Thursday, February 17, 2011

અભિનેત્રીઓની ટપાલટિકિટ


સરકારી પુરસ્કારોની જેમ ટપાલટિકિટોનું કોઇ ધોરણ રહ્યું નથી. રૂપિયા ખર્ચવા તૈયાર હોય એવા ઘણા લોકોની ટપાલટિકિટો બહાર પડી શકે છે. પત્રકારત્વમાં આવ્યા પહેલાં, મિત્ર બિનીત મોદી થકી હું ફિલાટેલિક બ્યુરોનો સભ્ય થયો હતો, ત્યારે બહાર પડતી મહાનુભાવોની ટિકિટોમાંથી મોટા ભાગના એવા હતા, જેમનાં નામ પહેલી વાર - અને છેલ્લી વાર- એ ટિકિટ પર જ વાંચ્યાં હોય.

પરંતુ ફિલ્મી હસ્તીઓની ટપાલટિકિટ બહાર પડે ત્યારે આનંદ થાય છે. પ્રિય ગાયક કુંદનલાલ સાયગલ, પૃથ્વીરાજ કપૂર, ગુરૂદત્ત, નરગીસ, મઘુબાલા જેવાં કલાકારોની ટપાલટિકિટ એ વિષયમાં ઉંડો ન ઉતર્યો હોવા છતાં સંભાળીને રાખી છે. દાદાસાહેબ ફાળકે, સત્યજીત રાય, શાંતારામ, બિમલ રોય જેવા ડાયરેક્ટરો પણ ખરા. થોડાં વર્ષ પહેલાં બહાર પડેલી ચાર પાર્શ્વગાયકો- હેમંતકુમાર, મુકેશ, રફી અને કિશોર કુમારની ટિકિટો પણ તેમનાં ગીતો જેટલા જ પ્રેમથી રાખી છે. પંડિત ઓમકારનાથ ઠાકુર, દિનાનાથ મંગેશકર, બેગમ અખ્તરની ટિકિટ પણ ખરી. (એવું જ ચાર્લી ચેપ્લિન અને મેરિલીન મનરોનું. એ તો અમેરિકા અને બ્રિટન રહેતા મિત્રો પાસેથી ખાસ મંગાવી હતી.)

ટિકિટપુરાણ યાદ આવવાનું કારણઃ આ મહિને ટપાલખાતાએ જારી કરેલી છ અભિનેત્રીઓની ટપાલટિકિટ. એ છ નામ છેઃ દેવિકા રાણી, કાનનદેવી, નૂતન, મીનાકુમારી, લીલા નાયડુ અને સાવિત્રી. આ નામો વાંચીને ફિલ્મસંગીત અને ફિલ્મના ચાહક તરીકે મઝા પડી ગઇ. દક્ષિણ ભારતીય ફિલ્મસૃષ્ટિનાં સાવિત્રીને બાદ કરતાં બાકીનાં પાંચે સાથે જુદી જુદી રીતે (અલબત્ત, એકપક્ષીયઃ-) દિલનો નાતો છે. કાનનદેવી મારાં પ્રિય ગાયિકા-અભિનેત્રીઓમાંનાં એક. તેમનું નામ પડતાં જ મનમાં વિદ્યાપતિ, જવાબ, હોસ્પિટલ, સ્ટ્રીટસિંગર જેવી ફિલ્મોનાં ગીત ગુંજવા માંડે છે. દેવિકારાણી અને લીલા નાયડુ બુદ્ધિ અને સૌંદર્યના કાતિલ સમન્વય જેવાં, નૂતન અને મીનાકુમારી જરાય મર્યાદાભંગ કર્યા વિના, પોતપોતાની રીતે સૌંદર્યવાન અને અભિનયમાં એક્કાં.

આ યાદીમાં લીલા નાયડુનું નામ જોઇને વિશેષ આનંદ થયો. કારણ કે તેમની ફિલ્મો પ્રમાણમાં બહુ ઓછી છે. (સૌથી પહેલી પંડિત રવિશંકરનું સંગીત ધરાવતી ‘અનુરાધા’ યાદ આવે.) થોડા સમય પહેલાં, મોટે ભાગે જેરી પિન્ટોએ લખેલી લીલા નાયડુની બાયોગ્રાફી જોઇ હતી.

આ ટિકિટો માટે જવાબદાર સૌને અભિનંદન અને એ મેળવવા ઇચ્છતા મિત્રો મોટા શહેરની જનરલ પોસ્ટ ઓફિસનો કે અમદાવાદના મિત્રો લાલ દરવાજા જીપીઓના ફિલાટેલિક બ્યુરોનો સંપર્ક કરે તો કદાચ ટિકિટો મળી શકે.

1 comment:

  1. vaah kavi vaah....
    tame to roje roj impress karo chho.... :-)
    ashish kakkad

    ReplyDelete