Friday, May 03, 2013
ગીરના સિંહ-પરિવારનો ઇન્ટરવ્યુ
ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી હોય. આવી લાગણીગ્રસ્ત સ્થિતિમાં ગીરના સિંહને પોતાને શું કહેવાનું હશે?
***
સવાલઃ હલો સર.(સિંહ ત્રાડ પાડે છે).
સવાલઃ એમાં રાડો શું પાડો છો? એકને જવું છે ને જવા નથી મળતું એટલે આખા ગામમાં રાડો પાડે ને બીજાને જવું નથી ને ધકેલે છે એટલે ત્રાડો પાડે..આ દુનિયા પર અજબ છે.
સિંહઃ એ ભાઇ, આ બધી તકલાદી ફિલસૂફી ઝૂડવી હોય તો ચિંતનની કોલમો લખ. મારી જોડે આવી ફાલતુ વાતો માટે સમય નથી.
સવાલઃ તમારો રોષ સમજી શકાય એવો છે, પણ હું તમને મદદ કરવા- તમારી પ્રત્યેનું મારું ૠણ અદા કરવા આવ્યો છું.
સિંહઃ ભાઇ, આ બધી ૠણ અદા કરવાની કવિતાઓ ગાંધીનગરમાં કરજે- ગીરમાં એ નહીં ચાલે. અત્યાર સુધી તમે અમારું બહુ ૠણ અદા કરી દીઘું... અમને માર્યા, લુપ્ત થવાના આરે લાવી દીધા ને પછી અમારા રક્ષણ માટે અભયારણ્ય બનાવીને અમને કઠપૂતળીયા રાજા બનાવી દીધા. તમારી ૠણઅદાયગીથી તો અમે થાક્યા, ભાઇસાબ. હવે ખમૈયા કરો અને અમને અમારી રીતે રહેવા દો તો સારું. ૠણ અદા કરવાનો બહુ શોખ હોય તો પહેલાં તમારા લેણિયાતોનાં તો અદા કરો..પછી અહીં સુધી લાંબા થજો.
સવાલઃ તમે આટલા પોલિટિકલ અને આળા કેમ છો? સૌરાષ્ટ્રમાં પરિવર્તન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયેલા કે શું?
સિંહઃ તમે મારી ચિંતા છોડો. તમારી વાત કરો. હું સામાન્ય બુદ્ધિની વાત કરું એ તમને પોલિટિકલ કેમ લાગે છે? રાજકારણમાં સામાન્ય બુદ્ધિનું કોઇ સ્થાન રહ્યું નથી કે શું?
સવાલઃ માઠું ન લગાડતા, પણ તમારા નામ પરથી અને ખાસ તો તમારાં નિવેદનો પરથી મને એવી શંકા જાય છે કે તમે ક્યાંક કોંગ્રેસમાં તો...
સિંહઃ મારી વાત એટલી નાખી દીધા જેવી છે કે હું કોંગ્રેસી લાગું? પણ તમારો આ જ પ્રોબ્લેમ છે. કોઇ સહેજ તમારા સાહેબ વિશે નુક્તચીની કરે એટલે એ કોંગ્રેસી થઇ ગયો...તમારા લોકોમાં અક્કલ ક્યારે આવશે? અમે મઘ્ય પ્રદેશ જઇએ ત્યારે?
સવાલઃ ધેર યુ આર. શરૂઆતની બધી વાતો જસ્ટ એમ જ હતી. હું આ મૂળ મુદ્દા પર જ આવતો હતો. તમને મઘ્ય પ્રદેશ જવું ગમશે?
સિંહઃ (આંખ મિંચકારીને) ખજૂરાહો ત્યાં જ આવ્યું ને?
સવાલઃ જુઓ, જુઓ, મેં કહ્યું ને. તમે બહુ પોલિટિકલ છો.
સિંહઃ હું અમસ્તું પૂછું છું એમાં તમને આટલાં મરચાં કેમ લાગે છે? અમે સિંહો મઘ્ય પ્રદેશમાં જઇને ક્યાંક ખજૂરાહોવાળીનો ઉત્તરકાંડ ન કરીએ એની તમને બીક લાગે છે?
સવાલઃ માફ કરજો, પણ તમે હદ વટાવી રહ્યા છો. ગુજરાતના સમ્રાટના એકચક્રી શાસનમાં ખજૂરાહોવાળીની કલ્પના કરવી એ પણ રાજદ્રોહનો ગુનો બની શકે છે એની તમને ખબર લાગતી નથી. ખજૂરાહોકાંડ કરવાના બહુ ધખારા હોય તો એટલું પણ વિચારી લેજો કે તેના સૂત્રધારો અત્યારે ક્યાં ખોવાઇ ગયા છે...
સિંહઃ એટલે તમને મને - જંગલના રાજાને- દાટી આપો છો? બીવડાવો છો? એટલું સમજી લેજો કે હું કોંગ્રેસનો સિંહ નથી..અસલી સિંહ છું અસલી. મારી એક ત્રાડથી જંગલનાં પ્રાણીઓ તો ઠીક, ઝાડપાન પણ ધ્રુજી જાય છે. મને મારા મતવિસ્તારમાં હારી જનારો ન સમજી બેસતા.
(સિંહ ગુસ્સે થઇને જોરથી શેમ્પુની જાહેરખબર માટે પોઝ આપવાનો હોય તેમ કેશવાળીસહિત ડોકું ઘુણાવે છે.)
