Monday, December 12, 2016

સરદારઃ ઇન્દુલાલ યાજ્ઞિકની નજરે

Indulal Yagnik / ઇન્દુલાલ યાજ્ઞિક
ગુજરાતના જાહેર જીવનમાં સૌથી મોખરાનાં ગણાવાં જોઇએ એવાં નામોમાં ઇંદુલાલ યાજ્ઞિક (1892-1972)નો સમાવેશ થાય. પરંતુ ગાંધીજી અને સરદારના રાષ્ટ્રીય પ્રભાવ અને તેની સાથે સંકળાયેલા પક્ષીય રાજકારણને લીધે, તેમના સિવાયના બીજા અગ્રણીઓને ગુજરાતે સાવ ભૂલાવી દીધા છે. ઇંદુલાલ યાજ્ઞિકની સ્થિતિ પણ ખાસ જુદી નથી. એ તો વળી 1956ના મહાગુજરાત આંદોલનના નેતા તરીકે નવેસરથી પ્રસ્થાપિત થયા અને સરકારી ઇતિહાસના પાને ચઢી ગયા. બાકી, છ ભાગની દળદાર અને ગુજરાતની સર્વકાલીન શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામે એવી આત્મકથા લખ્યા પછી પણ ઇંદુલાલ જાણે કદી હતા જ નહીં, એવું અત્યારના રાજકીય-નાગરિકી પ્રવાહો પરથી લાગે. આઝાદી પહેલાંના લગભગ ચાર-પાંચ દાયકાની તેમની કામગીરી વિશે વાત કરવામાં કયા રાજકીય પક્ષને-રાજનેતાને રસ પડે? સનત મહેતા જેવા જૂના જોગીએ બીજા સાથીઓની મદદથી ઇંદુલાલની અપ્રાપ્ય આત્મકથાને નવેસરથી પ્રગટ કરી અને સુલભ બનાવી. (હવે તો તેનો દેવવ્રત પાઠક-હાવર્ડ સ્પોડેકે કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે) બાકી, વાંચે ગુજરાતની આખેઆખી સરકારી ઝુંબેશ આવી અને લાગતાં-વળગતાંને લાખોની કમાણી કરાવીને જતી પણ રહી. ત્યારે કોઇને ઇંદુલાલની આત્મકથા ફરી છાપવી જોઇએ એવું સૂઝ્યું ન હતું.

ગુજરાતના જ નહીં, કોઇ પણ પ્રાંતના કે દેશના જાહેર જીવનમાં ઇંદુલાલ જેવાં પાત્રો જૂજ હોય છેઅત્યંત ભાવનશીલ, અંગત વ્યવહારમાં ચોખ્ખા, લોકસેવાને અને પોતાને ઠીક લાગે તે કરવાને પ્રતિબદ્ધ, એમ કરવામાં કોઇની શેહ ન ભરે, ખત્તા ખાય, રોષ વહોરે, છતાં કોઇનો આદર ન ગુમાવે—અને પોતાની કામગીરીથી માંડીને પોતાના આવેગો સુધીનું બધું ભાવિ પેઢી માટે અભ્યાસસામગ્રી તરીકે મૂકીને જાય. તેમના માટે આમ તો ફકીર જેવો શબ્દપ્રયોગ વપરાતો હતો, પણ હવે તો વડાપ્રધાન પોતાને ફકીર તરીકે ઓળખાવતા હોય ત્યારે ઇંદુલાલને ફકીર ગણાવીને તેમની સાચકલી ફકીરીનું અપમાન ન કરાય.

ગાંધીજી કરતાં 23 વર્ષ અને સરદાર કરતાં 17 વર્ષ નાના ઇંદુલાલ ભારતના જાહેર જીવનમાં એ બન્નેના સિનિયર હતા. ભારતમાં આવ્યા પછી  ગાંધીજીએ પોતાની લડતના મુખપત્ર તરીકે દોઢેક દાયકા સુધી ચલાવેલું નવજીવન અસલમાં ઇંદુલાલે નવજીવન અને સત્ય નામથી શરૂ કરેલું અને સફળતાથી ચલાવ્યા પછી ભારત આવેલા ગાંધીજીને સોંપ્યું હતું. પરંતુ સમય જતાં ઇંદુલાલ સંસ્થાકીય શિસ્તમાં ગુંગળામણ અનુભવવા લાગ્યા અને તેમાં એમના ભાવનાશાળી-લાંબો વિચાર કર્યા વિના જેના વિશે ઉભરો આવે તેમાં ઝુકાવી દેવું એવા સ્વભાવનો ફાળો મોટો હતો. માટે, સંગઠન પર ચુસ્ત પકડ ધરાવતા, વાસ્તવદર્શી અને ગાંધીજીના સેનાપતિ એવા વલ્લભભાઇ સાથે તેમનું ઘર્ષણ થવું અનિવાર્ય હતું.

