રાખવા માટે નાના-સામાન્ય ખેડૂતોને પણ જંતુનાશક દવાઓના ૨૫ થી ૮૦ સ્પ્રે મારવા પડે છે. તેમ છતાં, નુકસાન અટકાવી શકાતું નથી. બીટી બિયારણ વાપર્યા પછી જંતુનાશક છાંટવાની જરૂર નહીં રહે. (એટલે કે નાના ખેડૂતોનું પણ હિત થશે.)- (કંપનીઓના જ બનાવેલા) જંતુનાશકોના વઘુ પડતા ઉપયોગથી માનવ આરોગ્ય માટે અનેક જોખમ ઉભાં થયાં છે. બીટી-રીંગણની ખેતીમાં જંતુનાશકનો ઉપયોગ ન રહેતાં, તેના થકી ઉભું થતું આરોગ્યનું જોખમ ટળશે.
- બીટીનું ઝેર (કંપનીની ભાષામાં કહીએ તો, ‘ઇનબિલ્ટ ટોલરન્સ’) ધરાવતા છોડને કારણે, નુકસાનનું પ્રમાણ ઘટશે અને મબલખ ઉત્પાદન થશે. ઉત્પાદન વધારે તેમ ખેડૂતોને આવક પણ વધારે.
- સામાન્ય ખેતીમાં બિયારણ પાકમાંથી જ મળી રહે છે. બીટી બિયારણ વાવ્યા પછી, ખેડૂતોએ દર વર્ષે કંપની પાસેથી નવું બિયારણ ખરીદવું પડે. (બીટી રીંગણનાં બી નવા બિયારણ તરીકે કામ ન આપે.) કંપનીઓ કહે છે કે કે ‘ચિંતા ન કરશો. અમે બિયારણના ભાવ ખેડૂતોને પોસાય એવા રાખીશું.’
લોભનું બિયારણ, ભ્રષ્ટાચારનું ખાતર, અજ્ઞાનની જમીન
બીટી રીંગણને ફાયદાકારક ગણાવતા દાવાની સામે અને એ સિવાયના પણ ઘણા ગંભીર સવાલ છે.
સૌથી પહેલો પ્રશ્ન છેઃ બીટી રીંગણની જરૂર શા માટે? ભારતમાં રીંગણનો પાક પૂરતા પ્રમાણમાં થાય છે. તેની કદી અછત વર્તાઇ નથી અને તેની અછતને કારણે દુષ્કાળ પડે એવી સંભાવના પણ નથી. એ સંજોગોમાં બીટી રીંગણ ઉગાડીને, રીંગણનો મબલખ પાક ઉતરશે તો ખેડૂતો ખાટી જશે? ઉલટું, સ્થાનિક બજારોનો અનુભવ એવો છે કે પાક વધારે પ્રમાણમાં ઉતરે, તો ખેડૂતોને ફાયદો ઓછો ને નુકસાન વધારે થાય. જેનું ઉત્પાદન વધારે થઇ જાય એ શાકના ભાવ એવા તળીયે બેસે છે કે છેવટે સાવ પાણીના મૂલે રીંગણ વેચવાનો વારો આવે છે.
બીટી રીંગણના તરફદારો આંકડા ફટકારતાં કહે છે,‘છેલ્લા બે દાયકામાં ભારતમાં રીંગણનો ૫૦ થી ૭૦ ટકા પાક જીવાતો બગાડી મૂકે છે. તેને કારણે અંદાજે ૨૨.૧ કરોડ ડોલરનું નુકસાન થાય છે.’ રીંગણના પાકમાં જીવાતોનો ત્રાસ નક્કર હકીકત છે, પણ એ જીવાતોને કાબૂમાં રાખવાના (જંતુનાશકો ઉપરાંતના પણ) અનેક તરીકા છે. ઇલેક્ટ્રિક જાળી જેવા કેટલાક ઉપાયો ખેતી સાથે સંકળાયેલા લોકો સફળતાપૂર્વક વાપરે છે. કૃષિ યુનિવર્સિટી, સંશોધકો, સરકારી મંત્રાલયો અને સરકારી ખાતાં નુકસાનને અટકાવવાના સીધાસાદા ઉપાયો પર ઘ્યાન આપે અને તેની જાણકારી ખેતી કરતા લોકો સુધી પહોંચાડે, તો પાકની સલામતી બીટી રીંગણ સુધી જવાની કશી જરૂર નથી.
