Thursday, April 21, 2016
અર્થપૂર્ણ હાસ્ય એ જ ધર્મ?
વિલન જેવું નહીં, બાળક જેવું નિર્મળ અને ખડખડ હસતા ધર્મગુરૂઓ
ભાગ્યે જ જોવા મળે છે. સમજુ લોકોને ધર્મગુરૂઓની ઘણી વાતો ખડખડાટ હસી કાઢવા જેવી
લાગે છે, એ જુદી વાત છે. રમુજી બોધકથાઓના ઉપયોગ માટે જાણીતા રજનીશ
પણ છેવટે માણસમાંથી ભગવાન બની ગયા. એ રીતે તેમણે શું ન કરવું એનો બોધ પૂરો પાડ્યો.
ખ્રિસ્તી ધર્મગુરૂ એન્થની (ટોની) ડીમેલો/Anthony De Melloએ ટુચકા જેવા કદની બોધકથાઓ દ્વારા ઉપદેશ
આપવાનું શરૂ કર્યું, ત્યારે છેક
વેટિકન સીટી સુધી તેના પ્રત્યાઘાતો પડ્યા હતા અને તેમના ભાર વગરના- હળવાશભર્યા
ઉપદેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ‘પ્રેયર ઓફ ધ ફ્રોગ’ (કૂપમંડુકની પ્રાર્થના), ’વન મિનિટ નોનસેન્સ’, ‘વન મિનિટ વિઝડમ’ જેવાં
પુસ્તકોમાં ડીમેલોએ પરંપરાગત ધર્મવ્યવસ્થાનાં છોંતરા નીકળી જાય એવી બોધકથાઓ દ્વારા
લોકોને વિચારતા કરવાની કોશિશ કરી. તેમની કેટલીક બોંધકથાઓ અને તેમાંથી તારવી શકાય
એવો બોધ (જેમા સૌ પોતપોતાના તરફથી ઉમેરો કરી શકે છે)
***
એક ચિંતકના જમણા પગનો બૂટ થોડો ફાટ્યો હતો. તેની પાસે બૂટની
એક જ જોડી હતી. એટલે એણે બૂટ રીપેર કરનારને ઉભાઉભ બૂટ સાંધી આપવા કહ્યું.
‘સાહેબ, સાંજ પડી ગઇ છે. હવે મારો વસ્તી કરવાનો ટાઇમ
છે. કાલે સવારે આવશો?’
‘મારી પાસે બૂટની
આ એક જ જોડ છે અને બૂટ વિના મારે ચાલે એમ નથી.’ ચિંતકે કહ્યું.
‘તો એક કામ કરો.‘તમે તમારા બૂટ અહીં મૂકી જાવ. કાલ સુધીમાં એ
રિપેર થઇ જશે. ત્યાં સુધી હું તમને બીજા બૂટ પહેરવા આપું છું. તમારું કામ ચાલી
જશે.’
આ દરખાસ્તથી ચિંતક ગુસ્સે થયા,‘હું? અને બીજાના બૂટ પહેરું? તને ખબર છે, હું કોણ છું?’
‘હા, સાહેબ. હું તમને બરાબર જાણું છું. બીજાના
વિચારો લઇને ફરતાં તમને તકલીફ થતી નથી, તો બીજાના બૂટ પહેરીને ફરવામાં શું વાંધો છે?’
ચિંતકો, સાવધાન! બધા તમને ઓળખવા માંડ્યા છે.
***
એક અંધ ભાઇ તેમના મિત્રને મળવા ગયા હતા. રાત્રે પાછા જતાં
તેમને મોડું થઇ ગયું. અંધારા રસ્તે મુશ્કેલી ન પડે એટલા માટે મિત્રએ તેમને ફાનસ
હાથમાં પકડાવ્યું. અંધ ભાઇએ પૂછ્યું,
‘મારે માટે તો
દિવસ અને રાત બઘું સરખું છે. ફાનસ લઇ જઇને હું શું કરીશ?’
શાણા મિત્રએ સમજણ પાડી,‘તમે ભલે જોઇ શકતા ન હો, પણ અંધારામાં
તમારી પાસે ફાનસ હશે તો કોઇનું ધ્યાન તમારી ઉપર પડશે અને તમને કોઇ અથડાઇ નહીં પડે.’
મિત્રની સલાહ માનીને અંધ ભાઇએ ફાનસ લીઘું અને ચાલતા થયા.
થોડે આગળ ગયા હશે ત્યાં જ એક સાયકલસવાર
તેમને અથડાઇ પડ્યો. અંધ ભાઇએ ખિજાઇને
કહ્યું, ‘એ ભાઇ? કેવી સાયકલ ચલાવો છો? મારું ફાનસ પણ જોતા નથી?’
સાયકલસવારે સહાનુભૂતિપૂર્વક કહ્યું,‘માફ કરજો, પણ તમારું ફાનસ હોલવાઇ ગયું છે.’
તમે બીજાના તેજ કરતાં તમારા અંધારામાં વધુ સલામત રહો છો.
***
એક દિવસ ધર્મગુરુ દારૂના પીઠામાં જઇ ચડ્યા. તેમણે
જોયું કે બેઠેલા લોકોમાંથી ઘણાખરા તેમના
અનુયાયી હતા. એ બધાને ભેગા કરીને એમણે કહ્યું,‘તમારામાંથી જે લોકો સ્વર્ગે જવા માગતા હોય તે અહીં મારી પાસે આવે.’
