Friday, February 11, 2011

વિચારનિષ્ઠ, વિચારપ્રેરક, વિચારકર્મી : પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’



Binit Modi presenting a copy of both the books to Sam Pitroda. Ahmedabad, 13-1-11

Sam Pitroda happily posing with the English title. He gratefully remembered towering intellectual Raojibhai Patel'Mota''s contribution to his life

વર્તમાન ગુજરાત અને ગુજરાતીમાં વિચારક, ચિંતક, ફિલસૂફ, નિબંધકાર અને ચોકલેટી લેખક વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાઇ ગઇ છે. એકબીજાની અવેજીમાં આ શબ્દો ખોટી રીતે અને છૂટથી વપરાય છે. સીમ-ગામ-વસંત-વેલેન્ટાઇન-કોયલ-આંબા-હિંચકા-ઉપનિષદ-ગાંધી-ઇશ્વર જેવા વિષયોની ભેળપુરી પર ઉછીનાં અવતરણોનો મસાલો ભભરાવેલી ચીજો ‘ચિંતન’ના નામે ચપોચપ ઉપડી જાય છે. અક્ષરજ્ઞાન ધરાવતો કોઇ પણ જણ ગઝલકાર ન હોય તો એ ચિંતક હોવાનો ભય રહે છે. આ વાતાવરણમાં ‘મોટા’ તરીકે જાણીતા પ્રો.રાવજીભાઇ પટેલની ઓળખ ‘ચિંતક’ કે ‘ફિલસૂફ’ તરીકે આપવામાં જોખમ તો ખરૂં જ.

કોણ હતા રાવજીભાઇ ‘મોટા’, જેમને પ્રો.રજની કોઠારી જેવા ખ્યાતનામ અભ્યાસી-બૌદ્ધિક અને રાષ્ટ્રિય સ્તરે નોંધપાત્ર પ્રદાન કરનારે પોતાના ‘એન અર્લી કેટલિસ્ટ’(આરંભકાળના ઉદ્દીપક) તરીકે ઓળખાવ્યા હતા અને પોતાનું પુસ્તક ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’ તેમને અર્પણ કર્યું હતું? કોણ હતા મોટા, જેમને પ્રો.ભીખુ પારેખે સોક્રેટિસ સાથે સરખાવ્યા અને જેમના ઘરને ‘વૈકલ્પિક વિશ્વવિદ્યાલય’ ગણાવ્યું હતું? અને જેમના ગુરૂભક્તિ વગરના શિષ્યવૃંદમાં પ્રો.ડી.એલ. (ધીરૂભાઇ) શેઠથી માંડીને ધવલ મહેતા જેવાં બૌદ્ધિક જગતનાં અનેક મોટાં નામનો સમાવેશ થાય છે એ ‘મોટા’નું નામ સાંભળીને મોટા ભાગના ગુજરાતીઓના મનમાં પરિચયનો ભાવ કેમ પ્રગટતો નથી?

આ સવાલોમાંથી ઘણાના જવાબ પ્રો.રાવજીભાઇ પટેલ (૧૯૧૨-૨૦૦૨)ના ચરિત્રના સંકલિત અંશોમાંથી મળી આવે છે. (‘ક્રાંતિકારી વિચારક’, લેખન-સંપાદનઃ બીરેન કોઠારી)મોટાના પ્રખર બૌદ્ધિક વ્યક્તિત્વ અને વિચારવફાઇનો બહુઆયામી પરિચય આ પુસ્તકમાંથી થાય છે, જે તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાતનો અહેસાસ કરાવે એવો છે. ‘ક્રાંતિકારી વિચારક’ ઉપરાંત મોટાનાં અંગ્રેજી લખાણોનું પુસ્તક ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ રાવજીભાઇ પટેલ (સંપાદકઃ બિપિન શ્રોફ) મોટાના પરિવાર તરફથી ‘પ્રો.રાવજીભાઇ પટેલ મેમોરિયલ કમિટી’ દ્વારા પ્રકાશિત થયું છે. આ બન્ને પુસ્તકો ત્રણ-ચાર દાયકા પહેલાંના ગુજરાતની વિચારસમૃદ્ધિની યાદ તાજી કરી આપે છે.

મહેસાણાના દહેગામ જેવા સાવ નાના ગાયકવાડી ગામમાં જન્મેલા અને ગણિત સાથે (૧૯૩૮માં) એમએસ.સી. થયેલા રાવજીભાઇ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગણિત શીખવતા હતા, પણ ગણિત તેમના માટે વ્યવસાય નહીં, પ્રેમ હતો. તેમનું ગણિત વિશેનું એક પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તરીકે મુકાયું હતું. છતાં એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણને લીધે ૧૯૫૧માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયેલા મોટા ૧૯૭૨માં નિવૃત્ત થયા લેક્ચરર જ રહ્યા હતા!

મોટાની મુખ્ય ખ્યાતિ જોકે ગણિતશાસ્ત્રી કે અઘ્યાપક કરતાં પણ વધારે એક વિચારક-ફિલસૂફ તરીકેની રહી. કાર્લ માર્ક્સ અને પછીથી માનવવાદના પ્રણેતા એમ.એન.રોયના વિચારોથી મોટા આકર્ષાયા હતા, પણ ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર, ધર્મ જેવા વિષયોનું બહોળું અને સ્વતંત્ર બુદ્ધિ સહિતનું વાચન ધરાવતા મોટા કોઇની કંઠી બાંધી શક્યા નહીં. કોઇ સત્તાનો કે વિચારનો આંખ મીંચીને સ્વીકાર કરવાનું મોટાના સ્વભાવમાં ન હતું. તેમની આ લાક્ષણિકતાનો સૌથી મોટો ફાયદો દોઢેક દાયકા દરમિયાન ‘રેનેસાં ક્લબ’ના નામે મળતા અનૌપચારિક ચર્ચાવર્તુળના સભ્યોને મળ્યો. પ્રો.રજની કોઠારી અને પ્રો.ભીખુ પારેખ જેવા તેજસ્વી અઘ્યાપકોથી માંડીને ધીરૂભાઇ શેઠ, ધવલ મહેતા, પ્રકાશ દેસાઇ જેવા કેટલાક વિદ્યાર્થીઓ ‘રેનેસાં ક્લબ’ નિમિત્તે, મોટાના ઘરમાં બેસીને, તેમનું આતિથ્ય માણતાં તેમની જ સાથે ગરમાગરમ સૈદ્ધાંતિક ચર્ચાઓ કરી શકતા હતા. મોટા એવા વડીલ હતા જેમની સામે ઘુમ્રપાન-મદ્યપાન કરી શકાય. એ વાતમાં મહત્ત્વ દારૂ-સીગરેટ પીવાનું નહીં, પણ પ્રચંડ બૌદ્ધિક અને પિતૃવત્ વડીલ તરફથી મળતી મોકળાશનું છે.

સાચા બૌદ્ધિકે સતત પોતાના વિચારો ચકાસતા રહેવું જોઇએ અને ભલભલા વિચારવિરોધી સાથે પણ સૌજન્યપૂર્વક, મુદ્દાસર ચર્ચા કરવાની હોંશ રાખવી જોઇએ, એવો પાઠ ‘રેનેસાં ક્લબ’માં આવતા સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે અંકે કર્યો અને પોતે જ્યાં ગયા ત્યાં યથાશક્તિ, યથામતિ તેનો પ્રસાર કર્યો. દિલ્હીના ‘સેન્ટર ફોેર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ના પ્રો.ધીરૂભાઇ શેઠે નોંઘ્યું છે તેમ, ‘મોટાએ તેમના સંપર્કમાં આવનારાઓના જીવનમાં જે વૈચારિક પ્રદાન કર્યું છે તે એટલું પ્રચંડ છે કે ઘણી વખત ઘણા લોકોને તેનો સ્વીકાર કરવામાંય પોતાનું પ્રદાન ઓછું અંકાઇ જવાની બીક લાગે.’

‘રેનેસાં ક્લબ’ના એક સભ્ય કુંતલ મહેતાએ મોટાને તેમની ઉત્તરાવસ્થામાં પૂછ્યું હતું, ‘આપણા ગુ્રપમાંથી ક્રાંતિકારી મિજાજ અને આઘુનિક સત્યને વળગી રહેવાનો જુસ્સો તમે કોનામાં જુઓ છો?’ ત્યારે મોટાનો જવાબ હતો, ‘કોઇનામાં નહીં...પણ માત્ર વિદ્વાન એકેડેમીશ્યન થવાને બદલે આગવા વિચારોથી પ્રભાવિત થયેલી તમારી એક બૌદ્ધિક પેઢી ઉભી થઇ છે તેનો મને સંતોષ છે.’

સાઠના દાયકામાં અઘ્યાપક જગતમાં સ્થાપિત હિતોની ખટપટ વધવા લાગી, ત્યારે મોટાએ ૧૯૬૬માં ‘બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન’ (બુટા)ની સ્થાપના કરી. ગુજરાત યુનિવર્સિટીનું ‘ગુટા’ ત્યાર પછી રચાયું. શરૂઆતમાં ‘બુટા’ના પ્રમુખ બનવા માટે પણ કોઇ જલ્દી તૈયાર ન થાય એવી સ્થિતિ હતી. સત્તાધીશોની આંખે કોણ ચડે? ત્યારે મોટા પોતે તેના પહેલા પ્રમુખ બન્યા. અઘ્યાપકોનાં એ સંગઠન છેવટે રાજકારણનો અખાડો બની ગયાં એ જુદી વાત છે, પણ રાવજીભાઇએ ‘બુટા’ની રચના કરી, ત્યારે ઘણા અઘ્યાપકોમાં નવી ચેતનાનો સંચાર થયો હતો.

મોટાની ખૂબી એ હતી કે તે ફક્ત ખુરશીબંધા-ખુરશીખંધા (આર્મચેર) વિચારક ન હતા. ‘બુટા’ના સ્થાપનાના બે દાયકા પહેલાં તે જાહેર જીવનના અગ્રણી અને નામી વકીલ ચંદ્રકાંત દરૂ સાથે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા. ચંદ્રકાંત દરૂ ઘણી વાર કહેતા કે ‘મટીરિયાલિઝમ અને ફિલોસોફીમાં રાવજીભાઇની કક્ષાનો કોઇ ઇન્ટલેક્ચુઅલ અત્યારે દેખાતો નથી.’ પરંતુ ઈંદિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટી વખતે મોટા અને દરૂના રસ્તા ફંટાયા. મોટા કટોકટીના તરફી અને જયપ્રકાશ નારાયણની ચળવળના વિરોધી હતા, જ્યારે દરૂ કટોકટીના કટ્ટર ટીકાકાર.

પ્રો.ધીરૂભાઇ શેઠે ‘ક્રાંતિકારી વિચારક’માં મોટાના કટોકટીતરફી વલણનું કારણ આ શબ્દોમાં આપ્યું છેઃ ‘મોટા માનતા કે રાજ્યનો વિકાસ અને પ્રગતિ કે આઘુનિકીકરણ રાજસત્તા જ કરી શકે છે. આ બાબતે તેમનો અતિશય આશાવાદ જવાબદાર હતો. એમને સદાય લાગતું કે કશે નહીં તો ગુજરાત પુરતું જનસંઘનું (ભાજપના માતૃપક્ષનું) રાજ આવી જશે અને રાજ્ય ફરી એક વખત એ જ પરંપરા અને સંકુચિતતા તરફ ધકેલાઇ જશે. આ પરિસ્થિતિ નિવારવા માટે તે ઈંદિરા ગાંધીની તરફેણ કરતા હતા.’

મોટા તેમની ઉત્તરાવસ્થામાં ‘સ્ટેલિનિસ્ટ’ (સ્ટેલિનવાદી- રાજ્યની સત્તામાં વઘુ પડતી શ્રદ્ધા ધરાવનારા) થયા હોવાની છાપ પ્રો.ઘનશ્યામ શાહ જેવા ઘણા અભ્યાસીઓની હતી. છતાં, મોટાની વૈચારિક નિષ્ઠા માટે કોઇના મનમાં શંકા ન હતી. ઘનશ્યામભાઇ કહે છે, ‘રાજ્યસત્તા થકી કામ થઇ શકે એવું તે મક્કમતાપૂર્વક માનતા હતા અને એ પ્રમાણે વર્તતા હતા. એટલે કટોકટી હોય કે નર્મદા આંદોલન વખતે ચીમનભાઇ પટેલની સરકાર દ્વારા મણિબેલીમાં થયેલું પોલીસદમન, મોટા તેમાં સરકારપક્ષે રહ્યા. તેમના વલણ સાથે અસંમત હોવા છતાં એટલું માનવું પડે કે તેમના આ નિર્ણય પાછળ કોઇ પણ જાતનો તકવાદ કે સરકાર પાસેથી લાભ ખાટી લેવાની વૃત્તિ ન કારણભૂત ન હતાં.’ સુરત યુનિવર્સિટીને પ્રો.ઉપેન્દ્ર બક્ષી અને એમ. એસ.યુનિવર્સિટીને પ્રો.ભીખુ પારેખ જેવા વિદ્વાન વાઇસ ચાન્સેલર મળ્યા, તેમાં પણ મોટાની ભૂમિકા નોંધપાત્ર હતી.

ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી સવાલો પૂછવાને બદલે સરકાર કે કથાકારના કૃપાપાત્ર બનીને મોક્ષ મેળવવાની મોસમ ચાલે છે, યુનિવર્સિટીઓમાં શિક્ષણ સિવાયનું બઘું જ ધમધમે છે, ભિન્ન મત ધરાવનાર પર ગુજરાતદ્રોહીથી માંડીને રાજદ્રોહી સુધીનાં લેબલ લગાડી દેવાય છે ત્યારે જેનામાં બૌદ્ધિક અજંપો હોય, બૌદ્ધિકતા જેના માટે વ્યક્તિગત કલ્યાણની નહીં, પણ લોકહિત માટેની જણસ હોય, જે સવાલો ઉઠાવે, માનવવાદ અને સમાનતા જેવા આદર્શ સ્થાપિત કરે અને વાસ્તવિક પરિસ્થિતિનું કડક પૃથક્કરણ કરે એવા - બીજા શબ્દોમાં કહીએ તો મોટા જેવા- ગુરૂપણા વગરના ગુરૂજનની ભારે ખોટ સાલે છે.

'Socrates' for the likes of Prof. Rajani Kothari, Prof.Dhirubhai (D.L.) Sheth, Prof.Sam Pitroda, Prof. Bhikhu Parekh, Prof.Dhaval Maheta, Raojibhai Patel 'Mota''s body of work as well as life has been compiled into two volumes.

For further details, contact :
biren kothari : birenkamini@yahoo.com
bipin shroff : shroffbipin@gmail.com, bipin_shroff@yahoo.com

3 comments:

  1. aapdi vaat thai hati te j article chhe....

    ReplyDelete
  2. ૧૯૫૮માં પ્રી સાયન્સમાં -એમ એસ યુનિ.માં હતો ત્યારે મારા માસા મહેન્દ્રપ્રસાદની ભલામણથી શ્રી મોટા મને પોતાને ત્યાં મેથેમેટિક્સનું ટ્યુશન આપતા હ્તા-સત્તર વરસના છોકરાને માટે તો તે ફિલોસોફર કરતાં "સાહેબ" વધારે હતા- મારી સાથે ખૂબ હોશિયાર વિદ્યાર્થી "મહેતા" હતો.મોટા એના વખાણ કરતા અને મને કહેતા કે મહેતાનું જોઇને તો શીખ?-જે હોય તે પછી હું પાસ તો થયો.
    તમારા લેખથી યાદો તાજી થઇ. ધન્યવાદ.

    ReplyDelete
  3. Anonymous3:31:00 PM

    બીરેનભાઈ સંપાદિત પુસ્તક એક રાતે સહેજ નજર ફેરવવા જ ખોલ્યું હતું અને પૂરું કર્યા પછી જ મૂકી શક્યો હતો. રાવજીભાઈ પટેલ - મોટા વિશે જાણ્યા પછી, આ પુસ્તક પૂર્વે, તદ્દન અજાણ હોવાનો મને આઘાત લાગ્યો હતો. આ માટે બીરેનભાઈનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે. અનુકૂળતાએ એમને વ્યક્તિગત અભિપ્રાય આપવાની પણ હાર્દિક ઈચ્છા છે.
    મોટાના બધા જ વિચારો સાથે સંમત ન થઈ શકાય તો પણ તેમની વિરાટ પ્રતિભાનો પ્રભાવ તો જરૂર અનુભવાય. રેડિકલ હ્યુમનિઝમ, સ્તાલિનવાદ અને કટોકટીનું સમર્થન જેવા ત્રણ અલગ દિશાના અંતિમો પર ઊભા રહેવાનું પણ અપથ્ય જ લાગે. પરંતુ વિચારતા કરવાની તેમની પધ્ધતિ તો આજે આપણે સૌ કોઈ પણ અપનાવી શકીએ - અપનાવવી જ જોઈએ.
    એક આડવાત,
    આ પુસ્તક વાંચ્યું તેના તરતના દિવસોમાં જ બુટાના હાલના એક ઉચ્ચ પદાધિકારી સાથે ફોન પર અન્ય કારણસર વાત થઈ. એમનો મને જુનો (અને પૂરેપૂરો!) પરિચય, પણ મોટા વિશે એમણે કદી કોઈ ઉલ્લેખ કરેલો નહિ. એટલે મેં સહજ ફરિયાદના ટોનમાં કહ્યું, "તમે યાર, મને કદી તમારા બુટાના સ્થાપક પ્રમુખ વિશે વાત જ ન કરી. મને હમણાં ખબર પડી કે એ તો બહુ જ રસપ્રદ વ્યક્તિ હતા.."
    એમણે જવાબ વાળ્યો, "રસપ્રદ-બસપ્રદ તો ઠીક મારા ભાઈ, પણ ચક્રમ તો હતા જ!"
    આપણી કમનસીબી છે કે આવા "ચક્રમો"ને તેમનાં જીવતા આપણે ચક્રમ તરીકે જ ઓળખતા રહીએ છીએ ત્યારે મોટાની-ભલે મરણોપરાંત પણ ખરી ઓળખ આપવા માટે બીરેનભાઈને ધન્યવાદ.
    - ધૈવત ત્રિવેદી

    ReplyDelete