સવાલઃ તમારે જે સમજવું હોય તે, મેં મારી ફરજ બજાવી. બાકી, એટલું જાણી લેજો કે તમે જે જંગલના રાજા હતા એ જંગલ ક્યારનું જતું રહ્યું. ૧૯૪૭માં ભલભલા ‘સિંહો’નાં રજવાડાંની સાથે તમારું રજવાડું પણ ખતમ. હવે સરકારી સાલિયાણાં પર રહેવાનું હોય એમાં બહુ ગરમી ન કરાય. સરકારમાઇબાપ પ્રત્યે આભારવશ થઇને રહેવાનું અને સરકાર તમારા નામે બહુ ‘ગૌરવ-ગૌરવ’ કહે એનાથી ફુલાઇ નહીં જવાનું. નહીંતર ખોવાઇ જશો...એટલે કે લુપ્ત થઇ જશો.
(ચાલુ વાતચીતે સિંહનું બચ્ચું રડતું રડતું આવે છે)
બચ્ચું: પપ્પા, મારે પેલું રમકડું રમવું છે ને મમ્મી ના પાડે છે.
સિંહઃ (સિંહણ તરફ જોઇને) ભઇ શું છે આ બઘું? કેટલી વાર મેં ના પાડી છે કે મારું કામ ચાલતું હોય ત્યારે આને તારે નહીં મોકલવાનો?
સિંહણઃ (છણકો કરીને) આવા ફાલતુ મીડિયાવાળાઓ સાથે વાત કરો છો એ તે કંઇ કામ કહેવાય? પેલા ‘ડિસ્કવરી’વાળા આવ્યા ત્યારે કેવી મઝા આવી હતી. આપણું કેટલું બઘું શૂટિંગ કર્યું’તું ને તગડો ચેક પણ આપીને ગયા હતા.
સિંહઃ એ બધી વાતો છોડ. આ કેમ રડે છે? એને કયું રમકડું જોઇએ છે?
સિંહણઃ એને પેલી અસ્મિતાબાજી રમવી છે. મેં એને ના પાડી, બહુ સમજાવ્યો કે બેટા, એ તો માણસોનો ખેલ છે. એમાં હાથ ગંદા થાય. આપણાથી ન રમાય, પણ એ માનતો જ નથી.
બચ્ચું: મમ્મી તો પેલું રમવાની પણ ના પાડે છે...
સિંહઃ તું આને અહીંથી લઇ જઇશ? મારો ઇન્ટરવ્યુ ચાલે છે ને વચ્ચે આ બધો કકળાટ...
સિંહણઃ એ મારું સાંભળતો જ નથી. એને બીજાં બચ્ચાં સાથે ગૌરવ-ગૌરવ રમવું છે. હું વિચાર કરું છું કે આવા બધા સંસ્કાર એ ક્યાંથી લઇને આવ્યો હશે?
સિંહઃ વચ્ચે પેલા સરકારી સફારીવાળા એને લઇ ગયા હતા ને...એની બધી અસરો છે. મેં એ વખતે જ તને કહ્યું હતું કે એને ન મોકલ. પણ તને બહુ ધખારા હતા..ટુરિસ્ટો એના ફોટા પાડશે ને છાપાંમાં એના ફોટા છપાશે..
સવાલઃ સોરી, તમારી ફેમિલી મેટરમાં વચ્ચે બોલું છું, પણ ‘અસ્મિતાબાજી’ ને ‘ગૌરવ-ગૌરવ’- એ બધી કઇ રમતો છે? આપણા રાજ્યમાં રમાય છે? મેં તો આવું કંઇ સાંભળ્યું નથી.
સિંહઃ (વિજયી સ્મિત સાથે) હું તમને સમજાવીશ તો ફરી તમે કહેશો કે હું બહુ પોલિટિકલ છું. એેટલે જવા દો. સામાન્ય બુદ્ધિથી વિચારશો તો સમજાઇ જશે. જોકે એ તમે ક્યાંથી લાવશો એ સવાલ ખરો.
સવાલઃ બસ, બસ હવે. તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો એનો અર્થ એવો નહીં કે તમે આમ જેમ ફાવે તેમ બોલો. માપમાં રહેજો. નહીં તો આપણા છેડા છેક નરેન્દ્રભાઇ ને અહેમદભાઇ સુધી અડે છે. બે ફોન કરીશ તો મઘ્ય પ્રદેશ તો ઠીક, ભારતનું કોઇ ઝૂ પણ નહીં સંઘરે ને જંગલી ગધેડાના પાંજરામાં નાખી દેશે એ અલગ.
(એવામાં ‘એનિમલ પ્લેનેટ’ના કેમેરામેન આવે છે, એટલે સિંહ પરિવાર ચાલુ ઇન્ટરવ્યુએ કશું કહ્યાકારવ્યા વિના એમને ઇન્ટરવ્યુ આપવા ઉપડી જાય છે અને મુલાકાતનો અવિધિસર અંત આવે છે.)
Subscribe to:
Post Comments (Atom)
urvishbhai gujrati bhashha par nu apanu prabhutv gamyu.marmik bhashha ma lakhayelo apno aa lekh rasprad ane sandeshatmak che. gujrati sahitya apani jeva ugata tejasvi lekhako pratye ashanvit che. jay jay garavi gujrat
ReplyDelete:) Majaa padi
ReplyDelete