૧૯૨૧માં દાહોદ-ઝાલોદ-જંબુસર જેવા વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો, ત્યારે ઇંદુલાલ અને તેમના સાથીઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને વિગતવાર અહેવાલ તૈયાર કર્યો. એ અરસામાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકર્તાઓ ટિળકફંડમાટે એક કરોડ રૂપિયા એકઠા કરવામાં વ્યસ્ત હતા. ગુજરાત પ્રાંતની સમિતિને રૂ.૧૫ લાખનું ટાર્ગેટમળ્યું હતું. એ રકમ હજુ પૂરી થઇ ન હતી. ઇંદુલાલ ઇચ્છતા હતા કે ટિળકફંડ માટે એકઠી થયેલી રકમમાંથી  દુષ્કાળરાહત માટે થોડા રૂપિયા ફાળવવા જોઇએ. પ્રાંતીય સમિતિના આગેવાન તરીકે સરદારનું વલણ એવું હતું કે ટિળકફંડ નિમિત્તે આવેલી રકમ દુષ્કાળરાહતમાં નહીં, પણ કોંગ્રેસના ઠરાવ પ્રમાણે વાપરવી પડે.

તેમ છતાં, દુષ્કાળની ગંભીરતા સમજીને વલ્લભભાઇએ એવો વચલો રસ્તો કાઢ્યો કે,‘પ્રાંતની સમિતિ ટિળકફંડ ઉપરાંત દુષ્કાળરાહત માટે પણ અલગથી રકમ ઉઘરાવી શકે. દરમિયાન, કામ ચાલુ કરવા માટે જરૂરી રકમ ટિળકફંડમાંથી લોન તરીકે આપી શકાય.

પોતાની મર્યાદામાં રહીને વલ્લભભાઇએ કાઢેલો રસ્તો વ્યવહારુ હતો, પણ ઇંદુલાલને તેનાથી સંતોષ ન થયો. તેમણે લખ્યું, ‘બંધારણ મુજબ વલ્લભભાઇની દલીલો સાચી હતી..પ્રામાણિક મતભેદની હું જરૂર કદર કરું, પણ મને વલ્લભભાઇની શુષ્ક કાનૂની દૃષ્ટિ કેવળ અસહ્ય લાગી. સામાન્ય રાજકારણમાં ગમે તે હોય, પણ ગાંધીજીના સ્વરાજમાં દાહોદનાં જીવતાં હાડપિંજરોને-સાચાં દરિદ્રનારાયણને -પહેલું સ્થાન કેમ ન હોય, એ મારાથી સમજાયું નહીં.

સરદારથી નારાજ ઇંદુલાલ એક કરોડ રૂપિયાનું લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયા પછી નવું આયોજન ઘડતા ગાંધીજીને મળ્યા. તેમણે ઇંદુલાલની વાત સાંભળ્યા પછી તેમને જોઇતી રકમ (રૂ.૧,૧૨,૦૦૦) મંજૂર કરી. એ રકમ ગુજરાત પ્રાંતના ભંડોળમાંથી જ મળશે, એવી પણ ખાતરી ગાંધીજીએ આપી. તેનાથી ઇંદુલાલ રાજી થયા, પણ વલ્લભભાઇ પ્રત્યેનો તેમનો કચવાટ ઓછો થયો નહીં. ગાંધીજી જેવો નિર્ણય વલ્લભભાઇ ન લઇ શકે, એ વાસ્તવિકતા ઇંદુલાલ પ્રમાણી શક્યા નહીં. સામે પક્ષે, ‘ગાંધીજી પાસે પહોંચી જવાનીઇંદુલાલની ચેષ્ટાથી વલ્લભભાઇને પણ ખરાબ લાગ્યું. ઇંદુલાલના જણાવ્યા પ્રમાણે, ‘વલ્લભભાઇ કે બીજા કોઇ સાથીઓ આ કામની જવાબદારી લેવા માગતા ન હતા. એટલે બધી જવાબદારી મારી પર મૂકવામાં આવી. આમ, રાહતકાર્યમાં મેં જીત મેળવી, પણ વલ્લભભાઇની દોસ્તી ગુમાવી.

સરદાર અને ઇંદુલાલના મતભેદોમાં અને એકથી વધુ વાર ઇંદુલાલે કરેલા સંબંધવિચ્છેદના પાયામાં મુખ્યત્વે આશાવાદ વિરુદ્ધ વાસ્તવવાદની ખેંચતાણ હતી. સરદાર સાથે મતભેદોના પગલે ઇંદુલાલે ૧૯૨૧માં રાજીનામું આપવાનું નક્કી કર્યું, ત્યારે ગાંધીજીએ, ‘સ્વભાવફેરને કારણે સાથે કામ કરવું અશક્ય હોવાથી, ઘણા દુઃખની સાથે ભાઇ ઇંદુલાલનું રાજીનામું સ્વીકારવુંએવી સલાહ આપી. એ પ્રસંગે વલ્લભભાઇએ એવું લાગણીસભર પ્રવચન કર્યું કે ઇંદુલાલની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. વલ્લભભાઇએ કહ્યું,‘રાજીનામું આપવું, આપી છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇંદુલાલ મારા નાના ભાઇ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવે છે. હું શું કહું? મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું.’ 

ડાબેરી વિચારધારા ધરાવતા નાટ્યકાર જસવંત ઠાકરે તેમના ચરિત્રમાં નોંધ્યું છે, ‘જન્મભૂમિજૂથનું સવારનું દૈનિક પ્રગટ કરવાનું કામ અમૃતલાલ શેઠે ઇંદુલાલ યાજ્ઞિકને સોંપ્યું હતું. ઇંદુલાલે સરદાર સામે ઝુંબેશ ચલાવી અને સરદાર હચમચી ગયા. અમૃતલાલ શેઠ શરૂઆતમાં સરદારના દબાણને વશ થયા નહીં, પણ છેવટે અનિવાર્ય દબાણ સામે તેમને નમવું પડ્યું અને ઇંદુલાલ યાજ્ઞિક પાસે (અમૃતલાલે) રાજીનામું લખાવી લીધું. આ બનાવની નોંધ ખુદ ઇંદુલાલે પોતાની આત્મકથામાં લીધી છે, પણ તેમાં ક્યાંય સરદારના દબાણનો સીધો કે આડકતરો ઉલ્લેખ તેમણે કર્યો નથી. આત્મકથામાં બીજાં અનેક ઠેકાણે છૂટથી સરદારની ટીકા કરનાર ઇંદુલાલ એક પ્રસંગ પૂરતો આવો વિવેક રાખે કે આવી વાત ભૂલી જાય, એ બન્ને માનવાજોગ લાગતું નથી.

ઇંદુલાલ અને વલ્લભભાઇની પહેલી મુલાકાત પણ ઓછી નાટ્યાત્મક ન હતી. તેની અને આજીવન બન્નેના સંબંધોમાં આવેલા ચઢાવઉતાર તથા તેમાં પ્રગટ થતા બન્નેના વ્યક્તિત્વની વાત આવતા સપ્તાહે. 


2 comments:

 1. ઇંદુલાલ યાજ્ઞિકે એક જમાનામાં ગુજરાતના રાજકારણને, ખાસ કરીને અમદાવાદના રાજકારણને ભારે પ્રભાવિત કર્યું હતું. શાળાજીવન દરમ્યાન તેમનાં પ્રવચનો ઘણી વાર સાંભળ્યાં હતાં. સૌથી વધારે સ્પર્શે તેમની સાદગી ... અને યાદ રહી જાય તેમનું આખાબોલાપણું. ઇંદુલાલ ભારે સ્પષ્ટવક્તા.. પ્રવચનમાં પણ તડાફડી હોય, પરંતુ તે શબ્દોમાં સદાયે સામાન્ય જનતાનું હિત છલકતું હોય. ... વાચકોને કદાચ રસ પડે તો તેમની આત્મકથામાં તેમના દાંપત્યજીવનની નિખાલસ વાતો વાંચવા જેવી છે. પત્રકાર ઇંદુલાલ પણ સમજવા જેવા. તેમની ફિલ્મ કારકિર્દી તો સલામીને પાત્ર! સાચો મર્દ માણસ જેણે જીવનભર ફકીરીમાં યે પોતાનું ખમીર ન ખોયું.
  ઉર્વિશભાઈ! ગુજરાતની આજની પેઢી જ્યારે આવા પ્રેરણાદાયી ચરિત્રોને ભૂલવા લાગી છે, ત્યારે આપે સુંદર પોસ્ટ પબ્લિશ કરી.
  હરીશ દવે

  ReplyDelete
 2. It is very interesting and nice to read old historical details about Indulal Yagnik and Sardar,rheir social and political views.
  Just to mention that Ramnaklal Yagnik,who was the Prinipal of Dharmendrasinhji Arts Colleg,Rajkot, was brother of Indulal Yaghnik.
  Thnaks for giving such good information.

  ReplyDelete