Thursday, August 04, 2011

કેલ-બુક?




ડેસ્કટોપ અને લેપટોપ પછી કમ્પ્યુટરોમાં નોટબુક, નેટબુક, ટેબ્લેટ જેવા અનેક પ્રકારો ખીલ્યા છે. એટલે ઉપરની તસવીર જોઇને સૌથી પહેલાં, આધુનિકતાના પ્રેમીઓને એવો વિચાર આવે કે અરર, 'સીટીઝન'નું 'નોટબુક'નું આ મોડેલ તો મેં જોયું જ નથી. 

પણ પછી સામેથી જોતાં રહસ્યસ્ફોટ થાય અને 'ઓ મારું બેટું' જેવા ઉદગાર નીકળી જાય. કારણ કે લેપટોપ કે નોટબુક જેવી જણાતી આ ચીજ હકીકતે સીધુંસાદું કેલ્ક્યુલેટર જ છે. તેનો દેખાવ જમાના પ્રમાણે નોટબુક જેવો આપવામાં આવ્યો છે અને કાર્યપદ્ધતિ પણ એવી. નીચે કી-બોર્ડ પર ટપ ટપ કરો એટલે સામે સ્ક્રીન પર ડીસ્પ્લે મળે.
એક સમયે કેલ્ક્યુલેટર 'પોકેટ' હોય તેનો મોટો મહિમા હતો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હતું, પણ તેનો શો ઉપયોગ તે ભાગ્યે જ સમજાતું. 11-12 સાયન્સમાં લોગેરિધમ અને સાઇન-કોસ આવ્યા પછી કેલ્ક્યુલેટરનો શોખ ખાતર થોડો ઉપયોગ કર્યો હતો. પરીક્ષામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત હતો. 

ડિજિટલ ઘડિયાળ નવાં હતાં ત્યારે ઘડિયાળમાં પણ કેલ્ક્યુલેટરનાં મૂળભૂત કામ કરી શકાતાં હતાં. તેનો ઉપયોગ કરવા કરતાં તેનાથી સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર થઇ શકે છે, એ ખ્યાલ જ રોમાંચ પ્રેરનારો હતો. મિત્ર અજય પરીખનો સોનાચાંદીનો ધંધો હતો એટલે એમની દુકાને મોટું, સોલાર કેલ્ક્યુલેટર હોય. વર્ષો પહેલાં કેલ્ક્યુલેટર પણ વિદેશથી સગાંવહાલાં લાવે એવી ચીજ ગણાતી હતી. હવે મોબાઇલ ફોનમાં ન માગીએ તો પણ કેલ્ક્યુલેટર આવે છે. છતાં, આંકડા સાથે સતત કામ પાડનારા તસવીરમાં દેખાય છે એવાં ખાસ- સ્ટેન્ડ અલોન- કેલ્ક્યુલેટર વસાવે અને વાપરે છે. તેની કિંમત માંડ ત્રણસો-ચારસો રૂપિયા જેટલી છે.  મહત્ત્વ એ વાતનું છે કે મોબાઇલ આવ્યા પછી પેજર ભૂંસાઇ ગયાં કે પેન ડ્રાઇવ આવ્યા પછી ફ્લોપી ભૂંસાઇ ગઇ, પણ કમ્પ્યુટર કે મોબાઇલ આવવા છતાં કેલ્ક્યુલેટરનું બજાર, ભલે પહેલાં જેટલું ધીકતું નહીં તો પણ, હજુ ઉભું છે.

2 comments:

  1. Anonymous9:31:00 PM

    meticulous, to the point & above all perfect observation.

    ReplyDelete
  2. Bharat.zala12:19:00 PM

    U have truely said-scientific calculater is available,bt many of us don't know-how to use it.

    ReplyDelete