Thursday, April 14, 2016
‘આપણા વાચક’ને શું ગમે?
ખરેખર તો આ લેખનું શીર્ષક ‘આજ ફિર મરનેકા ઇરાદા હૈ’ હોવું જોઇતું
હતું. કારણ કે લેખનો વિષય ઘણાને નારાજ કરે એવો છે. પણ પછી વિચાર આવ્યો : લેખ સાથે
સીધો સંબંધ ન હોય એવું શીર્ષક ‘આપણા વાચક’ને ગમશે?
‘આપણા વાચક’ને શું ગમે, એ પ્રશ્ન લેખકોને, પત્રકારોને, તંત્રીઓને, કટારલેખકોને અને આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજા ઘણાને આદિકાળથી મૂંઝવતો રહ્યો
છે. તેનો ઉકેલ આણવા માટે એક મનુષ્યે ઘોર તપ કર્યું અને એ પણ એક પગે ઊભા રહીને.
મુંબઇની ટ્રેનમાં અપડાઉન કર્યું હોવાને કારણે એ મનુષ્યને એક પગે ઊભા રહેવાની લાંબી
પ્રૅક્ટિસ હતી, પણ દેવોને તેમાં
પ્રતિબદ્ધતા અને કષ્ટની અવધિ દેખાઇ. એટલે નક્કી થયું કે આ ભાઇના તપનો સુખદ અંત
આણવો.
તપ કરનારનો સવાલ સીધોસાદો હતો. એટલે તેના તપોભંગ માટે
અપ્સરાઓને તસદી આપવાની જરૂર ન પડી. (આ વાતની તપ કરનારને જાણ થઇ હશે ત્યારે તેને
કેવી લાગણી થઇ હશે અને આ અંત તેને સુખદ લાગ્યો હશે કે નહીં, એ જાણવા મળ્યું નથી.) પણ સવાલ એ આવ્યો કે એ ભાઇ
પર પ્રસન્ન કોણ થાય? પત્રકાર-લેખક-કટારલેખક-તંત્રી
આ બધામાંથી કોઇ તપ કરે તો કયાં દેવીએ પ્રસન્ન થવું? સરસ્વતી દેવીએ કે લક્ષ્મીદેવીએ?
લક્ષ્મીદેવીનો
દૃઢ મત હતો કે ‘આ વ્યવસાય સાથે
સંકળાયેલા બહુમતી લોકો મારા ભક્ત-ઉપાસક છે. તેમની ગુડ બુકમાં હું ટોચ પર છું ને
દેવી સરસ્વતી તળિયે.’ દેવી સરસ્વતીની
દલીલ હતી કે ‘તેમણે મને ભલે
તજી દીધી હોય, પણ મેં તેમના
નામનું નાહી નાખ્યું નથી. વૃદ્ધાશ્રમમાં મુકાયેલી તો એવી, પણ તેમની અસલી મા તો હું જ છું.’
સમાધાનની ફૉર્મ્યુલા તરીકે લક્ષ્મીદેવીને સ્ટૅન્ડ બાય
રાખવામાં આવ્યાં અને દેવી સરસ્વતી પ્રગટ થયાં. પત્રકારો હીરો-હીરોઇનો જોઇને
ભાવવિભોર થાય છે તેમ તપ કરનાર માતાજીને જોઇને રોમાંચિત થઇ ઉઠ્યો. ‘માગ, માગ, માગે તે આપું.’ એવું માતાજી બોલી રહે તે પહેલાં તપ કરનારે
કહ્યું, ‘એક સેલ્ફી લઇ લઇએ?’
માતાજીએ કપાળ કૂટવાના ભાવ સાથે કહ્યું,‘માગી માગીને આ જ માગ્યું?’
તપસ્વીએ ખુલાસો કર્યો,‘ના, આ ફાઇનલ માગણી નથી. મારી
સ્ટાઇલ છે. કોઇ પણ સ્ટાર જોડે ઇન્ટરવ્યુ કરતાં પહેલાં એક સૅલ્ફી લઇ લેવાની. શું છે
કે ઇન્ટરવ્યુ આપતાં પહેલાં બધાનો મૂડ સારો જ હોય. એટલે ફોટો સારો આવે.’
