Wednesday, October 29, 2014

મિશન સફાઇ : દિવાળી આવૃત્તિ

દિવાળીને સ્વચ્છતા સાથે સીધો સંબંધ છે. પ્રાચીન કથા પ્રમાણે શ્રી રામ રાવણનો સફાયો કરીને અયોઘ્યા પાછા ફર્યા, તેના માનમાં દિવાળી ઉજવાય છે. શ્રી રામ અયોઘ્યા પાછા ફર્યા ત્યારે તેમને સત્કારવા માટે અયોઘ્યાની શાળાઓનાં બાળકોને ઉઘરાવી લવાયાં હતાં અને તેમને કલાકો સુધી રસ્તા પર ઊભાં કરી દેવાયાં હતાં કે કેમ, એ જાણવા મળતું નથી. પરંતુ સહેજે કલ્પી શકાય કે રામરાજ્યમાં એવું બઘું ન હોય. એમાં શ્રી રામ આવવાના હોય ત્યારે જ રાતોરાત રસ્તાની સફાઇ થઇ જાય અને લાખો સુવર્ણમુદ્રાઓનો ખર્ચ કરીને નગરને ચકાચક બનાવી દેવાય એવું પણ ન હોય. અયોઘ્યા પહોંચ્યા પછી શ્રી રામે હાથમાં એક ઝાડુ પકડીને પ્રતીક સફાઇ કરી હોય અને તેમના પગલે આખી વાનરસેના સફાઇમાં લાગી પડી હોય એવો ઉલ્લેખ પણ ક્યાંય આવતો નથી. છતાં (કદાચ એટલે જ) લોકો દિવાળીમાં પોતાની હોંશથી સ્વચ્છતાઝુંબેશ ઉપાડે છે.

દિવાળીના સ્વચ્છતા મિશનની ખૂબી એ હોય છે કે તે દર વર્ષે અને મિડીયાની હાજરી કે ઉશ્કેરણી વિના, સ્વયંભૂ રીતે થાય છે. (તેમાં સર્જાતાં ઘણાં દૃશ્યો શૂટ કરવા જેવાં હોય છે એ જુદી વાત છે.) આ મિશન માટેની પ્રેરણા વડાપ્રધાને કરોડો રૂપિયાના ખર્ચે જાહેરખબરોનો મારો કરીને કે બિચારા ગાંધીજીને સંડોવીને આપવી પડતી નથી. દિવાળી આવે એટલે આપોઆપ ઘણા લોકોના હાથ સફાઇ કરવા, તો ઘણાની જીભ સફાઇ કરાવવા માટે સળવળાટ કરે છે.

સમાજશાસ્ત્રીઓ માને છે કે મનુષ્યમાં મૂળભૂત રીતે ગુફાવાસીના સંસ્કાર છે, જે હજુ પણ સાવ લુપ્ત થયા નથી. ઘણા મનુષ્યો સમાજશાસ્ત્રીઓની આ થિયરી સાચી પાડવા માટે સન્નિષ્ઠ પ્રયાસો કરે છે. તેમનું ઘર અથવા તેમનો રુમ અથવા તેમનું ટેબલ જોયા પછી લાગે કે આ અસબાબ એકવીસમી સદીની કોઇ સિવિલાઇઝ્‌ડ જગ્યાનો નહીં, પણ કોઇ પ્રાગૈતિહાસિક ગુફાનો જ હોઇ શકે. શરમને ગૌરવમાં ફેરવવાનું વર્તમાન વડાપ્રધાને તો પછીથી શરૂ કર્યું, ખરી પહેલ આવા અવ્યવસ્થા-શિરોમણીઓેની હતી. પોતાની અવ્યસ્થાને સદ્‌ગુણની, બલ્કે ખાસિયતની ચમકદમક આપવા માટે તે એવાં સંશોધનો રજૂ કરતા હતા કે ‘અવ્યવસ્થા એ તો સર્જનાત્મક માણસનું લક્ષણ છે. ફલાણાનો જ દાખલો જુઓ ને.’ એમ કહીને તે બે-ચાર મોટાં નામ લુઢકાવી દેતા હતા. કોઇ જિનિયસ લઘરા હોય, એટલે દરેક લઘરા જિનિયસ ન થઇ જાય. પણ સાદી સમજણના લેવાલ મળવા અઘરા છે.

આવા લોકો એકલા હોય ત્યાં સુધી પોતાની થિયરી સાથે એ સુખેથી જીવી શકતા હતા, પણ થિયરીને બદલે કોઇ જીવતી જાગતી થિયરી સાથે સંસાર માંડવાનો થાય, એટલે તેમના કપરા દિવસ શરૂ થતા હતા. સ્ત્રીઓ વધારે વ્યવસ્થાપ્રધાન હોય અને પુરુષો વધારે લઘરવઘર હોય એવો કોઇ નિયમ નથી. એનાથી ઉલટું પણ ઘણા કિસ્સામાં જોવા મળે છે. છતાં પુરૂષપ્રધાન સમાજમાં સામાન્ય રીતે ઘરની વ્યવસ્થા મહિલાઓના હાથમાં હોય. (અહીં ‘વ્યવસ્થા’ને બદલે ‘કાયદો-વ્યવસ્થા’ વાંચવું) પુરૂષ માનતો હોય કે એ ઘરનો ‘મુખ્ય મંત્રી’ છે ને પત્ની ‘રાજ્યપાલ’. પરંતુ માનવાની બાબતમાં તો કોઇ પોતાની જાતને બરાક ઓબામા માને તો પણ શું કરી શકાય?

જેવી દિવાળી નજીક આવે કે તરત પુરૂષને અહેસાસ થવા માંડે છે કે હકીકતમાં ‘મુખ્ય મંત્રી’ કોણ છે. ઘરનાં કાયદો-વ્યવસ્થા સંભાળનાર વ્યક્તિ પહેલાં પ્રેમથી સફાઇ-પ્રસ્તાવ વહેતો મૂકે છે. પરંતુ તેનું મહત્ત્વ સૈદ્ધાંતિક કે ‘ફીલગુડ’થી વધારે હોતું નથી. ‘સફાઇ દરેકે કરવી જોઇએ. સફાઇ બહુ સારી બાબત છે. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે.’ આવી કવિતાઓમાં ડોકું ઘુણાવવામાં કોને વાંધો હોય? પરંતુ સફાઇ પોતે કરવાની આવે ત્યારે ખરી કઠણાઇ શરૂ થાય છે. સહેલાઇથી વાળી શકાય એવો કચરો રોડ પર નંખાવીને, મોટું ઝાડુ લઇને એ કચરો વાળવો એક વાત છે. તેનાથી સારી ન્યૂઝસ્ટોરી બને છે. સફાઇ થતી નથી.

ઘરની સફાઇનું કામ ઘણું વધારે પડકારજનક હોય છે. કારણ કે ત્યાં મિડીયાની હાજરી હોતી નથી અને સફાઇકામ ખરેખર થયું છે તે પુરવાર કરવું પડે છે. ઘરનું સફાઇકામ ઘણુંખરું ઉપકાર કે સમાજસેવા તરીકે નહીં, કરેલાં ‘પાપ’ના પ્રાયશ્ચિત તરીકે હોય છે. એટલે તે વેળાસર હાથ ધરવામાં આવે તો ઘરનાં સભ્યો, જેલસુધાર કાર્યક્રમ ચલાવતો જેલર કેદીને પ્રોત્સાહન આપે એવા અંદાજમાં, સફાઇ કરનારને થોડો પોરસ ચઢાવી શકે છે. ‘અરે, એ સફાઇ કરે એટલે તમારે જોવું ન પડે. આખા વર્ષનો કચરો એક જ દિવસમાં કાઢી નાખે. હા, એને વચ્ચે ટોકવાનો નહીં કે આટલો કચરો શી રીતે ભેગો થયો.’  

આ સૌથી સન્માનજનક - અથવા ઓછામાં ઓછી ખરાબ સ્થિતિ છે. તેમાં સફાઇ કરનારને વચ્ચે વચ્ચે ચા સાથે બે સારાં વેણ પણ સાંભળવા મળે છે અને કામ પૂરું થયે ઘરના જવાબદાર સભ્ય તરીકેની શાબાશી. પરંતુ આ માન મેળવનારા વીરલા જ હોય છે. મોટા ભાગના લોકો આવાં દુન્યવી માન-સન્માન પ્રત્યેની વિરક્તીથી પ્રેરાઇને જ, સફાઇકાર્યની દિશામાં પ્રવૃત્ત થતા નથી. એ વિચારે છે, ‘ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન મળ્યા પછી પણ સરવાળે ત્રણ ગોળી ખાવી પડી હોય, તો આપણે સ્વચ્છતા-પ્રેમી કે જવાબદાર સભ્ય તરીકેના માનનો મોહ જતો કરવો રહ્યો.’

કુટુંબીજનો આવી ઉચ્ચ ભાવના સમજી શકતાં નથી. એટલે તે રામ-રાવણ યુદ્ધની યાદ અપાવે એવાં અવનવાં શબ્દબાણોનો સતત મારો વરસાવીને માણસને સ્વચ્છતાઝુંબેશ માટે પ્રેરે છે. પ્રેમથી કહેવાનો સમય વીતી જાય, તો પછી બીજો તબક્કો ચીમકીનો આવે છે. ‘જો તમે તમારું ટેબલ (કે ખાનું કે કબાટ કે રૂમ) સાફ નહીં કરો, તો પછી મારે ન છૂટકે એ સાફ કરવું પડશે. એમાં કશું આધુંપાછું થાય તો પછી કકળાટ મચાવતા નહીં. પેલો પસ્તીવાળો ક્યારનો આંટા મારે છે. એક વાર જૂના કાટમાળ માટે મેં એને ઘરમાં બોલાવ્યો ત્યારની તમારા રૂમ પર એની નજર બગડેલી છે. એને એક ફોન કરું એટલી જ વાર. તમારો રૂમ અડધા દહાડામાં સાફ થઇ જશે.’

સામાન્ય સંજોગોમાં આ ચીમકીની ગુણકારી અસર થવી જોઇએ. પરંતુ કેટલાક રીઢા લોકોનું રુંવાડું ફરકતું નથી. ‘આ તો ખાલી ધમકી છે. આવું ખરેખર કોઇ કરે નહીં.’ એ વિચારે તે થોડા વધારે દિવસ ખેંચી કાઢે તો પછી ખરાખરીની ક્ષણ આવીને ઊભી રહે છે. નારાજ કુટુંબીજનોમાંથી કોઇ બંદૂકની અદામાં મોબાઇલ ફોન કાઢીને પસ્તીવાળાનો નંબર જોડ્યા વિના, તેની સાથે કાલ્પનિક સંવાદ શરૂ કરી દે, એટલે લઘરવઘર જણને ગંભીરતા સમજાય છે.

અલબત્ત, કુટુંબજીવન કોઇ ફોર્મ્યુલા પર ચાલતું નથી. એટલે ઘણા લોકો ગમે તેટલી બીક બતાવ્યા પછી ને કકળાટ કર્યા પછી પણ સફાઇ માટે સક્રિય નથી જ થતા. તેમના કુટુંબીજનો (સફાઇની બાબતમાં) તેમના નામનું નાહી નાખે છે. આવા લોકો થોડાં વર્ષે એકાદ વાર,  પોતાની કોઇ વસ્તુ નહીં જડવાથી કે વખાના માર્યા સફાઇઝુંબેશ હાથ ધરે, ત્યારે તેમના ઘરમાં દિવાળીનો માહોલ છવાઇ જાય છે. 

1 comment:

  1. પહેલો ફકરો અફલાતુન !! ખાસ તો કૌંસ... મજા આવી ગઈ...

    ReplyDelete