Wednesday, October 22, 2014

રશિયાના સરમુખત્યાર સ્તાલિનની દીકરી અને ભારતના એક સામ્યવાદી : એક અનોખી પ્રેમકથા

તારામૈત્રક અને પહેલી નજરે પ્રેમની વાતો સાંભળવામાં સારી લાગે, પણ પુખ્ત વયના અને એકંદરે ઠરેલ માણસો આવા બધામાં ન પડે- આવી સામાન્ય સમજણ છે. પરંતુ માણસના મનનો કારોબાર અકળ હોય છે. તે બાંધેલાં ચોકઠાં પ્રમાણે ચાલતો નથી. તેને કોઇ કાયદા-કાનૂન કે નિયમો લાગુ પડતા નથી. આંતરરાષ્ટ્રિય પ્રેમકથાઓમાં આ વાત સવિશેષ લાગુ પડે છે.

આ પ્રકારમાં ડૉક્ટર કોટનિસની વાત બહુ જાણીતી છે. ૧૯૩૮માં ચીન-જાપાન યુદ્ધ વખતે ચીનમાં તબીબી રાહતકાર્ય માટે ગયેલા ડૉક્ટર દ્વારકાનાથ કોટનિસ એક ચીની મહિલાના પ્રેમમાં પડ્યા અને તેમની સાથે સંસાર માંડ્યો અને ૧૯૪૨માં તેમનું બિમારીને કારણે અકાળે અવસાન થયું. આદરમાનથી ચીનમાં દફનાવાયેલા ડૉક્ટર કોટનિસની કથા પરથી વી.શાંતારામે ‘ડૉક્ટર કોટનિસકી અમર કહાની’ નામે ફિલ્મ પણ બનાવી. તેમની સરખામણીમાં ભારતીય સામ્યવાદી બ્રજેશસિંહ અને રશિયાના લોખંડી સરમુખત્યાર સ્તાલિનની પુત્રી સ્વેતલાનાની કથા કાળનાં વહેણમાં વિસરાઇ ચૂકી છે.

ડૉક્ટર કોટનિસની કથા યાદ રહી હોવાનું એક કારણ એ પણ છે કે તેનો ઉપયોગ ભારત-ચીન વચ્ચે સત્તાવાર મૈત્રી દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. ભારત સાથેના કથળેલા સંબંધ પછી પણ ચીને ડૉક્ટર કોટનિસને નાયક ગણવાનું ચાલુ રાખ્યું છે. સ્વેતલાના-બ્રજેશસિંહની પ્રેમકથામાં સત્તાવાર માન્યતાનું તત્ત્વ ન હતું. એટલું જ નહીં, ભારત-રશિયાના અફસરો માટે તે કંઇક અંશે માથાનો દુઃખાવો પણ બની રહી. એટલે બન્ને દેશોની સરકારો તેને ભૂલી ચૂકી છે. ગુજરાતીમાં તેની   આધારભૂત વિગતો સુભદ્રા ગાંધી કૃત અનુવાદ ‘એ પનોતું એક વરસ’માંથી મળે છે. (પ્રકાશક : ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા, ૧૯૭૨) સ્વેતલાનાએ લખેલા આત્મકથાનક અને કેટલાંક પુસ્તકોના આધારે તૈયાર થયેલા આ ગુજરાતી પુસ્તકમાં બ્રજેશસિંહ સાથેના જીવન ઉપરાંતની પણ કેટલીક વાતો છે. પરંતુ આ લેખ પૂરતી તેમના વિશિષ્ટ પ્રેમસંબંધની વાત કરવાની છે.

