Tuesday, December 06, 2016
નોટબંધીઃ તરહ તરહના તાનપલટા
વડાપ્રધાને નવેમ્બર 8ના
રોજ નોટબંધીની જાહેરાત કરી ત્યારે એ પગલું આવકારદાયક લાગ્યું હતું. પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે દેશવિરોધી-અસામાજિક તત્ત્વોએ સંઘરી રાખેલી રૂ.પાંચસો અને રૂ. એક હજારની નોટો કાગળના ટુકડા જેવી નકામી બની જશે. તેમણે લોકોને દેશહિતમાં થોડા સમય માટે મુશ્કેલી
વેઠી લેવાની અને ‘પ્રામાણિકતાના પર્વ, ઇમાનદારીના ઉત્સવ’માં જોડાવા હાકલ કરી. તેમના ભાષણમાં એ સ્પષ્ટ હતું કે નોટબંધીનો નિર્ણય કાળાં
નાણાં, ભ્રષ્ટાચાર અને ત્રાસવાદ
સામેની લડાઇના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. માટે, તેને ખાનગી રાખવાનું જરૂરી હતું.
અત્યારે નવાઇ લાગે એવી, છતાં
યાદ કરવા જેવી વાત એ છે કે તેમના નવેમ્બર 8ના
આખા ભાષણમાં ‘કેશલેસ ઇકોનોમી’નો ક્યાંય ઉલ્લેખ ન
હતો. ભ્રષ્ટાચાર-કાળાં નાણાં સામેની લડાઇમાં ‘કેશલેસ ઇકોનોમી’ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી
શકે અને નાગરિકોએ ‘કેશલેસ ઇકોનોમી’માં જતા રહેવું જોઇએ, એવી અછડતી વાત પણ તેમણે એ ભાષણમાં કરી ન હતી. બાકી, સરકારી
યોજનાઓ અને સરકારે લીધેલાં પગલાંથી માંડીને પ્રામાણિક રીક્ષાવાળા-ટેક્સીવાળા જેવી ઘણી વાતો તેમણે કરી—અને સમયનો પ્રશ્ન તેમને અમસ્તો પણ ન હોય.
સવાલ છેઃ ત્રણ અઠવાડિયાં દરમિયાન એવું શું બન્યું કે જેથી ભાષણમાં વડાપ્રધાનને
જેનો ઉલ્લેખ સુદ્ધાં કરવાનું સૂઝ્યું ન હતું, એવા મુદ્દા તેમની
પ્રચારઝુંબેશનો કેન્દ્રીય હિસ્સો બની ગયા? આ મુદ્દા એટલે 1)
કેશલેસ ઇકોનોમી 2) ગરીબોના ઘરની
બહાર લાઇન લગાડતા- ગરીબોના પગે પડતા અમીરો.
ઉપરાંત, હમણાંથી
વડાપ્રધાનનાં પ્રચારભાષણોમાં સાંભળવા મળતો દાવો છેઃ ‘બધી
લાઇનોના અંત માટે આ છેલ્લી વારની લાઇન છે.’ આ બધા મુદ્દા-દાવામાં કેટલું
તથ્ય છે એ પણ તપાસવું પડે.
કોઇને એવો સવાલ
થાય કે નોટબંધીની અર્થતંત્ર પરની વ્યાપક અસરો મુખ્ય મુદ્દો હોવાથી તેની ચર્ચા ન
કરવી જોઇએ? વાત સાચી, પણ અત્યારે રજૂ
કરાતા ભવિષ્યના ગુલાબી કે કાળા ચિત્રમાં અંગત ઝુકાવ ઠીક ઠીક ભાગ ભજવે છે. સરકાર જે રીતે
રોજેરોજ અવનવી જાહેરાતો કરે છે અને અમલીકરણને બદલે અગ્નિશમનમાં વ્યસ્ત જણાય છે, એ જોતાં ખુદ
સરકારને પણ અંતિમ પરિણામો વિશે ચોક્સાઇથી ખબર હોય,
એવું માનવું અઘરું છે. (આશાવાદની વાત નથી.) એ સ્થિતિમાં
વડાપ્રધાને કેશલેસ ઇકોનોમીના પૂર્ણસમય પ્રચારક તરીકે પાટો બદલ્યો છે.
