Wednesday, May 22, 2013

એક મેચ-ફિક્સરની મુલાકાત

ભારતના સૌથી ટોચના દસ આકર્ષક વ્યવસાયોમાં મેચ ક્રિકેટરથી પણ ઉપરના ક્રમે મેચ ફિક્સિંગ આવતું હોય તો કહેવાય નહીં. રીઝલ્ટ આવી ગયા પછી કારકિર્દી-માર્ગદર્શનની મોસમમાં અને અલબત્ત મેચ ફિક્સિંગની ગરમી વચ્ચે મેચ ફિક્સરનો ઇન્ટરવ્યુ લેવો જોઇએ એવું લાગ્યું. મેચ ફિક્સરોના વાસ્તવિક ઇન્ટરવ્યુ આજકાલ પોલીસ લઇ રહી છે. એટલે તેમના કાલ્પનિક ટીવી ઇન્ટરવ્યુથી ચલાવી લઇએ.
***
એન્કરઃ નમસ્કાર. આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ફિક્સર શ્રી અનામી. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સર.

અનામીઃ એક મિનીટ..તમે ચોખવટ કરો..આમ એકલું ‘ફિક્સર’ કહેશો તો લોકોને પચીસ કલ્પનાઓ આવશે કે પોલિટિકલ ફિક્સર છે? જર્નાલિસ્ટ-ફિક્સર છે? એડિટર-ફિક્સર છે? રીપોર્ટર-ફિક્સર છે?  અંગ્રેજી ફિક્સર છે? ગુજરાતી ફિક્સર છે? ગાંધીનગરનો ફિક્સર છે કે દિલ્હીનો છે?

એન્કરઃ વાઉ. તમારું નોલેજ અને તમારું એક્સ્પોઝર માઇન્ડ બ્લોઇંગ છે. આટલું બઘું તમે કેવી રીતે જાણો?

અનામીઃ હું પત્રકાર નથી એટલે.

એન્કરઃ ઓકે, આપણે મુદ્દાની વાત પર આવીએ.

અનામીઃ મુદ્દાની કે મુદ્દામાલની? તમારે સાહેબે આ ઇન્ટરવ્યુ માટે કંઇ સૂચના આપી છે કે નહીં?

એન્કરઃ ઓહ..હા..આઇ મીન, ના...આઇ મીન...આપણે ઓન કેમેરા છીએ અત્યારે...ખાલી સવાલજવાબની જ વાત કરીએ. તો મારો પહેલો સવાલ છેઃ તમને ફિક્સિંગ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

અનામીઃ તમારી શું અપેક્ષા છે? હું એમ કહું કે રવીન્દ્રનાથ ટાગોરનું ‘ગીતાંજલિ’ કે ગાંધીજીનું ‘સત્યના પ્રયોગો’ વાંચીને મળી?

એન્કરઃ ગ્રેટ..તમે આ લોકોનાં પુસ્તકો વિશે કેવી રીતે જાણો છો?

અનામીઃ કહ્યું તો ખરું...પત્રકાર નથી એટલે.

એન્કરઃ એમ નહીં. સિરીયસલી કહો. તમને પહેલી વાર ફિક્સિંગનો વિચાર કેવી રીતે આવ્યો?

અનામીઃ મને ક્રિકેટ રમતાં આવડતું ન હતું. નાનપણમાં ભાઇબંધો મારી પાસે ફિલ્ડિંગ ભરાવીને તેલ કાઢી નાખતા હતા. ઘણી વાર મારું બેટિંગ કદી આવતું જ નહીં. હું બેટિંગ માગું તો એ લોકો કહેતા, ‘તારે બેટનું શું કામ છે? તું ફિલ્ડિંગ ભરી ખા. અમારે તો આગળ રમવા જવાનું છે.’ એક દિવસ મારું મગજ છટક્યું. મેં એક જણના હાથમાંથી બેટ છીનવી લીઘું અને કહ્યું, ‘તમે આ ધોકેણાથી રમી ખાવ, પણ યાદ રાખજો. એક દિવસ હું ક્રિકેટમાંથી જ અને બેટિંગ કરીને એટલા રૂપિયા કમાઇશ કે જે તમારી સાત પેઢીએ જોયા નહીં હોય.’

એન્કરઃ વૉટ અ સ્ટોરી. મને તો આખું ફ્‌લેશબેક દેખાવા લાગ્યું. તમે અનુરાગ કશ્યપને મળો તો કામ થઇ જાય.

અનામીઃ અનુરાગ કશ્યપ? એ કઇ ટીમમાંથી રમે છે? રાજસ્થાન રોયલ્સ કે દિલ્હી ડેવિલ્સ?

એન્કરઃ એ ફિલ્મો બનાવે છે. તમારી વાત પરથી તો ફિલ્મ બને એમ છે...ઠીક છે. તમે પ્રતિજ્ઞા તો લીધી, પણ એ પૂરી કેવી રીતે કરી?

અનામીઃ સખત મહેનત, કઠોર પરિશ્રમ, અખૂટ ધીરજ, ચીવટભર્યું આયોજન, માણસને ઓળખવાની કળા..

