Monday, April 14, 2014

ખાણીપીણીમાં ફિલસૂફી : તથાસ્તુ

કોઇ પણ બાબતમાંથી સંદેશો - એટલે કે કવિ શું કહેવા માગે છે - એ શોધી કાઢવાની પ્રવૃત્તિ ઘણી લોકપ્રિય છે. ગુજરાતી ભાષાનો આખો ચિંતનઉદ્યોગ તેની પર નભે છે. પાર્ટટાઇમ ચિંતન કરનારા સતત એ યાદ કરાવતા રહે છે કે એ ભલે પાર્ટટાઇમ, પણ છે તો ચિંતક જ. ફિલમ વિશે લખનારાને સતત એવું લાગે છે કે ડાયરેક્ટર શું કહેવા માગે છે એ હું નહીં કહું, તો અબુધ જનતા બિચારી સમજશે શી રીતે? અને દરેક ફિલમના ગુણદોષ જોતાં એ નહીં શીખે તો પછી દેશ આગળ કેવી રીતે આવશે?

ફિલમની કઇ સિચ્યુએશન એવી છે કે જેમાંથી બોધ ન તારવી શકાય? ઝાડના થડને અઢેલીને અથવા તેની અડખેપડખે ગીતો ગાતાં હીરો-હીરોઇન (‘પ્યાર હો ગયા’ સિવાય બીજું) શું કહેવા માગે છે? સિમ્પલ : ‘વૃક્ષ એ જીવન છે. વધુ વૃક્ષો વાવો. તમે વૃક્ષોને બચાવશો તો વૃક્ષો તમને બચાવશે.’

‘એક એકકો ચુન ચુનકે મારુંગા’ કહેનાર હીરો વાસ્તવમાં લોકશાહી અને તેમાં પણ ચુનાવ (ચૂંટણી)નું માહત્મ્ય કરે છે. ‘ચુન ચુનકે’ મારવાની કે તારવાની છૂટ દેશની પ્રગતિની પારાશીશી બની શકે છે, એવો તેનોે સંદેશ લોકો સુધી પહોંચતો ન હોય, તેમાં ડાયરેક્ટરનો શો વાંક? ‘કુત્તે, કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા’ એવી ત્રાડ પાડતી વખતે હીરો ખરેખર કહેવા માગે છે,‘તમારું રક્ત કોઇને જીવન આપી શકે છે. રક્તદાન, મહાદાન. ટિંગ ટોંગ.’

થોડાં વર્ષ પહેલાં હોલિવુડની એક ફિલ્મ આવી હતી : ‘મેટ્રિક્સ’. એ સુપરહિટ નીવડી એટલે તેના બીજા બે ભાગ બની ગયા, પણ ફિલ્મનો પહેલો ભાગ ફિલસુફીયુક્ત થ્રિલરથી ભરપૂર હતો. કેમ કે, ફિલ્મની કથાનો મુખ્ય દોર ફિલસૂફી આધારિત હતો. દા.ત. સત્ય એટલે શું? અહેસાસ? સ્પર્શ? ગંધ? સ્વાદ? ના. આ બધી લાગણીઓ વાસ્તવમાં ઇલેક્ટ્રિક સિગ્નલનાં વિવિધ સ્વરૂપો છે. તે મગજ સુધી પહોંચે એટલે જુદી જુદી અનુભૂતિ થાય છે. તમે હાથમાં પકડેલી ચીજ કાગળ છે એટલે કાગળ છે? ના. તમારા મગજને ‘એ ચીજ કાગળ છે’ એવો સિગ્નલ પહોંચે છે, માટે એ કાગળ છે.

ફિલસૂફી સામેની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે વાસ્તવિક જીવનમાં તે કામ લાગતી નથી. પરંતુ એ મહેણું ખોટું છે. થોડી કલ્પનાશક્તિથી ‘મેટ્રિક્સ’માં રજૂ થયેલી ઘણી ફિલસૂફી જીવનમાં- અરે, જીવનમાં શા માટે, સીધેસીધી રસોડામાં- લાગુ પાડી શકાય છે. જેમ કે, આગળ જણાવેલી ‘સત્ય શું છે?’ની જ વાત કરીએ તો-

કોઇને લાગે કે થાળીમાં પડેલી રસાદાર ચીજ બટાકાનું શાક છે, તો એ બટાટાનું શાક છે; રસો લાગે તો એ રસો છે અને મરચાંનું પાણી લાગે તો એ મરચાંનું પાણી છે. એનું કોઇ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. તે એ જ છે, જે તમે માનો અથવા (રાંધનાર દ્વારા) તમને મનાવવામાં આવે. ‘આ શાક નહીં, પણ મારું સ્વમાન છે’ એવો સિગ્નલ (શાક બનાવનાર દ્વારા) વહેતો થાય તો પછી જમનાર માટે શાકની શાક તરીકેની ઓળખ અને તેનો સ્વાદ ગૌણ થઇ જાય છે.

એવી જ રીતે, શાક ભાવતું ન હોય તો પીરસનાર કહી શકે છે : ‘છો ને પડ્યું થાળીમાં. તમે એમ માનજો કે એ (શાક) છે જ નહીં.’ એટલે શાક ભૌતિક સ્વરૂપે સામે પડેલું હોવા છતાં, જમનાર માટે એનું અસ્તિત્ત્વ મટી જાય છે. સાર : શાક નક્કર અસ્તિત્ત્વ ધરાવે છે, માટે એ શાક છે? ના, તમારા મગજને એ શાક લાગે છે, માટે એ શાક છે.

‘મેટ્રિક્સ’માં એક વાત એવી આવે છે કે ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. બધું  મેટ્રિક્સના પ્રોગ્રામમાં લખાયેલું જ છે. માણસોને જે વિકલ્પો લાગે, એ ખરેખર વિકલ્પો છે જ નહીં. માણસનું કામ ફક્ત એ જોવા-જાણવાનું છે કે જે થવાનું છે, તે કેવી રીતે અને શા માટે થવાનું છે. બીજા શબ્દોમાં, માણસ કેવળ નિમિત્ત છે. બાકી જે બનવાનું છે એ તો પહેલેથી નક્કી જ છે.

આ ફિલસૂફી સાચી છે કે ખોટી એની ચર્ચા જવા દઇએ, પણ વ્યવહારુ જીવનમાં તેનો અનુભવ કોને નહીં થયો હોય? ‘સાંજે શાનું શાક બનાવીશું?’ એવો સવાલ પૂછાય, એટલે જવાબ આપનાર વિચારે છે, ‘મારી પાસે કેટલા બધા વિકલ્પો છે.’ વાસ્તવમાં એ વિકલ્પો છે જ નહીં. બટાટાની સુકી ભાજીનું શાક બનવાનું નક્કી થઇ ચૂક્યું છે, પણ પસંદગી કરનારને એ વિશે ખબર નથી. તેના માટે એ ભવિષ્યની ઘટના છે. સપત્ની સાથેના સંવાદમાં એક પછી એક વિકલ્પો ખુલતા બંધ થતા જાય છે.

‘ભીંડા?’

‘અત્યારે ક્યાં સારા મળે જ છે. સાવ ઘરડા આવે છે.’

‘કોબીજ?’

‘કાલે જ હું એક કોબીજ લાવી હતી, પણ તેમાંથી એટલો મોટો કીડો નીકળ્યો કે... હવે હું કોબીજ નહીં લાવું.’

‘ડુંગળી?’

‘રાત્રે છાશ બનાવી છે. એની જોડે ડુંગળી સારી નહીં. જવા દો.’

‘કંકોડાં?’

‘બહુ મોંઘાં છે. હજુ સીઝન બરાબર આવી નથી.’

‘મકાઇ?’

‘હું લાવી છું, પણ એ શેકીને ખાવાની મઝા આવશે.’

‘સારુ ત્યારે. બટાટાની સૂકી ભાજી બનાવી દે.’  અને આવું કહીને એ માને છે કે આ વિકલ્પ એણે પોતે પસંદ કર્યો છે.

કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ મગજનું પણ ધાર્યું પ્રોગ્રામિંગ કરી શકાય એવો ખ્યાલ ‘મેટ્રિક્સ’માં રજૂ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં  કટોકટીની એક ક્ષણે હીરોઇનને હેલિકોપ્ટર ચલાવવાની જરૂર ઊભી થાય છે, પણ તેને હેલિકોપ્ટર આવડતું નથી. એ વખતે તેના મગજમાં હેલિકોપ્ટરના સંચાલનનો પ્રોગ્રામ ડાઉનલોડ કરી દેવામાં આવે છે. પછી શું? હીરોઇન ફરી વળે છે.

મોટા ભાગના માણસોને હેલિકોપ્ટર ચલાવવાની જરૂર ન પડે, પણ આ પ્રોગ્રામ ભોજનમુદ્દે ભારે ઉપયોગી નીવડી શકે છે. જેમ કે, કોઇ પણ વાનગી ભાવવાનો (કે ન ભાવવાનો) પ્રોગ્રામ આપણી ઇચ્છાથી મગજમાં ડાઉનલોડ કરી શકાય છે. પ્રિયતમાને ઘરે તેનાં માતાપિતા સાથે વાત કરતી વખતે, ખાંડ વગરની ચા મળે તો આપણું મગજ ખાંડને ‘ડાઉનલોડ’ કરી શકે છે. તેના લીધે મોળી ચા પણ મીઠી લાગે છે. એવી જ રીતે કડવાશ, તીખાશ, ગળપણ, ફિક્કાશ જેવા વિવિધ સ્વાદો રસોઇ બનાવનાર પાત્ર પ્રમાણે મગજમાં ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ જાતના માનસિક પ્રોગ્રામની બંધી નથી. એટલે જ કદાચ, ઘણા લોકોને આલ્કોહોલના નામ માત્રથી કે બોટલ પરનું લેબલ વાંચીને નશો ચડવા લાગે છે. બીઅર પીને આઉટ થઇ જનારા લોકોની વર્તણૂંક પ્રોગ્રામ ડાઉનલોડિંગની ફિલસૂફી સિવાય બીજી કઇ રીતે સમજાવી શકાય? 

3 comments:

  1. Anonymous3:04:00 PM

    ઉર્વિશભાઇ....
    ‘‘... વિવિધ સ્વાદો રસોઇ બનાવનાર પાત્ર પ્રમાણે મગજમાં ડાઉનલોડ કરી શકાય છે.’’
    એવી રીતે લેખ કોણે લખ્યો છે તે પરથી ‘‘સારો લેખ’’ અથવા ‘‘ખરાબ લેખ’’ નો ભાવ ડાઉનલોડ થઇ નહીં જતો હોય ?
    દા.તા. મને સફારી હંમેશા ગમે જ છે...
    બીજું બધુ જવા દો... આ મસ્ત લેખ છે... મને મજા આવી ગઇ આભાર સારો લેખ લખવા માટે (અત્યારે ઇલેકશન સિવાય ખાસ કઇ વાંચવા નથી મળતું માટે ;-)
    - ઝાકળ

    ReplyDelete
  2. ‘મેટ્રિક્સ’માં એક વાત એવી આવે છે કે ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. બધું મેટ્રિક્સના પ્રોગ્રામમાં લખાયેલું જ છે. માણસોને જે વિકલ્પો લાગે, એ ખરેખર વિકલ્પો છે જ નહીં. માણસનું કામ ફક્ત એ જોવા-જાણવાનું છે કે જે થવાનું છે, તે કેવી રીતે અને શા માટે થવાનું છે. બીજા શબ્દોમાં, માણસ કેવળ નિમિત્ત છે. બાકી જે બનવાનું છે એ તો પહેલેથી નક્કી જ છે.

    aa muddo vicharva jevo chhe.

    ReplyDelete
  3. Anonymous11:27:00 AM

    ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ જાતના માનસિક પ્રોગ્રામની બંધી નથી. એટલે જ કદાચ, ઘણા લોકોને આલ્કોહોલના નામ માત્રથી કે બોટલ પરનું લેબલ વાંચીને નશો ચડવા લાગે છે. બીઅર પીને આઉટ થઇ જનારા લોકોની વર્તણૂંક પ્રોગ્રામ ડાઉનલોડિંગની ફિલસૂફી સિવાય બીજી કઇ રીતે સમજાવી શકાય?

    ReplyDelete