કેશલેસ ઇકોનોમી—એટલે કે રોજિંદા
વ્યવહારમાં રોકડ રકમની જરૂર ઓછામાં ઓછી પડે અને મોટા ભાગનો વ્યવહાર મોબાઇલ એપ કે
કાર્ડથી થાય, એની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ નોટબંધીના અરાજક અમલથી પીડિત લોકોને ટાઢા
પાડવા માટે કેશલેસ ઇકોનોમીનો લોલીપોપ પકડાવી દેવાય,
એ ચિંતાજનક લાગે છે. આશય કેશલેસ
ઇકોનોમીનો જ હોય, તો આટલી બધી અંધાધૂંધી ફેલાવવાની ક્યાં જરૂર હતી? કેશલેસ ઇકોનોમી માટેની મૂળભૂત સુવિધાઓનાં ઠેકાણાં ન
હોય, બીજે
તો ઠીક, ઘણાં
મલ્ટિપ્લેક્સમાં ને મોટી દુકાનોમાં પણ કાર્ડ સ્વાઇપ કરવાનાં મશીન ન હોય, ત્યારે લારીવાળા- રીક્ષાવાળાના માથે
એવી અપેક્ષા લાદવી એ જુલમ છે. ‘કોણે ધાર્યું હતું કે લારીવાળા-રીક્ષાવાળા મોબાઇલ
રાખતા થઇ જશે?’ એવી દલીલનો સાદો જવાબ છેઃ
મોબાઇલ લોકોના માથે મારવામાં આવ્યા ન હતા. લોકોને તે પોસાતા થયા ને સુવિધાજનક લાગ્યા, એટલે વસાવ્યા. કેશલેસ ઇકોનોમી
ભરોસાપાત્ર અને ફાયદાકારક હશે તો લોકો આપમેળે,
મોબાઇલની જેમ, તેને અપનાવશે.
પરંતુ અહીં તો નોટબંધી પછી લોકોની વાસ્તવિક મુશ્કેલીનો સાચો કકળાટ વધ્યા પછી, પચ્છમબુદ્ધિ (આફ્ટરથોટ) તરીકે, લોકોનું ધ્યાન બીજા પાટે ચઢાવવા માટે કેશલેસ ઇકોનોમીનો પ્રચાર જોરશોરથી કરાતો હોય એવું લાગે છે. કાળાં નાણાં-ભ્રષ્ટાચાર વિશેના એક-બે બાળબોધી સવાલો (‘શું તમે ઇચ્છો છો કે કાળાં નાણાં-ભ્રષ્ટાચાર સામે લડવું જોઇએ?’) પછી વડાપ્રધાન તરત એવા સૂર પર આવી જાય છે, જાણે નોટબંધીનો નિર્ણય અર્થતંત્રને કેશલેસ બનાવવાના મુખ્ય હેતુથી લેવાયો હોય.
ભાષણોમાં વડાપ્રધાને
ગરીબોને થનારા કથિત ફાયદાની અને અમીરોને પડી રહેલી કથિત હેરાનગતિની વાર્તા ચલાવીને
‘ગરીબી હટાવો’ની છેતરપીંડી આચરનાર ઇન્દિરા ગાંધીની યાદ તાજી
કરી આપી છે. સામાન્ય સમજ ધરાવતા લોકોને તરત સમજાશે કે અઢળક બે નંબરી નાણાં ધરાવતા
લોકોએ લાઇન લગાડવાની જરૂર હોતી નથી. રૂપિયાથી બધું જ કરાવી શકાય છે. પરંતુ અમીરોને
પડતી ‘અગવડ’ ને વડાપ્રધાન (બદ)ઇરાદાપૂર્વક હજારો
ગણી મોટી બતાવે છે. તે ઇચ્છે છે કે ગરીબો-મધ્યમ વર્ગના લોકો
અમીરોને પડતી તકલીફની વાર્તાઓથી
જ રાજી થઇ જાય અને પોતાનાં નાણાં મેળવવામાં કે બદલાવવામાં પડેલી- રોજિંદા જીવનમાં
હજુ પડનારી હાડમારી ભૂલી જાય.
