Wednesday, February 16, 2011

સેલોટેપનો છેડોઃ ઢૂંઢો રે સાજના ઢૂંઢો

દુનિયામાં અઘરાં કામનો પાર નથીઃ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણવાનું અઘરૂં લાગે છે ને (મોટા ભાગના) શિક્ષકોને સ્કૂલમાં ભણાવવાનું. નેતાઓને ચૂંટાવાનું અઘરૂં લાગે છે ને પ્રજાને ચૂંટાયેલા નેતાઓના રાજમાં જીવવાનું. સામાન્ય માણસને બે છેડા ભેગા કરતાં મોઢે ફીણ આવે છે ને માલેતુજારોને અઢળક રૂપિયાનો વહીવટ કરતાં નાકે દમ આવે છે. કાર્યકરોને મંત્રી બનવાનું, મંત્રીને મુખ્યમંત્રી બનવાનું અને મુખ્ય મંત્રીને વડાપ્રધાન બનવાનું કઠણ લાગે છે, તો વડાપ્રધાનને શાંતિથી રાજ કરવાનું ભારે લાગે છે. પ્રેમીઓને પ્રેમનો એકરાર કરવાનું અઘરૂં લાગે છે ને પ્રેમનો ઇન્કાર સાંભળવાનું પણ વસમું લાગે છે. લેખકોને સારૂં લખવામાં મુશ્કેલી પડે છે ને તેના કારણે જે કંઇ લખાય, તે વાંચવાનું વાચકોને કાઠું પડે છે.

જ્યાં જ્યાં નજર પડે ત્યાં સંસાર અઘરાં કામોથી ઉભરાય છે. એવું એક અઘરૂં કામ છેઃ સેલોટેપના રોલમાં ખોવાયેલો તેનો છેડો શોધવાનું. કબૂલ કે એ કામ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવા જેટલું અઘરૂં નથી. પણ લાલચોકમાં તિરંગો લઇને જવાના ન હોય એવા મોટા ભાગના લોકોને તે એનાથી પણ વધારે અઘરૂં લાગી શકે છે.

દૂધમાં સાકરની જેમ, સાહિત્યમાં રાજકારણની જેમ કે રાજકારણમાં ગુંડાઓની જેમ સેલોટેપનો છેડો તેના રોલમાં ભળીને એકરૂપ થઇ ગયો હોય છે. તેને શોધી કાઢવાનું, ખાસ કરીને લાંબા નખ ન હોય એવા લોકોને, ખાસ્સું કષ્ટદાયક, કસોટીરૂપ અને અઘરૂં લાગી શકે છે. ધારો કે કોલંબસને નખ ન હોત તો એણે અમેરિકા શોધી કાઢ્યું હોત, પણ સેલોટેપનો ચોંટી ગયેલો છેડો શોધવામાં તે ફાવ્યો હોત કે કેમ એ સવાલ.

રમખાણોની પરિભાષાથી પરિચિત ગુજરાતના લોકો જાણે છે કે કોઇ વસ્તુ ગમે તે ભોગે, ગમે તેના ભોગે શોધવાની હોય ત્યારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. તેમાં હથિયારધારીઓ સંભવિત ઠેકાણાંનો ખૂણેખૂણો ફેંદી વળે છે. શબ્દાર્થમાં નખવિહોણા હોય એવા સજ્જનોને સેલોટેપની જરૂર પડે, ત્યારે તે સૌથી પહેલાં તેનો મોટો રોલ હાથમાં પકડે છે અને એવી રીતે ગોળ ગોળ ફેરવી જુએ છે, જાણે એમ કરવાથી છેડો આપમેળે ઉખડી પડવાનો હોય. હકીકતે, આ પ્રક્રિયા સેલોટેપના રોલનું સરસરી નજરે નિરીક્ષણ કરવાની હોય છે, જેથી તેની સપાટીની ભૂગોળથી અને છાપો મારવાની સંભવિત જગ્યાઓથી પરિચિત થઇ શકાય.

બે-ચાર વાર આ રીતે રોલ હાથમાં ફેરવ્યા પછી, વઘુ સમય આ ક્રિયા ચાલુ રહેશે તો ‘સમાજ’માંથી (એટલે કે કુટુંબીજનો તરફથી) મહેણાંટોણાં ચાલુ થઇ જશે, એમ વિચારીને તે આંગળીનાં બુઠ્ઠાં ટેરવાં સેલોટેપના રોલમાં ખુંપાવી જુએ છે. નખ વિનાનાં આંગળીનાં ટેરવાં ગઝલનો વિષય બન્યા સિવાય બીજાં કામમાં બહુ આવતાં નથી. એટલે ટૂંક સમયમાં નખવિહોણાઓમાં નિરાશા ઘર કરવા માંડે છે. ‘હું રીંછ હોત તો ઘડીના છઠ્ઠા ભાગમાં ટેપનો છેડો શોધી નાખ્યો હોત’ એવી કલ્પનાઓ તેના મનમાં રમવા માંડે છે, પણ કોઇ મદારી ‘સેલોટેપ ઉખાડતું રીંછ’ બતાવીને પોતાની પાસે ખેલ કરાવતો હોત, એવી કલ્પના પણ સાથે ચડી આવતાં, તે વાસ્તવની ધરતી પર પાછો ફરે છે અને ‘નખ નથી? કંઇ નહીં. મગજ તો છે ને’ એવો ઉત્ક્રાંતિનો બોધપાઠ યાદ કરે છે.

મથામણ કરનાર જણ પરણીત નર હોય, તો તેની પત્ની અમેરિકા જેવી ઉદારતાથી મદદ કરવાની ઓફર કરે છે. (વહુ માટે જૂના જમાનાની સાસુઓ ‘વીસનહોરી’ એવો શબ્દપ્રયોગ કરતી હતી, એ તેને યાદ આવે છે.) પત્નીના નખ અને નહોરની શક્તિઓથી તથા આંતરરાષ્ટ્રિય રાજકારણથી પરિચિત પતિ મનોમન સમજે છે કે અમેરિકાની મદદ કદી બિનશરતી હોતી નથી. કાંડાઘડિયાળ ભેટમાં આપ્યા પછી તે કાંડુ માગી શકે છે. આ બધા વિચારોમાં ને વિચારોમાં પોતાને સેલોટેપનો છેડો જડતો નથી, એવું આશ્વાસન તે લે છે- અને છેડો ન જડવાને પોતાના વિચારક હોવાની નિશાની ગણીને થોડો રાજી પણ થાય છે.

દરમિયાન, સહાયના પ્રસ્તાવો વધી પડતાં, તે નન્નો ભણીને ‘નખથી નહીં તો સાધનથી, પણ છેડો તો હું જ શોધીશ’ એવી પ્રતિજ્ઞા સાથે તે ઉભો થાય છે. રણે ચડેલા રજપૂતની જેમ કાતર, ચપ્પુ, બ્લેડ, પેપરકટર જેવાં આયુધોમાંથી હાથે ચડે તે હથિયાર ધારણ કરીને તે ફરી સેલોટેપનો રોલ હાથમાં પકડે છે. બ્લેડની કે કટરની અણી સેલોટેપના રોલની ધાર પર ધીમે ધીમે સરકાવીને ‘ક્યારે ખટકો લાગે અને હું છેડો શોધી કાઢું’ એની પ્રતીક્ષા કરે છે, પરંતુ આખા રોલનાં બે-ત્રણ રાઉન્ડ પૂરાં થઇ ગયા પછી પણ અણીને તો નહીં, પણ શોધનારને ખટકો લાગે છેઃ ‘ક્યારનો હું અણી ફેરવું છું ને છેડો પકડાતો જ નથી. ક્યાં ગયો?’

આદત પ્રમાણે પત્ની કે બાળકોને ઉદ્દેશીને ઘાંટો પાડવાનું મન થઇ આવે છે કે ‘ક્યાં મૂકી દીધો તમે લોકોએ આનો છેડો! તમારા કોઇ કામમાં ભલીવાર જ ન મળે.’ પણ પછી યાદ આવે છે કે સેલોટેપ મોટે ભાગે પોતે જ વાપરવાની થાય છે અને તેનો છેડો રોલની બહાર સંતાડવાનું કોઇ ઇચ્છે તો પણ શક્ય નથી. એટલે ઘાંટાઘાંટનો કાર્યક્રમ માંડવાળ કરીને તે વધારે જોશથી રોલમાં અણી ખુંપાવે છે. તેને લીધે થોડી ટેપ ઊંચી થાય છે, પણ તેને બહાર ખેંચતાં સમજાય છે કે આ તો અધવચ્ચે કાપો પડ્યો. હવે અસલી છેડા સુધી પહોંચીને ટેપ તૂટી જશે અને ટેપનો આટલો ટુકડો બગડશે.

ટેપ એકવાર તૂટવાની શરૂઆત થાય, એટલે તે હાથે ચોંટવા માંડે છે. હાથે ચોંટેલી ટેપનો મુખ્ય ગુણધર્મ એ છે કે તેને જેમ ઉખાડવા જાવ, જેમ હડઘૂત કરો તેમ, એ વધારે ચોંટતી આવે. એમાં પણ ટેપના બે-ચાર ટુકડા સાથે થઇ ગયા તો ખલાસ. ફેસબુક પરની ચેટની જેમ, એક ઉખાડો ને ત્રણ ચોંટે.

ઘુંધવાયેલો જણ સેલોટેપના વિકલ્પો શોધવા પ્રવૃત્ત થાય અને ગુંદર કે ફેવિકોલ લઇ આવે ત્યારે તેની હાલત ૧૦૦ ફટકા કે ૧૦૦ કાંદા ખાવાની સજા જેવી થાય છેઃ ફેવિકોલ સુકાયેલો છે. મંગળના ખડકો વચ્ચે રહેલા પાણીના અણસારની જેમ, સુકાયેલી પોપડીઓ વચ્ચે ક્યાંક ક્યાંક પ્રવાહીસ્વરૂપ હોવાનો ભાસ થાય છે, પણ તેને હસ્તગત કરવાનું અઘરૂં લાગે છે. ગુંદરની પીંછી અંદર પડી ગયેલી હોય છે. એને બહાર કાઢવા જતાં હાથ બગડે છે. બગડેલા હાથે ગુંદર લગાડવાનો થતાં, જે જગ્યાએ ગુંદર લગાડવાનો હોય તેના સિવાય બાકી બઘું ગુંદરવાળું થાય છે. તેને લૂછવા જતાં બઘું ભીનું થાય છે, કકડો બગડે છે અને એ કકડો ચાની તપેલીમાં લાગતાં ત્યાં પણ ગુંદર ચોંટે છે.

‘હવેથી સેલોટેપનો છેડો શોધતાં પહેલાં ચોઘડિયું જોઇ લેવું પડશે’ એમ વિચારીને તે ફરી સેલોટેપનો રોલ હાથમાં લે છે. સેલોટેપ રોલનાં સ્ટેન્ડ નીકળ્યાં છે. ઘરમાં એવું એક સ્ટેન્ડ પડેલું હોય છે, પણ કાયમ માટે લટકી રહેવાનું સેલોટેપની પ્રકૃતિમાં નથી. સ્ટેન્ડની દાંતાદાર સપાટી પરથી તે કાળક્રમે ઘણીવાર ઉખડીને પાછી રોલમાં વિલીન થઇ જાય છે. એટલે પોતાના નસીબમાં રોલમાંથી છેડો શોધવાની મહેનત લખાયેલી છે, એવો વિચાર દૃઢ બને છે.

થોડા નિષ્ફળ પ્રયાસો પછી, ‘પત્નીની મદદ લેવામાં બાધ નહીં. એમાં નીચા ના પડી જવાય.’ એવું પરાજયપ્રેરિત બ્રહ્મજ્ઞાન લાધતાં તે મદદ માટે માગણી કરે છે. અગાઉ સામેથી મુકાયેલી દરખાસ્તનો એક વાર ઇન્કાર થઇ ચૂક્યો હોવાથી, પત્ની હૃદયપરિવર્તનનું કારણ જાણવા માગે છે. બીજું કંઇ ન જડે ત્યારે સંસ્કૃત ઠપકારી દેવાની ભારતીય પરંપરા પ્રમાણે પતિ સપ્તપદીના ફેરાની યાદ અપાવીને ‘સહનાવવતુ, સહનૌભુનક્તુ, સહવીર્યંકરવાવહૈ..’ આવડે એવું બોલી જાય છે અને સાહચર્યની ભાવના કેટલી ઉદાત્ત છે તેનો ખ્યાલ આપે છે.

સમાજસુધારકના ઓતારમાં આવીને પતિ કહે છે, ‘નવા જમાનામાં સપ્તપદીમાં પણ ફેરફાર કરવો જોઇએ. પત્નીએ ફેરો ફરતી વખતે કહેવું જોેઇએ કે હે મારા સાથી, જ્યારે તારાથી સેલફોનની ટેપનો છેડો નહીં નીકળે ત્યારે હું, તારી સહચરી, મારા સગ્ગા નખ વડે એ છેડો કાઢી આપીને તારૂં અટકેલું કામ આગળ ધપાવી આપીશ...સ્વાહા...હે મારા સાથી, જ્યારે તારા એક્ટિવામાં પેટ્રોલ ખાલી થઇ ગયું હશે ને તારે જવાની ઉતાવળ હશે, ત્યારે હું મારી આવડતનો અને સામેવાળાના સ્ત્રીદાક્ષિણ્યનો ઉપયોગ કરીને ડબ્બામાં પેટ્રોલ લાવી આપીશ..સ્વાહા.’

પરંતુ પત્ની સુધારેલી સપ્તપદી તરફ ઘ્યાન આપવાને બદલે કાચી સેકંડમાં એક નખ મારીને, સેલોટેપનો ચોંટેલો છેડો ઉંચો કરી આપે છે. એ સાથે જ પતિને સ્વાવલંબનનો એટેક આવે છે. ‘બસ, બસ. મારે આટલું જ જોઇતું હતું. હવે તું રહેવા દે. હું કરી લઇશ.’ પણ એ ઉતાવળની ખેંચતાણમાં ફરી ટેપનો છેડો ચોંટી જાય છે.

ત્યારે પતિને સમજાય છે કે છેડો મેળવવાનું પૂરતું નથી. મળેલો છેડો પકડી રાખવાનું અને ટકાવી રાખવાનું વધારે અગત્યનું છે.

6 comments:

  1. Anonymous4:16:00 AM

    Superb!

    ReplyDelete
  2. Anonymous8:57:00 AM

    amazing subject..couldn't agree more on subject itself..kudos

    ReplyDelete
  3. બીરેન કોઠારી9:13:00 AM

    રોલ પરના છેડાને શોધવા માટે ઘણી વાર પેપરનાઇફ ફેરવીએ છીએ, અને છેડો જડે છે પણ ખરો, પણ ટેપ ઉખાડતા જઇએ ત્યારે ખબર પડે છે કે ટેપ બીજી બાજુથી ઉખડી રહી છે.ક્યારેક એવો પ્રયત્ન પણ કરી જોયેલો કે ટેપનું કામ પતે પછી તેને છેડે નાનકડા કાગળની ટીકડી ચોંટાડી રાખવી. પણ કાગળની ટીકડી શોધવા જઇએ એટલામાં ટેપ રોલ પર ચોંટી જતી.
    જો કે, ડીસ્પેન્સરવાળી ટેપને લઇને ઘણે અંશે શાંતિ થઇ છે, પણ ક્યારેક બીજા કોઇથી ટેપ ચોંટી જાય તો પત્યું!

    ReplyDelete
  4. Great. A real 'writer' only can write such a article on such subject and that too with such a message (message given in last para.)

    Again a Urivish Kothari type article.

    ReplyDelete
  5. thank you, navin. i don'yt know how i missed this fine piece!

    and yes, i fully agree with you : only urvish can conceive of such 'Sellotape' with a message.

    ReplyDelete
  6. hahaha...read finally and enjoyed it thoroughly...as always :)

    ReplyDelete