Wednesday, May 06, 2020
...તારા કોરોનાનો કોઈ પાર નથી
કોરોના વિશે અલગથી હાસ્યલેખ લખવાનું સહેલું નથી. ચિંતન કૉલમોમાં કાયમી ગ્રૅવીમાં જે રીતે આવડતાનુસાર કોરોના-મસાલાની ભેળવણી થઈ રહી છે તે જોતાં, એવાં લખાણ વાંચતાં આવડે તો ઉત્તમ હાસ્યલેખની ગરજ સારે એવાં હોય છે. આવાં લખાણ થકી જાણેઅજાણે ગુજરાતી હાસ્યસાહિત્યમાં થયેલું પ્રદાન—એ એકાદ ડેઝર્ટેશનનો વિષય બને એમ છે. (ડેઝર્ટેશનના વિષય પોતે જુદા હાસ્યલેખનો વિષય છે, પણ એ વળી જુદી વાત થઈ.) કોરોનાએ સંદેશો આપ્યો છે કે ચાહે આભ તૂટી પડે યા ધરતી ફાટી પડે, પણ ચિંતન લખનારાને કોઈ બદલી (એટલે કે સુધારી) શકે તેમ નથી અને તેમના ચાહકો તેમને (આથી વધુ) બગાડી શકે તેમ નથી.
એક મહિનાથી પણ વધુ સમય સુધી લૉક ડાઉનમાં રહ્યા પછી, કોરોનાએ ઉભારી આપેલાં કેટલાંક સત્યની અછડતી યાદી બનાવીએ, તો તેમાં કઈ બાબતો હોઈ શકે? થોડી અહીં આપી છે, બાકીની તમે તમારા અનુભવથી ઉમેરી શકો.
એક મહિનાથી પણ વધુ સમય સુધી લૉક ડાઉનમાં રહ્યા પછી, કોરોનાએ ઉભારી આપેલાં કેટલાંક સત્યની અછડતી યાદી બનાવીએ, તો તેમાં કઈ બાબતો હોઈ શકે? થોડી અહીં આપી છે, બાકીની તમે તમારા અનુભવથી ઉમેરી શકો.
- કોરોનાકાંડ હજુ ભલે ચાલુ હોય, પણ તેણે એટલું તો આ તબક્કે જ શીખવાડી દીધું છે કે માણસજાત કશું શીખતી નથી.—ચાહે તે પર્યાવરણ અને પ્રકૃતિજગતની વાત હોય કે રાજકારણની.
- સ્મશાનવૈરાગ્યની જેમ ‘કોરોનાવૈરાગ્ય’નો હુમલો ઓછીવત્તી માત્રામાં દરેકને આવ્યો હશે. આ સંસાર ફાની છે, શું સાથે લઈ જવાનું છે, કલ હો ન હો....બધું બરાબર, પણ તેથી શું? તેથી સારાં કામ કરવામાં મચી પડવાનું? ના ભાઈ, ના. ફાની જિંદગી છે તો જે સૅલ્ફી કાલે લેવાની હતી તે આજે ને અત્યારે કેમ નહીં? જે વાનગીની કે (ગુજરાતબહાર શરાબના જામની) તસવીર કાલે સોશિયલ મીડિયા પર મૂકવાની હતી તે આજે કેમ નહીં? ઘરમાં ને ઘરમાં બનીઠનીને ફરવાનું સિરિયલોવાળા બતાવતા હતા, ત્યારે લોકો નાકનું ટીચકું ચડાવતા હતા. હવે ખબર પડીને કે ઘરમાં પણ એક યા બીજી ચૅલેન્જના બહાને ફુલફટાક રહી શકાય? બલ્કે, એમ જ રહેવું જોઈએ? કોરોનાનો શો ભરોસો?
- કોરોના જેવી આફતની ગંભીરતામાં સડેડાટ વહી ન જવું. કોરોના તો આજ છે ને કાલે તેની રસી શોધાઈ જશે, પણ કોમવાદ કાયમ રહેવાનો છે ને એની રસી કોઈ શોધવાનું નથી. અરે, કોઈ શોધી કાઢે તો પણ કેટલા લોકો લે એ સવાલ. કોરોનાગ્રસ્તોનો જીવ બચાવવા આવતા મૅડિકલ સ્ટાફ પર હુમલા થાય, ત્યારે લોકોને નવાઈ લાગે છે. પ્રજાકીય માનસિકતા પિછાણતાં, ખરેખર તો લોકોને નવાઈ ન લાગવી જોઈએ. કોમવાદના વાઇરસથી ગ્રસ્ત લોકોની સારવાર માટે તેમને સૌહાર્દ-સહઅસ્તિત્વ-મધ્યમ માર્ગ જેવાં રસાયણોની રસી આપવા જઈએ, ત્યારે એ ગ્રસ્તો પણ શાબ્દિક રીતે સામા હુમલા કરવા નથી ધસતા? પોતાને વળગેલા વિવિધ વાઇરસની રસી લેવાને, તેને પોતાની અસ્મિતા સમજીને જડતાથી વળગી રહેનારાએ ઘણાએ દર્શાવી આપ્યું છે કે તે ફક્ત બૌદ્ધિક વાઇરસ નહીં, વાસ્તવિક વાઇરસના મામલે પણ આવી રીતે વર્તી શકે છે.
- મહેનત કોઈ કરે ને જશ કોઈ લઈ જાય, એવું સામાન્ય સંજોગોની માફક કોરોનાકાળમાં પણ બને છે. પહેલાં આ સમીકરણ ફક્ત વિજ્ઞાન અને (દરેક ધર્મના) ભગવાન માટે લાગુ પડતું હતું. હવે તેમાં નેતાઓ ઉમેરાયા છે. સેંકડોની પેઇડ-અનપેઇડ લોકોની ભક્તિના ભાજન એવા નેતાઓ કોઈનાં કફનમાંથી પણ પોતાનાં નામ લખેલા સૂટ સિવડાવી શકે એમ છે. રાહત સામગ્રીનાં પૅકેટ પર રાજનેતાઓ કે રાજકીય પક્ષોનાં ચિહ્નોની તસવીરો તેનો પુરાવો નથી? કોરોના જેવી અણજોયેલી આપત્તિ અને તેમાં વહીવટી અરાજકતા છતાં, આપત્તિના સંજોગોમાં ફક્ત ઇષ્ટ દેવ તરફના નહીં, ઇષ્ટ નેતાઓ પ્રત્યેના ભક્તિભાવમાં પણ વધારો થાય છે, તે કોરોનાએ દર્શાવી આપ્યું છે.
- એક જમાનામાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબી હટાવવાનો લાંબો રસ્તો લેવાની માથાકૂટ ચાલતી હતી. ધીમે ધીમે સરકારોને એ પ્રયાસો પાછળ રહેલી પોતાની મૂર્ખામી સમજાઈ. તેમને થયું કે લોકોને તો ચબરાકીયાં સૂત્રો, આક્રમક પ્રચાર, લાગણી સાથે ખેલથી બહેલાવી શકાય છે. આપણે મત લેવાથી વધારે એમનું કામ પણ શું છે? એટલા માટે કંઈ ગરીબી દૂર કરવાની મહેનત થોડી કરાય? ગરીબીરેખા ઊંચી હોય તે થોડી નીચી લાવી દેવાની. એટલે જે ગરીબો પહેલાં રેખાની નીચે હોય, એ બધા રેખાની ઉપર આવી જાય અને ગરીબી ચપટીમાં દૂર. આ બોધપાઠ સનાતન છે અને તે કોરોના જેવી વૈજ્ઞાનિક આફતમાં પણ પ્રયોજી શકાય છે, એ પણ જોવા મળ્યું. કોરોનાના કેસની સંખ્યા ભયજનક રેખાથી નીચે રાખવા માટે તેને અંકુશમાં લેવાના ધમપછાડા કરવાની જરૂર નથી. એ બધું વ્યક્તિગત ધોરણે કોઈ અફસર કરતા હોય તો ભલે, પણ તેની પર આધાર રાખીને બેસી રહેવાને બદલે, ટેસ્ટ જ ઓછા કરવાના. ટેસ્ટ ઓછા થશે એટલે દર્દીઓની સંખ્યા આપોઆપ માપમાં રહેશે અને થોડો સમય પસાર થઈ શકશે. દરમિયાન લોકોને મનોરંજન સાથે કંઈક કર્યાનો ઠાલો સંતોષ મળે એવું આગળનું પગલું વિચારી લેવાનું. એ માટે વહીવટી આવડતની જરૂર નથી, ઇવેન્ટ મૅનેજમૅન્ટની આવડત ચાલી જશે—અને એ પ્રતિભાની તો દેશના શાસનતંત્રમાં ક્યાં ખોટ છે? અમૃત ‘ઘાયલ’નો એ મતલબનો શેર કે પીતાં આવડે તો, હે મૂર્ખ મન મારા, એવી કઈ ચીજ છે, જે શરાબ નથી? એવી રીતે, લોકોને ભરમાવતાં આવડે તો એવી કઈ આફત છે, જે ઇવેન્ટ નથી?
Labels:
Corona,
COVID-19,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment