Tuesday, February 01, 2011

ચંદુભાઇ દલાલ રચિત ગાંધીજીનું સાચું સ્મારક : ગાંધીજીની દિનવારી

એક સમય હતો જ્યારે ગાંધીજીને ૩૦ જાન્યુઆરી અને ૨ ઓક્ટોબર વિના યાદ કરવામાં આવતા ન હતા- અને તેનો રંજ રહેતો હતો. હવે તેમનું નામ લેવાયું જાણીને ફાળ પડે છેઃ શા માટે ગાંધીજીને યાદ કર્યા હશે? આ વખતે કયા ઉદ્યોગપતિ સાથે તેમની બેશરમ અને વલ્ગર સરખામણી થઇ હશે? કયા મુખ્ય મંત્રીની ખુશામત માટે કોઇ લાભખોર ઉદ્યોગપતિએ તેમની ગાંધીજી સાથે સરખાવ્યા હશે? ગાંધીજીના જીવનનાં મૂળભૂત મૂલ્યોથી તદ્દન સામા છેડાના આશયો સિદ્ધ કરવા માટે મહાત્મા મંદિર બને અને લોકો તેને ગાંધીજીનું સ્મારક ગણીને હરખાય, ત્યારે સવાલ થાય કે એસ્સેલ વર્લ્ડ અને ગાંધીજીના સ્મારક વચ્ચે લોકોને તફાવત લાગતો હશે ખરો?

ગાંધીજીનું જીવનકાર્ય, તેમનું સાહિત્ય કે તેમની સ્મૃતિ- આ કોઇ પણ બાબતની જાળવણી વિશે વાત થાય ત્યારે એક પુસ્તકનો ઉલ્લેખ અચૂકપણે કરવો પડેઃ ચંદુભાઇ ભગુભાઇ દલાલ સંપાદિત ‘ગાંધીજીની દિનવારી’. જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગાંધીજી વિશેનાં કોઇ પણ ભાષાનાં શ્રેષ્ઠ પાંચ પુસ્તકની યાદી બનાવવાની થાય તો તેમાં ‘દિનવારી’ને સ્થાન આપવું પડે.


૭૫૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ ગ્રંથમાં ચંદુભાઇ દલાલે ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી શરૂ કરીને તેમની હત્યા થઇ એ દિવસ સુધીના તેમના જીવનની તારીખ- વર્ષ અને સ્થળ વાર વિગતો ટૂંકાણમાં આપી છે. પુસ્તકને ગાંધીપ્રેમીઓ-અભ્યાસીઓ માટેની કિમતી ખાણ જેવું બનાવવા માટે અંતે સ્થળોના નામની કક્કાવાર સૂચિ, નામ સહિત બીજા શબ્દોની અલગ સૂચિ, ગાંધીજીએ વેઠેલા જેલવાસની તારીખવાર વિગતો અને ભારતમાં તેમણે કરેલા ઉપવાસની આવશ્યક વિગતો સાથેની યાદી પણ મુકવામાં આવી છે.

સૂચિ એટલે કે યાદીમાં હોઇ હોઇને શું હોય? અને એક તારીખની સામે ગાંધીજી એ દિવસે ક્યાં હતા, કયા કાર્યક્રમમાં ગયા, કોને મળ્યા- એવી વિગતો શુષ્ક ન લાગે? તેનો જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય, પણ તેને વાંચવામાં શું સ્વાદ આવે? એવી શંકાઓ આગળનું વર્ણન વાંચીને થઇ શકે છે. પણ ચંદુભાઇના સંપાદનની સૌથી મોટી ખૂબી એ છે કે ઉંડા સંશોધન, સંદર્ભો અને પૂરક માહિતીઓથી તે સૂચિના પુસ્તકને વાચનક્ષમ જ નહીં, વાંચતાં રસના ધૂંટડા આવે એવું બનાવી શક્યા છે.

જેમ કે, સ્થળસૂચિ પરથી કોઇ પણ વ્યક્તિ પોતાના ગામમાં ગાંધીજી ક્યારે આવ્યા હતા, તેમણે શું કર્યું હતું એવી વિગતોથી માંડીને ભારતભરમાં ગાંધીજી કેટલે ઠેકાણે ઘૂમી વળ્યા હતા તેનો અંદાજ એક નજરે મેળવી શકે. એવી જ રીતે, કોણ ગાંધીજીને કેટલી વાર, ક્યારે અને ક્યાં મળ્યું હતું, તે પણ સાવ સહેલાઇથી પ્રકીર્ણ સૂચિમાંથી શોધી શકાય. ‘પ્રકીર્ણ સૂચિ’માં ‘કદરદાની’ની એન્ટ્રી સામે ભારતભરમાં ગાંધીજીને જ્યાં પદવી, માનચાંદ કે માનદ્ સભ્યપદ મળ્યા હોય તેની તારીખ-સ્થળ વાર વિગતો મળી જાય, તો ‘નાટક’ ની એન્ટ્રી સામે ગાંધીજી ભારતમાં જ્યાં પણ નાટક-સિનેમા-સરકસ-નૃત્ય-સંગીત-ભજન વગેરેના કાર્યક્રમમાં ગયા હોય તેની માહિતી હાજર!
મુખ્ય દિનવારીમાં દરેક પાને મથાળે વર્ષ અને મહિનો હોય અને પાના પર તારીખની સામે ટૂંકમાં વિગત આપેલી હોય. જેમ કે, ૧૯૧૫-જાન્યુઆરી. ‘૧૬. મહેમદાવાદ. ગાડી આવે ત્યારે નડિયાદ હિંદુ અનાથાશ્રમના મંત્રીએ આશ્રમ અંગે માહિતી આપી.’

આ એન્ટ્રી પરથી ખબર પડે કે ભારત આવ્યા પછી મુંબઇથી પહેલી વાર અમદાવાદ જતા ગાંધીજી અમદાવાદથી પણ પહેલાં મહેમદાવાદ સ્ટેશને ઉતર્યા હતા.

પરંતુ આટલું પૂરતું નથી. આ વિગત ધરાવતા પાનાના નીચેના હિસ્સામાં ચંદુભાઇની સંપાદકીય નોંધ મળે કે ‘આ માહિતી કાઠિયાવાડ ટાઇમ્સમાંથી લીધી છે. નડિયાદમાં આવેલા અનાથાશ્રમના મંત્રી મહેમદાવાદ સ્ટેશને કેમ મળ્યા હશે એ સમજાતું નથી.’

ચંદુભાઇની ટકોરાબંધ સંશોધનવૃત્તિની ગવાહી આપતી આવી નોંધો પાને પાને મળી આવે છે. તેમાં એમણે ગાંધીજીના અંતેવાસી બની રહેલા મહાનુભાવોની ગાંધીજી સાથેની પહેલી મુલાકાતોની તારીખ નોંધી છે. ભારત આવ્યાના બીજા જ દિવસે થયેલી સ્વામી આનંદની મુલાકાત (તા.૧૦ જાન્યુઆરી, ૧૯૧૫)થી શરૂ કરીને કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાની, મામાસાહેબ ફડકે, મહાદેવભાઇ દેસાઇ, નરહરિભાઇ પરીખ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, ડો.સુમંત મહેતા, શંકરલાલ બેન્કર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા જેવાં નામો એ યાદીમાં આવી જાય. ચંપારણ સત્યાગ્રહના સાથી (અને આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્પતિ) રાજેન્દ્રપ્રસાદે તેમના પુસ્તકમાં ગાંધીજી-પ્રો.કૃપલાનીની પહેલી મુલાકાત પટણામાં થઇ હોવાનું લખ્યું છે, પણ એ બરાબર નથી એવું પૂરી નમ્રતા સાથે સંપાદક ચંદુભાઇ નોંધી શકે છે.

ટૂંકાં વાક્યોમાં પણ જરૂરી માહિતી કેવી રીતે સમાવી લેવી તેનો ‘દિનવારી’ આદર્શ નમૂનો છે. જેમ કે, ૧૯૧૫-મે-૨૦ની એન્ટ્રી છેઃ ‘નવા ઘેર (કોચરબ આશ્રમ) ટોપી પહેરીને વાસ્તુ કર્યું.’ ગાંધીટોપી પહેરેલા ગાંધીજીની જૂજ તસવીરો જોવા મળે છે એ ઘ્યાનમાં રાખતાં, આ નોંધમાં ‘ટોપી પહેરીને’ એ શબ્દોનું મહત્ત્વ સમજી શકાશે. ૧૯૧૮-ઓક્ટોબર-૫-અમદાવાદ સામે નોંધ છેઃ ‘મેલિન્સ ફૂડ લીઘું.’ પરંતુ એ પાનામાં નીચે ‘કલેક્ટેડ વર્ક્સ’ને ટાંકીને સંપાદકની વધારાની નોંધ છેઃ ‘ ૧૮-૨-૧૯૧૨ના રોજ પૌત્ર કાંતિને મેલિન્સ ફૂડ આપવામાં આવતું હતું તેનો વિરોધ કર્યો હતો.’
ગાંધીજીના જીવનની ઝીણી ઝીણી, પણ તેમની લાક્ષણિકતાઓનો પરિચય કરાવતી વિગતોથી આખું પુસ્તક છલકાય છે. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા)માં આજીવન સભ્યપદ માટે ૧૪ એપ્રિલ, ૧૯૧૬ના રોજ અરજી કરતાં ગાંધીજી લખે છે,‘હું પેટવડીએ કામ કરતો શિક્ષક છું, એટલે માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરનો શિક્ષક ગણાઊં એમ માનું છું. તેથી રૂપિયા પચીસ મોકલ્યા છે.’ સંપાદકની નોંધ પ્રમાણે, વિદ્યાસભાના આજીવન સભ્યપદની ફી રૂ.૫૦ હતી, પણ સ્ત્રીઓ અને માસિક રૂ.૩૦ સુધીના પગારના શિક્ષકો માટે રૂ. ૨૫ હતી. એટલે ગાંધીજીએ (પાછળથી આપવા માંડેલી વણકર અને ખેડૂતની ઓળખાણ પહેલાં) શિક્ષક તરીકે પોતાની ઓળખાણ આપી હતી. એ જ પાના પર ઘટનાક્રમની સર્કિટ પૂરી કરતાં ચંદુભાઇએ નોંઘ્યું છે કે ‘તા.૧૯મીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગાંધીજીને સંસ્થાના માનદ્ આજીવન સભ્ય બનાવ્યા અને એમણે
મોકલેલા રૂ.૨૫ તા. ૨૬-૪-૧૬ના રોજ પાછા મોકલ્યા.’
મુખ્યત્વે સૂચિના પુસ્તકમાં ગાંધીજીની વિચારપદ્ધતિ ઝીલવાનું અઘરૂં પડે અને પુસ્તકનો એ આશય પણ નથી. છતાં ગાંધીપ્રેમી અને આઝાદીની લડતમાં ત્રણ વખત જેલમાં જઇ આવેલા ચંદુભાઇએ ભારે ખંતથી તક હોય ત્યાં ગાંધીજીની વિચારપદ્ધતિ સચોટ રીતે મૂકી આપી છે. ૧૯૧૮-માર્ચ-૩- અમદાવાદની એન્ટ્રી એવું એક ઉદાહરણ છેઃ એક પત્રમાં લખ્યું, ‘વગર સમજે લોકો મારી પૂજા કરે એ કેવળ કંટાળારૂપ છે.’

મહાત્મામંદિરના રચયિતાઓને કામ લાગે એવી એક એન્ટ્રી ૧૯૧૯-એપ્રિલ-૧૫-અમદાવાદની છે : ‘હુલ્લડમાં જખમી થયેલાની ખબર કાઢવા સિવિલ ઇસ્પિતાલની મુલાકાત. કલેક્ટરને પત્ર- ‘હુલ્લડમાં કયા કયા અંગ્રેજ મરણ પામ્યા અગર ઘવાયા છે એ જણાવશો. જે રાહતફાળો શરૂ કરવામાં આવ્યો છે તેમાંથી એમને પણ રાહત આપી શકાશે.’

સારગ્રાહી, ઝીણી અને સ્વસ્થ સંશોધક નજર ધરાવતા ચંદુભાઇ (જન્મઃ૬ નવેમ્બર, ૧૮૯૯, મૃત્યુઃ ૨ માર્ચ, ૧૯૮૦) ૧૯૩૬માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ‘ડિપ્લોમા ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ ભણીને પહેલાં ગુજરાત વિદ્યાપીઠમાં અને પછીથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા. ‘આંકડાશાસ્ત્રનાં મૂળ તત્ત્વો’ અને ‘વ્યાપારી ભૂગોળ’ જેવાં પુસ્તકો લખનાર ચંદુભાઇએ કોર્પોરેશનમાંથી ચીફ ઓડિટર તરીકે નિવૃત્ત થયા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરફથી ‘સી.એ.’ની માનદ્ ડિગ્રી વડે સન્માનિત થયા.

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે તેમણે હાથ ધરેલું ‘ગાંધીજીની દિનવારી’નું મહાકાર્ય ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પ્રકાશિત થયું. ગુજરાતીમાં પહેલી આવૃત્તિ માર્ચ ૧૯૭૦માં (૧૧૦૦ નકલ) અને બીજી સંવર્ધિત આવૃત્તિ છેક ૧૯૯૦માં (૧૫૦૦ નકલ) થઇ, જે ગાંધી આશ્રમમાં હમણાં સુધી મળે છે. આવું ઉત્તમ પુસ્તક છે અને ઉપલબ્ધ છે, તેની ઘણા વાચનપ્રેમીઓને ખબર જ ન હોય અને તેની હજુ સુધી પૂરી ૨૫૦૦ નકલ પણ વેચાઇ ન હોય, તે ‘દિનવારી’માં ન નોંધાયેલી શરમજનક માહિતી છે.

4 comments:

 1. ગાંધીજી વિષે સરસ માહિતી એકથી કરી છે એ પુસ્તકમાં. મેં એ જોયું છે. ખાસ તો માહિતીની બાબતમાં ચોકસાઈ કેવી હોઈ શકે એ જોવા પણ પુસ્તકના પાનાં ફેરવવા રહ્યા.

  ReplyDelete
 2. Anonymous6:43:00 PM

  બિલકુલ સંમત.
  તમારા થકી આ પુસ્તક મેળવ્યા પછી હું લગભગ રોજ પાંચ-સાત પાના ઝીણવટપૂર્વક વાંચતો રહું છું અને પાને પાને અનેક વિષયોની, અનેક સંશૉધનોની દિશાઓ ખૂલી જતી અનુભવાય છે. ૨૬ જાન્યુઆરી સંબંધિત મારા લેખમાં "ગાંધીજીની દિનવારી" થકી ખાસ્સી સહાય મળી હતી.
  આ પુસ્તક એટલું અણમોલ છે કે "મેકિંગ ઓફ ધ બુક" જેવું બીજું એક પુસ્તક બને તો એ પણ ખૂબ જ રસપ્રદ હોય. લેખકે માત્ર એક મહિનાની દિનવારી લખવા માટે કેટલી મહેનત કરી હશે, કેટલાં સંદર્ભો ઉથલાવ્યા હશે, શબ્દશઃ કેવા ફિફાં ખાંડ્યા હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. વિગત અને સંદર્ભથી પ્રચૂર આ પુસ્તકનો જોટો ન જડે.
  એક કરવા જેવો પ્રયોગ છે. મહાદેવભાઈની ડાયરી વાંચતા જઈએ અને સાથેસાથે દિનવારીના સંદર્ભો ચકાસતા જઈએ તો ગાંધીજી હોવાના અનેક અર્થો ઊઘડતા જાય છે.
  આવું મૂલ્યવાન (અને હવે દુર્લભ થઈ રહેલું) પુસ્તક ભેટ આપીને તમે મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે.
  - ધૈવત ત્રિવેદી

  ReplyDelete
 3. Punit Kohar3:04:00 AM

  Urvish,
  Do you know why much more people go to Essel World than to Sabarmati Ashram?!
  - Punit

  ReplyDelete
 4. Binit Modi (Ahmedabad)10:20:00 AM

  પ્રિય ઉર્વીશ,
  ગાંધીજીની દિનવારી પુસ્તકનો અલગ અંદાજથી પરિચય કરાવવા બદલ આભાર. આ પુસ્તક ગાંધી આશ્રમના વેચાણ કેન્દ્ર પર નિયમિતપણે મળતું નથી. અગાઉ મંગાવેલી નકલો ખલાસ થાય પછી જ તે તેના પ્રકાશક એવા ગુજરાત સરકારના માહિતી ખાતાના વેચાણ કેન્દ્ર પાસેથી મેળવવામાં આવે છે. ગાંધી આશ્રમના સંચાલકો પુસ્તકનો ઓર્ડર કરે અને માહિતી ખાતાના વેચાણ કેન્દ્ર પાસે માણસ કમ વાહનની વ્યવસ્થા થવાનો અદભૂત સંયોગ સર્જાય ત્યારે તેની નકલો પહોંચે.
  આ સિવાય પણ જેમને ગાંધીજીની દિનવારી પુસ્તક ખરીદવું છે તેવા અમદાવાદના કે તેની આસપાસના વાચકો માટે આ રહ્યો એક સરળ રસ્તો. અમદાવાદના પ્રખ્યાત એવા પ્રેમાભાઈ હોલ પાસે આવેલા ભદ્રકાળી માતાના મંદિરની બાજુમાં આવેલા આઝમખાન પેલેસ સ્થિત સરકારી પુસ્તક ભંડાર (ગવર્નમેન્ટ બુક ડેપો)માં રૂપિયા ૭૦/- ચૂકવતા આ પુસ્તક હાલ તો સહેલાઈથી ઉપલબ્ધ છે. ખરીદવા જવા માગનારને વિનંતી કે જતા પહેલા ફોન નંબર (079) 2550 7824 પર એ માટેની જાણ પુસ્તક ભંડારના સંચાલક શ્રી સવિતાબહેનને કરે. એટલા માટે કે ૧૯૯૦માં પ્રકાશિત થયેલા આ પુસ્તકની વધેલી નકલને વેચવા માટે માળિયા પરથી ઉતારીને તેના બંડલ પર ચઢેલી ધૂળ ખંખેરવાની હોય છે. એ માટે પણ સમય આપવો રહ્યો એથી ફોન અવશ્ય કરવો. આભાર.
  બિનીત મોદી (અમદાવાદ)
  Mobile : 9824 656 979
  E-mail: binitmodi@gmail.com

  ReplyDelete