Wednesday, July 18, 2018
ક્રિકેટનું સટ્ટાબજાર સત્તાવાર બનશે તો...
જુગાર માટેના અંગ્રેજી શબ્દ 'ગૅમ્બલ'/gambleનું મૂળ જૂના અંગ્રેજી શબ્દો gamen કે gamelમાં હોવાનું મનાય છે. આ બંને શબ્દોનો અર્થ છેઃ રમવું. આમ, રમતગમત અને જુગાર વચ્ચે નાળસંબંધ છે એવું કહી શકાય. અને એ ફક્ત શબ્દકોશ પૂરતો સીમીત ન રહેતાં મેદાન સુધી લંબાતો રહ્યો છે. રમત હોય એટલે અનિશ્ચિતતા હોય ને અનિશ્ચિતતા હોય એટલે દાવ લગાડવાની શક્યતાઓ ઊભી થાય. જેમ રમતની લોકપ્રિયતા વધારે, તેમ તેની પર રમાતા જુગારનો ધંધો ફુલેફાલે. છેલ્લા દોઢ-બે દાયકામાં ભારત ક્રિકેટજગતની ટંકશાળ બન્યું. એટલે ક્રિકેટ પર ગેરકાયદે રમાતા જુગારનો ધંધો અકલ્પનીય હદે વધ્યો. તેમાં ખેલાડીઓની સંડોવણીના આરોપ થયા. ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં એ ગોરખધંધા વકર્યા અને ક્રિકેટજગતની કોઠીમાં રહેલો કાદવ જાહેરમાં આવી ગયો.
સર્વોચ્ચ અદાલતે તેની સફાઈ માટે પ્રયાસ કર્યા, પણ ક્રિકેટ બૉર્ડના વહીવટમાં થોડીઘણી પારદર્શકતા લાવવાથી વધારે કશું થઈ શકે, એવું અત્યારે જણાતું નથી. કારણ કે ક્રિકેટમાં ખેલાતા સટ્ટાનો આંકડો હજારો કરોડમાં પહોંચ્યો છે. તો આ બદીને નાથવી શી રીતે?
લૉ કમિશન ઑફ ઇન્ડિયાએ આ મહિનાના આરંભે સૂચવેલો જવાબ છેઃ ગેરકાયદે સટ્ટાખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે, સરકારે તેને કાયદેસર બનાવવી, જેથી તેની પર દેખરેખ-નિયંત્રણ રાખી શકાય. (અમુક રાજ્યોમાં લૉટરીના અપવાદને બાદ કરતાં) અત્યારે કોઈ પણ પ્રકારની સટ્ટાખોરી કે જુગાર ગેરકાયદે ગણાય છે. એ ગુના સાથે પનારો પાડવા માટે અંગ્રેજોના જમાનાનો કાયદો છે જ. પરંતુ સટ્ટાખોરીનો વ્યાપ અટકવાને બદલે વધતો રહ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જેમ દારૂનો ધંધો ધમધોકાર ચાલતો હોય ને તેમાં ગુંડાઓથી માંડીને સામાન્ય ગરીબો સુધીનાં અનેક સ્તર હોય, એવું જ જુગારમાં -- ક્રિકેટ પર રમાતા જુગારમાં થયું છે. (દેશમાં ગેરકાયદે રમાતા સટ્ટાના જુગારમાં ક્રિકેટ પર રમાતા જુગારનો હિસ્સો અડધોઅડધ હોવાનો જાડો અંદાજ છે.)
જેમ દારૂબંધી, તેમ જુગારબંધી. બંને પર પ્રતિબંધ, છતાં બંને ધમધમે છે અને સંપૂર્ણપણે અનિયંત્રિત તથા ઘણે ભાગે અનિષ્ટ તત્ત્વોના હાથમાં છે. સરકારી તંત્રમાં રહેલા લોકોમાંથી કેટલાક પણ તેમાંથી અઢળક કમાણી કરતા હશે. (પ્રતિબંધિત પ્રવૃત્તિ ચાલવા દેવાનો ભાવ વધારે હોય.) પરંતુ સરકારી તિજોરીમાં તેમાંથી એક ફદીયું પણ આવતું નથી. આ સંજોગોમાં વ્યવહારડાહ્યો વિકલ્પ તો એ જ લાગે કે ક્રિકેટના સટ્ટા પરનો પ્રતિબંધ હટાવીને, તેને કાયદેસરનું સ્વરૂપ આપી દેવું જોઈએ. એમ કરવાથી સરકારને કરવેરાની અઢળક કમાણી થશે. ઉપરાંત, સટ્ટાના ધંધામાં ચાલતી ગોટાળાબાજી કે ખેલાડીઓ દ્વારા થતાં સ્પૉટફિક્સિંગ-મૅચ ફિક્સિંગનાં કૌભાંડો પર કડક નજર રાખી શકાશે.
આ દલીલમાં રહેલા ઉત્સાહનું એક મોટું કારણ સરકારને થનારી વધારાની આવક છે. આ રીતે આવનારી આવકને કેવા પવિત્ર હેતુઓ માટે વાપરી શકાય તેની યાદી પણ આશાવાદીઓ પાસે તૈયાર હોય છે. ભૂતકાળમાં આંધ્ર પ્રદેશમાં દારૂબંધી હટાવી લીધા પછી, દારૂના વેરામાંથી થતી આવક શિક્ષણના કામમાં વાપરવાના પ્રયોગ થયા હતા. ગળચટ્ટી લાગતી આ ધારણા કે આશાવાદમાં ત્રણેક બાબતો ખાસ વિચારવા જેવી છે.
૧) સરકારને મહત્ત્વનાં કામો કરવા માટે આવા રૂપિયાની જરૂર છે અને આવા રૂપિયા આવશે તો સરકાર તેમનો આડોઅવળો વહીવટ કરી નાખવાને બદલે, તેનો સાચી દિશામાં ઉપયોગ કરશે--આવું કયા આધારે માની લેવાય? આ બાબતમાં અત્યાર સુધીની સરકારોનો એકંદર રૅકોર્ડ સારો નથી. સરકારોનો સવાલ નાણાંની અછત કરતાં વધારે તેને વાપરવાની પ્રાથમિકતા અને અસરકારકતાનો હોય છે.
૨) સટ્ટાબાજી કાયદેસર થઈ ગયા પછી એ ધંધામાં અનિષ્ટ તત્ત્વોને બદલે ધંધાદારી-વેપારીઓ આવી જશે, એવો આશાવાદ છે. સાથોસાથ એ શક્યતા પણ વિચારવી પડે કે અત્યાર લગી સટ્ટાબાજીના ધંધામાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને હવે એ ધંધો કાયદેસર કરવાનો પરવાનો મળી જાય, તો પોતાના બીજા આડા ધંધાને આ કાયદેસરના ધંધા તળે ચલાવી શકે. આવું ન થાય તે જોવાનું કામ એ જ લોકોનું છે, જેમનું કામ અત્યારે સટ્ટાબાજી ન થાય એ જોવાનું છે. કાયદાના અમલનું એ કામ અત્યારે જેવી (નબળી) રીતે થાય છે, એવું જ ઢીલું પછી પણ નહીં રહે, તેની કોઈ ખાતરી નથી.
૩) ક્રિકેટ નિમિત્તે ચાલતી સટ્ટાબાજી સત્તાવાર થઈ ગયા પછી ખેલાડીઓ બુકીઓ સાથે મળીને ફિક્સિંગ ન કરે, તેનું ધ્યાન રાખવું પડે. ધારો કે એ અસરકારક રીતે થાય તો પણ, ન્યાયતંત્રની ધીમી ગતિ અને ભીનું સંકેલવાની લાંબી પરંપરાને કારણે, વગદારો સામે કડક પગલાં લેવાય એવી આશા જાગતી નથી. છેલ્લે આઇપીએલના કૌભાંડમાં સંડોવાયેલા ને ઝડપાયેલા શ્રીનિવાસને જે રીતે યેનકેનપ્રકારેણ પોતાનો દબદબો ચાલુ રાખવાની કોશિશ કરી અને તેમાં રાજકારણી વર્ગ જે રીતે ચૂપ રહ્યો, તે જોતાં ભવિષ્યમાં આ વર્ગ પાસેથી કડકાની કેટલી અપેક્ષા રાખવી, એ સવાલ છે.
ભારતમાં ક્રિકેટના સટ્ટાને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે, તો તેનાથી દેશ રસાતાળ નથી જવાનો. કેમ કે, અત્યારે પણ અબજો રૂપિયાનો સટ્ટો દેશમાં ચાલે જ છે. બ્રિટન જેવા દેશોમાં ક્રિકેટનો સટ્ટો કાયદેસર છે. છેક ૧૯૭૦ના દાયકામાં ઇંગ્લેન્ડની જુદી જુદી કાઉન્ટીની ટીમોને ટકી રહેવાનાં ફાંફાં પડવા લાગ્યાં, ત્યારે વધારાની આવક ઊભી કરવા માટે સ્ટેડિયમમાં બુકીઓને ખાસ બેઠકો આપવાનું નક્કી થયું. તેમને ફાળવાયેલા અલાયદા તંબુઓમાં લોકો મૅચ જુએ, ખાયપીએ અને સટ્ટો રમે એવી વ્યવસ્થા હતી. તંબુમાં મુકાયેલા ટીવીમાં ઘોડાની રેસનું પ્રસારણ ચાલતું હોય. એટલે સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા આવેલા જુગારપ્રેમીઓ રેસકોર્સ પર ગયા વિના, ક્રિકેટના સ્ટેડિયમમાંથી જ દાવ લગાડી શકે. અને ઘોડા પર દાવ લગાડી શકાય તો ક્રિકેટરો પર શા માટે નહીં?
આવી વ્યવસ્થા શરૂ થઈ ત્યારે થોડો ઉહાપોહ થયો હતો, પણ છેવટે મામલો આર્થિક સદ્ધરતાનો આવીને ઉભો એટલે રમતની પવિત્રતાથી માંડીને 'જૅન્ટલમૅન્સ ગેમ'ના ભ્રમ સુધીનું બધું બાજુ પર રહી ગયું. ભારતમાં ક્રિકેટનો સટ્ટો કાયદેસર થવાથી સરકારને અઢળક આવક થશે એ ખરું, પણ એ આવક દેશકલ્યાણનાં કાર્યોમાં વપરાશે અથવા ક્રિકેટમાં રહેલો સડો દૂર થઈ જશે, એવું લાગતું નથી. બોલો, લાગી શરત?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment