Friday, May 10, 2013
જીવંત દંતકથાઃ જુથિકા રોય
2008માં ગુજરાતીમાં આત્મકથાના કાર્યક્રમ નિમિત્તે અમદાવાદ આવેલાં જુથિકા રોય/ Juthika Roy (photo: urvish kothari) |
જુથિકા રોયની અસલ આત્મકથા બંગાળીમાં પ્રગટ થઇ હતી. થોડાં વર્ષ પહેલાં તેમના ગુજરાતી ચાહકો અને સ્નેહીઓના પ્રયાસથી અમદાવાદમાં એક કાર્યક્રમ યોજીને, તેમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. (જુથિકા રોયના કાર્યક્રમ અને પુસ્તક વિશેની થોડી વિગત) સાથોસાથ, ૮૮ વર્ષનાં જુથિકાજીને રૂ.૧.૮૮ લાખનું માનધન અર્પણ કરવામાં આવ્યું. હવે આ મહાન ગાયિકાની આત્મકથાનું અંગ્રેજીમાં પ્રાગટ્ય થઇ રહ્યું છે, ત્યારે એ સામગ્રી અંગ્રેજી વાચકો માટે ઉપલબ્ધ બનશે તેની સાથોસાથ, જુથિકા રોયને યાદ કરવાનું એક મજબૂત કારણ અત્યારનાં પ્રસાર માઘ્યમોને મળશે એનો પણ આનંદ છે.
જુથિકા રોય જેવાં ગાયિકાને યાદ કરવા માટે અને થોડા ક્રૂર થઇને કહીએ તો, એ હજુ પણ આપણી વચ્ચે મોજૂદ છે એ યાદ કરવા માટે, ખરેખર તો કોઇ સ્થૂળ નિમિત્તની જરૂર શા માટે હોવી જોઇએ? તેમનાં ગાયેલાં અસંખ્ય ગીત-ભજન તેમની કાયમી ઓળખ તરીકે સેંકડો સંગીતપ્રેમીઓના મનમાં સમાયેલાં છે. આઝાદી પહેલાંના અને પછીના ભારતમાં ફિલ્મી ગીતો ગાયા વિના પ્રચંડ લોકપ્રિયતા જ નહીં, લોકાદર ધરાવતાં કલાકારોમાં જુથિકા રોયનું નામ મોખરે છે. ગાંધીજી જેવી વ્યાવસાયિક ગીતસંગીત સાથે સલામત અંતર રાખતી હસ્તીને પણ પોતાનાં કંઠેથી ભજન સંભળાવવાની તક જુથિકા રોયને મળી હતી. સરોજિની નાયડુ સહિતનાં અનેક ટોચનાં નેતાઓ જુથિકા રોયના કંઠનાં પ્રેમી હતાં. દેશ ઉપરાંત વિદેશોમાં વસતાં હિંદી લોકોમાં પણ તેમની લોકપ્રિયતા પારાવાર રહી.
ચાહકોને ઓટોગ્રાફ આપતાં જુથિકા રોય/ Juthika Roy |
દાયકાઓથી નિવૃત્ત જીવન ગાળતાં જુથિકા રોયને કશા ધખારા નથી, કશી લાલસાઓ નથી, કશી ફરિયાદો પણ નથી. નેવું વટાવી ચૂકેલા જુથિકા રોય આજીવન અપરણીત રહ્યાં. તેમનાં ભક્તિગીતો સાંભળીને થતી અનુભૂતિ જેવું જ નિષ્કપટ અને સીઘુંસાદું જીવન ગાળ્યું અને પાછલાં ઘણાં વર્ષોથી, સ્વામી આનંદનો શબ્દપ્રયોગ વાપરીને કહીએ તો, ‘ઝાકળ જેવા અણદીઠ’ રહ્યાં. વચ્ચે વચ્ચે અમદાવાદ, મુંબઇ ને જયપુરમાં તેમના ચાહકોએ આપેલાં માનસન્માન નિમિત્તે જુથિકા રોયને પ્રકાશમાં આવવાનું થયું, ત્યારે પણ તેમનામાં કશો બદલાવ નહીં. કશી દાદફરિયાદ નહીં, લોભલાલચ નહીં, પોતાની આર્થિક સ્થિતિને લગતાં કોઇ રોદણાં નથી, કશી અપેક્ષાઓ નહીં.
જુથિકાજીના અવાજની મઘુરતા પર કાળનાં પૈડાં ફરી વળ્યાં છે, પણ તેમનું નિર્દોષ સ્મિત બરકરાર રહ્યું છે. આવા કલાકારનું સન્માન કરવાની કે તેમની ઉત્તરાવસ્થાની દેખભાળની જવાબદારી સરકારની ન હોઇ શકે. એ સમાજે-સંગીતપ્રેમીઓએ ઉપાડવી રહી. સરકાર ભલે તેમને ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને ભૂલી ગઇ હોય, ઘણા સંગીતપ્રેમીઓ તેમને નહીં ભૂલ્યા હોય. આવા સંગીતપ્રેમીઓએ જુથિકા રોય પ્રત્યેના પોતાનાં આદરમાનનો અહેસાસ મનમાં રાખવાને બદલે એક યા બીજા સ્વરૂપે જુથિકા રોય સુધી પણ પહોંચાડવો જોઇએ.
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, 10-5-13)
Labels:
books,
juthika roy,
music/સંગીત
Subscribe to:
Post Comments (Atom)
Superb piece and then I heard this gem on youtube. http://www.youtube.com/watch?v=-wgI628Ma-c
ReplyDelete