Sunday, August 07, 2011

આંદામાનના આદિવાસીઓ પર થયેલા અનોખા પ્રયોગની કથા કુદરતનો કોપ ચડે કે ‘સભ્યતા’નો ખતરો?

સાતેક વર્ષ પહેલાં આવેલા વિનાશક ત્સુનામીએ આંદામાન નિકોબાર ટાપુસમુહો સહિત દક્ષિણ ભારતના મોટા વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. સેંકડો લોકો તેની ઝપટમાં આવીને માર્યા ગયા. પરંતુ આંદામાન-નિકોબારની આદિવાસી વસ્તી તેમાંથી આબાદ ઉગરી ગઇ. આ ‘ચમત્કાર’ શી રીતે બન્યો હશે? એવા સવાલના જવાબમાં, આદિવાસીઓના કુદરત સાથેના તાલમળે અને તેમની કોઠાસૂઝ સિવાય બીજા જવાબ જડ્યા નહીં. 

‘સુધરેલો’ માણસ ત્સુનામી સામે પાંગળો પુરવાર થયો, પરંતુ ત્સુનામીમાં ઉગરી જનારા આદિવાસીઓ ‘સભ્યતા’ના ઠેકેદાર એવા માણસો સામે લાચારી અનુભવતા, હારતા અને નષ્ટ થતા રહ્યા છે. એ સિલસિલાની શરૂઆત અંગ્રેજોના શાસન દરમિયાન થઇ. તેમણે કાળાં પાણીની સજા માટેની છેલ્લી વસાહત ૧૮૫૮માં આંદામાન-નિકોબાર ટાપુઓ પર સ્થાપી. 

‘છેલ્લી વસાહત’ એટલા માટે કે સૌથી પહેલાં અંગ્રેજોએ ૧૭૮૯માં આ ટાપુસમુહો પર કેદખાનું ઊભું કર્યું હતું. એ વખતે ટાપુઓનું સત્તાવાર નામ ‘આંદામાન’ નહીં, પણ ‘લોર્ડ કોર્નવોલિસ’ હતું. પરંતુ પહેલી વસાહત સ્થાપનાર લેફ્‌ટનન્ટ આર્કિબાલ્ડ બ્લેરે જગ્યાની પસંદગીમાં થાપ ખાધી. એ ટાપુની આબોહવા એટલી રોગિષ્ટ હતી કે સાત વર્ષમાં અંગ્રેજો હાંફી ગયા અને તેમણે કેદી વસાહતનો સંકેલો કરી લીધો. 

૧૮૫૭ના નિષ્ફળ (અંગ્રેજો માટે સફળ) સંગ્રામ પછી તેમણે નવેસરથી આંદામાન દ્વીપસમુહો પર કેદી વસાહત સ્થાપવાનું નક્કી કર્યું. અગાઉના અનુભવ પરથી બોધપાઠ લઇને આ વખતે જગ્યા બદલવામાં આવી, પણ લેફ્‌ટનન્ટ બ્લેરના નામ પરથી નવી જગ્યાને નામ અપાયું પોર્ટ બ્લેર. 
(two views of Ross Island)

અમેરિકામાં જે રીતે નવા વિસ્તારોમાં પગપેસારો કર્યા પછી આદિવાસીઓની બેરહમીથી કતલ કરવામાં આવી હતી, એવું આંદામાન-નિકોબારમાં ન થયું. અંગ્રેજ અફસરોને સરકારની સ્પષ્ટ સૂચના હતી કે આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો. પરંતુ આદિવાસીઓની કઠણાઇ એવી કે પહેલો જ અંગ્રેજ કમિશનર જે.પી.વોકર ઘાતકીપણાનો મૂર્તિમંત અવતાર નીકળ્યો. ઉપરીઓના આદેશની ધરાર અવગણના કરીને તેણે તીરકામઠાંધારી આદિવાસીઓ પર બંદૂક અને તોપથી હુમલા કર્યા. આદિવાસીઓ પાસે હથિયારો પાંખાં હતાં, પણ જુસ્સાની અને સ્વાભિમાનની કમી ન હતી. તેમણે પોતાની મર્યાદામાં રહીને અંગ્રેજો પર આયોજનબદ્ધ હુમલા કર્યા. 

અંગ્રેજો-આદિવાસીઓના સંબંધમાં પહેલા કોળીયે માખી આવ્યા પછી, વોકર પછીના કમિશનરોએ ભૂતકાળની ભૂલ સુધારવાની કોશિશ કરી. આદિવાસીઓ પણ થોડા કૂણા પડ્યા. છતાં તેમને સતત નજરતળે રાખવા માટે અંગ્રેજોએ રોસ ટાપુઓ પર ‘આંદામાન હોમ’ની સ્થાપના કરી. વાંસની વાડ ધરાવતા આ વિસ્તારમાં આદિવાસીઓ માટે અલગ વસાહત ઊભી કરવામાં આવી હતી. તેનાથી અમેરિકામાં આદિવાસીઓ માટે ઊભી કરાયેલી અલગ વસાહતોની યાદ સહેજે તાજી થાય. 

