Wednesday, August 17, 2011
અન્નાનું આંદોલનઃ શું છે? શું નથી?
અન્ના
હજારેનો મુદ્દો પહેલેથી શાંતિપૂર્વકના વિચારનો ઓછો અને ‘લોકલાગણી’નો વધારે રહ્યો
છે- એવી લોકલાગણી જે પૂરું વિચારવા તૈયાર નથી. જે પોતાનામાં કશો બદલાવ આણવાની જરૂર
જોયા વિના, બાકી બધું બદલાઇ જાય એમ ઇચ્છે છે, જે ‘વીરપૂજા’ (‘હીરોવર્શિપ’) માટે
સદા તત્પર હોય છે અને ‘હીરો’ની વ્યાખ્યા બહુ ‘ઉદારતા’થી બાંધે છે. પૂર્વાપર સંબંધો
સાથે કે સાવ નજીકના ઇતિહાસ સાથે લેવાદેવા રાખવાનું એવી લોકલાગણીને બહુ માફક આવતું નથી.
તે તરફી અને વિરોધી એમ બે જ છાવણીમાં, બે જ ઝાંયમાં વસ્તુઓ જોઇ શકે છે. કેમ કે, એમ
કરવામાં નહીં વિચારવાની મોટી સુવિધા જળવાઇ રહે છે.
(cartoon courtesy: Moni)
વિચારનાર જણની નિયતિ સતત સાથે અને સામે
રહેવાની હોય છે, એ મતલબનું ઉમાશંકર જોશી વિશે પ્રકાશભાઇએ એક વાર લખ્યું હતું. ‘લોકલાગણી’ને
એવા વિચારનાર ખપતા નથી. વિચારનારને ભાંડવામાં ‘લોકલાગણી’ માત્ર ફરજ નહીં, પોતાના
અસ્તિત્ત્વની સાર્થકતા જુએ છે. ‘ક્રાંતિ’ની હોંશથી, પોતે સુધર્યા વિના કંઇક
મોટું-સારું કરી નાખવાના ઉશ્કેરાટથી કે નિતાંત હરખપદુડાપણાથી દોરવાઇને તે સીધીસાદી
અને નજર સામેની હકીકતો જોવાનું ટાળે છે. લીડર, ઓપિનિયન-લીડર અને ચીયર -લીડર વચ્ચેનો
ફરક તેમના કિસ્સામાં ઘણી વાર ભૂંસાઇ જાય છે.
અન્નાના આંદોલનની વાત કરીએ તો, દેશમાં ઘણા
લોકો અન્ના-સાથીદારો તથા સરકાર બન્નેની આત્યંતિકતાઓ વિશે સાવચેતી સેવે છે. એ વાત
‘લોકલાગણી’ અને તેના ચીયરલીડરો સમજી કે સ્વીકારી શકતા નથી. તેમને મન અન્નાની
આત્યંતિકતાઓનો વિરોધ કરનારા આપોઆપ સરકારના તરફી બની જાય છે. આગળ કહ્યું તેમ, એમને
ઝાંયમાં – શેડમાં જોવાનું ફાવતું નથી. ‘તમે સાથે નથી? તો તમે સામે છો?’ એવું
તેમનું ગણિત છે, જેની પર તે લોકલાગણીથી માંડીને જનજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ જેવા
અનેક રંગોનાં આવરણ ચડાવીને તેનું માર્કેટિંગ કરી શકે છે.
સરકારે અન્ના અને તેમના સાથીદારો સાથે
કરેલી વર્તણૂંકની માત્ર ને માત્ર ટીકા જ કરવાની હોય. પરંતુ એ સમજીને અને એટલી
સ્પષ્ટતા સાથે કે સરકારની ટીકાનો અર્થ અન્નાની માગણીઓની તરફેણ એવો થતો નથી.
સરકારની ખરાબ વર્તણૂંકથી અન્નાની માગણીઓ આપોઆપ વાજબી ઠરી જતી નથી. એવી જ રીતે,
અન્નાની માગણીઓ- તેમની પદ્ધતિ અંગે અસંતોષ વ્યક્ત કરવા માટે સરકારતરફી હોવું જરૂરી
નથી. એ બન્ને સાવ સ્વતંત્ર બાબતો છે, જેમનું મૂલ્યાંકન એકબીજાથી સ્વતંત્ર રીતે
કરવાનું રહે છે. એના માટે ઘણી વાર હઇસો હઇસોથી સહેજ અળગા થવાની જ જરૂર હોય છે.
એ
રીતે ટૂંકમાં વિચારી જોઇએ કે અન્નાનું આંદોલન શું છે? અને શું નથી?
પહેલાં
એ શું છે તેના મુદ્દા:
-લોકશાહીમાં
અત્યંત જરૂરી અને નાગરિકોના પક્ષે અપેક્ષિત એવી પ્રેશર ગ્રુપની ભૂમિકા અન્નાના
આંદોલનના પહેલા ભાગથી સારી રીતે ઊભી થઇ. દાયકાઓથી અટવાતા લોકપાલ ખરડાને દબાણપૂર્વક
સંસદમાં રજૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં અન્નાની આગેવાની હેઠળના આંદોલનની ભૂમિકા
મહત્ત્વની રહી.
-પહેલી
વારની લડત પછી જનલોકપાલ પ્રતિનિધિઓ અને સરકારી પ્રતિનિધિઓની એક સમિતિ બની, બલ્કે
બનાવવી પડી. આ સમિતિની રચનાપ્રક્રિયા, તેના સભ્યો અને તેમાં વ્યક્ત થયેલી ‘સિવિલ
સોસાયટી’ની સમજણ જુદી અને મહત્ત્વની ચર્ચાનો મુદ્દો છે. છતાં, જાહેર હિતના એક
ખરડાના ઘડતરમાં લોકપ્રતિનિધિઓની લાગણી-માગણી ધ્યાને લેવામાં આવે તે ઉપલબ્ધિ ગણાય.
બીજા ઘણા મુદ્દે આ રીતે નાગરિકોનાં પ્રેશરગ્રુપ ઉભાં થાય અને વ્યાપક જનહિતમાં સરકાર
પર સીધું-આડકતરું દબાણ લાવે તે આવકાર્ય અને જરૂરી છે.
-અન્નાનું
આંદોલન સત્તાસ્થાનોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની સ્વતંત્ર તપાસ, તેની પર કાર્યવાહી
અને સંબંધિત ગુનેગારને સજા થાય એવી સત્તા ધરાવતા નિરંકુશ લોકપાલની નિમણૂંકની માગણી
કરે છે. સરકારી ખરડો અને જનલોકપાલ વચ્ચે મતભેદના મુખ્ય મુદ્દામાંનો એક લોકપાલ
ખરડામાં વડાપ્રધાન તથા ઉચ્ચ ન્યાયતંત્રની સામેલગીરી અંગેનો રહ્યો. સરકારી ખરડામાં
વડાપ્રધાનને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી લોકપાલની તપાસના દાયરામાં આવરી લેવાની
દરખાસ્ત છે.
હવે
અન્નાનું આંદોલન શું નથી એ પણ જોઇ લઇએ.
-તેને
બહુ બહોળા અર્થમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલન કહી શકાય, પણ આંદોલનનો હેતુ આ લેબલના
વ્યાપ કરતાં ઘણો નાનો અને સાંકડો છે. તે જનલોકપાલ ખરડો પસાર કરવા માટેનું આંદોલન
છે, જેમાં એક સર્વસત્તાધીશ લોકપાલની નિમણૂંકની જોગવાઇ છે અને તેનાથી ઘણો
ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે એવો આશાવાદ સેવવામાં આવે છે.
ભ્રષ્ટાચારનો
વિરોધ કરનારને ટેકો જ આપવાનો હોય, પણ વધુ એક કાયદાકીય સંસ્થાની સ્થાપનાથી
ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે એવું માની લેવામાં આવે, એ માગણી માટે આંદોલન ચલાવવામાં આવે
અને તેને ‘દેશવ્યાપી ભ્રષ્ટાચારવિરોધી આંદોલન’ જેવી ભવ્ય ઓળખ આપવામાં આવે, ત્યારે તેમાં
મોટા પાયે ભળેલી અતિશયોક્તિ કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?
-જનલોકપાલ
ખરડામાં લોકપાલ માટે અભૂતપૂર્વ અને લગભગ ગેરબંધારણીય કહી શકાય એવી સત્તાઓની માગણી
કરવામાં આવી છે. (એ હોદ્દે બેસનાર છેવટે કોઇ માણસ જ હોવાનો, એ પણ જાણે ભૂલી જવાયું
હોય એમ લાગે.) એવી માગણીઓનો ઉપયોગ સરકાર સાથે રકઝક-બાર્ગેઇનિંગ-કરીને સરકારી
ખરડાને વધારે અસરકારક, દાંત-નહોર ધરાવતો બનાવવા માટે કરવામાં આવે ત્યાં સુધી બરાબર,
પણ ઘણી આત્યંતિકતાઓ ધરાવતો જનલોકપાલ ખરડો જ સ્વીકારાવો જોઇએ એવી જિદ કેટલી યોગ્ય
ગણાય? અને આમરણ ઉપવાસના વજનને લીધે એ જિદ વાજબી બની જાય?
બીજી
રીતે કહીએ તો, આમરણ ઉપવાસના જોરે ગેરબંધારણીય માગણીઓને કાયદાનું સ્વરૂપ અપાવવાની
માગણી મૂકી શકાય? એ માગણી સ્વીકારવાની સરકારને ફરજ પાડી શકાય?
-આમરણ
ઉપવાસ જેવું બ્લેકમેઇલિંગની કક્ષાનું શસ્ત્ર જનલોકપાલ ખરડાના સ્વીકાર માટે
પ્રયોજવામાં આવે અને બહુમતિ લોકો જનલોકપાલની જોગવાઇઓમાં ઉંડા ઉતર્યા વિના, કેવળ આમરણ
ઉપવાસની તરફેણમાં જોડાઇને ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવ્યાની – ‘ક્રાંતિ’ની- ‘કીક’ અનુભવે
ત્યારે પ્રમાણભાનના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
વિચારો...અને ભ્રષ્ટાચાર સામે ખરેખર કંઇક નક્કર કરવાનું મન થયું હોય તો, શરૂઆત પોતાનાથી કે પોતાના
પરિવાર-શેરી-સોસાયટી કે વિસ્તારથી કરી શકાય છે. એના માટે જનલોકપાલની જરૂર નથી.
