Tuesday, January 25, 2011

લોકશાહી સલામત, પ્રજાસત્તાક ખતરામાં

આઝાદી પહેલાં સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ગામડાંનું એક દૃશ્ય હજુ કેટલાકને યાદ હશેઃ વહેલા પરોઢિયાની ઘૂંધળાશમાં દૂરથી કોઇ ઓળો જોઇને રાજનો સિપાહી બૂમ પાડતોઃ ‘કોણ?’

સામેથી હાથ ઉંચો કરીને, આજ્ઞાંકિતતાના હળવા કંપ સાથેનો જવાબ મળતોઃ ‘રૈયત’.

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે આઝાદ ભારતનું બંધારણ અમલી બનતાં, લોકોને ‘રૈયત’માંથી ‘નાગરિક’ તરીકે બઢતી મળી. એ વાતને ૬૧ વર્ષનો લાંબો ગાળો વીત્યો. છતાં લાગે છે કે ઉપરથી થોપવામાં આવેલા ઘણાખરા સુધારાની જેમ, મોટા ભાગની રૈયત માટે ‘નાગરિક અવતાર’ દોહ્યલો રહ્યો છેઃ સ્વતંત્ર, પ્રજાસત્તાક દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા લોકોનું પ્રમાણ મોટું છે. સાથોસાથ, નાગરિક તરીકેની સુખસુવિધાઓ ભોગવનારા અને ફરજ અદા કરવાની આવે ત્યારે પહેલી તકે ‘રૈયત’ બની જનારાની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી છે. આર્થિક સમૃદ્ધિ અને આર્થિક વિકાસ જેવા શબ્દોની ઝાકઝમાળ નાગરિકપણાને બદલે એકંદરે રૈયતપણું પોષતી-ઉત્તેજતી હોય એવી છાપ પડે છે.

સંઘર્ષઃ હક અને ફરજ
ચારેક દાયકા પહેલાં આચાર્ય કૃપલાણીએ આઝાદીનો રંગ ઉડી ગયા પછીના સમયગાળામાં એ મતલબની કબૂલાત કરી હતી કે ‘અમે નેતાઓ પ્રજાકીય ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ.’

ભારતને આઝાદી મળી તેમાં ગાંધીજીનું કેટલું પ્રદાન અને બીજા વિશ્વયુદ્ધનું પરિણામ, નાવિકોનો બળવો વગેરે બનાવોનું કેટલું પ્રદાન, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પરંતુ ગાંધીજીના કટ્ટર ટીકાકારો સુદ્ધાં એક વાતનો ઇન્કાર કરી શકે એમ નથી કે ગાંધીજીએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે લડવા માટે ‘રૈયત’ને તૈયાર કરી. ઠરાવો અને અરજીઓમાં સંતોષ શોધતી લડતને તે આગળ-ઉપર લઇ ગયા અને લોકોમાં સામે ચાલીને પોલીસની લાઠી ખાવા સુધીની હિંમત પ્રગટાવી. ગાંધીજીના જીવનથી કે એકાદ મુલાકાતથી પ્રેરાઇને અનેક લોકોએ નવું જીવન, નવું કામ અપનાવ્યું અને જિંદગી આખી તેમાં સમર્પી દીધી.

બીજી તરફ, સરદાર પટેલે એક વાર ભાઇકાકાની ફરિયાદના જવાબમાં કહ્યું હતું તેમ, આઝાદીની લડત વખતે નેતાગીરીની જરૂર હતી એટલે ઘણા નેતાઓને તેમની મર્યાદાઓ અવગણીને મોટા ભા બનાવવામાં આવ્યા, પણ આઝાદી મળી ગઇ અને રાજ કરવાનું આવ્યું એટલે તેમના અસલી, માટીના પગ છતા થઇ ગયા. પહેલી-બીજી હરોળના નેતાઓના ઘડતરના ગંભીર પ્રશ્નો હોય, ત્યાં નાગરિક ઘડતર કેટલી દૂરની વાત કહેવાય?

ગાંધીજીની નેતાગીરીનું અત્યંત મહત્ત્વનું- અને અત્યારે સૌથી અપ્રસ્તુત બનાવી દેવાયેલું- પાસું છે : સંઘર્ષ. ભારત તો ઠીક, દક્ષિણ આફ્રિકાની અજાણી ધરતી પર અન્યાય સામે અવાજ ઉઠાવતી વખતે ગાંધીજીએ પરિણામોનો વિચાર કર્યો ન હતો. ‘આત્માનો અવાજ’ કહો કે ‘અન્યાય સામે ઝઝૂમવાની અદમ્ય વૃત્તિ’, પોતાનાથી શક્ય હોય એટલી લડત, બને ત્યાં સુધી નાગરિક તરીકેની ફરજો અદા કરીને, આપવામાં ગાંધીજી કદી પાછા પડ્યા નહીં. દરેક વખતે તેમના સંઘર્ષનું ધાર્યું પરિણામ મળ્યું નહીં એ જુદી વાત છે- અને એ માટે સંકોચ પામવાની કે સચ્ચાઇના ભોગે ગાંધીજીની મહત્તાને બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર નથી. મહત્ત્વ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું છે. ફક્ત ગુજરાતને જ નહીં, આખા ભારતને મહાત્માના મંદિરની નહીં, મહાત્મા સંઘર્ષ વિદ્યાલયોની જરૂર છે, જે નાગરિકોને ફરજ અદા કરતાં અને હક માટે માથું ઊંચકતા શીખવે.

ગાંધીજી જેવા ટોચના નેતાથી માંડીને ઉમાશંકર જોશી જેવા પ્રજાલક્ષી સાહિત્યકાર હોય કે આ વર્ષે જેમની જન્મશતાબ્દિ ઉજવાઇ રહી છે તે ભોગીભાઇ ગાંધી જેવા લડવૈયા, એ સૌની સ્વ-રાજની વ્યાખ્યા હતીઃ ‘નાગરિક-રાજ’, જેમાં ભારતનો ગરીબમાં ગરીબ નાગરિક પણ પોતાના હક ભોગવી શકે. એ લોકોએ પણ સંઘર્ષનો મહિમા કર્યો અને વિનોબા જેવા વિનોબા સંઘર્ષથી અળગા થતા લાગ્યા, ત્યારે આદરસહિત તેમની સાથે છેડો ફાડતાં ખચકાયા નહીં. પણ આખરે તો એ સૌ પોતાનું સ્વપ્ન સાકાર થવાને બદલે દિવસે દિવસે વઘુ વેરવિખેર થતું જોઇને ગયા.

ન હરખાવાનો અધિકાર
બરાબર ૨૫ વર્ષ પહેલાં, ૨૫ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે ભાલકાંઠાના ગોલાણા ગામે દલિત હત્યાકાંડ થયો ત્યારે પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવનાર પીટર માસ્તરે ગામની મુલાકાતે આવેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી અને તત્કાલીન કોંગ્રેસપ્રમુખ અહેમદ પટેલને કહ્યું હતું.‘અમારે કશુંય જોઇતું નથી. તમે ખાલી એટલો જવાબ અમને આલો કે અમે આ દેશના માણસ ખરા કે નહીં?’

આજે આ સવાલ, આ જ શબ્દોમાં પૂછાતો ન હોય, પૂછી શકાતો ન હોય તેનાથી સવાલની અણી કે તેની પ્રસ્તુતતા ઓછી થતી નથી. દેશના આર્થિક વિકાસના જાદુઇ આંકડાની માયાજાળ વચ્ચે, વિકાસ જેમના માટે અનુભવવાની કે જીવવાની નહીં, પણ માત્ર જોવાની ચીજ છે, એવા કેટકેટલા લોકોના મનમાં પીટર માસ્તરે કરેલો સવાલ ઉગતો હશે! ૨૬મી જાન્યુઆરીના રોજ થતી લશ્કરી પરેડ અને ‘સારે જહાંસે અચ્છા’ના બેન્ડમ્યુઝિકમાં એ સવાલ ભલે સંભળાતો ન હોય.

પ્રજાસત્તાક બન્યા પછીનાં ૬૧ વર્ષમાં હકારાત્મક પરિવર્તનો આવ્યાં છે, પરંતુ તેની સરખામણીએ થયેલા નકારાત્મક ફેરફારો અને ભવિષ્યની દિશા વધારે ગંભીર, વધારે લાંબા ગાળાના છે. ઈંદિરા ગાંધીના વડાપ્રધાનપદા દરમિયાન શરૂ થયેલી બંધારણીય સંસ્થાઓની પડતી હવે ચરમસીમાએ પહોંચી છે. ચીફ વિજિલન્સ કમિશનર જેવા હોદ્દે ભ્રષ્ટાચારના આરોપથી ખરડાયેલા ઉમેદવાર હોય કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ સામે સગાવાદના આક્ષેપો થાય, ત્યારે ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન’- માહિતી અધિકારથી કેટલું રાજી થવું એ નાગરિકો માટે નક્કી કરવું અઘરૂં છે.

લોકશાહીની વિવિધ પાંખો વચ્ચે સત્તાનું સંતુલન સધાયેલું રહે, એ રીતે રચવામાં આવેલી સંસ્થાઓ આખરે રાજકીય કૃપાવંતોનાં આશ્રયસ્થાન બની જાય, શિક્ષણસંસ્થાઓ નેતાઓ અને તેમના ટેકેદારોની દુકાનો બની જાય, યુનિવર્સિટીઓ પાળેલા ઉપકુલપતિઓના તબેલા બની જાય, સૈન્ય જેવું સૈન્ય ભ્રષ્ટાચારના કુંડાળામાં જણાય અને તેના કેટલાક અફસરો કારગીલના શહીદોના ફ્લેટ પચાવી પાડવાના કૌભાંડમાં સામેલ હોય... ત્યારે પ્રજા કયા ઉમંગે પ્રજાસત્તાક દિન ઉજવે?

નેતાશાહીમાંથી નાગરિકશાહી
‘ભારતમાં લોકશાહી હજુ મજબૂત છે’ એવું કહેવાય છે અને તેમાં તથ્ય છે, પરંતુ એમ તો વેન્ટીલેટર પર જીવતા માણસને ‘જીવીત’ જ ગણવામાં આવે છે. મુદ્દો વ્યાખ્યાનો નહીં, હાર્દનો છે. અત્યારની લોકશાહી નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા નહીં, પણ રૈયતે ચૂંટેલા નેતાઓથી ચાલે છે અને તેનાં પરિણામ આપણી સામે છે. હવે તો રૈયત પાસે પણ વિકલ્પો મર્યાદિત થતા જાય છે. બે દાયકા પહેલાં મતદારો પાસે કમ સે કમ એક યા બીજા પ્રકારની વિચારસરણી ધરાવતા પક્ષ તો હતા. હવે તમામ રાજકીય પક્ષોની એક જ વિચારધારા છેઃ જ્યાં, જ્યારે, જેટલી પણ સત્તા મળે ત્યારે તેનો મહત્તમ લાભ લઇ લેવો. રૂપિયા બનાવી લેવા. સંસ્થાઓ પર કબજો જમાવી દેવો. નાગરિકો કહેતાં મતદારોનો વિચાર આવે તો તેમના માટે ‘સાંસદનિધિ’ જેવા ટુકડા ક્યાં નથી? ફેંકી દેવાના બે-ચાર ટુકડા, એટલે મતદારો પણ રાજી.

અંગત કૌભાંડો અને ભ્રષ્ટાચાર તો ઠીક, ત્રાસવાદ, સંરક્ષણ, આર્થિક નીતિ, જાહેર સાહસો જેવા દેશહિતના મહત્ત્વના મુદ્દામાં પણ રૈયત દ્વારા ચૂંટાયેલા રાજનેતાઓ નિરાશાજનક હદે ગાફેલ અને બેજવાબદાર નીવડ્યા છે. ચીન જેવો જૂનો શત્રુદેશ પોતાની લશ્કરી તાકાત અને ખુલ્લી દાદાગીરી અનેક ગણી વધારી રહ્યો છે અને તે અમેરિકા જેવી મહાસત્તાને પણ ગાંઠતો નથી, ત્યારે ચીનના સંભવિત પ્રતિકાર વિશે ભારતના પક્ષ કે વિપક્ષને કંઇ જ નક્કર કહેવાનું નથી અને કાશ્મીરમાં ઘ્વજવંદન કરવા જેવા પ્રતીક કાર્યક્રમ સઘળું રાજકારણ ખેલવાનો અખાડો બની જાય છે.

સરકારોની બિનકાર્યક્ષમતા, ગરીબોના અમર્યાદ શોષણ અને આદિવાસીઓના હક પર આડેધડ તરાપમાંથી ઉભો થયેલો નક્સલવાદ હિંસા-પ્રતિહિંસાનાં ચક્રો પછી વિચારધારાનાં તમામ બંધનો ફગાવી ચૂક્યો છે. ભારતના મોટા હિસ્સામાં કેન્દ્ર અને રાજ્યોની જુદા જુદા પક્ષોની સરકારોએ નક્સલવાદનો પ્રભાવ એટલી હદે વધી જવા દીધો છે કે હવે તેમનું સમાંતર રાજ ચાલે છે અને નક્સલવાદીઓ પર હુમલો કરવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવા સુધીની દરખાસ્તો થાય છે. તેમ છતાં, નક્સલવાદીઓનો એકાદ ઘાતક હુમલો થાય અને થોડા સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામે ત્યારે ઉઠતો ચર્ચાવિચારણાનો વંટોળ જોતજોતાંમાં, બીજો મોટો હુમલો ન થાય ત્યાં લગી શમી પણ જાય છે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસવારનું ચિત્ર અત્યંત નિરાશાજનક લાગ્યું હોય તો પણ એ જરાય અતિશયોક્તિભર્યું નથી. ભારતની ચૂંટણીકેન્દ્રી લોકશાહી ભલે સલામત હોય, પણ ભારતીય પ્રજાસત્તાક અત્યંત નાજુક અવસ્થામાં છે- અને આ પરિસ્થિતિની જવાબદારીમાંથી રૈયત પોતાના હાથ ખંખેરી શકે એમ નથી.

તકવાદી અને પરસ્પરના હિત માટે ગમે તેવી સાંઠગાંઠ કરી શકતા રાજકીય પક્ષોમાં પોતાનો ઉદ્ધાર શોધવાને બદલે, નાગરિકો નાના પાયાથી શરૂઆત કરીને નવી પ્રજાકીય નેતાગીરી માટે પ્રવૃત્ત બને, જેનાથી રૈયતનું નાગરિકમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો આરંભ થાય. સાચા પ્રજાસત્તાકના સર્જન માટે, તેનાથી ચાર દિવસ પછી આવતો ગાંધીહત્યા દિવસ પણ સંભારવો રહ્યો. ગાંધીજીના સંઘર્ષના વારસાને અપનાવ્યા વિના દેશના બહુમતિ નાગરિકોનું સ્વ-રાજ કદી આવવાનું નથી, એ સચ્ચાઇ ઓછામાં ઓછી એક વાર, દર ૨૬ જાન્યુઆરીએ યાદ કરી લેવા જેવી છે.

20 comments:

 1. Thanks for the timely reminder Urvish. Every word of the article rings true. Yes the parade will drown out all the hopelessness momentarily but the right-thinking citizen of this country knows in his heart how far we have come in our state of denial. Today, on one hand we have the ugly spectacle of a 4 member family attended to by 600 employees living in a place whose FSI is double the Palace of Versailles. On the other, we have an even uglier spectacle of a man who has spent decades working and attending to the poor incarcerated as a Naxalite. And on the eve of the Republic Day they don't think twice before arresting his wife on another flimsy charge. They who rule us, they feed on our complacency, our enormous ability to forget, our selfcentredness, our middle-class insecurities and our infinite talent in shutting out all that we don't want to be bothered with. We cannot afford to let them get away Urvish. So, well-said!!!

  ReplyDelete
 2. Anonymous1:24:00 PM

  ઊર્વિશભાઈ પ્રજાસત્તાક દિન નો લેખ ખુબજ ગમ્યો... આભાર...

  ReplyDelete
 3. You have honestly penned the gain & loss account of 61 years. The spirit, strength & co-operation to struggle is lost. How to regain it should be subject to ponder so that we could perhaps re-experience for future state of affairs & future generation to gift a healthy India.

  Thanks

  Jabir

  ReplyDelete
 4. one of the best article and sadly each and every word is true. keep it up

  ReplyDelete
 5. Anonymous11:20:00 AM

  જામીપડેલ દૂરિતોની સામે પડી નુકસાન ઉઠાવવાના બદલે પરિસ્થિતિને અનુકૂળ રહી લાભો અંકે કરવાનુ વલણ સામાન્ય હોય ત્યાં બદલાવની બહુ આશા જણાતી નથી. સ્વસ્થ લોકશાહી કદાચ પશ્ર્ચિમનો જ સંસ્ક્રુતિસિધ્ધ અધિકાર છે, ઉપરાંત એ લોકો પણ લાભ્યા જેઓ હિંમત પૂર્વક તેમને અનુસર્યા - પાછલું છોડવા જેવું હતું તે છોડ્યું . - મહેબૂબ મકરાણી

  ReplyDelete
 6. I agree with you. It is WE, who are electing such corrupts in power and then blame the system. Basically we are culturally an irresponsible lot. Look around us. We don't like to follow the rules, even common rules like traffic-rules. If police-man is not there, we happily cross-over the red light. Though crossing-over a red-light is not a big crime until it do not harm others, nevertheless it shows our mentality. We spit and throw garbage easily anywhere and when some epidemic occurs, comfortably put onus on the system for not maintaining the hygienic condition. We prefer short-cuts of giving bribe to get our work done then to ask for our rights. And our cunning "netalogs" knows this fact and therefore they are committing any type of scams without any fear. They knows that this lot is not going to come in street. We are happy in discussing problems in AC chambers or on blogs and waiting for some miracle that will change everything. Justice is not that cheap or easy, at least in this country.

  Yes, we need to change if we want bring about the change. Mahatma Gandhi had rightly said- BE THE CHANGE YOU WANT TO SEE.

  ReplyDelete
 7. અંતર નો મ્હાય્લો જગાડી દે એવો લેખ ....કોટી કોટી સલામ ઉર્વીશભાઈ...

  ReplyDelete
 8. oh my god...
  jordaar...
  chamkavi naakhyo...
  kahe chhe... 60 pachhi varsh ganth ujav'vane badale Dr paase jai ne aavu "body profile" karav'vu joie...
  kashu suzatu nathi aa vanchya pachhi...

  ReplyDelete
 9. urvish kothari10:21:00 AM

  @જેમની કમેન્ટને અહીં સ્થાન નથી મળતું એમના માટે:
  આ બ્લોગ પર વિરોધી મતને અને ટીકાને પૂરતું સ્થાન આપવામાં આવે છે, તે અગાઉની કોઇ પણ ચર્ચામાંથી જોઇ શકાશે.એ અંગે કે તટસ્થ દેખાવા અંગે મને જરાય અસલામતી નથી. એટલે મારી તટસ્થતાને લલકારવાથી તમારી નકરી ટીકાખોરી કે નકરી ભક્તિ અહીં આવી જશે એવું માની ન લેશો.
  નકરી ટીકાખોરી કે નકરી ભક્તિ એ ચર્ચા નથી. એટલે પોતાની કમેન્ટ ડીલીટ થઇ જાય તેમાં મારો વાંક કાઢવા ઉપરાંત તમારી કમેન્ટની ગુણવત્તા વિશે પણ વિચાર કરી જોશો. તેમાં ઉપરના બે લક્ષણો સિવાયનું, કંઇક સત્ત્વ હશે તો તે અચૂક પ્રગટ થશે.

  ReplyDelete
 10. Vasant Patel1:00:00 PM

  Urvishbhai,
  I have also been hearing many complaints about your not allowing any counter comments for which you wouldn't have answer (at least you think you have an answer), even though they are written in completely non-abusive language. Please be prepared for counter-arguments. You can't get only what you want in a society which has the right of free expressions. Or you may be preferring dictatorship in one way or another!
  You are loosing your liability completely.
  Vasant

  ReplyDelete
 11. વસંતભાઇ,
  તમે 'ફરિયાદો સાંભળો છો' એને બદલે બ્લોગપોસ્ટ અને એની નીચેની ટીપ્પણીઓ જોશો તો વધારે સારું પડશે. બાકી, લાયેબીલીટીની કે કાઉન્ટર આર્ગ્યુમેન્ટની શીખામણ આપવી બહુ સહેલી છે ને અમલ બહુ અઘરો. અહીં ન સ્થાન પામતી કમેન્ટ મોટે ભાગે, મારી (પ્રચારિત સચ્ચાઇ કરતાં જુદી)કાઉન્ટર આર્ગ્યુમેન્ટથી થયેલા અપચાનું જ પરિણામ હોય છે.
  બીજું ખાસ એ કહેવાનું કે કોઇ કમેન્ટ નોન-અબ્યુઝીવ હોય એટલા માત્રથી એ ચર્ચા બની જતી નથી.
  હા, મારી પાસે આંધળી ભક્તિ કે ટીકાખોરીના જવાબ નથી. એટલે એ પ્રકારની કમેન્ટ તો અહીં નહીં જ આવે.

  ReplyDelete
 12. ઉત્પલ ભટ્ટ8:46:00 PM

  કાર્લ માર્ક્સ કહી ગયો હતો કે જે પ્રજા આંદોલન કરવાનું ભૂલી જાય તેનું કોઇ ભવિષ્ય નથી હોતું. કમનસીબે આપણે સહુ અન્યાય સામે આંદોલન કરવાનું સમજપૂર્વક અને કાયરતાપૂર્વક ભૂલી ગયા છીએ. અને આ વાત લંપટ રાજકારણીઓ બહુ સારી રીતે જાણી ગયા છે. ચીન મુદ્દે પક્ષ કે વિપક્ષને કંઇ જ પડી નથી પરંતુ પ્રજા તો એ મુદ્દો ઉખેળવાનું જરુરી પણ નથી સમજતી. અરુણાચલ હાથમાંથી સાવ જતું રહેશે ત્યારે પણ આપણે તો ફક્ત અફસોસ કરીને જ સંતોષ માનવાનો રહેશે.

  ReplyDelete
 13. Chhel Zinzuwadia3:53:00 AM

  Hi Vasantbhai,
  What do you think about the Shaala Gunotsav programme that Mr Narendra Modi has initiated? I have been seeing so many primary school teachers in remote villages in Gujarat getting quite regular, active and prepared for their classes. This is making even remotely located schools emerging as good places to study, unlike the previous years and unlike in most other states in India. Have you felt the same progress too?
  Chhel

  ReplyDelete
 14. Vasant Patel7:49:00 AM

  Urvishbhai,
  I don't see any counter-arguments in any of the above comments at all! All I see is patronizing you even for this shallow and quite general article! Many other bloggers have been attempting to respond to this post but you are not allowing them to comment here just because they are showing you how Gujarat has been progressing with concrete numbers and logical arguments. You are behaving like a radical whose only argument against is 'andhali bhakti'! I think it would be better that you come up with concrete statistics and logic to justify your claims against the current Gujarat government. It is relevant here since your this post is on a quite general scenario whereas Gujarat sharply differs to the rest of the country in good governance.
  I didn't expect at least you to be so much fundamentalist! Someone truely said - it is best not to see a writer personally otherwise all the respect to him/her can be lost!
  Vasant

  ReplyDelete
 15. vasantbhai
  i can understand your hurry to attach all sorts of labels to me and summarily nullifying my 500+ posts with your single reaction- that too without even trying to go thro' other posts & the discussion thereon.

  You seem to know very well what I should do & what I am like. I wish you'd have same measurement for yourself.

  I fail to understand why this 'shallow & quite general' article made u so unhappy, which had no specific reference to Gujarat. Anyway, u r entitled to your opinion- however shallow and/or general it is.
  reg your quote, let me say the same applies to readers too.
  this ends our shallow & general discussion, i presume.

