Tuesday, April 19, 2016
પાટીદાર આંદોલન : વાસ્તવતપાસ
ફરી એક વાર પાટીદાર
અનામત આંદોલને ઉથલો માર્યો, મોબાઇલ ઇન્ટરનેટ
બંધ થયું,
તોફાન થયાં, ગુજરાતબંધનું
એલાન અપાયું. આ સ્થિતિમાં સરકાર કે પાટીદાર બેમાંથી એકેય પક્ષ પ્રત્યે દુર્ભાવ
રાખ્યા વિના,
કેવળ નાગરિક તરીકે
શું દેખાય છે-સમજાય છે?
- આંદોલનકારીઓ હાર્દિક પટેલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ પોલીસચોકીમાં એક ખૂણે બેસાડી રખાયેલો કોઇ શકમંદ નથી. તેની સામે રાજદ્રોહનો આરોપ છે અને એને લગતો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. બે ઘડી માટે આરોપીનું નામ ભૂલી જાવ અને વિચારો : ધારો કે એક માણસ સામે ખોટો આરોપ લગાડી દેવાયો છે, તેની સામે અદાલતમાં કેસ ચાલુ છે અને સુનાવણી થઇ રહી છે. એ વખતે દેખાવકારીઓ અદાલતી કાર્યવાહી અભરાઇ પર ચડાવીને, આરોપીને બારોબાર છોડી મૂકવાની માગણી મૂકે, તો એ માગણી કેવી કહેવાય? હાર્દિક પટેલના કિસ્સામાં એવું જણાય છે કે વાત પોલીસ અને સરકારની પહોંચની પણ બહાર નીકળી ચૂકી છે. પરંતુ ધારો કે, સરકાર કોઇક રીતે પોતાની પહોંચ વાપરીને, અદાલતી કાર્યવાહીની અધવચે આરોપીને છોડી મૂકે, તો એ કેવું કહેવાય? એમાં મુખ્ય મંત્રીની કે શાસકપક્ષની આબરૂનો નહીં, કાનૂની પ્રક્રિયાની વિશ્વસનિયતાનો સવાલ ન ઊભો થાય?
- મુખ્ય મંત્રીએ એ મતલબનું કહ્યું કે ‘આવાં આંદોલન તો થયા કરે, સરકારનું કામ લોકોની સેવા કરવાનું છે.’ વાત તો સાચી, પણ અડધી સાચી. સરકારનું કામ લોકોની સેવા કરવા ઉપરાંત માગણીના વાજબીપણા વિશે વિચાર્યા વિના ઉભાં થતાં આંદોલનોને ફેલાતાં અટકાવવાનું પણ છે. પાટીદાર અનામત આંદોલન તણખાસ્વરૂપ હતું ત્યારે સરકાર ગાફેલ રહી. પછી ભોંયમાંથી ભાલો ઉગે એમ અચાનક હાર્દિક પટેલ નામનો નેતા ઉભો થયો અને પાટીદાર સમાજને શક્તિપ્રદર્શનોના રસ્તે દોરવા લાગ્યો. ત્યારે સરકારે સહકારી મુદ્રા ધારણ કરી. સંઘર્ષ ટાળવાના નામે જાણે અનુકૂળતાઓ કરી આપી. એ તબક્કે કડકાઇથી કે દમનથી નહીં, પણ મક્કમતાથી અને કુનેહથી કામ પાડવામાં આવ્યું હોત, તો હાર્દિક પટેલ રાજદ્રોહનો આરોપી ન હોત અને પાટીદાર આંદોલન જામતાં પહેલાં વિખેરાઇ ગયું હોત.
- હવે મુખ્ય મંત્રી શાંતિની અપીલો કરે છે અને શાંતિ સ્થાપવા માટે આકરી પોલીસ કાર્યવાહીઓ કરવી પડે છે. તેમાં હંમેશાં પ્રમાણભાન જળવાતું નથી અને અનામત આંદોલનમાં પોલીસદમનના વિરોધ જેવા નવા મુદ્દા ઉમેરાતા રહે છે. પરંતુ ગુજરાતમાં ભાજપની સફળતાનું મોટું શ્રેય જેમ કૉંગ્રેસને (તેની નિષ્ક્રિયતા કે બિનઅસરકારકતાને) જાય છે, તેમ પાટીદાર આંદોલનની સફળતા અને અત્યારે પકડાયેલી ગંભીરતાનું ઘણું શ્રેય સરકારની અનિર્ણાયકતાને અથવા આંદોલનના આરંભે તેની સાથે પનારો પાડવામાં કરેલી ભૂલોને જાય છે. દુઃખ એ વાતનું છે કે ભૂલ (અણઆવડત) સરકારની, પણ તેનાં માઠાં પરિણામ અનેક નિર્દોષ નાગરિકોએ વેઠવાનાં આવ્યાં છે.
- પાટીદાર આંદોલનકારીઓે સંખ્યા અને ખાસ તો સંસાધનો-સમૃદ્ધિના બળે સરકારનું કાંડુ મરોડી રહ્યા છે. તેમની અને સરકારની વચ્ચેના સંવાદમાં ફક્ત મોં વપરાય છે. કાનનો ઉપયોગ થતો નથી. એટલે પાટીદારો ફક્ત સરકારની જ નહીં, બીજા લોકોની પણ એકેય વાત સમજવા તૈયાર થતા નથી. અનામતનો આધાર આર્થિક નથી, પાટીદારોનું પ્રતિનિધિત્વ તેમની વસતીના પ્રમાણમાં ઓછું કે અપૂરતું નથી, પાટીદારોને થતો ‘અન્યાયબોધ’ ગમે તેટલો વાસ્તવિક અને સાચો હોય તો પણ એ ‘પાટીદાર’ હોવા બદલ નહીં, ‘વિકાસ’ની એકંદર તરાહને લીધે થાય છે અને અનામત એવા ‘અન્યાય’ને દૂર કરવાની વ્યવસ્થા નથી, સરકારનું નાક દબાવીને મેળવેલી અનામત ઝાઝું ટકતી નથી-- સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી કાઢે છે...આવાં ઘણાં સત્યો સામે આંદોલનકારીઓનું એક ‘ઊંહું’ આવે એટલે વાટાઘાટો કે વાતચીત સમાપ્ત થઇ જાય છે.
- અત્યારના આંદોલનની બે સંભાવના છે : કોઇ પણ રીતે હાર્દિક પટેલ છૂટી જાય અથવા યોગ્ય અદાલતી કાર્યવાહી પછી તે રાજદ્રોહના ગુનામાં ગુનેગાર ઠરે. હાર્દિક પટેલ છૂટી જશે તો એ પણ આગળ જણાવેલી એકેય સચ્ચાઇ સ્વીકારશે નહીં અને પોતાની જિદની તીવ્રતા વધારી મૂકશે, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે છે. એ સ્થિતિમાં આંદોલન અને અશાંતિ વધશે. તેને ઠારવા માટે સરકાર (હરિયાણાની જેમ) વિધાનસભામાં ખરડો પસાર કરીને અલગ અનામત આપે, તો એ ફક્ત પાટીદારોને નહીં, બધા કહેવાતા ઉજળિયાતોને તેમાં હિસ્સો મળશે. પરંતુ, આ રીતે મળેલી અનામત સામે અદાલતમાં કકળાટ ચાલુ રહેશે. અગાઉ એકથી વઘુ કિસ્સામાં અદાલત દબાણને વશ થઇને કે સમુદાયોના તુષ્ટિકરણ માટે અપાયેલી અનામતો નાબૂદ કરવાના ચુકાદા આપી ચૂકી છે. એટલે, આ વિકલ્પમાં સરકાર તરફથી અનામત મળી જાય તો પણ છેલ્લી લડાઇ અદાલતમાં લડવાની આવશે. તેમાં પાટીદારોને જીત મળવાની સંભાવના પાંખી છે.
- બીજો વિકલ્પ છે : હાર્દિક રાજદ્રોહના આરોપમાં ગુનેગાર ઠરે અને તેનો જેલવાસ લંબાય. એ સંજોગોમાં હાર્દિકને છોડી મૂકવાથી માંડીને અનામતની માગણી સાથે આંદોલન કરવામાં આવે, તો એમાં પણ આંદોલનકારી પાટીદારોને છેવટે અદાલત સામે ભીડાવાનું આવશે. આમ, બન્ને કિસ્સામાં છેલ્લો મુકાબલો અદાલતમાં હોવાથી, પાટીદારો સરકાર સામે ‘જીતે’ તો પણ એ જીતનો વાસ્તવમાં શો અર્થ સરે, એ મોટો સવાલ. તેમનો પ્રેરિત કે સ્વયંસ્ફુરિત ઇરાદો મુખ્ય મંત્રીનું આસન અને શાસન ડગુમગુ કરવાનો હોય, તો એ ક્યારનો પાર પડી ચૂક્યો છે. પરંતુ વર્તમાન રાજકીય ગણિતો પ્રમાણે ૨૦૧૭ની ચૂંટણી સુધી ગુજરાતમાં મુખ્ય મંત્રીની ખુરશી પર પરિવર્તન થવાનાં એંધાણ નથી. કોઇ અણધાર્યા સંજોગોમાં એ પરિવર્તન થાય તો પણ, પાટીદારોને તેનાથી શો ફાયદો થશે? કારણ કે આગળ જણાવેલી ટેક્નિકલ પરિસ્થિતિઓ બદલાવાની નથી.