બલ્કે, જનલોકપાલ આવશે તો પણ રોજબરોજના જીવનના સ્તરે તે આપણને કામ નહીં લાગે. એ
લડાઇ આપણે જ લડવાની છે- ભલે એમાં ‘રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ’નું
ગ્લેમર ન હોય.
Labels:
anna hazare,
corruption
Subscribe to:
Post Comments (Atom)
anna na bill an esarkaar na bil vish chhaanvat kari hot to muddo vishesh samjaavi shakaat. sharuaat thij hu pan maanto aavyo chhu ke anna nu aandolan disha bhan vishe spashta nathi .anan gaandhiji nathi ganadhiji ek barister hataa ane tethi bandharaniya an ekaaydakiya baabato en saateh raakhi shaktaa hataa .ahi to anaa hero banva ane temna saathiyo kingmaker banvaa maangata hoy evu vadhaare bhaase chhe.
ReplyDeleteshaayd koi vyavsthit vichartu j nathi evn annahajaare.swami agnivesh no muddo avganvaa jevo nathi.nichla level no bhrashtachar aam aadami ne vadhu sparshe chhe e pahelaa haath per levaavo joiye.
baba raamdev/shikaari khud yahaa shikar ho gayaa?
shu bija badhaa ne y aapane clean cheat dil thi aapi shakiye em chhiye?except kiran bedi.
અન્ના આંદોલન વિશે એક સામાન્ય માણસ જાણે એટલું જ જાણું છું. હું પણ એ લાગણીના મુદ્દે વહેનારા પ્રવાહમાં જ છું એ ય કબૂલ પરંતુ મને અન્ના હજારે ઉપરાંત કિરણ બેદીના કાર્યોમાં ખૂબ વિશ્વાસ છે. એમની નિષ્ઠામાં કોઇ શંકા થઇ શકે એમ નથી એટલે જ્યારે એમણે પણ આમાં સપોર્ટ આપ્યો છે ત્યારે એ ચોકકસ વિચારણીય હોય અને અનુકરણીય હોય, ગેરબંધારણીય ન હોય. આ ભ્રષ્ટાચાર સામે ‘કંઇક’ કરવાની જરૂર છે અને શેરીમાંથી શરૂ કરીએ તો નાકેથી જ અટકી જવું પડે એવી પરિસ્થિતિ છે !!
ReplyDeleteલતા હિરાણી
Urvishbhai, as you have stopped reading my views, just sharing link for some input on subject, may be helpful to throw some light on issue you have raised.
ReplyDeleteNo need to agree with my link :)
http://www.tehelka.com/story_main50.asp?filename=Ws160811Newsbreak.asp
ચાલો માની લઈએ કે અન્નાની માગણીઓમાં દેખીતી રીતે જ ઘણી ઉણપો છે પણ સત્તા પર બેઠેલા અને તેના નશામાં ચૂર જે લોકો છે તેમના વિષે આપને શું કહેવું છે? દેશમાં જે ચાલી રહ્યું છે તે બીજાં 65 વર્ષ ચાલવા દેવું? નદીમાં પૂર આવે ત્યારે ઘણું બધું - સારું પણ સાથે જ તણાઈ જતું હોય છે . દેશની સામે સૌથી મોટો પડકાર છે આ ભ્રષ્ટાચાર અને જે પણ એ દિશામાં જવાને આગળ આવશે તેને જનતાનો સહકાર મળવાનો જ છે . સત્તાધારીઓ એ વાત બરાબર સમજી લે - અને તે પણ સમયસર તેમાં તેમનું અને દેશનું હિત મને તો લાગે છે. વાતને અવળે રસ્તે લઈ જવાનો વ્યાયામ હવે નકામો છે એટલે વધારે શું કહેવું. આપ તો સમજદાર છો જ.
ReplyDeleteDear Urvishbhai,
ReplyDeleteAapna lekh na aadhare lokpal no crisp ni mahiti mali, chokkas kadach me aapno lekh n vachyo hato to hu pan " Anna ni movement ma jodai jat' Pan aa vat vadhu vachko sudhi pahochavi jaruri, mudda ne samjya pachhi tema jodavu ke n jodau tej sachi democracy 6.
bahu saras
ReplyDeleteઆપણે ઈચ્છીએ એવું ખરીદીનું બીલ પણ દુકાનદાર બનાવી આપતા નથી, તો પછી આપણુ બનાવેલું લોકપાલ બીલ સરકાર આંખ મીંચીને સ્વીકારી લે એવી આશા રાખવી જરા વધુ પડતી છે. કાલે ઉઠીને કોઈ દુકાને જઈને કહેશે કે બીલ પેન્સિલથી બનાવજો તો દુકાનનો માલિક બનાવશે ખરો ?
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)