આ સાંભળીને એક જણ સિવાય બધા ધર્મગુરુની પાસે જઇને ઉભા
રહ્યા. ફક્ત એક માણસ તેની જગ્યાએ પૂતળાની માફક ખોડાયેલો હતો. ધર્મગુરુએ તેને
કડકાઇથી પૂછ્યું,‘તારે સ્વર્ગે નથી
જવું?’
માણસે ટૂંકો જવાબ આપ્યો,‘ના.’
‘એટલે તું ત્યાં જ
ઉભો રહીશ? તુ એમ કહેવા માગું છું કે
મર્યા પછી સ્વર્ગે જવાની તારી ઇચ્છા નથી?’ ધર્મગુરુએ છેલ્લી વાર પૂછ્યું.
માણસે કહ્યું,‘‘મર્યા પછી
સ્વર્ગમાં જવાની કોણ ના પાડે છે! મને એમ કે તમે અત્યારે સ્વર્ગે જવાની વાત કરતા
હશો.’’
આપણે બધું જ સારું કરવું હોય છે- બીજો કોઇ વિકલ્પ ન રહે
ત્યારે!
***
એક ઉંદર હતો. તેને બિલાડીની બહુ બીક લાગતી હતી, પણ તેના બીજા ભાઇઓની જેમ તે ચૂપચાપ ડરી ડરીને
જીવન વીતાવતો હતો. એક દિવસ તેનો ભેટો એક જાદુગર સાથે થયો. જાદુગરને ઉંદરે પોતાની
સ્થિતિ સમજાવી અને કહ્યું કે તમે જાદુમંતરથી મને બિલાડી બનાવી દો, તો મારે નિરાંત થઇ જાય.
જાદુગરને દયા આવી, એટલે તેણે તેની જાદુઇ છડી ફેરવી અને ટચૂકડો ઉંદર તંદુરસ્ત બિલાડામાં ફેરવાઇ
ગયો.પણ મુશ્કેલીનો અંત આવ્યો ન હતો. બિલાડાને કૂતરાથી સતત ભય લાગતો હતો. ફરી વાર
તેણે જાદુગરને વાત કરી કે બિલાડાને બદલે મને કૂતરો બનાવી દો, તો મારે કોઇથી બીવાનું ન રહે. જાદુગરે જાદુઇ
લાકડી ફેરવી અને તે કૂતરો બની ગયો.
કૂતરાના અવતારમાં પણ સુખ ન હતું. કૂતરાને સતત દીપડો ફાડી
ખાય એની બીક રહ્યા કરતી હતી. ‘એક વાર દીપડાનો
અવતાર મળી જાય એટલે નિરાંત’ ઉંદરે વિચાર્યું
અને ફરી જાદુગર પાસે પહોંચી ગયો. જાદુગરે કહ્યું,‘તારું જીવન સુધરતું હોય તો મને વાંધો નથી. લે, તને દીપડો બનાવી દઉં.’ જાદુગરે છડી
ફેરવી અને કૂતરો દીપડો બની ગયો, પણ થોડા વખતમાં
તે ફરી જાદુગર પાસે પહોંચી ગયો. જાદુગરે પૂછ્યું,‘‘હવે શું છે?’
ઉંદરે કહ્યું,‘‘દીપડો બન્યા પછી
મને શિકારીઓની એટલી બીક લાગે છે કે જીવવું હરામ થઇ ગયું છે.’’
આ સાંભળીને જાદુગરે કહ્યું,‘હું ગમે તે કરું, પણ તારી
સ્થિતિમાં કશો ફરક નહીં પડે, કારણ કે તારી
માનસિકતા ઉંદરની છે.’
વાઘનખ પહેરવાથી વાઘ થઇ જવાતું નથી.
***
ખાબોચિયાના કિનારે બાળકોએ પોતાના પ્રિય કાચબાને ઊંધો પડેલો
જોયો. એ મરી ગયો છે એવું લાગતાં બાળકો ગમગીન થઇ ગયાં. કેમે કરીને તેમને ચેન ન પડે.
બાળકોને હસતાં-રમતાં કરવા માટે તેમના વડીલોએ કહ્યું, તમે રડશો નહીં. આપણે કાચબા માટે સરસ કોફીન બનાવીશું. તેમાં રેશમી કાપડ
મુકીશું. સરસ કબરમાં કાચબાને દફન કરીને, રોજ આપણે ફૂલ ચડાવવા જઇશું. કબરની ફરતે સરસ વાડ બનાવીશું.
વડીલોના સૂચનથી બાળકો હતાશા ખંખેરીને કામ કરવામાં મચી
પડ્યાં. બધી તૈયારીઓ થઇ ગઇ અને અંતિમ યાત્રાનો સમય થયો ત્યારે બાળકો કિનારા પર
પડેલા કાચબાને લેવા ગયા, પણ કાચબો ત્યાંથી
ગુમ થઇ ગયો હતો. તેમણે ધ્યાનથી જોયું તો એ કાચબો પાણીમાં જતો રહ્યો હતો.
કાચબાને જીવતો જોઇને નિરાશ થયેલાં બાળકોએ કહ્યું, ચાલોને! આપણે કાચબાને મારી નાખીઅ.
આપણે પ્રેમ કરવો છે, પણ આપણી શરતે અને આપણા તરંગ પ્રમાણે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
વાહ, એકથી એક ચડે એવી અદ્ભુત બોધકથાઓ છે.... મોજ પડી ગઈ
ReplyDeletelast one is SIMPLY SUPER.. no words to praise!!
ReplyDeleteજોરદાર :D
ReplyDelete