Friday, May 10, 2013

જીવંત દંતકથાઃ જુથિકા રોય

2008માં ગુજરાતીમાં આત્મકથાના કાર્યક્રમ નિમિત્તે અમદાવાદ આવેલાં
જુથિકા રોય/ Juthika Roy (photo: urvish kothari)
વ્યવહારના તકાદા બહુ ક્રૂર હોય છે. એટલે જુથિકા રોય જેવાં લગભગ વિસરાઇ ચૂકેલાં કલાકાર વિશે અચાનક કશું વાંચવામાં કે જોવામાં આવે ત્યારે સૌથી પહેલી અમંગળ કલ્પનાઓ આવે. પરંતુ આજે તેમની વાત કોઇ અશુભ નહીં, શુભ સમાચાર નિમિત્તે કરવાની છે. ભારતીય બિનફિલ્મી-બિનશાસ્ત્રીય, લોકપ્રિય સંગીતના ઇતિહાસમાં દંતકથા જેવું સ્થાન ધરાવતાં જુથિકા રોયની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ મુંબઇના ભારતીય વિદ્યાભવન દ્વારા આવતી કાલે પ્રકાશિત થઇ રહ્યો છે.

જુથિકા રોયની અસલ આત્મકથા બંગાળીમાં પ્રગટ થઇ હતી. થોડાં વર્ષ પહેલાં તેમના ગુજરાતી ચાહકો અને સ્નેહીઓના પ્રયાસથી અમદાવાદમાં એક કાર્યક્રમ યોજીને, તેમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. (જુથિકા રોયના કાર્યક્રમ અને પુસ્તક વિશેની થોડી વિગત) સાથોસાથ, ૮૮ વર્ષનાં જુથિકાજીને રૂ.૧.૮૮ લાખનું માનધન અર્પણ કરવામાં આવ્યું. હવે આ મહાન ગાયિકાની આત્મકથાનું અંગ્રેજીમાં પ્રાગટ્ય થઇ રહ્યું છે, ત્યારે એ સામગ્રી અંગ્રેજી વાચકો માટે ઉપલબ્ધ બનશે તેની સાથોસાથ, જુથિકા રોયને યાદ કરવાનું એક મજબૂત કારણ અત્યારનાં પ્રસાર માઘ્યમોને મળશે એનો પણ આનંદ છે.

જુથિકા રોય જેવાં ગાયિકાને યાદ કરવા માટે અને થોડા ક્રૂર થઇને કહીએ તો, એ હજુ પણ આપણી વચ્ચે મોજૂદ છે એ યાદ કરવા માટે, ખરેખર તો કોઇ સ્થૂળ નિમિત્તની જરૂર શા માટે હોવી જોઇએ? તેમનાં ગાયેલાં અસંખ્ય ગીત-ભજન તેમની કાયમી ઓળખ તરીકે સેંકડો સંગીતપ્રેમીઓના મનમાં સમાયેલાં છે. આઝાદી પહેલાંના અને પછીના ભારતમાં ફિલ્મી ગીતો ગાયા વિના પ્રચંડ લોકપ્રિયતા જ નહીં, લોકાદર ધરાવતાં કલાકારોમાં જુથિકા રોયનું નામ મોખરે છે. ગાંધીજી જેવી વ્યાવસાયિક ગીતસંગીત સાથે સલામત અંતર રાખતી હસ્તીને પણ પોતાનાં કંઠેથી ભજન સંભળાવવાની તક જુથિકા રોયને મળી હતી. સરોજિની નાયડુ સહિતનાં અનેક ટોચનાં નેતાઓ જુથિકા રોયના કંઠનાં પ્રેમી હતાં. દેશ ઉપરાંત વિદેશોમાં વસતાં હિંદી લોકોમાં પણ તેમની લોકપ્રિયતા પારાવાર રહી.
ચાહકોને ઓટોગ્રાફ આપતાં જુથિકા રોય/ Juthika Roy
છેક ત્રીસીના દાયકાથી કિશોરવયે બિનફિલ્મી ગીતો-ભજનો દ્વારા જુથિકા રોયે મેળવેલી લોકપ્રિયતા ફક્ત સંગીતપ્રેમીઓની જ નહીં, અનેક સંગીતકારો-ગાયકગાયિકાઓ માટે અહોભાવનો વિષય રહી છે. જુથિકા રોયના ગુરૂ એટલે બંગાળી સ્કૂલના છતાં ‘ન્યૂ થિએટર્સ’ સ્ટુડિયો સાથે ન સંકળાયેલા પ્રચંડ પ્રતિભાવંત સંગીતકાર કમલ દાસગુપ્તા.તેમણે એચ.એમ.વી. અને તેની વિવિધ કંપનીઓમાં સંગીતકાર તરીકેની કામગીરી દરમિયાન બિનફિલ્મી ‘ગીત’ જેવા વિશિષ્ટ પ્રકારને જન્મ આપ્યો. સાથોસાથ, જુથિકા રોય- જગમોહન જેવા બિનફિલ્મી ગાયકો અને તલત મહેમૂદ, હેમંતકુમાર જેવા ઘણા ગાયકો પાસે ઉત્તમ કામ લીઘું. એ યુગનાં સાક્ષી તરીકે હવે એક જુથિકા રોય જ રહ્યાં છે.

