Friday, August 19, 2011

વિવેક દેસાઇનું તસવીર-પ્રદર્શનઃ શોધ...(અને તને મળશે)






ઉપર મૂકેલી ત્રણ તસવીરો વિશે એક પણ લીટી લખીને- તેનું  રસદર્શન કે રસચૂંથણી કરાવીને મિત્ર વિવેક દેસાઇની કળાનું અપમાન કરવું નથી. આ તસવીરો વિશે એટલું જ કહેવાનું કે અમદાવાદમાં રહેતા મિત્રો આ તસવીરો અહીં જોઇને સંતુષ્ટ થઇ જવાને બદલે, પ્રદર્શનમાં મોટા કદમાં તેનું ચુંબકીય ખેંચાણ અનુભવવા જાય.

ગઇ કાલથી અમદાવાદની રવિશંકર રાવળ કલાભવન (લો ગાર્ડન)માં વિવેક દેસાઇના તસવીર પ્રદર્શનની શરૂઆત થઇ. તે 22 તારીખ સુધી રહેવાનું છે, પણ શનિ-રવિમાં તેનો મેળ અચૂક પાડી નાખજો. 'શોધ' શીર્ષક ધરાવતા એ પ્રદર્શનમાં બધા પોતપોતાની મનોભૂમિ-મનોવિશ્વનું પ્રતિબિંબ શોધી શકશે. વિવેકે પરિચયમાં બાઇબલ-વચન ટાંકતાં લખ્યું છે, 'knock and the door shall be opened unto you.` એ જ અંદાજમાં તેમનું તસવીર-પ્રદર્શન જોનારને એ કહી શકે એમ છે, `Seek and ye shall find.`


વિવેક દેસાઇની તસવીરકળા મારા જેવા ઘણા લોકો માટે આદરયુક્ત પ્રેમનો વિષય રહી છે. બનારસ, કુંભમેળો, નાગા બાવાઓ સાથેના તેમના અનુભવો, અમદાવાદ, સર્કસ- આવા અઢળક  વૈવિધ્યપૂર્ણ વિષયો  પર વિવેકનું કામ જોવા મળતું રહે છે. પ્રશાંત (દયાળ) અને અપૂર્વ (આશર) જેવા કોમન પરમ મિત્રો વિવેક સાથેના પ્રેમભાવની જોડતી કડી જેવા હોવાને કારણે પણ કેટલીક વિગતો- વાતો જાણવા મળતી રહે છે.


(L to R: Nipa Ashar, Apurva Ashar, Manvita desai, Vivek desai, Shilpa Bhatt-Desai)

વિવેકના પ્રદર્શનમાં વિશિષ્ટ કહેવાય એવી બાબત લખાણની બે પેનલ છે. એક વિવેકના પરિચયની અને બીજી વિવેકની યાત્રાની. ફેસબુક પર વિવેકનાં લખાણો વાંચતા મિત્રો તેમના લેખનકૌશલ્યથી પરિચિત હશે.  ગુજરાતી તસવીરકારોમાં ફોટોલાઇનની જગ્યાએ ફોટોનિબંધ લખવાનું જે દૂષણ પેઠું છે, તેનાથી સાવ અલગ- વિવેકે લખાણ અને તસવીરના જુદા વિભાગ રાખ્યા છે.  બે-ત્રણ તસવીરો સમાઇ જાય એટલી જગ્યામાં વિવેકે અપૂર્વ સાથે મળીને તૈયાર કરેલી યાત્રા-પ્રેમ-મૈત્રીની પેનલમાં તેમના કેટલાક વિશિષ્ટ અનુભવો વિવેકીય અંદાજમાં આલેખાયા છે. તેમાં સ્ત્રી-મિત્રો સાથેના પ્રસંગો અને તસવીરો વિશે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા આગોતરી સંતોષતાં વિવેકે લખ્યું છે, 'એક પ્રશ્ન ચોક્કસ થશે જ...કે શું મારા જીવનમાં માત્ર સ્ત્રીઓ જ આવી? એનો જવાબ છે- ના પુરૂષો પણ ઘણા આવ્યા, પણ એક જ વાક્યમાં આનો જવાબ લખું છું કે 'સ્ત્રીઓ સાતત્યપૂર્વક ટકી રહી છે.' બાકી, પોતપોતાનાં અર્થઘટન કરવાની છૂટ કલાના ક્ષેત્રમાં સૌને હોય જ છે.'

વિવેક અને તેમનાં સૌ સહયાત્રીઓને હૃદયપૂર્વક અભિનંદન.

વિવેક દેસાઇનું તસવીર પ્રદર્શનઃ રવિશંકર રાવળ કલાભવન, 22 ઓગસ્ટ સુધી. સાંજે 4 થી 8. 

5 comments:

  1. Excellent work by Vivek as always - congrats
    pl. keep up this good work
    we are all proud to have association with YOU
    Thanks to Urvish also for recognising the good work
    Kiran

    ReplyDelete
  2. Thanks for sharing Urvishbhai...
    Majja padi... !

    Regards,
    Tushar Acharya

    ReplyDelete
  3. વાહ... માપસર.... :)
    મેં પણ માણ્યું...

    ReplyDelete
  4. amit delhi6:58:00 PM

    vivek jetlo saras photographer chhe atloj saras lakhvaiyo chhe. kamnasibe lekhan ne ane kyarey gambhrta thi lidhu nahi nahitar SAHAJ jeva adbhut aniyatkalin smayik mali shkya hot.ajna vivek man shilpa no sinhan falo chhe ano sakshi chhu.

    ReplyDelete
  5. Binit Modi (Ahmedabad)8:04:00 PM

    તસવીરોને માણવી કે શબ્દોમાં ડૂબકી લગાવવી? નક્કી ન કરી શકાય અને છતાં વારાફરતી - વારંવાર માણવી ગમે એવી તસવીરી યાત્રા. વિવેકભાઈ, એક પ્રોમિસ માંગી લઉં? મારા માટે નહીં, કોલેજિયનોની 2011ની પેઢી માટે - તેમના માટે આ પ્રદર્શન તસવીર યાત્રા ફરી એક વાર યોજવી પડશે. સમય - વેલેન્ટાઇન ડે - ફેબ્રુઆરી - 2012. એ સિવાયના કળા પ્રેમીઓ માટે હું કહીશ - જો હોય તો પત્ની અને પ્રેમિકા બન્નેને સાથે લઈને જોવા જેવું તસવીર પ્રદર્શન.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete