Friday, December 16, 2016

ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો

અમેરિકામાં ટ્રમ્પની જીત અને ત્યાર પહેલાં યુરોપિઅન યુનિઅનમાંથી છૂટા થવાના બ્રિટનના લોકમત (બ્રેક્ઝિટ’) પછી ઉદારમતવાદીઓ કદાચ અભૂતપૂર્વ કહેવાય એવી કટોકટી અનુભવી રહ્યા છે. પહેલી નજરે એ સ્થિતિ સોવિયેત રશિયાના વિભાજન પછી  થયેલી સામ્યવાદીઓની હાલત જેવી લાગે. પરંતુ એ સામ્ય સાવ ઉપરછલ્લું છે. કેમ કે અંગ્રેજીમાં લીબરલતરીકે ઓળખાતા ભારતના ઉદારમતવાદીઓ અમેરિકાને શ્રદ્ધાકેન્દ્ર’  ગણતા ન હતા અને પોતાની વૈચારિક ખુલ્લાશ--અંતિમવાદના વિરોધ માટે અમેરિકા પર સંપૂર્ણપણે આધારિત ન હતા. અમેરિકા લીબરલ્સ માટે પ્રેરણાભૂમિ હતું, શ્રદ્ધાભૂમિ નહીં. ઉદારમતવાદની ખૂબી જ એ છે કે તેમાં રાષ્ટ્ર કે ધર્મના નામે આંખે પટ્ટી બાંધવાની હોતી નથી. ખુલ્લી આંખે જે દેખાય તે બઘું જ તેમાં જોવું-સ્વીકારવું પડે છે અને વખત આવ્યે તેનો વિરોધ પણ કરવો પડે છે.

જગતજમાદાર તરીકેની દાંડાઇ અને પોતાના સ્વાર્થ ખાતર સરમુખત્યારોને ટેકો આપવા કે લડાઇઓ કરાવવા જેવી દુષ્ટતાઓની સાથોસાથ, અમેરિકાએ પોતાની ભૂમિ પર ઉદારમતવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું. અમેરિકાએ વિએતનામમાં તબાહી મચાવી ત્યારે દેશપ્રેમના ઉભરાથી અલગ જઇને, ઘણા અમેરિકનો અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી શક્યા. તેમને સરકારે દેશદ્રોહી તરીકે ફીટકરી દીધા નહીં. ઉદારમતવાદી મોકળાશનો એ સિલસિલો ત્યાર પછી પણ ચાલુ રહ્યો. ભારત સહિતના દેશોમાંથી ગયેલા ઘણા લોકો અમેરિકાને નવું ઘર બનાવી શક્યા, ત્યાં સારી તકો મેળવીને બે પાંદડે થયા. વિચાર, અભિવ્યક્તિ અને કાયદાની સમક્ષ સમાનતા જેવી નાગરિકી સ્વંતંત્રતાની બાબતમાં અમેરિકા વિશ્વભરના ઉદારમતવાદીઓનો આદર્શ બની શક્યું. તેની એ છાપને લીધે, ભારતમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદની હોડમાં ઝુકાવ્યું ત્યારે ભારતના કેટલાક ઉદારમતવાદી લોકોએ કહ્યું હતું કે મોદી વડાપ્રધાન બનશે તો અમે દેશ છોડીને અમેરિકા જતા રહીશું.

બે જ વર્ષમાં આ કહાનીમાં એવો આંચકાજનક વળાંક આવ્યો કે નરેન્દ્ર મોદીની અમેરિકન અને બગડેલી આવૃત્તિ જેવા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના પગલે કેટલાક જાણીતા લોકોએ અમેરિકા છોડીને કૅનેડા વસી જવાની ઇચ્છા જાહેર કરી.

