Wednesday, August 01, 2012
હેલ્મેટ- દ્વિધાઃ પહેરવી કે ન પહેરવી?
(આ લખનારની જેમ) શેક્સપીઅરને ન વાંચ્યો હોય એવા લોકો પણ તેમના અમર પાત્ર હેમ્લેટ અને તેની દ્વિધા ‘ટુ ડુ ઓર નોટ ટુ ડુ’ વિશે જાણે છે. વર્તમાન ગુજરાતમાં હેમ્લેટ તો નહીં, પણ હેલ્મેટ દ્વિધાનો પર્યાય ગણાય છે. ચિંતનપરંપરા પ્રમાણે શેક્સપીઅર પરથી ઠેકડો મારીને મહાભારત પર આવી જઇએ તો, હેલ્મેટને લગતો કાયદો શું છે, એ લોકો જાણે છે પણ તેનું આચરણ કરી શકતા નથી- એટલે કે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે એ જાણતા હોવા છતાં એ પહેરી શકતા નથી અને કાયદાનો ભંગ શું છે તે જાણે છે, પણ તે કર્યા વિના રહી શકતા નથી. એટલે હેમ્લેટ-દ્વિધાની જેમ દુર્યોધન-દ્વિધા પણ એક ચીજ છે. અલબત્ત, દુર્યોધનના પક્ષે દ્વિધા નથી. જાણ્યાનું ઝેર છે. ધર્મ જાણતા જ ન હોઇએ તો જાણીને તેમાં પ્રવૃત્ત થવાની બબાલ રહે? ને અધર્મ શું છે એ ખબર ન હોય એટલે તેમાંથી નિવૃત્ત થવાનો કકળાટ પણ ન પહોંચે.
હેલ્મેટનો કાયદો ફક્ત દ્વિચક્રી વાહનચાલકોને લાગુ પડે છે. તેનું એક અર્થઘટન એવું છે કે ફક્ત હેલ્મેટ વિશેના જ નહીં, મોટા ભાગના કાયદા ભારતના સમૃદ્ધ વર્ગને લાગુ પડતા નથી. સાયકલસવારો માટે અને રાહદારીઓ માટે હેલ્મેટ ફરજિયાત નથી. તેનો ગૂઢાર્થ એવો કાઢવામાં આવે છે કે અમસ્તું પણ સરકારને એ લોકો જીવે કે મરે તેની ચિંતા નથી. આ વાતો અર્થઘટનની રીતે સાચી ન હોય તો પણ વાસ્તવિકતાથી એકદમ નજીક છે.
વાહનચાલકો જે બેફામ રીતે વાહનો ચલાવે છે એ જોતાં સુરક્ષા માટે હેલ્મેટની સૌથી વધારે જરૂર રાહદારીઓને અને પછીના ક્રમે સાયકલસવારોને છે. પરંતુ તેમને હેલ્મેટ પોસાય કે કેમ એ સવાલ છે. સરકારમાં રહેલા કોઇ ફળદ્રુપ ભેજાને એવું ઠસાવી દેવામાં આવે કે ‘હેલ્મેટનો અભાવ એ આમઆદમીનો પ્રશ્ન છે’, તો બને કે યુપીએ સરકાર ‘મહાત્મા ગાંધી ફરજિયાત હેલ્મેટ વિતરણ યોજના’ કે ‘રાજીવ ગાંધી મસ્તિષ્ક સુરક્ષા યોજના’ ચાલુ કરે અને તેના માટે બે-પાંચ હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી આપે. એ નાણાંમાંથી હેલ્મેટ ખરીદીને રેશનકાર્ડ દીઠ અને ગરીબીરેખા નીચે જીવતાં પરિવારોેને ખાસ માથાદીઠ એક-એક હેલ્મેટ વહેંચવાનો આદેશ પણ સરકાર કરી શકે છે.
હેલ્મેટની ખરીદીનું કામ સંરક્ષણવિભાગને સોંપવું કે સમાજકલ્યાણ વિભાગને એવો તાત્ત્વિક પ્રશ્ન ઊભો થઇ શકે, પણ ખરીદીનો (અને કટકીનો) બહોળો અનુભવ ધરાવતું સંરક્ષણ ખાતું છેવટે દેશહિતમાં એ જવાબદારી સ્વીકારશે અને ફ્રાન્સ-ઇઝરાઇલ-અમેરિકા જેવા દેશોમાંથી હેલ્મેટનાં ટેન્ડર મંગાવી લેશે. હેલ્મેટની ગુણવત્તાની બરાબર ચકાસણી કરવા માટે ફિલ્મસ્ટાર કે પેજ-થ્રી નબીરાઓની અવરજવરના રસ્તે ફુટપાથ પર રહેતા ગરીબોને પ્રયોગાત્મક ધોરણે કેટલીક હેલ્મેટ વહેંચવામાં આવશે. તેમણે ફરજિયાતપણે રાત્રે હેલ્મેટ પહેરીને સૂઇ જવું પડશે. એમ કરવા પાછળનો આશય, મોડી રાત્રે કોઇ સ્ટાર કે નબીરાની કાબૂ ગુમાવી બેઠેલી કાર નીચે આવી ગયા પછી હેલ્મેટ કેટલી અકસીર નીવડે છે એ તપાસવાનો હશે.
કારેલાંની જેમ હેલ્મેટ આરોગ્ય માટે સારી હોવા છતાં, તેના પ્રત્યે અભાવ ધરાવનારા લોકો મોટી સંખ્યામાં છે. દ્વિચક્રી ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાના ખ્યાલમાત્રથી તે કકળી અને ખિજાઇ ઉઠે છે. તેમને એક વાંધો એ પડે છે કે દ્વિચક્રી ચલાવતી વખતની અમારી મુખછટા આસપાસનું જગત જોઇ શકવાનું ન હોય, તો ઘૂળ પડી એ ‘શાનકી સવારી’માં. કેટલાક વઘુ આક્રમક ભાવ ધારણ કરીને કહે છે, ‘અમે એવાં કોઇ કામ કર્યાં નથી કે અમારે મોં સંતાડતા ફરવું પડે. હેલ્મેટ ખરેખર તો કોઇ દેવાળીયાએ લેણીયાતોથી બચવા- તેમનાથી સલામત રહેવા માટે કરેલું સંશોધન હતું. એમાંથી લોકો સલામતી-સલામતી કરીને અમસ્તા મચી પડ્યા છે.’
ઇતિહાસના શોખીનો કહે છે, ‘જૂના જમાનામાં રાજા યુદ્ધ કરવા જતા ત્યારે માથે આવું જ કંઇક પહેરતા હતા. મેં રાણા પ્રતાપનું એ જોયું છે. પણ એ બઘું રાજામહારાજાઓને જોઇએ અને એમને જ શોભે. આપણને એવા (પાંચસો-હજાર રૂપિયાની હેલ્મેટ ખરીદવા જેવા) રજવાડી શોખ પોસાય? અને એમ પણ આપણે ક્યાં યુદ્ધ કરવા જવું છે?’ ફિલ્મોમાંથી તેના ડાયરેક્ટરને પણ ખબર ન હોય એવા અર્થ શોધી કાઢનારી પ્રજાતિ કહી શકે છે, ‘ફરજિયાત હેલ્મેટનો કાયદો કરીને સરકાર એવું જ કહેવા માગે છે કે આ જમાનામાં રોડ પર દ્વિચક્રી ચલાવવું એ પહેલાંના વખતમાં યુદ્ધે ચડવા જેટલું ખતરનાક છે.’
હેલ્મેટ પહેરનાર પાસે એ પહેરવાનું એક જ કારણ હોય છેઃ ત્રણે ૠતુમાં બહારના વાતાવરણથી અને અકસ્માત થાય ત્યારે પછડાટથી સુરક્ષા. પરંતુ હેલ્મેટ ન પહેરનારા પાસે એમ કરવાનાં ઘણાં કારણ નીકળી આવે છે. હેલ્મેટ વિશેના ‘ફ્રિક્વન્ટ્લી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ તૈયાર કરવામાં આવે, તો તેમાં સૌથી ટોચ પર હોયઃ ‘હેલ્મેટ પહેર્યા પછી તમને શ્વાસ લેતાં ફાવે છે? મને તો કોઇએ હેલ્મેટ પહેરેલી હોય એ જોઇને ગભરામણ થાય છે. માથા પર આવડો મોટો સૈધો પહેરી કેવી રીતે શકાય અને એ પહેર્યા પછી સ્વસ્થ-સામાન્ય-સ્વાભાવિક રહી જ કેવી રીતે શકાય? ’
દેખીતું છે કે હેલ્મેટ પહેરનારા બધા પ્રાણાયામના જાણકાર નથી હોતા કે શ્વાસ લેતાં ન ફાવે તો શ્વાસ રોકી પાડે. તેનો અર્થ એ જ હેલ્મેટ પહેર્યા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી નથી કે રૂંધામણ થતી નથી. છતાં હેલ્મેટમાં માથું નાખવામાં ઘણાને એટલી બીક લાગે છે જાણે એ હેલ્મેટ નહીં, પણ વાઘ-સિંહનું પહોળું થયેલું મોં હોય અને હેલ્મેટ ઉતારતી વખતે એની સાથે ભૂલથી માથું પણ ઉતરી જવાનું હોય. પરંતુ દરેક પ્રકારમાં અપવાદો હોય છે તેમ, સિંહના મોમાં માથું મૂકીને નિરાંતે ઉંઘી શકનારા અને હેલ્મેટના ‘મોં’માં માથુ મૂકીને માના ખોળાની હૂંફ અનુભવનારા પણ હોય છે. તેમને હેલ્મેટ શિયાળામાં હૂંફ, ઉનાળામાં તાપથી રક્ષણ અને ચોમાસામાં વરસાદની ઝડીથી આડશ પૂરી પાડે છે. એવા ભાવિકજનો ધારે તો હેલ્મેટચાલીસા રચી શકે.
હેલ્મેટ દ્વારા મળતા રક્ષણનો ખ્યાલ મોટે ભાગે શેરબજારની ચડઉતરને કારણે કંપનીની કુલ કિંમતમાં થતા વધારાઘટાડા જેવો, નોશનલ (ખયાલી) હોય છે. દરેક વખતે હેલ્મેટ પહેરતી વખતે એવું વિચારીને મનોમન રાજી થવાનું હોય છે કે ‘હાશ, હજુ સુધી અકસ્માત થયો નથી, પણ થાય તોય આપણે કેવા સુરક્ષિત છીએ.’ આમ વિચારવાથી માથે લાગતો હેલ્મેટનો થોડોઘણો ભાર પણ તેની પ્રત્યેના આભારના ભારમાં પરિવર્તીત થઇને, પહેરનારને સદંતર બોજમુક્ત કરી નાખે છે.
ગમે તેવો કંજૂસ જણ પણ ‘અકસ્માત થાય તો સારું. કમ સે કમ હેલ્મેટના પૈસા તો વસૂલ થાય’ એવું ઇચ્છતો નથી. જોકે, એવા કંજૂસ જનો મોટે ભાગે હેલ્મેટ ખરીદતા જ નથી. બાળઉછેરનિષ્ણાત કે માનસશાસ્ત્રનિષ્ણાત એવા કેટલાકને એવી બીક લાગે છે કે હેલ્મેટના સ્વરૂપમાં માથાને લાડ લડાવવાથી માથું - એટલે કે તેની અંદર રહેલું મગજ- બગડી જશે. પહેલી દૃષ્ટિએ ભાવનાત્મક લાગતી આ વાત ખરેખર સાચી છે. હેલ્મેટરૂપીસુરક્ષા ધારણ કર્યા પછી ઘણા વાહનચાલકો એટલા નિશ્ચિંત અને બેફામ થઇ જાય છે કે તેમણે હેલ્મેટ ફક્ત માથે જ પહેરી છે અને બાકીનું આખું શરીર અસુરક્ષિત છે તેનો એમને ખ્યાલ રહેતો નથી.

Subscribe to:
Post Comments (Atom)
Superb!!!!!!!!!
ReplyDeleteNice!
ReplyDelete