Friday, October 17, 2014

બપોરની ઉંઘ અને વિશ્વશાંતિ

શાસ્ત્રોમાં કહ્યું છે કે બપોરે જમ્યા પછી વામકુક્ષિ કરવી જોઇએ- એટલે કે ડાબા પડખે સુવું જોઇએ. અહીં - અહીં જ નહીં, ક્યાંય પણ- ‘શાસ્ત્રો’ એટલે શું એ પૂછવું નહીં. કોઇનું અજ્ઞાન છતું કરવામાં મઝા લેવી એ કંઇ સદ્‌વૃત્તિ ન કહેવાય. શાસ્ત્રોમાં એની ચોખ્ખી ના પાડી છે.

મૂળ મુદ્દો એ છે કે બપોરે જમ્યા પછી સુવું જોઇએ. યુરોપમાં કેટલાક ઠેકાણે ‘સિએસ્તા’ તરીકે ઓળખાતી બપોરની ઉંઘનો ઠીક ઠીક મહિમા છે, પરંતુ ભારતમાં એ આખી ઘટનાને આળસ અને કામચોરી સાથે સાંકળી લેવામાં આવી છે. ખરેખર તો ભારતના સંસ્કૃતિ-રક્ષકોએ બપોરની ઊંઘ માટે ઝુંબેશ ચલાવવી જોઇએ અને તેની અંતર્ગત (બપોરે ઊંઘીને ઉઠ્યા પછી) કહેવું જોઇએ કે ‘યુરોપવાળા સિએસ્તા-સિએસ્તા કરે છે, પણ આપણે ત્યાં વર્ષો પહેલાં વામકુક્ષિનું ચલણ હતું. યુરોપવાળા ત્યારે ઊંઘતા હતા.’ પરંતુ આવું થતું નથી.

ઔદ્યોગિક સમાજશાસ્ત્રના કેટલાક અભ્યાસીઓને લાગે છે કે યુરોપ આગળ નીકળી ગયું અને ભારત પાછળ રહી ગયું, તેમાં બપોરની ઊંઘનો મુદ્દો કારણભૂત હોઇ શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં બપોરની ઊંઘને સત્તાવાર માન્યતા મળેલી છે, પરંતુ અફસોસની વાત છે કે ‘સુધરેલા’ ગણાવા આતુર લોકો તેને પછાતપણાની નિશાની ગણી રહ્યા છે.

કોઇ તર્કાસુરને એવો સવાલ થાય કે ‘બપોરની ઊંઘને માન્યતા આપનારા પશ્ચિમના દેશો આગળ આવી ગયા, તો રાજકોટ-સૌરાષ્ટ્ર કેમ પાછળ રહી ગયાં?’ આ સવાલના પાયામાં દોષ છે. રાજકોટ-સૌરાષ્ટ્રના કેટલાક નાગરિકો સાથે પાનના ગલ્લે કે ચાની કીટલી પર વાતચીત કરવાની પણ જરૂર નથી. ફક્ત તેમની વાતો સાંભળતાં સમજાઇ જશે કે તેમને પાછળ માનનારા પોતે પાછળ રહી ગયા છે. બાકી, આ બંદાઓ ઓટલા પરિષદથી ઓબામા સુધીના કોઇ પણ વિષય પર, એક પિચકારી મારીને, પોતાનો અભિપ્રાય આપી શકે છે.

બપોરની ઊંઘનો સંબંધ ઉદ્યોગ સાથે હોય, એટલે અર્થકારણ સાથે પણ હોવાનો. મોટા ભાગના લોકોને બપોરે ઊંઘી જવું પોસાતું નથી. સત્યની વધારે નજીક જઇને કહી શકાય કે મોટા ભાગના લોકો બપોરે ઊંઘી જાય એ તેમના ઉપરીઓ સાંખી શકતા નથી. તેમનો દાવો એવો હોય છે કે ‘આ રીતે કામ બગડે.’ વઘુ સખ્તમિજાજ ઉપરીઓ કહે છે, ‘ઘોરવું હોય તો રજા લઇને ઘેર પડ્યા રહો. અહીં કામ કરવા આવો છો કે ઊંઘવા? કંપની નસકોરાનાં ઘ્વનિતરંગોમાંથી વીજળી પેદા કરવાનું કારખાનું ખોલશે ત્યારે તમને બપોરે ઊંઘવાના રૂપિયા આપશે. ત્યાં સુધી બપોરે ઊંઘતા ઝડપાયા તો ખેર નથી.’

રોજ અખબાર આવે અને તેમાં ક્યારેક રીન્યુએબલ એનર્જીના સમાચાર જોવા મળે, ત્યારે મનમાં એવી ચટપટી જાગે છે કે ‘આ ક્યાંક પેલા નસકોરાંના અવાજમાંથી વીજળીવાળા પ્રોજેક્ટની વાત તો નહીં હોય?’ ઊંડે ઊંડે એવી અટલ શ્રદ્ધા છે કે રાજકોટનો કોઇ જણ આ દિશામાં આગળ વધશે અને ઊર્જા કટોકટી માટે નહીં તો બપોરની ઊંઘની આબરૂ પર આવેલી કટોકટી ટાળવા માટે પણ તે આ કરી બતાવશે.