- પાટીદારોની સામાજિક-ધાર્મિક નેતાગીરી માટે પણ આ કસોટીની અને નિર્ણાયક ઘડી છે. એમાં તેમના વર્તન પરથી ભવિષ્યમાં તેમની ન્યાયપ્રિયતા, સ્વાર્થી સંકુચિતતા, ચામડી બચાવવાની નિષ્ક્રિયતા કે મૂક સંમતિ જેવી ઘણી બાબતો નક્કી થશે. ધાર્મિક-સામાજિક નેતાઓ સમાજના બોલકા વર્ગને દોરે છે કે પછી એ વર્ગ નેતાઓને પોતાની પાછળ ઢસડે છે, એનો આખરી જવાબ પાટીદાર આંદોલન પૂરું થયે જ મળશે. દરમિયાન એટલું નક્કી છે કે પાટીદાર આંદોલનકારીઓને જેમની પર ભરોસો પડી શકે એવા કોઇ પાટીદાર કે બિનપાટીદાર નેતા સરકાર પાસે નથી.
- કૉંગ્રેસ વિરોધ પક્ષના બીબામાં રહીને મુખ્ય મંત્રીના રાજીનામાથી માંડીને પાટીદારોને ભાજપે મરાવ્યા, એવાં ઊંબાડિયાં કરી રહી છે. પણ આ મુદ્દે તેનું સાફ-સ્પષ્ટ વલણ શું છે? અને એ પોતે સત્તામાં હોત તો પાટીદાર અનામતના મુદ્દે તેણે શો નિર્ણય કર્યો હોત?
- છેલ્લે,પાટીદાર આંદોલનકારીઓને એટલું તો સમજાવું જ જોઇએ કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાના કે આગ ચાંપવાના બનાવોથી તે પોતાની વાજબીપણા વગરની માગણીમાં હિંસાનો વઘાર કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોનો અણગમો મેળવી રહ્યા છે.
Subscribe to:
Post Comments (Atom)
એકદમ સચોટ વિશ્લેષણ !
ReplyDeleteગાંધી નું ગુજરાત હિંસા તરફ આગળ વધશે એવું લાગે છે
ReplyDeleteसरकारनी हालत सापे छसुंदर गण्या जेवी छे।हा अने ना दरेक स्थितमां सरकारना गणामां गाणीयो आवे छे।
ReplyDeleteIndia Reservation system: Too Complex, controversial and political. It was one of the reasons, I left the Motherland 25+ years ago...
ReplyDeletePatidar should read and ponder
ReplyDeleteપાટિદાર આન્દોલન ચલાવવા મા તમારા જુના એમ્પ્લોયર ગુજરાત સમાચાર નો બહુ મોટો ફાળો છે.ગુ.સ હજુ ૮૦ ના દાયકા મા જિવે છે .ફરિ થી ૧૯૮૫ ના વર્ગવિગ્રહ મા ઘસડી જવા માગે છે.( સંદેશ વાંચતો નથી એટલે તેમના વલાણ નો ખ્યાલ નથી.
ReplyDelete-રાજન શાહ ( વેન્કુવર/નડીયાદ)
હું ગુજરાત સમાચાર વાંચતો નથી પણ સંદેશ અને દિવ્યભાસ્કર વાંચું છુ. સંદેશ/ડીબી માત્ર વર્ગવિગ્રહ નહિ પુરેપુરા હિંસક તોફાનો ફાટી નીકળે એના માટેનું વ્રત લયને બેઠુ છે. પટેલ ખેડુત પોતાના બુલ્ડોઝર વડે સુથાર ખેડુત નો ઉભો પાક વીંખી નાખે અને વગદાર પટેલ સામે લડી ના શકતો સુથાર ખેડુત આત્મહત્યા કરી લે એ એમને માટે ચોથા પાનાના ટચુકડી જાહેરખબર જેટલા સમાચાર, અને માત્ર ત્રણ દિવસ પછી કોઈ પટેલ આત્મહત્યા કરે એટલે એ પહેલા પાનાના હેડલાઈન. કોઈ અખબાર વાચકોને ઘડ પાડીને સરકારી કામગીરી કે OBC માં સમાવિષ્ઠ થવાના નિયમોને વિષે માહિતી આપવામાં રસ ધરાવતી નથી, આમતો એવી અપેક્ષા રાખવી પણ નકામી છે કેમ કે આ બધા બિઝનેસહાઉસ છે, જે વેચાય એ છાપો. પણ વિપક્ષ પણ માત્ર વોટબેંકની દ્રષ્ટિએજ મુદ્દાને જુએ છે. સંદેશ ન્યુઝને તો હવે પટેલ સમાચાર એવું નામકરણ કરી દેવાની જરૂર છે.
DeleteUrvishbhai,
ReplyDeleteVery good analysis, looks like big HR flow is going without control or sense or understanding, towards negative attitude.
Manhar Sutaria
A before-hand solution should be the priority of the Government, else, social scientist, media, story as always uses their energy, inks. Many times, they are neutral, some time they are partisan. Governance is a puzzle in identity politics scenerio.
ReplyDelete