વિચાર કરો : જે લોકોએ મોદી વડાપ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શું થાત? એ લોકોનો મોદી સામેનો વાંધો વ્યક્તિગત કે અંગત ન હતો. તેમનો તીવ્ર વિરોધ મુખ્ય મંત્રી મોદીના શોબાજી-વાણીવિલાસથી ભરપૂર, ઝનૂની-કોમવાદી લોકરંજકતામાં ઝબોળાયેલા રાજકારણ સામે હતો. અને એ બાબતમાં મોદીથી ચાર ચાસણી ચડે એવા ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખ બની જાય, તો પછી શું કરવાનું? તેમને  બે જ વર્ષમાં ફરી દેશ બદલવાની નોબત આવત--અને આવા દેશબદલા પણ ક્યાં સુધી ચાલત? કારણ કે યુરોપ-અમેરિકા જેવા નાગરિકી સ્વાતંત્ર્ય અને ઉદાર મતવાદના ગઢમાં માત્ર કાંગરા ખર્યા નથી--દીવાલોને જમીનદોસ્ત કરી નાખે એવાં મોટાં ભગદાળાં પડ્યાં છે.

આ સ્થિતિમાં ઝનૂની વલણોનો વિરોધ કરનારા ઉદારમતવાદી, મધ્યમમાર્ગી નાગરિકો-નાગરિકી સંગઠનો માટે કટોકટીભરી સ્થિતિ પેદા થઇ છે. તેમની પાસે આટલા વિકલ્પો રહ્યા છે અથવા તેમનામાં આટલા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. 

1. અવાસ્તવિક વાયદા અને બેફામ નિવેદનો કરીને, જૂઠાણાં અને અર્ધસત્યો ચલાવીને, લોકોમાં આશા અને ભયની લાગણી ભડકાવનારા નેતાઓ-પક્ષોની બોલબાલાને વૈશ્વિક પ્રવાહ અથવા નિયતિ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. કુદરતી ક્રમમાં જેની ચડતી થાય, તેની પડતી નિશ્ચિત છેએમ માનીને આશ્વાસન લેવું અને પ્રવાહો બદલાય ત્યાં સુધી સામા વહેણે તરવાની કવાયત છોડીને નિષ્ક્રિય થઇ જવું.

2. આ પરિબળો ભલે જીત્યાં, પણ એ છે તો અનિષ્ટ જ અને આપણે એમના જેવા નથી, એટલે હારી ગયાં...સારાનો જમાનો જ નથી રહ્યો’  એવું આશ્વાસન લેવું અને જે પ્રમાણે અત્યાર સુધી કામ કર્યું એ જ રીતેએ જ દિશામાં કામ ચાલુ રાખવું. અત્યાર સુધીની કામગીરીમાં આત્મનિરીક્ષણ કરવાની કે વ્યૂહરચના બદલવાની દિશામાં કશો વિચાર ન કરવો. સામેવાળા ખરાબ છે એટલી પ્રતીતિને જ પૂરતી ગણી લેવી અને તેમની સફળતાનાં કારણોમાં જમાના ખરાબ હૈથી વધારે ઊંડા ઉતરવું નહીં. આત્મદયામાં સરી પડવું, તે આ વિકલ્પનું સૌથી ખતરનાક પરિણામ હોઇ શકે છે.

3. આ પરિબળોની જીતને ન્યૂ નૉર્મલ તરીકે-- હવે તો આમ જ રહેવાનું છેએ રીતે-- સ્વીકારી લેવી. એટલું જ નહીં, પોતાની મધ્યમ માર્ગની વ્યાખ્યા પણ એ પ્રમાણે બદલવી અને તેને ન્યૂ નૉર્મલસાથે ગોઠવી દેવી.  જેમ કે, પહેલાં કોઇ મોટો નેતા જાહેરમાં જૂઠું બોલે અને પકડાઇ જાય તો આ કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતિક્રિયા આવતી હોય. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, ‘આજકાલ બધા જૂઠું બોલે છે. આ પણ જૂઠું બોલે છે. છતાં ફલાણી બાબતમાં તો એ સારો છે અને અત્યારે આવું જ ચાલેએવું વલણ અપનાવવું. આવું કહેનારા પહેલાં સમર્થકગણાતા હોય, પરંતુ ન્યૂ નૉર્મલસ્થિતિમાં પોતાની જાતને ઉદારમતવાદી કે મધ્યમ માર્ગી ગણાવનારા લોકો પણ આવી દલીલ કરી શકે. એનાથી ઉપરની કક્ષા એ છે કે બદલાયેલી સ્થિતિમાં જેનો સિતારો ચડતો હોય તેની વિરુદ્ધના મુદ્દા ગણકારવા નહીં અને ફક્ત તેમની કહેવાતી ખૂબીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, બની જવું સમર્થક, પણ ઉદારમતવાદી તરીકેનો જૂનો દાવો છોડ્યા વગર અને તેમાં જમાના પ્રમાણે બદલાવ આણવાના ખ્યાલ સાથે. એકાદ વર્ષ પહેલાં પ્રો.ભીખુ પારેખે એ મતલબનું કહ્યું હતું કે જમણેરી પરિબળો જીતે તો જાહેર જીવન-જાહેર ચર્ચાનું મધ્ય બિંદુ પણ જમણી તરફ ખસે છે. એટલે કે પહેલાં જે બોલવું, પ્રચારવું કે વિચારવું જમણેરી ગણાતું હોય એવું ઘણું, બદલાયેલા મઘ્યબિંદુ પછી આવું તો કહેવાય. એમાં શું વાંધો છે?’ની વ્યાખ્યામાં આવી જાય છે.  આમ કરવામાં પવન જોઇને સઢ બદલવાનો નહીં, પણ જમાના સાથે તાલ મિલાવ્યાનો અહેસાસ થાય છે, વ્યાપક સ્વીકૃતિ ધરાવતી  માન્યતાઓ-કામગીરીઓ સાથે સંઘર્ષનો તનાવ મટી જાય છે. તેનાથી રાહત લાગે છે.

4. જે થયું છે તેનો સ્વીકાર કરવો. સામા પક્ષની સફળતાનાં કારણ સમજવાં, દેખીતા અનિષ્ટને આટલી સ્વીકૃતિ કેમ મળી અને તેમાં લોકોનાં ભય અને આશા સહિતનાં કેટકેટલાં પરિબળ સંકળાયેલા છે, તેમાં ઊંડા ઉતરવું અને તેની સાથે કેવી રીતે પનારો પાડી શકાય એ વિચારવાની કોશિશ કરવી. આપણને જે અનિષ્ટ લાગે, તેની જીતથી કે વ્યાપક સ્વીકૃતિથી તેની અનિષ્ટતા ઓછી થઇ જતી નથી, એ યાદ રાખવું. કોઇ પણ તબક્કે આત્મદયામાં કે નિયતિવાદમાં સરી ન પડવું. આપણું કામ તો ખોટું લાગે તેની સામે લડવાનું છે. તેમાં જીત થાય તો ઉત્તમ ને જીત ન થાય તો પરવા નહીં. જીત માટે વઘુ પ્રયાસ કરીશું, વધુ વ્યૂહરચનાઓ વિચારીશું ને વઘુ લડત આપીશું, પણ આપણને જે ખોટું લાગે તેનો સ્વીકાર નહીં કરીએ--તેની સામે ઝુકી નહીં જઇએ.એવો વિચાર પાકો કરવો. 

આ વિકલ્પો ફક્ત અગ્રણીઓને કે જાહેર જીવનમાં પડેલા લોકોને જ નહીં, તમામ નાગરિકોને લાગુ પડે છે.

2 comments:

  1. જે રીતે અને જે ઝડપે પ્રવાહો બદલાઈ રહ્યા છે એ જોતાં દોઢેક દાયકા પછી આ લેખ 'હાસ્યલેખ' તરીકે વર્ગીકૃત થશે.

    ReplyDelete
  2. partially agree.. but i like your anlaysis

    ReplyDelete