દાયકાઓથી નિવૃત્ત જીવન ગાળતાં જુથિકા રોયને કશા ધખારા નથી, કશી લાલસાઓ નથી, કશી ફરિયાદો પણ નથી. નેવું વટાવી ચૂકેલા જુથિકા રોય આજીવન અપરણીત રહ્યાં. તેમનાં ભક્તિગીતો સાંભળીને થતી અનુભૂતિ જેવું જ નિષ્કપટ અને સીઘુંસાદું જીવન ગાળ્યું અને પાછલાં ઘણાં વર્ષોથી, સ્વામી આનંદનો શબ્દપ્રયોગ વાપરીને કહીએ તો, ‘ઝાકળ જેવા અણદીઠ’ રહ્યાં. વચ્ચે વચ્ચે અમદાવાદ, મુંબઇ ને જયપુરમાં તેમના ચાહકોએ આપેલાં માનસન્માન નિમિત્તે જુથિકા રોયને પ્રકાશમાં આવવાનું થયું, ત્યારે પણ તેમનામાં કશો બદલાવ નહીં. કશી દાદફરિયાદ નહીં, લોભલાલચ નહીં, પોતાની આર્થિક સ્થિતિને લગતાં કોઇ રોદણાં નથી, કશી અપેક્ષાઓ નહીં.

જુથિકાજીના અવાજની મઘુરતા પર કાળનાં પૈડાં ફરી વળ્યાં છે, પણ તેમનું નિર્દોષ સ્મિત બરકરાર રહ્યું છે. આવા કલાકારનું સન્માન કરવાની કે તેમની ઉત્તરાવસ્થાની દેખભાળની જવાબદારી સરકારની ન હોઇ શકે. એ સમાજે-સંગીતપ્રેમીઓએ ઉપાડવી રહી. સરકાર ભલે તેમને ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને ભૂલી ગઇ હોય, ઘણા સંગીતપ્રેમીઓ તેમને નહીં ભૂલ્યા હોય. આવા સંગીતપ્રેમીઓએ જુથિકા રોય પ્રત્યેના પોતાનાં આદરમાનનો અહેસાસ મનમાં રાખવાને બદલે એક યા બીજા સ્વરૂપે જુથિકા રોય સુધી પણ પહોંચાડવો જોઇએ.
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, 10-5-13)

1 comment:

  1. Superb piece and then I heard this gem on youtube. http://www.youtube.com/watch?v=-wgI628Ma-c

    ReplyDelete