ઊંઘને બદનામ કરવામાં સૌથી મોટો ફાળો અઘ્યાપકોનો છે. છઠ્ઠા પગારપંચ પછી અઘ્યાપકોને એટલો પગાર મળે છે કે તેમને રાત્રે ઊંઘતાં પણ અપરાધભાવ થવો જોઇએ. એને બદલે, સવારની કોલેજવાળા ઘણાખરા અધ્યાપકમિત્રો બપોરે સત્તાવાર રીતે આરામમાં હોય છે. તેમને એ પોતાનો અઘ્યાપકસિદ્ધ અધિકાર લાગે છે. (નોંધઃ વાઇસ ચાન્સેલરની કેબિનમાં બપોરે સુવાની વ્યવસ્થા વિશે જાણકારી મળી શકી નથી. જોકે, તેમણે જે રીતે રાજકીય સાહેબોને પાયલાગણ કરવાં પડે છે, એ જોતાં એમને રાત્રે પણ ઊંઘ આવતી હશે કે કેમ- અને જો આવતી હોય તો, સ્વપ્નાં પણ સાહેબને પગે લાગવાનાં જ આવતાં હશે- એવો સવાલ થઇ શકે.)

માનવતાના નાતે અઘ્યાપકોની જ નહીં, કોઇ પણ વ્યક્તિની બપોરની ઊંઘની ઇર્ષ્યા કે ટીકા ન કરવી જોઇએ. વધારે સારો રસ્તો ટીકા કરનારે પોતે બપોરની ઊંઘ ખેંચી જોવાનો છે. મોટા ભાગની કુદરતી ચીજોનાં ગુણવર્ણનમાં કહેવાય છે તેમ, બપોરની ઊંઘ ફક્ત પાંચથી પંદર મિનીટ જેટલી ટૂંકી હોય તો પણ તે રાતની બે-ચાર કલાકની ઊંઘ જેવું કામ આપે છે, તેનાથી પિત્તનો નાશ થાય છે, વાયુ શમે છે, કફવીરેચન થાય છે, ઉનાળામાં તે શીતળતા અને શિયાળામાં ગરમાવો આપે છે. (સોરી, ચોમાસામાં તે રેઇનકોટનું કામ આપી શકતી નથી.)

યુનિવર્સિટી ઓફ ઝુમરીતલૈયાના એક રીસર્ચ સ્કોલરે શોધી કાઢ્‌યું છે કે  બપોરે દસ-પંદર મિનીટનું ઝોકું ખાઇ લીધા પછી વ્યક્તિની કામ કરવાની ક્ષમતા બેવડાય છે. બપોરના ત્રણ કલાક દરમિયાન ઊંઘ ન લેતા, પણ સતત ઊંઘવાના ખ્યાલોમાં રમમાણ રહેતા માણસની કાર્યક્ષમતા દસના સ્કેલ પર પાંચ-છથી આગળ વધી શકતી નથી. તેમના દિવસના ક્રમમાં બપોરે એક સમય એવો આવે છે, જ્યારે ઊંઘ અને જાગૃતિ વચ્ચેની ‘લાઇન ઑફ કન્ટ્રોલ’ (એલઓસી) વિવાદાસ્પદ બની જાય છે. વ્યક્તિ પોતે માને છે કે પોતે એલઓસીની આ પાર, જાગૃતિના પ્રદેશમાં છે, પણ તેના સહકાર્યકરો - અને ખાસ તો ઉપરી- દૃઢતાથી માને છે કે તે એલઓસી વટાવીને નિદ્રાના પ્રદેશમાં પહોંચી ગયા છે. એ વખતે છમકલાં ન થાય તો પણ, વ્યક્તિની કાર્યક્ષમતા દસના સ્કેલ પર છેક શૂન્ય સુધી પહોંચવા આવી જાય છે. કાર્ડિયોગ્રામની જેમ ‘કાર્યોગ્રામ’ (કાર્યક્ષમતાના ધબકારા)નાં મીટર આવતાં હોત તો બપોરના સમયે ઘણાના મીટરના ડાયલ પર રેખાઓ ઊપર-નીચે થવાને બદલે સળંગ ચાલતી હોત.

આ સ્થિતિ નીવારવાનો એક જ ઇલાજ છે : બપોરે દસ-પંદર મિનીટ, સત્તાવાર રીતે, લોકલાજની પરવા કર્યા વિના, ‘પ્યાર કીયા તો ડરના ક્યા’ અંદાજમાં, લાંબા થઇને કે થયા વિના, ખુરશી પર, ભીંતને અઢેલીને કે ટેબલ પર માથું ઢાળીને સુઇ જવું. સાહેબ આવશે એ વિચારે ગભરાવું નહીં ને સાહેબ આવી જાય તો બીવું નહીં. તેમને પણ કહી જોવું કે ‘બપોરે સુવાથી કોલસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાઇ બીપી કન્ટ્રોલમાં રહે છે.’ એમાં પણ સાહેબ બપોરે સુઇ જતા હોય તો કમ સે કમ એટલા સમય માટે આખા સ્ટાફનાં કોલસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાઇ બીપી કન્ટ્રોલમાં રહી શકે છે.  આ રીતની પંદર મિનીટની ઊંઘ પછી વ્યક્તિની કાર્યક્ષમતા દસના સ્કેલ પર આઠ-નવ સુધી પહોંચી જવાનો સંભવ રહે છે. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી હકીકત નથી, પણ એમ તો ભગવાનનું અસ્તિત્ત્વ પણ ક્યાં વૈજ્ઞાનિક રીતે સાબીત થયેલું છે?

સારા માણસોએ પોતાની બેટરી રી-ચાર્જ કરવા માટે બપોરે સુઇ જવું જોઇએ અને ખરાબ માણસોએ તો ખાસ બપોરે સુવું જોઇએ. એ સૂઇ જશે એટલો સમય જગતમાં નકારાત્મક તરંગો ફેલાતા અટકશે અને શાંતિ વ્યાપેલી રહેશે. નોબેલ પારિતોષિકનાં ધોરણ જે રીતે વઘુ ને વઘુ ઉદાર થઇ રહ્યાં છે એ જોતાં, ભવિષ્યમાં બપોરે નિયમિત રીતે બે કલાક ઊંઘનાર સરમુખત્યારને તે નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદ કરે તો કહેવાય નહીં. અલબત્ત, નોબેલ કમિટી એવી સ્પષ્ટતા કરી શકશે કે જેમ સંસ્થાઓને અને સંશોધનોને ઇનામ આપવામાં આવે છે, તેમ આ કિસ્સામાં સન્માન કોઇ વ્યક્તિને નહીં, પણ બપોરની ઊંઘને મળે છે.

લાફિંગ ક્લબ ચાલુ થઇ શકતી હોય, તો ભરબપોરે ભેગા થઇને સમુહ-સિએસ્તાના કાર્યક્રમો કેમ ન યોજી શકાય? એક જગ્યાએ સો માણસ ભેગા થયાં હોય અને (કદાચ નસકોરાં સિવાય) બીજો કોઇ અવાજ ન આવતો હોય, એ પોતે અત્યારના જમાનામાં અદ્‌ભૂત ઘટના નથી?  

1 comment:

 1. બપોરની ઊંઘ
  બપોરની ઊંઘ
  સાત આઠ,નાના અને ચાર પાંચ નાના નહિ તો મોટા તો જરાય નહિ એવા પેરેગ્રાફ વાળા,ઉપરોક્ત લેખનું વાંચન, જો પુરેપુરી મજા માણવી હોય તો, આ એક,એક પેરેગાફ બલ્કે એક એક લાઈન,એક થી વિશેષ વાર વાંચવી જોઈએ,મેં તો એમજ કર્યું છે! ( શક્ય છે મારું 76 વરસનું જુનું મગજ કારણરૂપ હોય!)
  દા.ત. શાસ્ત્રો. "શાસ્ત્રોનો"હવાલો આપીને તરતજ શાસ્ત્રો એટલે શું એમ પૂછવાની મનાઈ કરવી એમ કહીને કે માનહાની કરવાની શાસ્ત્રો મના છે.આવી આવી, સ્મિત બલ્કે હાસ્યમય "ફૂલઝડીઓ"દરેક પેરેગ્રાફ માં એક ધારી મળતી રહે છે,અને (મારા જેવા વાંચકોને) "મઝે લે લે કર"વાંચવા મળે છે.
  ભાઈ,જેમ કે આ પહેલા પણ લખી ચુક્યો છું, લખતા રહો!
  કરપ્ટ રાજદ્વારીઓ,મોટી મોટી પોસ્ટ પર આરૂઢ સરકારી "અકર્મ "ચારીઓ,યા બળાત્કાર,ખૂન અને દુર્ઘટનાઓ જેવી "જ્યુઝ"(જૂની લાગે એવી "ન્યુઝ ને ન્યુઝ કેમ કહેવી!) વાંચી વાંચીને કંટાળી ગયેલાઓ માટે આપના(આ પ્રકારના) લેખ રણમાં મીઠી વીરડી,છાંયડી કહું કે ઉદાસી દુર કરવા મળેલો આશીર્વાદ!
  હું નવરો છું પણ તમે નહીં,જો મારું આટલું લખાણ તમે વાંચી ગયા તો પણ મારા માટે સૌભાગ્ય!
  વિરમું છું,એવી દુઆઓ સાથે "તુમ લિખો હઝારોં સાલ,હર સાલ કે દિન હોં પચાસ હઝાર"
  મનસૂર સવાણી

  ReplyDelete