  ReplyDelete
 16. dear urvish,

  it is sad that i have to agree with vasant patel at least on one point :

  that you should not expect all comments would endorse your views and would hence be pleasing or even flattering.

  that you cannot be the only judge on the quality of any comment, the unilateral evaluation might be arbitrary and unjust at time.

  to delete any comment on your sole discretion is the insult of the intelligence of so many readers. and this kind of censorship will certainly discourage participation of your readers.

  or better you close the window that invites visitors to POST A COMMENT.

  ReplyDelete
 17. નીરવભાઇ,
  'સેડ' થવાનો અધિકાર મારો છે.
  એટલા માટે કે આ જ બ્લોગ પર નાનામાં નાની અને ઘણી વાર સાવ ક્ષુલ્લક નુક્તચીની કરતા તમારા ભિન્નમત પ્રગટ થયા હોવા છતાં, તમે મને આ શીખામણ આપો છો.
  હજુ પણ એક સાદી વાત તમને કેમ નથી સમજાતી કે આ બ્લોગ મારો છે અને 'સોલ ડીસ્ક્રીશન' પણ મારું જ હોય. આ બ્લોગ ભારતની સંસદ નથી કે કોઇને ગમે તે કરવા દેવાય.

  ઘણી વાર ઉદાર ધોરણો રાખીને હું અમુક હદ સુધીનો પ્રલાપ પ્રગટ થવા દઉં ત્યારે મિત્રોના ઠપકા સાંભળું છું. એ વખતે જેટલી ચચરાટી નથી થતી, એટલી તમારા જેવા ટીકાખોર મિત્રોના આવા સૂફિયાણા અને ફક્ત મને નીચો પાડવાના આશયથી અપાતા ઉપદેશોથી થાય છે.

  તેમ છતાં, મારી આ 'અસહિષ્ણુતા' કે 'સેન્સરશીપ' સહન ન થતી હોય, તો બ્લોગ નહીં વાંચવાનો વિકલ્પ ખુલ્લો છે જ, એ ભાગ્યે જ યાદ કરાવવાનું હોય.

  ReplyDelete
 18. Vasant Patel2:27:00 AM

  Urvishbhai,
  It is understandable if you don't allow comments which have bad/abusive language. But since you are not allowing comments just on the basis of the fact that they are different than what you opine, reflects that you are not willing to get into arguments positively. I agree to Nirav Patel in that you should not expect all comments would endorse your views and would hence be pleasing/flattering. You shouldn't be the only judge on the quality of any comment etc. There used to be Chandrakant Bakshi who were always eager to get into the arguments with precise statistics and logic in their tip. It is disheartening to see the level of the Gujarati writers these days. No wonder why people would migrate to other languages.
  Vasant

  ReplyDelete
 19. ..અને વસંતભાઇ, પૂરું વાંચવાની તસ્દી લીધા વિના અભિપ્રાયોની ફેકાફેંક કરતા વાચકો વિશે તમારે કંઇ કહેવાનું થતું નથી? મારા આગળના એકેય મુદ્દા (500થી વધુ પોસ્ટ સહિતના) વિશે તમારે કંઇ જ કહેવાનું થતું નથી? આ પ્રકારના વાચકો વિશે બક્ષી શું માનતા હતા એ મારે કહેવું નથી.
  તમે જે કહેવું હતું તે કહી દીધું - અને તે પણ મારા જવાબમાંનો એક પણ મુદ્દો ધ્યાને લીધા વિના. બધી જ અપેક્ષાઓ સામેવાળા પાસેથી રાખીએ ત્યારે આપણે પણ કંઇક કરવાનું હોય છે, એ ધ્યાને લીધા વિના.
  હવે આ મુદ્દે આપણો ચર્ચાભાસી વાર્તાલાપ પૂરો થાય છે. ગુજરાતી લેખકો વિશેના તમારા અભિપ્રાયો સાથે મારે કશી લેવાદેવા નથી. મારા વિશેના અભિપ્રાયો તમને મુબારક.. અને તમારા વિશેના મને...

  ReplyDelete
 20. prarthit5:48:00 AM

  Was late in reading but...
  Splendid piece. Hadn't read such passionate yet realistic article on India in last 2-3 years in any media.

  -prarthit

  ReplyDelete