રહી વાત જંતુનાશકોથી થતા નુકસાનની. બીટી રીંગણના છોડમાં ઉપરથી જંતુનાશકોનું ઝેર ભલે ન છાંટવું પડે, પણ તેમાં અંદરથી જ પેદા થતા બીટીના ઝેરનું શું? બીટી રીંગણનો ઉપયોગ સીધો ભોજનમાં થવાનો હોય, ત્યારે છોડમાં પેદા થતા અને જીવાતો માટે જીવલેણ બનતા ઝેરની માણસ પર કેવી અસર થાય છે તેની પૂરેપૂરી જાણકારી હોવી જોઇએ. પરંતુ તેનો કોઇ સંતોષકારક અભ્યાસ ઉપલબ્ધ નથી. ‘સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર‘ના ૨૦૦૬ના એક અહેવાલમાં નોંઘ્યા પ્રમાણે, જનીન રૂપાંતરિત ખોરાક શરીરમાં પચી જાય, તો પણ ‘ઇમ્પોર્ટેડ’ ઝેરી જનીન અકબંધ રહીને માનવશરીરમાં ભળી જાય છે. શરીરની અંદર રહીને તે કેવાં ગુલ ખીલવશે તે હજુ પૂરેપૂરૂં જાણી શકાયું નથી, પણ અત્યાર સુધી પ્રાણીઓ પર કરાયેલાં પરીક્ષણોમાં જનીન રૂપાંતરિત ખોરાક સલામત પુરવાર થયો નથી.
પૂરી અને સંતોષકારક જાણકારી વિના આંધળુકીયાં કરીને બીટી રીંગણ ઉગાડવામાં અને ખાવામાં ભારોભાર ખતરો છે. એ સમજવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી છે. માનવજનીન વૈજ્ઞાનિક ડો. જયેશ શેઠ આ ખતરાને ‘એટમબોમ્બ સાથે અખતરા’ ની ઉપમા આપે છે. તેમના મતે, જનીન રૂપાંતરિત ખોરાક માટે ચોક્સાઇપૂર્વક કશું કહી શકાય એટલું સંશોધન થયું નથી, છતાં કેન્સરની શક્યતા સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય છે.
ઝેરનાં પારખાં: શરતો લાગુ
બીટી ટેકનોલોજી સાથે ફુદડીમાં અનેક શરતો સંકળાયેલી હોય છે, જે સામાન્ય રીતે કંપનીઓ તરફથી ચર્ચવામાં આવતી નથી. પહેલી વાત એ બીટી રીંગણના છોડમાં પેદા થતું ‘ઇનબિલ્ટ’ ઝેર ૧૦૦ ટકા જીવાતોનો નાશ કરતું નથી. કંપનીઓના દાવા પ્રમાણે, બીટી રીંગણમાં પણ ૨.૫ ટકા થી ૨૦ ટકા સુધીનો પાક જીવાતોથી બગડી શકે છે.
બીજો ખતરો છે ઉત્ક્રાંતિના કુદરતી પરિબળનો. એક વાર રીંગણનો છોડ અંદરથી જ બીટીનું ઝેર પેદા કરવાનું શરૂ કરે, તો બહુ સંભવ છે કે ટૂંક સમયમાં જીવાતો એ ઝેર સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લે. એવું થાય તો છોડને ઝેરી બનાવવાનો આખો આશય જ માર્યો જાય. આ શક્યતા કંપનીઓ પણ સ્વીકારે છે. એટલે જ, એવું ઠરાવવામાં આવ્યું છે કે બીટી રીંગણ ઉગાડનારે બીટી પાકની ફરતે થોડા વિસ્તારમાં સાદાં રીંગણ પણ ઉગાડવાં, જેથી જીવાતોને ઉત્ક્રાંતિની તક ન મળે અને તે ઠેરની ઠેર રહે. આ સમીકરણ કંપનીઓ દર્શાવે છે એટલું સીઘુંસરળ હોઇ શકે નહીં. કુદરતને છેતરીને જીવાતોની ઉત્ક્રાંતિને કાબૂમાં રાખવાનો દાવો ભારોભાર જોખમી અને અવિશ્વાસપાત્ર છે. નાના ખેડૂતો બે પ્રકારના પાક ઉગાડવા જેટલી જમીન ક્યાંથી લાવે, એ પણ સવાલ છે.
ધારો કે ફ્રૂટબોરર અને શૂટબોરર તરીકે ઓળખાતી રીંગણભક્ષી જીવાતો બીટી રીંગણથી કાબૂમાં આવી પણ ગઇ, તો બાકીની જીવાતોનું શું? કુદરતી પર્યાવરણચક્રમાં એવું બને છે કે એક જીવાતનો ઉપદ્રવ દબાઇ જાય, ત્યારે અગાઉ નગણ્ય, નજીવી લાગતી કોઇ બીજી જીવાતનો ઉપદ્રવ વધી જાય. એવું થાય તો પછી ફરી કંપનીએ સંશોધન કરીને બીજા કોઇ બેક્ટેરિયાના ઝેરકારક જનીન રીંગણના છોડમાં ઉમેરવા પડે. નવો જનીનરૂપાંતરિત છોડ ન શોધાય ત્યાં સુધી શું કરવાનું? બીટી રીંગણના છોડ પર, નવી જીવાતોને કાબૂમાં રાખવા જંતુનાશક દવાઓ છાંટવાની?