‘હું તારું
ફોટોપુરાણ જાણવા આવી નથી. તારા તપથી પ્રસન્ન થઇને મેં તને કહ્યું છે કે માગ, માગ, માગે તે આપું.’
‘તમારું પણ અમારા
જેવું જ થઇ ગયું લાગે છે. આ એકનું એક વાક્ય વર્ષોથી ચલાવ્યે રાખો છો. તમે કહેતા હો
તો નવું, ફર્સ્ટ ક્લાસ, નવી પેઢીને સોંસરવું ઉતરી જાય એવા વર્ણસંકર
ગુજરાતીમાં લખી આપું.’
‘તે વરદાન માગવા
માટે તપ કર્યું છે કે આપવા માટે?’
માતાજી જરા ધૂંધવાયાં, ‘તું મારા વાક્યની ચિંતા કર્યા વિના તારી
માગણીની વાત કર. તેં આવું ઘોર તપ શા માટે કર્યું?’
પત્રકારે ગંભીરતાથી, બે હાથ જોડીને કહ્યું, ‘નારદજી પહેલા
પત્રકાર હતા એવી વાર્તા છે. ત્યારથી અત્યાર સુધી વાચકોને શું ગમશે તે અમે ચોક્કસ
નક્કી કરી શકતા નથી. એનો નિશ્ચિત અને નિર્ણાયક જવાબ મેળવવા માટે મેં કઠોર તપ
કર્યું હતું.’
માતાજી થોડી સેકન્ડો સુધી ખોવાઇ ગયાં. પછી તેમના ચહેરા પર
પ્રકાશ પથરાયો, ‘વત્સ, મારા એક પુત્રે લખેલી દલા તરવાડીની વાર્તા તે
વાંચી હશે. એમાં જ તારા સવાલનો જવાબ છે.’ આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઇ ગયાં. ત્યારથી દલા તરવાડીની વાર્તામાં જે
રોલ કૂવાનો કે વાડીનો હતો, એ લેખનની
દુનિયામાં ‘આપણા વાચક’નો થઇ ગયો છે.
કટારલેખનમાં પ્રવૃત્ત દલા તરવાડીઓ પોતાની જાતને પૂછે છે, ‘હે મહાન દલા તરવાડી, હું લખું છું તેવા - એટલે કે મને આવડે છે તેવા
લેખો ‘આપણા વાચક’ને ગમશે? તેવા લેખો લખું બે-ચાર?’
સામેથી (તેમના મનમાંથી) ઉમંગભર્યો પ્રતિઘોષ મળે છે, ‘લખો ને દસ-બાર. ‘આપણા વાચક’ને તો આવું બધું
બહુ ગમે.’ બધા લોકો આત્મમુગ્ધ
કટારલેખકો જેટલા સ્વાવલંબી બની શકતા નથી. મોટું તંત્ર હોય ત્યારે તંત્રીઓ કે
સંપાદકો એેમના મેનેજરોને, મેનેજરો
તંત્રીઓને, આ બન્ને તેમના
સર્ક્યુલેશન મેનેજરોને, સ.મેનેજરો તેમના
એજન્ટોને અને એજન્ટો તેમના ફેરિયાઓને ટાંકીને કહે છે, ‘આપણા વાચકોને આવું નહીં ગમે.’ આ કહેતી વખતે એમના અવાજમાં રહેલો રણકો ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’ જેવા સનાતન સત્યના ઉચ્ચારણ પ્રકારનો હોય છે.
નીદા ફાઝલીનો એક શેર હતો : જબ કિસીસે કોઇ ગીલા રખના/સામને
અપને આઇના રખના. આ શેરનો અર્થ ‘આપણા વાચકો’ના જાણકારોએ એમની રીતે તારવ્યો લાગે છે : ‘આપણા વાચક’નો ટેસ્ટ નક્કી
કરતી વખતે એ લોકો આયનો સામે રાખતા હોય છે. તેમના માટે ‘આપણા વાચકને આ
નહીં ગમે’ નું ગુજરાતી ‘આપણને આ નહીં આવડે’ એવું થાય છે.
‘આપણા વાચકને આ
નહીં ગમે’ એ ફક્ત વાક્ય નથી, સાહેબોના ભાથામાં રહેલું બ્રહ્માસ્ત્ર છે. ફરક
એટલો કે આ બ્રહ્માસ્ત્ર એક જ વાર વાપરી શકાય એવું બંધન નથી. ઇચ્છા મુજબ દિવસમાં દસ
વાર પણ તેનો પ્રયોગ થઇ શકે છે.
નવોદિત-ઉત્સાહી પત્રકારો-લેખકો તેમના નહીં છપાયેલા- પાછા
કઢાયેલા લેખ કે સ્ટોરી વિશે ચર્ચા કરવા બહુ આતુર હોય છે. તેમને ‘આપણા વાચક’રૂપી બ્રહ્માસ્ત્ર વિશે ખાસ જાણકારી હોતી નથી. એવા સંજોગોમાં ઉપરીઓ સાથે તેમને
કેવો સંવાદ થઇ શકે?
નવોદિત : આ વિષય અંગે તમારી સાથે પહેલેથી વાત કરી
હતી.
ઉપરી : કરી હતી.
નવોદિત : એ પ્રમાણે મેં મહેનત કરીને લખ્યું છે. તેની
થોડી વાત મેં તમને કરી ત્યારે તમને એ ગમી હતી.
ઉપરી : હા, ગમી હતી.
નવોદિત : તમે એમ પણ કહ્યું હતું કે આ સરસ થાય એમ છે.
ઉપરી : કહ્યું
હતું.
રોલ ભલે અદલાબદલી હોય, પણ આ વાતચીત મદારી અને જંબુરા વચ્ચેના સંવાદોની યાદ અપાવે એવી હોય છે. થોડો
વખત આવું ચાલ્યા પછી નવોદિત પોતાના ભીંસાયેલા દાંત દેખાઇ કે સંભળાઇ ન જાય એવી રીતે
પૂછે છે,‘બધું બરાબર, તો પછી તમે લેખ લીધો કેમ નહીં?’
જવાબમાં ઉપરી મોનાલિસા જેવો ગૂઢ ભાવ ચહેરા પર આણીને કહે છે, ‘એ તને હજુ નહીં સમજાય. આપણા વાચકોને શું ગમે
અને શું ન ગમે, એ આટલી જલદી
સમજાઇ જતું હોય તો અમે બધા આટલા વરસથી શું ઘાસ કાપીએ છીએ?’
આ લેખ ‘આપણા વાચકો’માંથી કોઇકે વાંચ્યો હોય, તો આવા લેખ આપણા વાચકોને ગમે કે નહીં, તે જાણવામાં રસ ખરો.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
media
Subscribe to:
Post Comments (Atom)
'આપના'આ વાચકને તો ગમ્યો.
ReplyDeleteLiked
ReplyDeleteતમારો લેખ ગમ્યો પણ અને વાંચવાની મજા પણ આવી. મારો વ્યક્તિગત વાત કરું તો શું લખ્યું છે એની પહેલા કોને લખ્યું છે એ વધારે મહત્વનું છે. ઓછામાં ઓછા ૭-૧૦ લેખ વાંચ્યા પછી જે તે લેખક ને વાંચીને કઈ જીવનમાં ઉતારવું કે નહિ એ નક્કી કરું છુ. બાકી તો ઘણા કાગળ ચીતરતાં લોકોને સત્તાધીશો અને છાપા વાળાની સાંઠગાંઠે પરાણે માથે મારી દીધા છે. પણ આ લેખ માં એક વાતની ખ્હાબર ના પડી કે કટાક્ષના નિશાને કોણ છે; નવા સવા વાચકો, સમાધાન સ્વીકારતા સારા લેખકો, બાલીશ હજુરીયા લેખકો કે પછી ધંધાદારી-સંપાદકો?
ReplyDeleteIn my opinion a writer shouldn't care for what readers like whether they like or not the writer must opine his own views he should try to ptrsent truth
ReplyDelete