Friday, July 27, 2018

૧૫૦૦મી પોસ્ટ : મારા 'ગુરુ'ઓ

બ્લૉગની ૧૫૦૦મી પોસ્ટ નિમિત્તે કંઈક ખાસ લખવું એવું વિચારતો હતો. એમાં ગુરુપૂર્ણિમા આવી. મારે ને ગુરુપૂર્ણિમાને કંઈ લેવાદેવા નહીં. એ દિવસે ફોનથી, મૅસેજથી કે રૂબરૂ પાયલાગણ કરવું પડે એવા એકેય ગુરુ નથી. એવું વિચાર્યું એટલે એ પણ થયું જે છે તે ગુરુઓ કેવા મજબૂત છે કે તે આવી કશી અપેક્ષા રાખતા નથી.. છતાં તેમના પ્રેમમાં અને મારા તેમના વિશેના ભાવમાં કશો ફરક પડતો નથી.

જેમણે મને જિંદગીમાં બહુમૂલ્ય કહેવાય એવી કોઈ પણ પ્રકારની સમજ આપી હોય, તેમને હું મનથી ગુરુ માનું છું. બોલચાલમાં ક્યારેક તેમને ગુરુ કહું, તેમનો ઉલ્લેખ ગુરુ તરીકે કરું. છતાં 'ગુરુ વાક્યમ્ પ્રમાણમ્' જેવી જડતા તેમાં નથી હોતી. શરણાગતિ કે શરણશીલતાનો ભાવ તો લેશમાત્ર નહીં. અને તેની ગુરુઓને ખબર હોય છે. (એટલે તો મથાળે ગુરુ શબ્દ અવતરણ ચિહ્નોની વચ્ચે મૂક્યો છે.) છતાં તે મને નભાવી લે છે. એ તેમનો પ્રેમ છે. તેમની પાસેથી સમજ ઉપરાંત આવો પ્રેમ મેળવીને મને સાર્થકતાની અનુભૂતિ થાય છે. એકબીજાની વિચારસ્વતંત્રતા જાળવવી એ ગુરુઓ સાથેના સંબંધોની એક મુખ્ય ખાસિયત રહી છે. તેનો બધો જશ ગુરુઓને છે. કારણ કે તેમના વિચાર તો તેમના રહેવાના જ છે. શિષ્યે જ પોતાના વિચાર બદલવાના હોય છે. પણ મારા ગુરુઓએ મને કદી એ રસ્તે ધકેલ્યો નથી કે નથી કદી અંગુઠો માગ્યો.

અગાઉ ઘણાં સંપાદનોમાં લખેલા અંગત લેખોમાં લખી ચૂક્યો છું તેમ, મારો સૌથી પહેલો ગુરુ એટલે છ વર્ષ મોટો ભાઈ બીરેન કોઠારી.  સાહિત્ય-હાસ્યવૃત્તિ-સંગીત-કળા-વ્યવહાર-વિચારની મારી જે કંઈ સમજ છે, તેના પાયામાં બીરેન છે. અમે બંને જુદી પ્રકૃતિના છીએ, પણ અમારા જેટલું એક ભાગ્યે જ કોઈ હશે. હવે તો અમારાં સંતાનો મોટાં થઈ ગયાં, છતાં અમારી વચ્ચેના એકત્વનો તાર એટલો જ રણઝણતો છે, જેટલો મારી સ્મૃતિના આરંભકાળે હતો. વર્ષોના તફાવત અને સંબંધોને ક્ષીણ પાડતા- તારને ઘસી નાખતા- તોડી નાખતા સાંસારિક પરિબળોને અમે ઘોળીને પી ગયા છીએ.  અમારા વ્યવસાય એક થઈ જ શક્યા હોત. આર્થિક ફરજ ન હોત અને યોગ્ય માહિતી હોત તો બીરેન પહેલેથી જ પત્રકારત્વમાં-લેખનમાં આવ્યો હોત.  અને પત્રકારત્વમાં આવતાં પહેલાં મેં ગુજરાત રિફાઇનરીમાં અૅપ્રેન્ટિસશીપ કરી ત્યારે એવું જ લાગતું હતું કે બંને 'પેટ્રોકૅમિકલ બ્રધર્સ' વડોદરામાં સૅટ થશે. એ આઇપીસીએલમાં ને હું રીફાઇનરીમાં. સારા નસીબે રીફાઇનરી અને હું એકબીજાથી બચી ગયાં. અને બીરેનની અંદરનું સત્ત્વ એટલું સબળ હતું કે આઇપીસીએલની આરામદાયક (એ સમયે મોભાદાર ગણાતી) નોકરી પણ તેને કાટ ન લગાડી શકી. થોડો સંઘર્ષ વેઠીને સાદગીથી લગ્ન કરવા જેવું પગલું હોય કે રૂપિયા પાછળ નહીં દોડવાનું-જીવનનો આનંદ માણવાનું 'દર્શન’, અમારી વૈચારિક એકરૂપતામાં ગઠ્ઠા બાઝ્યા નથી. તેની તરલતા અકબંધ અને જીવંત છે.
Biren Kothari/ બીરેન કોઠારી
રજનીકુમાર પંડ્યા : હમણાં જ તેમના વિશેની એક જૂની બ્લૉગપોસ્ટ શૅર કરી હતી. (રસ ધરાવતા મિત્રો માટે લિન્ક ) કિશોર વયે વાચક તરીકે તેમના પરિચયમાં આવ્યા પછી લગભગ અઢી દાયકાના સંબંધમાં જીવનના કેટકેટલા રંગ અને સત્યો તેમના થકી જાણવા મળ્યાં છે. તેમના જેટલું ચઢાવઉતારસભર, નાટ્યાત્મક જીવન બહુ ઓછાનું હશે. માણસના મનના પ્રવાહોનો પરિચય અને એક માણસ કેટલો સારો હોઈ શકે તેના અનેક પ્રત્યક્ષ દાખલા તેમની સાથેના વ્યવહારમાં જોયા છે. પત્રકારત્વમાં આવતાં પહેલાં, તેણે લીધેલા કેટલાય લોકોના ઇન્ટરવ્યુની કેસેટનું ટ્રાન્સ્ક્રીપ્શન મેં કર્યું. (પછી બીરેને પણ કર્યું). પત્રકારત્વ અને ઇન્ટરવ્યુની કળાની એ મજબૂત તાલીમ હતી. (ત્યારે જોકે લેખનમાં કારકિર્દી બનાવવાનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો). લેખન, અભિવ્યક્તિ, શબ્દોની ચોક્સાઈ...આવી કેટકેટલી બાબતો વિશે ચા પીતાં પીતાં રજનીભાઈ પાસેથી જે શીખવા મળ્યું એ તો ઉત્તમ છે. પણ જિંદગીના રંગ અને માણસનાં મન વિશે તેમની આંગળી પકડીને વિહરવાથી જે સમજ મળી છે, તે બીજી કોઈ રીતે શક્ય ન હતી.  પોતાનું ગુરુપણું કદી અમારી પર નહીં લાદીને કે અમને તેમના ઉપગ્રહ નહીં બનાવી દઈને તેમણે  ગુરુપદને ઉજાળ્યું છે. (આ વાત બાકી બધા ગુરુઓ માટે પણ એટલી જ સાચી છે. )
Nalin Shah - Rajnikumar Pandya / નલિન શાહ- રજનીકુમાર પંડ્યા (મહેમદાવાદ)
નલિન શાહ : લેખનથી પણ પહેલાંનો અને એનાથી પણ વધારે ઊંડો પ્રેમ જૂનાં ગીતો માટેનો અને તેમાં અમને નલિન શાહ ગુરુ તરીકે મળ્યા. ૧૯૩૦-૪૦-૫૦ના દાયકાના ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ, મરમી, કંઈક મહાન કલાકારો સાથે સીધો સંપર્ક ધરાવતા. અણીયાળા સ્વભાવના ને આકરા. છતાં અમારા પર રીઝી ગયા. તેમનાં લખાણથી તેમનો પરિચય થયો હતો. રિફાઇનરીની અૅપ્રેન્ટીસશીપ વખતે છ મહિના મુંબઈ રહેવાનું થયું ત્યારે અંગત નાતો થયો. તે અઢી-પોણા ત્રણ દાયકે પણ એવો જ મજબૂત છે. તેમણે ફિલ્મસંગીતની ચીલાચાલુ કરતાં જુદી દુનિયા દેખાડી, વિશ્લેષણાત્મક અભિગમ કેવી રીતે કામે લગાડાય એ તેમનામાંથી જોયું. નૌશાદ, પ્રદીપજી, રામ કદમ, જ્યોત્સના ભોળે જેવાને ત્યાં તેમની આંગળી પકડીને જવાનો લહાવો મળ્યો. અમારી પાસેથી નલિનભાઈને કશું મળવાનું ન હતું. છતાં કશી અપેક્ષા વિના, કેવળ સાચો રસ ને નિષ્ઠા જોઈને તેમણે અમને અઢળક પ્રેમ આપ્યો અને ફિલ્મસંગીતના અમારા રસને સાર્થક દિશા આપી. (તેની શરૂઆત રજનીભાઈએ કરી હતી, નલિનભાઈ તેને સડસડાટ ઉપર લઈ ગયા.) હું લેખનક્ષેત્રમાં આવ્યો તેનાથી મારા કરતાં પણ વધારે રાજી થયેલા સ્નેહીઓમાં નલિનભાઈ આવે. (તેમના વિશેના બીરેનના લેખની લિન્ક

અશ્વિની ભટ્ટ પત્રકારત્વની કારકિર્દી માટે 'અભિયાન'ની મુંબઈ ઑફિસે જોડાયા પછી નવેક મહિનામાં અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં 'અભિયાન'ની ઑફિસ અશ્વિનીભાઈના બંગલામાં ઉપરના માળે હતી. સ્કૂલમાં પહેલી વાર તેમની નવલકથા ('ફાંસલો’) વાંચેલી ત્યારે તેનાં પાત્રો મનમાં છવાઈ ગયાં હતાં. સરજુ દીવાન ને જીગર પરોત તો ઠીક, મોરારકા પણ દેખાતા અને હાથી પર બેઠેલો ટુરિસ્ટ પણ. હવે તેમના જ ઘરમાં, તેમની સાથે રહેવાનું મળ્યું. અશ્વિનીભાઈ જેટલા મોટા અને લોકપ્રિય લેખક હતા, તેનાથી પણ ઊંચા ને ઉમદા માણસ નીકળ્યા. રજનીકુમાર કે નલિન શાહ કરતાં જુદા પ્રકારે તે ગુરુ બની રહ્યા. વાતરસિચા, મહેફિલના માણસ, લોકપ્રિયતાના હળાહળને ગળામાં રાખવાની પણ જરૂર નહીં, એ તો સદંતર પચાવી ગયેલા. પ્રચંડ લોકપ્રિયતા કેવી રીતે પચાવાય, કેટલા સહજ અને નિર્ભ્રાંત રહી શકાય એવા પાઠ તેમણે બેસાડીને તો કદી આપ્યા નથી, પણ તેમની સાથે રહેવાથી મળ્યા છે.  અમારો સંપર્ક થયો ત્યારેનું નીતિભાભી સાથેનું તેમનું મીઠું દાંપત્યજીવન,  તેમની સામાજિક નિસબત, લાગણી, છાપાંના માલિકો સાથે કામ પાડવાની તેમની રીત... આ બધું બહુ અડ્યું. તેમનાં તોફાનોની વાત કરે ત્યારે નીતિભાભી તેમને મીઠો ઠપકો આપતાં કહે, 'તમે આ છોકરાઓને બગાડો નહીં.’   ('છોકરાઓ'માં પ્રશાંત દયાળ અને અનિલ દેવપુરકર પણ હોય). અભિયાન અમારા સંપર્કનું આરંભબિંદુ હતું. અંતિમ બિંદુ તો તેમનું અવસાન જ બન્યું.
Neeti Bhatt- Ashwinee Bhatt/ નીતિ ભટ્ટ- અશ્વિની ભટ્ટ (૨૦૦૯)
નગેન્દ્ર વિજય 'અભિયાન'માં હોવાને કારણે મળેલા બીજા ગુરુ એટલે નગેન્દ્ર વિજય. તેમનું 'સ્કોપ'  કિશોરાવસ્થામાં આરાધ્ય હતું. 'અભિયાન'માં તે શતરંજ નામે રાજકીય કોલમ લખતા અને ૧૯૯૫માં ઇ-મેઇલથી, ત્યાંના જ ફૉન્ટમાં તેમનું મૅટર મોકલતા. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી નગેન્દ્રભાઈને મળવાનું થયું ત્યારનો રોમાંચ હજી યાદ છે. પછી પ્રશાંત અને હું ઘણી વાર તેમની વિકાસગૃહવાળી ઑફિસે જતા. ધીમે ધીમે પરિચય વધ્યો. ૧૯૯૮માં તેમણે અમદાવાદનું સીટી મૅગેઝીન શરૂ કરવાનું વિચાર્યું, ત્યારે હું 'સંદેશ' છોડીને તેમની સાથે જોડાયો. હર્ષલ તો હોય જ.  'સીટીલાઇફ’ પખવાડિકના અગિયાર અંકોએ મારા મનમાં અનેક વિષયોના દરવાજા ખોલી નાખ્યા. પહેલાં મને ફક્ત પ્રોફાઇલ અને જૂના ગીતસંગીતમાં જ રસ પડતો. 'સીટીલાઇફ' પછી અનેક વિષય પર લખવાનું સૂઝવા લાગ્યું. બીજા ગુરુઓની જેમ નગેન્દ્રભાઈએ કદી જોડે બેસાડીને શીખવ્યું નહીં, પણ તેમને કામ કરતા જોઈને ઘણું શીખવા મળ્યું. પત્રકારત્વમાં ત્યાર પછી જે કંઈ કરી શક્યો, તેમાં સીટીલાઇફમાં મળેલા અનુભવનો ફાળો બહુ મોટો છે.
 Nagendra Vijay- Vinod Bhatt નગેન્દ્ર વિજય- વિનોદ ભટ્ટ (૨૦૧૫)
વિનોદ ભટ્ટ : તેમની સાથેનો પરિચય પત્રકાર બનતાં પહેલાં વાચક તરીકેનો. પછી વડીલ મિત્ર સલિલ દલાલને કારણે તેમના ઘરે અવરજવરનો સિલસિલો શરૂ થયો, જે તેમની વિદાય સુધી જારી રહ્યો. (તેમના વિશે નવનીત સમર્પણમાં લખેલો અંજલિલેખ થોડા વખતમાં મુકીશ). તેમની સાથેની મોટા ભાગની વાતો નવા પ્રવાહો ઉપરાંત જૂના સાહિત્યકારો વિશેની થતી. જ્યોતીન્દ્ર દવેથી માંડીને બીજા અનેક પ્રિય લેખકોને વાતદેહે મેળવી આપવાનું કામ વિનોદભાઈએ કર્યું. તેમનું 'વિનોદની નજરે' મારાં અતિપ્રિય પુસ્તકોમાંનું એક. એ પુસ્તકના લેખકની રૂએ વિનોદભાઈ મળતાં પહેલાં જ ગુરુ બની ચૂક્યા હતા. રૂબરૂ સંપર્કથી એ નાતો દૃઢ બન્યો અને તેમાં બીજાં અનેક સ્તર ઉમેરાયાં. (બ્લોગ પર આપેલી સચિત્ર અંજલિની લિન્ક)

***
આ ઉપરાંત કૌટુુંબિક વડીલ કનુકાકા (કનુભાઈ પંડ્યા) તો જુદા જ સ્તરના ગુરુ હતા. એક સાથે તેમણે ગુરુ, દાદા, આકરા છતાં લાગણીસભર વડીલ જેવી અનેક ભૂમિકાઓ અદા કરી. તે ધર્મે શિક્ષક હતા. તેમના અનેક વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો ભાવ જોઈને ગુરુનું મહત્ત્વ પહેલી વાર સમજાયું હતું. (તેમના વિશે બીરેનના લેખની લિન્ક) કનુકાકાના શિષ્યવત્ પણ અમારા સ્નેહીવડીલ અને સ્કૂલના શિક્ષક (દિવંગત) પાઉલભાઈ સાહેબે સાવ શરૂઆતનાં વર્ષોમાં ભાષા માટેનો પ્રેમ સંકોર્યો. પોતાના વિદ્યાર્થીઓને એ 'તમે' કહીને બોલાવતા. (તેમના વિશેના લેખની લિન્ક ) પ્રકાશભાઈ (પ્રકાશ ન. શાહ), તારક મહેતા, રતિલાલ બોરીસાગર જેવા વડીલો પાસેથી અનૌપચારિક રીતે ઘણું શીખ્યો છું. વિપરીત પરિસ્થિતિમાં હસતા મોઢે લડતા રહેવાનું પ્રકાશભાઈ માટે સહજ છે. તેનો ચેપ પ્રસરે એવી ઇચ્છા હંમેશાં રહે છે.

મારાથી એક-દોઢ દાયકો મોટા સલિલ દલાલ, ચંદુ મહેરિયા, રમેશ ઓઝા જેવા વડીલમિત્રો પાસેથી જુદા જુદા તબક્કે ઘણું જોવાશીખવાનું મળ્યું છે- મળે છે.  ઉંમરમાં મારી આસપાસના દીપક સોલિયા, પ્રશાંત દયાળ જેવા મિત્રો સાથે બે દાયકાથી પણ વધુની દોસ્તીમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ થઈ છે. આરતી (નાયર) કે નિશા (પરીખ) જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રો પાસેથી ઘણું જાણવાસમજવાનું હોય છે.
આ યાદી સંપૂર્ણ નથી. આવાં થોડાં નામ હજુ રહેતાં હશે અને નામો ઉમેરાતાં રહે છે તેનો વિશેષ આનંદ છે. સારા માણસો આટલી મોટી સંખ્યામાં છે અને એ મને સતત મળતાં રહે છે, તેનાથી જીવનના આનંદનો મારો કાંટો કદી નીચે ઉતરતો નથી અને વિદ્યાર્થી અવસ્થા કદી પૂરી થતી નથી.

ટીચરોને સારું લગાડવા માટે તેમને પગે લાગતાં 'સ્માર્ટ' વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પોતાની છાવણી અને વાડામાં પૂરી રાખતા ગુરુઓ...આ બંને પ્રજાતિથી તમે બચેલા રહો અને એક દિવસની ગુરુપૂર્ણિમાને બદલે બધા દિવસ વિદ્યાર્થીપૂર્ણિમા ઉજવતા રહો એવી શુભેચ્છા. 

6 comments:

  1. Anonymous10:32:00 PM

    Urvishbhai,
    To read your writings gives special, unique or incredible happiness. Now as a long time reader I fell all your friends and "Gurus" or elder respected writers, like my own too.
    I am feeling blessed after reading you, thank you very much Urvishbhai.
    Manhar Sutaria

    ReplyDelete
  2. ખૂબ સ્પર્શીલો છતાં પરિચયાત્મક

    ReplyDelete
  3. વાંચવાની ખુબ મજા આવી અને બધી " લીંક " સાથે વાંચવાના કારણે વાર પણ ખુબ લાગી . પણ ફરી કહું, વાંચવાની મજા આવી !

    ReplyDelete
  4. હેલો બીરેન ભાઈ કોઠારી,
    આજની આધુનિક વિચારસરણીમાં તમે સરસ રીતે ગુરુપૂર્ણિમા મીમાંસા કરી ને તમારા વાંચકોને મસાલો પૂરો પાડ્યો છે. જેમ સમય બદલાઈ તેમ લોકોની રીતભાતો અને બાહ્ય વર્તણુકમાં પણ ફેરફાર દેખાતા હોય છે.
    તેમ છતાંય સન્માનિક મૂળભૂત ગુણો ભૂલતા નથી જે તમારા લેખમાં નજરે પડે છે.
    ગુરુપૂર્ણિમાનો અર્થ આજના સમયમાં ધાર્મિક નજરે વધુ જોવાનું લોકોમાં દેખાય છે તેમ માનવું ઠીક ગણાશે.
    સાધારણરીતે શિષ્ટાચારની 'ઢબ' તો દરેકે કેળવવી પડે જે એકબીજાને આદર આપે છે.
    સ્કૂલો, કોલેજોમાં નાગરિકશાસ્ત્ર કેટલું ભણાવાય છે તે પણ એક મોટો સવાલ છે?
    વિદ્યાર્થીકાળમાં પાડેલી સારી નરસી ટેવો રોજિંદા જીવનમાં લાંબા સમયસુધી દરેકને ઘર કરી જતી હોય છે.
    આભાર

    ReplyDelete
    Replies
    1. this is written by Urvishbhai kothari, and not by Biren kothari. He wrote about him as his first Guru.

      Delete