Sunday, January 16, 2011

શતાયુ ડો.રતન માર્શલને અલવિદા

ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્ય, નાટકો અને પારસી પંચાયતમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ડો.રતન માર્શલનું આજે સવારે અવસાન થયું. ગઇ 14 ઓક્ટોબરના રોજ તેમને સોમું વર્ષ બેઠું ત્યારે તેમની બર્થડે પાર્ટીમાં મિત્ર બિનીત મોદી સાથે હાજર રહેવાની તક મળી હતી. તેની અનૌપચારિક અને સચિત્ર નોંધ પણ બ્લોગ પર મૂકી હતી.

માર્શલસાહેબનો પહેલો પરિચય 'દિવ્ય ભાસ્કર' માટે લીધેલા ઇન્ટરવ્યુ નિમિત્તે થયો. તેમણે લખેલો 'ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ' (જે તેમનો પીએચ.ડી.નો મહાનિબંધ હતો) અને આત્મકથા 'કથારતન' નોંધપાત્ર પુસ્તકો છે. એક વાર બિનીત સાથે તેમનો પરિચય થયા પછી તેના થકી માર્શલસાહેબ અને તેમનાં પ્રેમાળ પરિવારજનો સાથેનો સંપર્ક જળવાઇ રહ્યો. તેમના પુત્ર અને હાઇકોર્ટના વકીલ રુસ્તમભાઇ, તેમનાં પત્ની નિશ્મનબહેન અને સંતાનો યોહાન-રિઆ સાથે છેલ્લાં થોડા વર્ષથી માર્શલસાહેબ અમદાવાદમાં વસતા હતા, પણ મૂળે તે સુરતના જીવ. તેમનામાં સુરત અને સુરતી મિજાજ વસતાં હતાં. તેમની સાથે વાત કરવા બેસીએ તો ઉભા થવાનું યાદ રાખવું પડે અને તેમને યાદ કરાવવું પડે. 99 વર્ષ પૂરાં કર્યાં એ પાર્ટીમાં જે બુલંદ અવાજે અને જોસ્સાભેર તેમણે સંસ્મરણો તાજાં કર્યાં, તે હાજર રહેલા લોકોમાંથી ભાગ્યે જ કોઇ ભૂલી શકશે.

100 વર્ષે વિદાય લેનારનો શોક ભલે ન હોય, પણ એક વિશિષ્ટ અને મઝાના માણસ આપણી વચ્ચે ન રહ્યા તેનો ઊંડો અહેસાસ રહે છે.

માર્શલસાહેબને અંજલિરૂપે અહીં તેમની કેટલીક તસવીરો અને આ બ્લોગ પર તેમના વિશે મુકાયેલી પોસ્ટની લિન્ક પણ મૂકી છે.
છેલ્લે દિવ્ય ભાસ્કરમાં મેં લીધેલા તેમના ઇન્ટરવ્યુનો ફોટો પણ છે, જે ક્લિક કરીને જોવાથી આખો ઇન્ટરવ્યુ વાંચી શકાશે.

Ratan Marshal @ 100
L to R: Rustom, Ratan & Nishman Marshal with Dr.Marshal's book: પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં (પારસી સંસારી પ્રેમકથાઓ, ગુર્જર પ્રકાશન)
Ratan Marshal @99th birthday
Grandson Yohan performing at Dada's birthday party
(click to enlarge)

3 comments:

 1. Binit Modi (Ahmedabad)1:23:00 AM

  ગુજરાતી પત્રકારત્વના પ્રથમ ડોક્ટરેટ ડો. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે

  પ્રિય ઉર્વીશ,
  આજે જેમણે વિદાય લીધી તે ડો. રતન રૂસ્તમ માર્શલનો પરિચય – ઓળખાણ મને તારા થકી થઈ હતી. છ – સાત વર્ષ પહેલાની એ સવાર બરાબર યાદ છે. સુરતના મિત્ર હરીશભાઈ રઘુવંશીને અને કદાચ પારસી નાટકો ભજવતા કલાકાર યઝદી કરંજિયાને તેમનો સંપર્ક કરવાની જરૂર ઉભી થઈ અને તેમને ખોળી કાઢવા તને ફોન કર્યો. તેમને એટલી જ માહિતી હતી કે સુરતના ઘરમાં પડી જવાથી અસ્થિભંગ થયેલા માર્શલ સાહેબને તેમનો અમદાવાદ રહેતો દીકરો વધુ સારવાર-આરામ માટે અમદાવાદ લઈ ગયો છે. તેમની પાસેથી મળેલા એડ્રેસના આધારે હું એડવોકેટ રૂસ્તમ માર્શલના ઘરે જઈ પહોંચ્યો. પગે પ્લાસ્ટરવાળા ડો. માર્શલસાહેબનો એ પહેલો પરિચય. રૂસ્તમભાઈએ સુરતના મિત્રો માટે ફોન નંબરની આપ-લે કરી અને જણાવ્યું કે સારવાર માટે અમદાવાદ લાવવાની જરૂર ઉભી થતાં તેઓ કોઇને જણાવ્યા વગર જ માર્શલસાહેબને અમદાવાદ લઈ આવ્યા હતા. એમ કરવા પાછળ અમદાવાદ આવવાની તેમની આનાકાની પણ કારણભૂત હતી. આટલી સ્પષ્ટતા મિત્રો માટે કર્યા પછી તેમણે કહ્યું કે પપ્પાજી અહીં છે ત્યાં સુધી તમે સમય મળ્યે તેમને કંપની આપવા – વાતો કરવા જરૂર પધારજો. (આવજોની જગ્યાએ પધારજો શબ્દ પારસીબાવા જ બોલી શકે.) એ દિવસ પછી તેમને વારંવાર મળવાનું થયું. ક્યારેક આપણે સાથે પણ ગયા. વારંવાર એટલા માટે કે પછી તો ઉંમર-અવસ્થાને લઈ દીકરા રૂસ્તમે ડો. માર્શલને અમદાવાદમાં જ રોકી લીધા. તેમને સુરત પાછા જવાની ઇચ્છા જ ન થાય તે માટે પારસી પંચાયતનું ઘર પણ ખાલી કરી આવ્યા. બસ એ પછી તેઓ અમદાવાદના થઈ ગયા, ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ની સવાર સુધી.
  સુરત છૂટી ગયું પણ એ શહેર સાથેનો નાતો એમણે ત્યાંથી પ્રગટ થતા દૈનિકોનું વાંચન ચાલુ રાખીને જાળવી રાખ્યો. મેં એમને નિયમિત મળવાનો ક્રમ જાળવી રાખ્યો. પારસી બોલીમા તેમને સાંભળવાની –વાતો કરવાની મને મજા પડવા લાગી. કઈંક વિષયોની વાતો કરે. દરેક વાત તેમને મુદ્દાસર યાદ હોય. મિનિટો સુધી બોલે પણ થાકે નહીં. તેમની વાતો સાંભળતા વચ્ચે ફોટા પાડું તો કહે પણ ખરા કે, ‘હું હીરો જેવો દેખાવ છું?’ આ બુઢ્ઢા માણસના શું બહુ ફોટા પાડવાના એમ પણ કહે.
  મોટે ભાગે સવારના સમયે દસ-અગિયારની આસપાસ મળવા જઉં. અમદાવાદ – સુરતના થઈને દસેક અખબારોનો થપ્પો ટીપોઈ પર ચાની કીટલી સાથે પડ્યો હોય. પારસી ધર્મ-કોમના સામયિકો પણ ખરા. સુરત પારસી પંચાયતમાંથી આવેલા કાગળો હોય જેમાં તેમણે સલાહ આપવાની હોય. પાંચ દાયકા ઉપરાંત સેવા કર્યા પછી તેમણે છેલ્લા વર્ષોમાં પંચાયતના કામમાંથી રૂખસદ લઈ લીધી.
  અમદાવાદના પત્રકારત્વ, પારસી કે સાહિત્ય જગત સાથે તેમનો કોઈ સંપર્ક નહોતો. એકમાત્ર બકુલ ત્રિપાઠીને જાણતા હતા. પરદેશ રહેતા અને અમદાવાદ આવ્યા પછી ૨૦૦૬માં અવસાન પામેલા બકુલ ત્રિપાઠીને તેઓ મળી શક્યા નહીં એનો અફસોસ પણ પ્રગટ કરતા. રૂસ્તમભાઈના ઘરમાં પાળેલો ડોગ સીમ્બા તેમનો કાયમી સાથીદાર હતો. ગુજરાતી – અંગ્રેજી છાપાં વાંચીને એકવાર હસતાં-હસતાં કહે કે આ નટ-નટીઓના રંગ-રંગીન ફોટા વગર છાપું પ્રગટ ન થાય.
  પારસી પ્રેમકથાઓનું પુસ્તક પ્રકાશિત થયાની પહેલી નકલ લઇને પ્રકાશક મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) અને રોહિતભાઈ કોઠારી તેમના ઘરે પહોંચ્યા તો બહુ રાજી થતાં બોલી ઉઠ્યા કે તમે તો આજે મારો દિવસ સુધારી દીધો. પારસી કેલેન્ડર પ્રમાણે એ તેમનો ૯૮મો જન્મદિવસ હતો. માર્શલ સાહેબ તમને મળીને તો અમારો દિવસ જ નહીં, જનમ પણ સુધરી ગયો છે. ૯૯મા જન્મદિનની કેક કાપીને મોં મીઠું કરીએ એવા દિવસો આ જનમમાં કેટલા અને હવે પછી ક્યારે આવશે એ કોને ખબર. અલવિદા – ગુજરાતી પત્રકારત્વના ગ્રાન્ડ‘માર્શલ’ને.
  - બિનીત મોદી (અમદાવાદ)
  મોબાઇલ : 9824 656 979
  E-mail: binitmodi@gmail.com

  ReplyDelete
 2. He was one of the real hero of Gujarati journalism.

  ReplyDelete
 3. Anonymous5:20:00 PM

  T'gh your article & Binitbhai's comment, feel as if we met Dr.Ratan Marshall in person. May his soul rest in peace.
  - Prabuddh

  ReplyDelete