એન્કરઃ આવું બઘું તો મેનેજમેન્ટની અને ‘સફળ કેમ થવું?’ એવી ચોપડીઓમાં લખેલું હોય છે. તમે એવી ચોપડીઓ વાંચો છો?

અનામીઃ ના, એવી ચોપડીઓ લખનારાને મટીરિયલ પૂરું પાડું છું. અમારા જેવાની સમૃદ્ધિ અને વૈભવશાળી ગાડીઓ જોઇને તો એમને લખવાની પ્રેરણા મળે છે.

એન્કરઃ તમને ક્રિકેટનું કયું સ્વરૂપ સૌથી વધારે ગમે? શા માટે?

અનામીઃ ભાઇ, તમે સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લેવા નથી બેઠા. મારે ક્રિકેટના સ્વરૂપ જોડે કશી લેવાદેવા નથી. જે સ્વરૂપમાં ફિક્સિંગની વઘુમાં વઘુ તક મળે એ મારું પ્રિય. ધંધામાં અમે કોઇ જાતનો વહેરોઆંતરો રાખતા નથી.

એન્કરઃ પણ તમે જે ધંધો કરો છો એ ગેરકાયદે ન કહેવાય?

અનામીઃ સૌ સૌની સમજણ છે. સમાચારો બતાવવા માટે ને રોકવા માટે રૂપિયા પડાવવા એ અમને ગેરકાયદે લાગે છે. શું કહો છો? (અટ્ટહાસ્ય)

એન્કરઃ તમે ખોટું સમજ્યા. હું એમ પૂછવા માગતો હતો કે..

અનામીઃ હું ખોટું સમજ્યો નથી. તમને ખોટું લાગ્યું છે. પણ જવા દો. બોલો શું પૂછતા હતા?

એન્કરઃ (ગુંચવાઇને) હું મારો પ્રશ્ન ભૂલી ગયો...હું શું પૂછતો હતો..હા, એમ કે તમને આ કામ કરવામાં પોલીસની બીક ન લાગે?

અનામીઃ લાગે. ઘણી વાર એવો વિચાર આવે કે સમયસર હપ્તો નહીં જાય તો શું થશે? પણ પછી કાયમનું થઇ જાય એટલે પરસ્પર વિશ્વાસ અને મૈત્રી કેળવાઇ જાય. માણસના માણસ પરના ભરોસાના આધારે તો દુનિયા ટકેલી છે.

એન્કરઃ આહા, તમે તો ફિલસૂફ જેવું બોલવા માંડ્યા.

અનામીઃ કેમ, તમારે ત્યાં ટૂચકા કહેનારા ફિલસૂફના વહેમ મારતા હોય તો અમે વધારે રોકડિયું કામ કરીએ છીએ.

એન્કરઃ (થોડા ખચકાટ સાથે) રાજકારણીઓ સાથે તમારે કેવા સંબંધ છે?

અનામીઃ ઘર જેવા, યાર. તમારું કંઇ બી કામ હોય તો કહેજો. અને હા, ટિકિટ જોઇતી હોય તો બે-પાંચ ‘ખોખાં’ લીધા વિના ન આવતા. હવે એ બઘું શરમથી નથી પતતું. તમને તો ખબર જ હશે.

એન્કરઃ તમને કશું પણ પૂછીએ એટલે તમે બદનક્ષી કરવા જ બેસી જાવ છો.

અનામીઃ એ બદનક્ષી ને સદનક્ષીનું તમને સોંપ્યું. મેં તમને ભાવ કહ્યો. ચોખ્ખી ને ચટ વાત. અમારા ધંધામાં ગોળગોળ કશું ન ચાલે- સિવાય કે ખેલાડી કાંડા પરનું ઘડિયાળ કે ગળે લપેટેલો નેપકિન ગોળ ગોળ ફેરવતો હોય.

એન્કરઃ અરે, હું આ જ વાત પર આવતો હતો કે તમે લોકો ખેલાડીઓ સાથે ફિક્સિંગ કરો તો એ લોકો તમને મેદાન પરથી કેવી સાઇન આપે? પણ હું પૂછું એ પહેલાં તમે જ કહી નાખ્યું.

અનામીઃ (હસીને, એન્કરની સ્ટાઇલમાં) ફિક્સિંગની આંતરિક સનસનીખેજ વાતો જાણીએ એક છોટે સે બ્રેક કે બાદ..

એન્કરઃ પણ એ તો હવે મારે બોલવાનું હતું. તમને કેવી રીતે ખબર પડી કે..

અનામીઃ (મંદ મંદ સ્મિત સાથે) તમે ભૂલી ગયા કે તમે કોનો ઇન્ટરવ્યુ લઇ રહ્યા છો. અમે લાખો કરોડોના ખેલવાળી મેચો ફિક્સ કરી શકતા હોઇએ તો દસ મિનીટના ઇન્ટરવ્યુનો શો હિસાબ?

એન્કરઃ યુ મીન, આ ઇન્ટરવ્યુ પણ ફિક્સ્ડ...?

(એ સાથે જ ટીવી પ્રસારણ ઓચિંતુ ખોરવાઇ જાય છે)

No comments:

Post a Comment