અંગ્રેજોના મૈત્રીપૂર્ણ વર્તન અને કેળાં-નારિયેળની ભેટોના પ્રતાપે કેટલાક આદિવાસીઓ ‘આંદામાન હોમ’માં રહેતા થયા. તેના સંચાલનની જવાબદારી (સરકારની દૃષ્ટિએ) સારી ચાલચલગત ધરાવતા, કાળા પાણીની સજા પામેલા  કેદીઓને સોંપવામાં આવી. ‘આંદામાન હોમ’માં રહેતા આદિવાસીઓને ઉપયોગી હુન્નર શીખવવાના અને થોડુંઘણું અંગ્રેજી શીખવવાના પ્રયાસ થયા. ભારતની અંગ્રેજ સરકારે આશરે દોઢસો વર્ષ પહેલાં ‘આંદામાન હોમ’ માટે મહિને રૂ.૧૦૦ જેટલી મોટી રકમનું બજેટ મંજૂર કર્યું હતું. કેટલાક આદિવાસીઓને બહારની દુનિયા બતાવવા માટે કોલકાતા અને રંગૂનની સફરે લઇ જવાતા હતા. ‘હોમ’માં રહેવું આદિવાસીઓ માટે ફરજિયાત ન હતું. બહાર રહેતા આદિવાસીઓને ‘હોમ’માં આવવાની છૂટ હતી. તેમને પણ ભેટસોગાદો આપવામાં આવતી, જેથી તે સારી છાપ લઇને બહાર જાય. 

ભેટો અને સારા વર્તનનું આકર્ષણ લાંબું ન ટક્યાં. કુદરતના ખોળે જીવવા ટેવાયેલા આદિવાસીઓને ‘હોમ’ બંધિયાર લાગતું હતું. ઉપરથી અમુક પ્રકારનાં જ (‘સભ્ય’) કપડાં પહેરવાનાં, અંગ્રેજી શીખવાનું, ઝૂંપડાં બાંધવા કે જંગલ સાફ કરવા જેવાં વ્યાવસાયિક કામ કરવાં- આ બઘું તેમને કઠવા લાગ્યું. ‘હોમ’ની દેખરેખ રાખતા કેદીઓ પણ તેમની સાથે અને ખાસ તો તેમની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા. 

અસંતોષનો ઘડો છલકાયો એટલે એક રાત્રે ચાળીસ આદિવાસીઓ ‘આંદામાન હોમ’માંથી ભાગી છૂટ્યા. ત્યાર પછી પણ અંગ્રેજોએ આદિવાસીઓ સાથે પોતાની વ્યાખ્યા પ્રમાણેનું ઉદાર વર્તન ચાલુ રાખ્યું. એક ઉત્સાહી અંગ્રેજ કમિશનર હોમ્ફ્રેની પહેલથી આદિવાસી બાળકો માટેનું અનાથાલય ચાલુ થયું. પરંતુ આ બધાની દેખરેખની જવાબદારી નીચલી પાયરીના કેદીઓ પર છોડવામાં આવતી હતી. તેથી આદિવાસી બાળકો કેદીઓ પાસેથી ન શીખવા જેવું ઘણું શીખ્યાં અને થોડાં અઠવાડિયાંમાં જ તે નાસી ગયાં. આખરે અનાથાલય બંધ કરવું પડ્યું. 

આશરે ૧૬ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ આદિવાસીઓને ‘સુધારવાના’ અંગ્રેજોના પ્રયાસ નિષ્ફળ ગયા. તેના માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર હતાં: ૧)અંગ્રેજોના પ્રયાસોને અવિશ્વાસની નજરે જોનાર - અને એટલે જ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી શકેલા- જારવા આદિવાસીઓના હુમલા ૨) અંગ્રેજોના આશરે ગયેલા આદિવાસીઓમાં ફાટી નીકળેલા વિવિધ રોગ. 

૧૮૬૬થી ૧૮૭૦ દરમિયાન ‘આંદામાન હોમ’માં જન્મેલાં દોઢસો આદિવાસી બાળકોમાંથી એક પણ બાળક બે વર્ષ કરતાં વધુ જીવ્યું નહીં. પુખ્ત આદિવાસીઓનો મૃત્યુઆંક પણ અચાનક વધી ગયો.  ઘણા આદિવાસીઓ ઘુમ્રપાનના રવાડે ચડ્યા. આદિવાસી સ્ત્રીઓ રૂપિયાની કે બીજી લાલચે કેદીઓની વાસનાનો -અને સરવાળે સિફિલિસ જેવા રોગોનો- શિકાર બની. ‘આંદામાન હોમ’ની બહાર રહેતી પણ અંગ્રેજો સાથે સારાસારી ધરાવતી બીજી આદિવાસી જાતિઓ પણ રોગોની લપેટમાં આવી. જંગલ સાફ કરાવવાના અંગ્રેજોના અભિયાનને કારણે મચ્છરો અને મેલેરિયાનો ઉપદ્રવ થતાં ઘણા આદિવાસીઓ મેલેરિયાથી માર્યા ગયા. લોકોને અંશતઃ અંધ બનાવતા ‘ઓપ્થેલ્મિયા’ અને ઓરી જેવા રોગોએ પણ એવો કેર મચાવ્યો કે થોડાં વર્ષોમાં જારવા અને ઓન્ગી સિવાયની આદિવાસી જાતિઓ નષ્ટ થવાના આરે આવી ગઇ. આદિવાસીઓની કુલ ૧૨ જાતિમાંથી છ જાતિના માંડ પચાસ-પચાસ સભ્યો એન બીજી ત્રણેક જાતિના માંડ સો-સો સભ્યો જ બચ્યા. 

આઝાદી પછી આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાના ભારત સરકારના પ્રયાસો પણ ખાસ ફળ્યા નહીં. ૧૮૫૮માં અંગ્રેજોએ કેદી વસાહત શરૂ કરી ત્યારે ૧૨ જાતિના મળીને ૪,૮૦૦ આદિવાસીઓ  આંદામાન ટાપુસમુહમાં વસતા હતા. પરંતુ ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં તે આંકડો ૭૦૦ની આસપાસ આવી ગયો. તેમાં ‘સભ્યતા’થી દૂર રહેલા જારવા (૫૦૦) અને ઓન્ગી (૧૨૯) મુખ્ય હતા. તેમની ૧૨માંથી ૬ જાતો નવી સભ્યતામાં ગોઠવાઇ શકી નહીં અને સદંતર લુપ્ત થઇ. 

આંદામાનમાં પ્રાચીન અને અર્વાચીન સભ્યતાનું વીરલ - અને નિષ્ફળ- સહઅસ્તિત્ત્વ દુનિયાભરના સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બન્યું. તેમણે કાઢેલાં કેટલાંક તારણઃ ૧) સંસ્કૃતિ અને સભ્યતા જેવા શબ્દોનો કોઇ સર્વસામાન્ય અર્થ હોતો નથી. ૨) સભ્યતા કોઇ જાતિ પર ઠોકી બેસાડી શકાતી નથી. ૩) કોઇ જરૂરિયાતને સંતોષવા માટે મચી પડતાં પહેલાં, તે જરૂરિયાત ખરેખર ઊભી થાય તે બહુ અગત્યનું છે. ૪) ભટકતું જીવન વીતાવતા આદિવાસીઓને રાતોરાત ખેતીના આકરા કામમાં જોતરી દેવાથી, તેમના મનમાં જુદી સભ્યતા પ્રત્યેનું કોઇ આકર્ષણ ઊભું કરી શકાતું નથી. ૫) સભ્યતાનો વિકાસ કોઇ પૂર્વનિર્ધારિત ધારણા પ્રમાણે કે સીધી લીટીમાં થતો નથી. 

‘વિકાસ’ના આ યુગમાં ઉપરનાં તારણોનો અર્ક જુદા સંદર્ભમાં  ફક્ત આદિવાસીઓ માટે જ નહીં, બીજા લોકો માટે પણ પ્રસ્તુત છે. 
(મુખ્ય સંદર્ભઃ Penal Settlements in Andamans: R.C.Majumdar, 1975)

5 comments:

 1. Raakesh4:38:00 AM

  Urvishbhai,
  This kind of 'sudhaara' is precisely what the christian missionaries whose sole goal is conversion are still doing in the Aadivaasi belts these days. Let's make more and more people aware about these things.
  Raakesh

  ReplyDelete
 2. Anonymous9:22:00 AM

  I agree with Raakesh. Christian missionaries' conversion activities must be stopped otherwise we will loos our prestigious pagan culture. The missionaries will destroy the structure of the country completely. And there will be another group of separatists same as they did in the seven sisters states in North-East of India.

  ReplyDelete
 3. હમ્મ્મ્મ... બાત મેં દમ હૈ....
  આભાર...

  ReplyDelete
 4. Anonymous2:21:00 PM

  I agreed with Rakesh and other person But before we blame Christian missionaries, We , AS A HINDU Society , We should involve and accept these our own people,other hand, We create CASTE System N giving them label , we should first rid off CASTE system , make everyone equal then we can save lots of tribes , culture and society .
  i love your writing style Urvish Bhai...and research work on diff. subject.very interesting. thanks.

  ReplyDelete
 5. Anonymous6:21:00 PM

  Of course. But we have to stop any kind of social polarization in society on the basis of religion, politics, caste & economy.

  ReplyDelete