Wednesday, July 11, 2018

કાળાં નાણાં, ગુલાબી સપનાં

દેશની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી, તેની અનેક કલ્પનાઓ હોય છે. કોઈને લાગે છે કે લોકો અમારા ગુરુનું શરણું સ્વીકારે તો બધી સમસ્યાઓ ઉકલી જાય. કોઈ માને છે કે દેશમાંથી એક યા બીજી કોમના લોકોને હાંકી કાઢવામાં આવે, તો બધું ઠીક થઈ જાય. વાત ફક્ત આર્થિક સમસ્યા પૂરતી મર્યાદિત રાખીએ તો, ઘણાને લાગે છે કે ધર્મસ્થાનોનાં નાણાં દેશની તિજોરીમાં આવે તો ઉદ્ધાર થઈ જાય. આ બધી રંગીતરંગી છતાં વારંવાર ઉછાળાતી કલ્પનાઓ હોય છે. તેમના જેવી જ છતાં તેમની સરખામણીમાં વધારે તાર્કિક રીતે, વધારે જોશભેર રજૂ કરાતી એક કલ્પના છેઃ પરદેશમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું આવી જાય તો કામ થઈ જાય.

'વિદેશમાં રહેલું કાળું નાણું' --આ શબ્દપ્રયોગ એટલો પ્રભાવક છે કે તે વાંચી-સાંભળીને લોકોના એક કાનમાં રોષની ને બીજા કાનમાં આશાની ઘંટડી વાગવા માંડે છે. ત્યાર પછી સ્વસ્થતા જાળવી રાખવી અઘરી હોય છે. કેમ કે, મન પર કાલ્પનિક રકમનું વજન સવાર થઈ જાય છે. સરેરાશ લોકો કરોડની કે બહુ તો અબજની વાત હોય ત્યાં સુધી સમજી શકે.  પરંતુ મામલો તેનાથી ઉપર જાય, એટલે બધું સરખું લાગવા માંડે છે.  દસ હજાર કરોડ ને એક લાખ કરોડ વચ્ચે આંકડાકીય તફાવત તો લખીને સમજાવી શકાય, પણ તેની માનસિક અસરમાં ઝાઝો તફાવત પડતો નથી. આ મનોવૈજ્ઞાનિક હકીકતનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવીને કાળાં નાણાંના સ્વાર્થી કે પરમાર્થી ઝુંબેશકારો મન ફાવે એવા આંકડા ઉછાળે છે.

વર્ષો લગી કાળાં નાણાં વિદેશમાં ખડકવાના મામલે સ્વિત્ઝર્લેન્ડનું નામ ચર્ચામાં રહ્યું. 'સ્વિસ બૅન્ક' એ શબ્દપ્રયોગનો એવો દબદબો રહ્યો કે એ જાણે સ્વિત્ઝર્લેન્ડના પાટનગરમાં આવેલી કોઈ ભવ્ય છતાં બે નંબરી બૅન્કની વાત ચાલતી હોય એવું લાગે. સ્વિસ બૅન્કમાં જમા થયેલાં નાણાંની વાત ભ્રષ્ટાચારવિરોધી લડાઈનો મુખ્ય આરોપ બની અને સ્વિસ બૅન્કમાંથી નાણાં પાછાં લાવવાનો વાયદો રસદાર લૉલિપૉપ. વિદેશમાં રહેલાં નાણાંનો મામલો કેટલો પેચીદો છે, તે સમજાવવાને બદલે, ઝડપથી છવાઈ જવા માટે આખા મુદ્દાનું અતિસરળીકરણ કરી નાખવામાં આવ્યું. લોકો સમક્ષ એવી છાપ ઊભી કરવામાં આવી કે સહેજ જોરથી હાકોટો પાડીશું એટલે સ્વિસ બૅન્ક દોડતી આવીને રૂપિયા પાછા આપી જશે. બસ, અમે આવીએ એટલી જ વાર છે.

વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આણવાના નામે ચાલતી બાળવાર્તાઓમાં છેલ્લા થોડા વખતથી ફેરફાર કરવો પડે એમ છે.  ફક્ત વયથી જ નહીં, સમજથી પણ પુખ્ત બનવા ઇચ્છતા લોકો માટે ઘણી વાર સમાચાર આવે છે કે સવાલ કોઈ એક સ્વિસ બૅન્કનો ન હતો. સ્વિત્ઝર્લેન્ડની બૅન્કિંગ પ્રણાલિનો અને ખરું જોતાં તેના અર્થતંત્રનો નોંધપાત્ર હિસ્સો આવાં બેનંબરી-બેનામી નાણાં પર આધારિત હતો. તેમાં ખાનગી માહિતી જાહેર કરનાર બૅન્ક કર્મચારીને દંડ અને સજા ફટકારવાનો કાયદો હતો. હવે મુખ્યત્વે અમેરિકાના દબાણથી સ્વિત્ઝર્લેન્ડને કાયદામાં ફેરફાર કરવા પડ્યા અને તેની બૅન્કોમાં જમા થતાં નાણાંની વિગતો આપવાનું સ્વીકારવું પડ્યું.

પરંતું વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનું એક તાળું ખુલી રહે, ત્યાં લગી 'પનામા પેપર્સ' જેવા કેટલાક દસ્તાવેજો જાહેર થયા. ત્યારે સ્પષ્ટ થવું જોઈએ કે કાળાં નાણાંના નામે માત્ર સ્વિત્ઝર્લેન્ડને નિશાન બનાવવાનું કેટલું અપૂરતું છે અને તેની સાથે સંધિ થયા પછી સમસ્યા ઉકલી ગયાનો દાવો નકરું જૂઠાણું છે. સાદું કારણ એટલું જ કે ટૅક્સ હૅવન (haven/આશરો મેળવવાનું ઠેકાણું) તરીકે ઓળખાતા દુનિયાના દોઢ-બે ડઝન નાના દેશો (ઘણા ટાપુ દેશો) આ ધંધો કરે છે. તેમાં છાપે ચડેલા પનામા ઉપરાંત મોરેશિયસ, બહામા, બર્મુડા, મૉનેકો જેવા ઘણાનો સમાવેશ થાય છે. ત્યાં. કરવેરાનાં ધોરણ અત્યંત ઉદાર હોય છે. એટલે કંપનીઓ કે વ્યક્તિઓ આવા દેશોની બૅન્કમાં પોતાનાં ખાતાં રાખે છે. એ માટે ત્યાં કંપની ખોલવી પડે તો ખોલે છે અને એકાદ સ્થાનિક ડાયરેક્ટર નીમવો પડે તો નીમી કાઢે છે. એક જ વ્યક્તિ કાગળ પર અનેક કંપનીઓની ડાયરેક્ટર હોય એની આ દેશોમાં નવાઈ નથી. આ દેશો પર આંતરરાષ્ટ્રિય રાજકારણની ખટપટોથી એટલા દૂર અને ઘણી વાર એટલા અલિપ્ત હોય છે કે તેમની પર ધોંસ જમાવવાનું અને બૅન્કમાંથી માહિતી કઢાવવાનું અશક્યની હદે અઘરું બને છે.

આમ, સ્વિત્ઝર્લેન્ડે ભારત સહિતના દેશોને બૅન્કોમાં જમા થતાં નાણાં અંગે માહિતી આપવાનું શરૂ કર્યું તે આવકાર્ય છે. પણ તેનાથી એકદમ ઝિંદાબાદ-મુર્દાબાદની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. તેનાં બે કારણ છેઃ એક તો આગળ દર્શાવેલા 'ટૅક્સ હૅવન' દેશોની લાંબી યાદી અને બીજો, વધારે અગત્યનો મુદ્દોઃ સ્વિત્ઝર્લેન્ડ દ્વારા અપાતી માહિતી તેની બૅન્કોમાં જમા થતા વિદેશી નાણાંની હોય છે. એ નાણાં કાળાં જ છે એવું માની લેવાય નહીં. ધંધાર્થે પણ સ્વિત્ઝર્લેન્ડની બૅન્કમાં ખાતું હોઈ જ શકે. બીજો મહત્ત્વનો મુદ્દો છે : તેમાં ભારતની ધરતી પર સ્થપાયેલી ને નોંધાયેલી કંપનીઓ તથા વ્યક્તિઓને જ ભારતીયના ખાતે ગણાવવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે બે નંબરી નાણાંવાળા લોકો એકાદ ટૅક્સ હૅવનમાં કંપની ખોલાવીને તેના થકી જ બધો વ્યવહાર ચલાવતા હોય છે. એટલે સ્વિત્ઝર્લેન્ડે જાહેર કરેલાં નાણાંનો આંકડો કોઈ રીતે સંપૂર્ણ કહી શકાય એવો નથી.

ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, સ્વિસ બૅન્કોમાં જમા થયેલાં ભારતીયોનાં નાણાનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધ્યું છે. એ વધારો પચાસ ટકાથી પણ વધારે છે. તેના અનેક ખુલાસા આપી શકાય અને તેમાંથી ઘણા તાર્કિક પણ હોય. છતાં, વર્તમાન સત્તાધીશો વિપક્ષમાં હોત ને આ જાહેરાત થઈ હોત તો? એ વિચાર અવશ્ય આવે. આ સ્થિતિમાં નાગરિકોએ ગાંઠે બાંધવા જેવી વાત એક જ છેઃ વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં લાવી આપવાના વાયદાથી ને હાકોટાથી ભરમાવું નહીં. તેનો આશય નાણાં પાછાં લાવવા કરતાં નાગરિકોની લાગણી બહેકાવીને, તેમાંથી રાજકીય વ્યાજ ખંખેરી લેવાનો વધારે હોય છે. આટલી સાદી સમજ કોઈની પાસે ગીરવે મૂકવા જેવી નથી. 

1 comment: