Wednesday, January 12, 2011
‘નાગીન’ના બીનથી સૌને ડોલાવનાર સંગીતકાર રવિ: ‘ગીતની ઘૂન એવી હોવી જોઇએ કે સામાન્ય માણસ પણ ગણગણી શકે’
music director Ravi, 85
સંગીતકાર રવિનું નામ સાંભળીને એકદમ બત્તી ન થાય એ શક્ય છે, પણ પચાસ-સાઠના દાયકામાં તેમણે આપેલાં સરળ છતાં મઘુર ગીતો હજુ સુધી ગવાય છે- વગાડાય છે. વરઘોડામાં કયું બેન્ડ ‘આજ મેરે યારકી શાદી હૈ’ નહીં વગાડતું હોય? અને કન્યાવિદાય વખતે કોના મનમાં ‘બાબુલકી દુવાયેં લેતી જા’ નહીં ગુંજતું હોય? શાયરીના કયા પ્રેમીઓ સાહિરનું ‘ચલો એક બાર ફિરસે’ ભૂલી શક્યા હશે? આ અને આવા અનેક ગીતોના સંગીતકાર રવિએ ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં પડદા પાછળની ઘણી વાતો યાદ કરી.
૮૫ વર્ષના રવિશંકર શર્મા-રવિ (જન્મઃ ૩ માર્ચ, ૧૯૨૬)એ તૈયાર કરેલું ‘નાગીન’નું બીનસંગીત ન સાંભળ્યું હોય, એવું ભાગ્યે જ કોઇ હશે. ૧૯૫૪ની આ ફિલ્મના સંગીતકાર હેમંતકુમાર હતા અને રવિ તેમના ભરોસાપાત્ર સહાયક. રવિ કહે છે,‘હું દિલ્હીથી મુંબઇ ગાયક બનવા આવ્યો હતો. ફિલ્મોમાં આવ્યા પહેલાં પાંચ વર્ષ પોસ્ટ એન્ડ ટેલીગ્રાફમાં પાંચ વર્ષ મેં ઇલેક્ટ્રિશ્યનનું કામ કર્યું. પછી દિલ્હીથી મુંબઇ ગાયક બનવા માટે આવ્યો, પણ ફિલ્મિસ્તાનમાં હેમંતકુમાર સાથે ભેટો થયો. તે ‘આનંદમઠ’નું સંગીત તૈયાર કરતા હતા. તેના પ્રખ્યાત ગીત ‘વંદે માતરમ્’ના કોરસમાં મારો પણ અવાજ છે. હેમંતદા ઘૂન બનાવતા હોય ત્યારે હું તબલા પર બેસતો હતો અને તેમને ઉર્દુ શબ્દોમાં મુશ્કેલી પડે ત્યારે હું મદદરૂપ થતો. એક દિવસ એમણે કહ્યું,‘તું મારો સહાયક કેમ નથી બની જતો?’ અને હું એમનો સહાયક બન્યો.’
નાગીનમાં બીનના સંગીતનો જશ હેમંતકુમાર સાથે કામ કરતા કલ્યાણભાઇ (એ વખતે કલ્યાણજી વીરજી શાહ)ને વ્યાપક રીતે આપવામાં આવે છે. જોકે, રવિના જણાવ્યા પ્રમાણે ‘એ ઘૂન મેં તૈયાર કરી હતી. ફાઇનલ રેકોર્ડંિગમાં તમને સાંભળવા મળતો મુખ્ય ઘ્વનિ હાર્મોનિયમનો છે, જે મેં વગાડ્યું હતું. પરંતુ તેમાં બીનની અસર ઉપજાવવા માટે કલ્યાણજીએ પાસે અમે ક્લે વાયોલિન વગાડાવ્યું.’ હેમંતકુમારનું જ સંગીત ધરાવતા ‘શર્ત’ના ગીત ‘ન યે ચાંદ હોગા’માં વચ્ચે આવતું અને ગીતમાં એકાકાર થઇ જતું ક્લે વાયોલિનનું સંગીત પણ રવિએ જ વગાડ્યું હતું.
‘ગુરૂદત્ત જેવા મહાન સર્જકે ‘ચૌંદહવીકા ચાંદ’ માટે ઓ.પી.નૈયર કે એસ.ડી.બર્મનને બદલે તમને શા માટે સંગીતકાર તરીકે પસંદ કર્યા?’ એવા સવાલના જવાબમાં રવિ કહે છે,‘મારું સંગીત ધરાવતી એક મુસ્લિમ સામાજિક ફિલ્મ ‘મહેંદી’ ગુરૂદત્તે જોઇ હતી અને તેનું સંગીત એમને બહુ ગમ્યું.એટલે આ ફિલ્મ માટે તેમણે મને કહ્યું. આ ફિલ્મના શીર્ષક ગીત ‘ચૌંદહવીકા ચાંદ હો’ની ઘૂન બહુ સહજતાથી બની ગઇ હતી. એ વખતે એવો ટ્રેન્ડ થયો હતો કે ફિલ્મનું નામ આવતું હોય એવું એક ગીત બને. ચૌંદહવી કા ચાંદની સ્ટોરી, સિચ્યુએશન બઘું હું જાણતો હતો. એક દિવસ મને અચાનક રસ્તામાં પહેલી લીટીની ઘૂન સૂઝી આવીઃ ચૌંદહવીકા ચાંદ હો... ઘરે જઇને મેં (ગીતકાર) શકીલ બદાયુંનીને ફોન કર્યો કે એક વિચાર આવ્યો છે. શકીલસાહેબ આવ્યા. મેં પહેલી લીટી ગાઇ, એટલે તરત એમના મોઢેથી નીકળ્યું,‘યા આફ્તાબ હો.’ અને થોડી સેકંડ અટકીને એ બોલ્યા,‘જો ભી હો તુમ ખુદાકી કસમ લાજવાબ હો’. એ બોલતા જાય અને હું ગાતો જાઊં. એવી રીતે ઘૂન તૈયાર થઇ ગઇ. આ ફિલ્મનું ગીત ‘મિલી ખાક મેં મોહબ્બત’ ગુરૂદત્તને એટલું ગમ્યું હતું કે એ બનાવ્યું ત્યારે આખી રાત એ મારી પાસે ગવડાવતા રહ્યા. એ કહેતા કે આ ગીતમાં વચ્ચે આવતું સંગીત એટલું સરસ છે કે તેની પરથી એ આખું ગીત તૈયાર કરાવશે. પણ એ દિવસ આવે તે પહેલાં ગુરૂદત્ત અવસાન પામ્યા.’
શાસ્ત્રીય સંગીતની તાલીમ ન ધરાવતા રવિની સૂઝ જોઇને હેમંતકુમારે થોડી ફિલ્મો પછી તેમને સ્વતંત્ર કામ કરવા સૂચવ્યું અને આગાહી પણ કરી કે ‘તુમ બહોત બડે સંગીતકાર બનોગે.’ બી.આર.ચોપરાની ફિલ્મોમાં રવિએ સાહિર લુધિયાનવીની ઉંચા દરજ્જાની કવિતાઓને સંગીતમાં ઢાળી અને તે અત્યંત લોકપ્રિય નીવડી. ‘એ ગીતો તમે મહેન્દ્ર કપુરને બદલે મહંમદ રફી પાસે ગવડાવ્યાં હોત તો સારૂં થાત, એવું તમને લાગતું હતું?’ એવા સવાલનો ખુલ્લાશથી જવાબ આપતાં રવિ કહે છે. ‘હા, ચોક્કસ. રફીસાહેબ મારા પ્રિય ગાયક હતા. ૧૯૪૭માં આઝાદી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ ‘જશ્ન-એ-જમ્હુરિયતમાં એ અને મુકેશ દિલ્હી આવ્યા, ત્યારે હું રફીસાહેબને મળવા ગયો હતો. પરંતુ બી.આર.ચોપરા અને રફી વચ્ચે કોઇ કારણસર અણબનાવ થયો હતો. મેં મારી રીતે રફીસાહેબને પૂછ્યું, ત્યારે એમણે પણ ગીતો ગાવાની ના પાડી. એટલે એ મહેન્દ્ર કપુરે ગાયાં અને તેમના અવાજમાં પણ અત્યંત લોકપ્રિય થયાં.’
અમદાવાદની ગ્રામોફોન ક્લબના મહેમાન બનેલા રવિ પોતાની ઘૂનોની સરળતાનું રહસ્ય છતું કરતાં કહે છે,‘નૌશાદજીનાં ગીતોમાં શાસ્ત્રીય હોય તો પણ સામાન્ય માણસ ગણગણી શકે એવાં રહેતાં. ફિલ્મિસ્તાનમાં ‘હીર’ ફિલ્મ માટે અનિલ બિશ્વાસની ઘૂનનું રીહર્સલ કરતાં ગીતા દત્તને બહુ વાર લાગી, ત્યારે મુખરજીસાહેબે એમ કહીને એ ગીતની ઘૂન રદ કરાવી હતી કે ‘ગીતા દત્ત જેવી તાલિમી ગાયિકાને આટલી તકલીફ પડે છે, તો પબ્લિક આ ગીત કેવી રીતે ગાશે? આ બધા પરથી મેં બોધ લીધો કે ગીતની ઘૂન સામાન્યમાં સામાન્ય માણસ ગણગણી શકે એવી હોવી જોઇએ.’
links
mili khak mein mohabbat
dil ki kahani rang layi hai
chaundahvai ka chand ho
Subscribe to:
Post Comments (Atom)
‘એ ગીતો તમે મહેન્દ્ર કપુરને બદલે મહંમદ રફી પાસે ગવડાવ્યાં હોત તો સારૂં થાત, એવું તમને લાગતું હતું?’
ReplyDeletedon't you think it is unfair to ask embarrassing questions like these that imply someone's superiority over the other?
Rafi is Rafi, Kishor is Kishor and Mahendra Kapoor is Mahendra Kapoor. why should you presume Rafi could have done better than Mahendra Kapoor?
Each singer is gifted with his/her unique voice and style of singing and we have to enjoy appreciate such rich diversities. even Ravi has acknowledged that 'એ મહેન્દ્ર કપુરે ગાયાં અને તેમના અવાજમાં પણ અત્યંત લોકપ્રિય થયાં.’
we never expect that this blog could have been written much better by somebody else than urvish, say, Dhaivat or Sukumar or even some Anonymous ABCD. we enjoy you with whatever you serve : your diversely rich creativity expressed at times in some silly and funny pictures as well as real serious stuff.
સંગીતકાર રવિનો નવેસરથી પરિચય આ મુલાકાત - લેખથી થયો. ગઇકાલના મ્યુઝિક માસ્ટર્સને અમદાવાદના આંગણે બોલાવીને ગ્રામોફોન ક્લબ તેમનું ઘડપણ સુધારવાનું કામ કરે છે. ઉંમર - અવસ્થાને લઈ સહેજ-સાજ નાસીપાસ થયેલા કળાકારને જીવન જીવવા જેવું લાગવા માંડે એથી વધુ ઉત્તમ કામ તો લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ કરી શકતા નથી.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
મોબાઇલ : 9824 656 979
E-mail: binitmodi@gmail.com
બિનીતભાઈની વાત સાથે સહમત...
ReplyDeleteઉંમર-અવસ્થાને લઈ સહેજ-સાજ નાસીપાસ થયેલા કળાકારને જીવન જીવવા જેવું લાગવા માંડે એથી વધુ ઉત્તમ કામ તો લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ પણ કરી શકતા નથી.
સવજી ચૌધરી.