બીટીનું ઝેર ભલે રીંગણના બિયારણમાં આવ્યું, પણ તેની અસર બાકીના પાકમાં થઇ શકે છે. કારણ કે બીટીનો પાક બીજા પાકથી સલામત અંતરે ઉગાડવાનું ભારતમાં વ્યવહારમાં શક્ય નથી. બીટીનું ઝેર જમીનને પણ અસર કર્યા વિના રહેતું નથી. એક ખેતરમાં બીટી રીંગણનો પાક વાવેલો હોય અને આજુબાજુનાં ખેતરોમાં સાદા પાક હોય, તો બીટીની અસર આજુબાજુ પણ થઇ શકે છે. તેનાથી બીટી ન અપનાવનારને પણ તેની અસરો ભોગવવી પડે છે.
આત્મઘાતી દોટ
આટલી બધી આશંકાઓને લીધે આંતરરાષ્ટ્રિય સ્તરે એટલું સ્વીકારાયું છે કે જનીન રૂપાંતરિત પાક અને ખોરાક અંગે હજુ ઘણા વધારે સંશોધનની જરૂર છે. ત્યાર પહેલાં તેનો ઉપયોગ કરવો એ આરોગ્ય અને પર્યાવરણની આફતોને સામે ચાલીને નોતરૂં આપવા જેવું છે. એ જ કારણથી દુનિયાના એક પણ દેશે જનીન રૂપાંતરિત ખોરાકને માન્યતા આપી નથી. (અમેરિકામાં જનીન રૂપાંતરિત મકાઇ ઉગાડવામાં આવે છે, પણ તે પશુઓના ખોરાક તરીકે વપરાય છે.) ભારતે હજુ સુધી જનીન રૂપાંતરિત પાક માટે સાવ પ્રાથમિક ધારાધોરણો નક્કી કર્યાં છે. એ ગળણી એટલી મોટી છે કે તેમાંથી બઘું પસાર થઇ જાય. એટલે બીટી રીંગણને પણ ‘જિનેટીક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી’ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.
પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરીના મુદ્દે લોકસુનાવણીના કાર્યક્રમ યોજ્યા, પણ જાહેર દેખાવોમાં સાચું ચિત્ર ભાગ્યે જ ઉપસે છે. પ્રચારના આક્રમણમાં પાવરધી કંપનીઓ આટલી બધી ગોઠવણો કરી શકતી હોય, તો લોકોના અભિપ્રાય ખરીદવાનું તેમના માટે અઘરૂં નથી.
અપ્રુવલ કમિટીમાં સર્વોચ્ચ અદાલતે નીમેલા વિદ્વાન સભ્ય, નોલેજ કમિશનના ઉપાઘ્યક્ષ અને સેન્ટર ફોર સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજીના સ્થાપક-અઘ્યક્ષ ડો. પુષ્પ ભાર્ગવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કમિટીએ બીટી રીંગણને મંજૂરી આપતો જે અહેવાલ રજૂ કર્યો છે તેમાં ઘણી વૈજ્ઞાનિક ખામીઓ અને જૂઠાણાં છે. ભારતમાં થયેલું બીટી રીંગણનું પરીક્ષણ અપૂરતું અને અવૈજ્ઞાનિક છે. એ માટે દબાણો થયાં હોવાનું પણ બહાર આવ્યું છે.
છ-સાત રાજ્યોએ બીટી રીંગણનો અસ્વીકાર કરી દીધો છે. આ લખાય છે ત્યાં સુધી ગુજરાત સરકારે આશ્ચર્યજનક કારણોસર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ખરેખર તો આ મુદ્દો રાજ્ય સરકારો પર છોડવાને બદલે, કેન્દ્ર સરકારે તેની પર નીતિ નક્કી કરવી જોઇએ અને પૂરતાં પરીક્ષણો-સંશોધનો થાય ત્યાં સુધી બીટી રીંગણ પર કડક પ્રતિબંધ મૂકવો જોઇએ. પ્રજા પોતપોતાના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી શકે છે.
ભારતનાં ખેતરોમાં અને આપણી થાળીમાં બીટી રીંગણનો એક વાર પગપેસારો થશે, તો તેના થકી થનારૂં સંભવિત નુકસાન સરભર કરી શકાય એવું નહીં હોય. કારણ કે તે ફક્ત રીંગણના છોડને જ નહીં, પણ જમીન, પર્યાવરણ અને તેને ખાનાર માણસોને પણ લપેટમાં લેશે.
બીટી રીંગણની મંજૂરીનું પગલું ખેતી ક્ષેત્રે ખાનગી કંપનીઓની ગુલામી ભણી દોરનારૂં છે. આ બાબતમાં મોડા જાગીશું, તો ‘જાગ્યા ત્યાંથી સવાર’નું આશ્વાસન પણ કામ નહીં લાગે.
thanks to provide information in gujarati
ReplyDeleteA very well researched content and well laid-out arguments. Thanks Urvish for taking up this issue. I had been to the protest here in Ahmedabad, where Jairam Ramesh had come. My impression is that its good that atleast this minister tried to get the feel of the issue. Ramesh later on snubbed Sharad Pawar when Pawar said he wants to implement the committee report, by saying that the consultation with people is going on, and agreeculture ministry shall not rush in to unforseen dangers of BT Brinjal. Hope, Gujarat also rejects it.
ReplyDelete-Kiran Trivedi
It is true, India must have to wait for further study on BT issues.
ReplyDelete