બાકી, કાળાં નાણાં મેનેજ
કરવાના ટેન્શનમાં કોઇ માલેતુજારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય એવા સમાચાર
તમે જાણ્યા? અને લાઇનમાં ઊભા રહેલા લોકોના મૃત્યુના સમાચાર અનેક
વાર સાંભળવા મળ્યા છે. બીજી વાત ગરીબોને થયેલા ફાયદાની છે. બીજાનાં કાળાં નાણાં ધોળાં કરવા લાઇનમાં ઊભા
રહેનારા કે પોતાના ખાતાં ભાડેથી આપનારા ગરીબોને કમિશનનો જે ટુકડો મળે તેને ‘ગરીબોને થયેલો ફાયદો’ કેવી રીતે ગણાવી શકાય?
વડાપ્રધાને કહ્યું
હતું કે બે નંબરની પાંચસો-હજારની નોટો નકામાં કાગળીયાં થઇ જશે. ત્રણ અઠવાડિયાં
પછીની સ્થિતિ એ છે કે બે નંબરની નોટો ને રકમો માટે સરકારે સ્કીમ જાહેર કરવી પડી છે. તેમાં જાહેર થયેલી
રકમમાંથી સરકાર 50 ટકા દંડ વસૂલે છે (30
ટકા વેરો કાયદાનું પાલન કરતો
માણસ અમસ્તો આપતો હોય છે), 25 ટકા રકમ કાગળીયાં નહીં,
કાયદેસરની સંપત્તિ તરીકે પાછી
મળે છે.
બાકીની 25 ટકા રકમ ચાર વર્ષ પછી,
વગર વ્યાજે ધોળાં નાણાં તરીકે
પાછી મળશે. કાળાં નાણાં સામે યુદ્ધ—કાળાં નાણાંવાળાને
200 ટકા દંડ ને જેલની સજાના
ફૂંફાડા મારનારા હવે જાણે લાલ જાજમ પાથરીને કહે છે,
‘એજન્ટોને શા માટે શોધો છો? અમે જ કાળાનું ધોળું કરી આપીશું. ઇમાનદાર કરદાતા કરતાં 20 ટકા જ વધારે ચાર્જ તમારે ચૂકવવો પડશે.’ પરંતુ પોતાની
પ્રચારપટુતા પર વડાપ્રધાન એટલા મુસ્તાક છે કે નાક-કપામણીને તે પ્લાસ્ટિક સર્જરીની પૂર્વતૈયારી
તરીકે વેચી શકે છે. લેવાલ મળી રહેતા હોય તો એ શું કામ ન વેચે?
નોટબંધીનો મોટો
ફાયદો એ હોત કે આશરે વીસેક ટકા (સરકારની બીક કે કડક શરતોને લીધે) બેન્કમાં પાછી ન
આવત. એટલો
સરકારને ચોખ્ખો ફાયદો થાત. પરંતુ અહેવાલો પ્રમાણે,
પાંચસો-
હજાર રૂપિયાની મોટા ભાગની નોટો
બેન્કોમાં પાછી જમા થઇ રહી છે. આ રીતે 90-
95 ટકા નોટો પાછી આવી જવાની
આશંકાથી, સરકારે સ્વૈચ્છિક જાહેરાતની યોજના આપવી પડી,
એવું પણ અનુમાન છે.
Labels:
demonetization,
economy,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Subscribe to:
Post Comments (Atom)
ખૂબજ સરસ વિશ્ર્લેષણ ઉર્વિશ.
ReplyDeleteદોઢ દાયકાથી આ જાદુગર ફીરકી કે દોરી વગર પતંગો/ ગુબારાઓ ચગાવે છે અને પેચ લડાવી, હરીફોની પતંગો કાપી પણ નાખે છે! હવે તો થાય છે કે પતંગ પણ ખરેખર છે કે હોવાનો ભાસ છે?
ReplyDeleteNarendra Modi Biggest loose and scam is vibrant Gujarat.
ReplyDeleteAfter MOU in All Vibrant summit one by one he gave land to business man and 90% businessmen have not started business in SEZ
People are very fool, they always appreciate acting of actor weather it is bollywood or politics.