બ્રજેશસિંહ / Brajesh Singh રાજવી પરિવારના પુત્ર. મૂળ ઉત્તર ભારતના. ૧૯૩૦ના દાયકામાં ઇંગ્લેન્ડમાં ભણે એટલા સમૃદ્ધ, પણ ત્યાં એ સામ્યવાદના રંગે રંગાયા. યુરોપમાં રહ્યા. સામ્યવાદી જગતમાં ભારે દબદબો ધરાવતા ભારતીય નેતા માનવેન્દ્રનાથ (એમ.એન.) રોયના મિત્ર બન્યા. પરંતુ સુભદ્રાબહેને નોંઘ્યા પ્રમાણે, તેમનું ‘આંતરિક કલેવર ભાવનાશીલ, શ્રદ્ધાળુ હિંદુ જેવું રહ્યું હતું.’ સામ્યવાદી હોવા છતાં એ હિંસા-રક્તપાતને ટાળવાલાયક અનિષ્ટ ગણતા હતા. કદાચ આ જ કારણથી આઝાદી પછી ભારતના ઉગ્ર મત ધરાવતા સામ્યવાદીઓ સાથે બ્રજેશસિંહને ઘણા મતભેદ થયા.

સાઠના દાયકામાં બ્રજેશસિંહને ફેફસાંની બિમારી લાગુ પડી. એ વખતના રશિયામાં દુનિયાભરના સામ્યવાદી આગેવાનોને સારવાર માટે મૉસ્કોની હોસ્પિટલમાં બોલાવવામાં આવતા હતા. સામ્યવાદના લોખંડી પંજાને લાગણી અને સાથીપણાનો કુણો સ્પર્શ આપવા માટેની એ ચેષ્ટા હશે. તેમાં ઘણાખરા લાભાર્થી મોટા નેતાઓ રહેતા. બ્રજેશસિંહ પણ સામ્યવાદી અગ્રણી તરીકે એ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા, ત્યારે તે ૫૪ વર્ષના હતા.

યોગાનુયોગે એ જ વખતે જોસેફ સ્તાલિનનાં ૩૭ વર્ષનાં પુત્રી સ્વેતલાના/ Svetlana એ જ હોસ્પિટલમાં કાકડાના ઑપરેશન માટે દાખલ થયાં. ૩૭ વર્ષમાં તેમણે ઘણા ચઢાવઉતાર જોઇ નાખ્યા હતા. પહેલું લગ્ન તેમણે પિતાની મરજી વિરુદ્ધ એક યહુદી સાથે કર્યું. તેમાંથી છૂટાં થયાં પછી સ્તાલિનની ઇચ્છાથી તેમના એક કમ્યુનિસ્ટ સાથીના પુત્રને તે પરણ્યાં. પરંતુ એ લગ્ન પણ ટક્યું નહીં. પહેલા લગ્નથી થયેલો એક પુત્ર અને બીજા લગ્નથી થયેલી પુત્રી સાથે સ્વેતલાનાએ જુદો સંસાર માંડ્યો. સ્તાલિનના જીવતાંજીવ સ્વેતલાના પિતાથી અલગ થઇ ગયાં હતાં. સ્તાલિનપુત્રી તરીકેનો દબદબો અને તેનો બોજ પણ તેમણે સ્વેચ્છાએ જતો કર્યો હતો.
young  Svetlana with dad Joseph Stalin 

વાચનનાં શોખીન અને અભ્યાસી સ્વેતલાના જવાહરલાલ નેહરુની આત્મકથા વાંચીને ભારત પ્રત્યે આકર્ષાયાં. રામકૃષ્ણ પરમહંસ- વિવેકાનંદ વિશેનાં રોમાં રોલાંનાં લખાણ અને ગાંધીજી વિશેની થોડીઘણી માહિતીએ તેમને ભારત વિશે વઘુ જાણવા પ્રેર્યાં. મૉસ્કોની હોસ્પિટલમાં ઉંમર કરતાં બ્રજેશસિંહ સાથેના આકસ્મિક પરિચયે તેમની એ ભૂખ ભાંગી. કાબરચીતરા વાળ, વર્ષ કરતાં વધારે લાગતી ઉંમર, બેઠી દડીના, બ્રોન્કાઇટિસ અને દમને લીધે ખખડી ગયેલા, સહેજ ઝૂકીને ચાલનારા બ્રજેશસિંહ સાથે સ્વેતલાનાનો હોસ્પિટલમાં આકસ્મિક ભેટો થયો.

બ્રજેશસિંહે પરિચય આપ્યો એટલે એમની વચ્ચે વાતોની મંડળી જામી. બન્ને દર્દીઓ હોસ્પિટલના સોફા પર બેસીને કલાકો સુધી ગાંધી,નહેરુ અને ભારતની જ્ઞાતિપ્રથા વિશે ચર્ચા કરતાં. સ્વેતલાનાએ કોઇની કંઠી બાંધ્યા વિના સ્વતંત્ર મિજાજ જાળવી રાખ્યો હતો, તેનો બ્રજેશસિંહને આનંદ થયો. ‘ભીંતને પણ કાન હોય’ એવો ખોફ ધરાવતા રશિયામાં આ બન્ને જીવો કોઇની સાડાબારી રાખ્યા વિના મુક્ત જીવે એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં. બ્રજેશસિંહને જ્યારે ખબર પડી કે સ્વેતલાના સ્તાલિનની પુત્રી છે, ત્યારે પણ તેમની સાહજિકતામાં કશો ફરક ન પડ્યો.

પોતપોતાની રીતે મનમાં અશાંતિ અનુભવતા બન્ને જણને એકબીજાની સોબતમાં શાંતિનો અનુભવ થયો. એટલે ઉંમરનો તફાવત અને બ્રજેશસિંહની નાજુક તબિયત છતાં સ્વેતલાના અને બ્રજેશસિંહે લગ્ન કરીને (અગાઉનાં લગ્નનાં બે સંતાનો સાથે) મૉસ્કોમાં રહેવાનું નક્કી કર્યું. દરમિયાન, રશિયામાં સારવારનો સત્તાવાર સમય પૂરો થતાં બ્રજેશસિંહને ભારત પાછા જવાની ફરજ પડી. ત્યાંથી ફરી મૉસ્કો આવવામાં તેમને દોઢ વર્ષ નીકળી ગયું. એ ગાળામાં તેમની ખરાબ તબિયત વઘુ લથડી ચૂકી હતી. રશિયામાં રહેવાના આધાર તરીકે તેમણે એક પ્રકાશનગૃહમાં અનુવાદક તરીકે નોકરી લીધી હતી. એ માટે બન્ને દેશોના સામ્યવાદી પક્ષોને રાજી કરવાનું અઘરું કામ પણ પાર પાડ્યું હતું. મૉસ્કોમાં તેમને કંપનીએ ફાળવેલા ઘરમાં રહેવાનું હતું. પણ એરપોર્ટ પર લેવા ગયેલાં સ્વેતલાના અને તેમના દીકરાએ બ્રજેશસિંહની તબિયત જોઇ. એ પરથી તેમણે નક્કી કર્યું કે બ્રજેશસિંહ તેમની સાથે, તેમના ઘરમાં જ રહેશે.
Svetlana - Brajesh Singh 

બન્નેનું સહજીવન શરૂ થયું ત્યારે રશિયાના રાજકારણમાં ફરી એક વાર રૂઢિચુસ્તતાની બોલબાલા થઇ હતી. સ્વેતલાનાને પણ સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે ‘તારા જેવી એક તંદુરસ્ત સ્પોર્ટ્‌સવુમનને કોઇ તંદુરસ્ત-શક્તિશાળી જુવાન ન જડ્યો? પેલા ઘરડા માંદા હિંદુ સાથે રહીને તને શું મળવાનું છે? અમને એ મંજૂર નથી.’ વગેેરે. રશિયાના સત્તાધીશોએ તેમનું લગ્ન રજિસ્ટર કરવાની સાફ ના પાડી દીધી. કારણ કે એમ કરવાથી બ્રજેશસિંહ સ્વેતલાનાને ભારત પણ લઇ જઇ શકે.

સ્વેતલાનાએ તેમને સમજાવી જોયા કે અમે બન્ને મૉસ્કોમાં જ રહેવાનાં છીએ. પણ તેમને લગ્નની મંજૂરી ન જ મળી. રશિયામાં મુક્ત અભિવ્યક્તિ પર એવો લોખંડી સકંજો હતો કે સચ્ચાઇનું બયાન કરનાર લેખકોને જેલની સજા કરવામાં આવતી હતી. એટલે સ્વેતલાનાએ પોતાના કુટુંબ વિશે તૈયાર કરેલા એક જૂના લખાણને બ્રજેશસિંહે રશિયાના ભારતીય રાજદૂતની મદદથી સલામતી ખાતર ભારત મોકલી આપ્યું (જ્યાં તે એક અંગ્રેજી અખબારમાં ‘ટ્‌વેન્ટી લેટર્સ ટુ અ ફ્રેન્ડ’ તરીકે હપ્તાવાર પ્રગટ થયું)

બ્રજેશસિંહ પર રશિયાની સરકારની ખફાનજર છે એ જાણ્યા પછી ત્યાંના ભારતીય સામ્યવાદીઓએ તેમની સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. નોકરીમાં પણ બ્રજેશસિંહના કામ સામે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી. તેમને ટી.બી.ના દર્દી જાહેર કરીને અલાયદી હોસ્પિટલમાં ભરતી કરવાનો પ્રયાસ થયો, પરંતુ સ્વેતલાનાએ એક મહિના સુધી અધિકારીઓ સામે લડત આપીને સાબીત કરી બતાવ્યું કે બ્રજેશસિંહને ટી.બી. નહીં, દમનો રોગ છે.

બ્રજેશસિંહની બિમારી અને રશિયન સરકારનો સકંજો વકરતાં ગયાં. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેલા બ્રજેશસિંહને મળવા માટે કોઇને જવું હોય તો એ પણ અઘરું બનાવી મૂકવામાં આવ્યું. ખુદ બ્રજેશસિંહને અંત નજીક લાગ્યો એટલે તેમણે સ્વેતલાનાને કહ્યું, ‘હું અહીંથી કંટાળી ગયો છું. મને ભારત લઇ જા. ત્યાં મારા મિત્રો-સ્નેહીઓ વચ્ચે શાંતિથી મૃત્યુ પામી શકું.’ સ્વેતલાનાએ રશિયાના પ્રમુખ બ્રેઝનેવ પાસે બ્રજેશસિંહને ભારત લઇ જવાની પરવાનગી માગી. તેમણે રૂક્ષતાથી કહી દીઘું કે બ્રજેશસિંહને જવું હોય તો જાય, પણ તને કોઇ પણ સંજોગોમાં સાથે જવા નહીં મળે.

છેલ્લે છેલ્લે હૉસ્પિટલની માથાકૂટથી કંટાળી ગયેલા બ્રજેશસિંહે ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાં તેમને રાહત લાગી. એક અઠવાડિયામાં તેમણે શ્વાસ મૂક્યા. ત્રણેક વર્ષ પહેલાં તેમણે લખી રાખ્યું હતું કે ‘મને અગ્નિસંસ્કાર આપજો અને મારાં અસ્થિને કોઇ નદીમાં પધરાવજો. બીજી કોઇ ધાર્મિક વિધિ ન કરશો.’ સ્વેતલાનાએ તેમને પૂછ્‌યું હતું કે ‘તેં કઇ નદીની વાત કરી છે? ગંગાની?’ ત્યારે બ્રજેશસિંહે કહ્યું હતું કે ‘હા, પણ પરદેશમાં મૃત્યુ પામું તો અસ્થિ ગંગાજી લગી કોણ પહોંચાડે? એટલે કોઇ પણ નદી ચાલશે. બધી નદીઓ આખરે સમુદ્રમાં જ ભળે છે.’

સ્વેતલાનાને જીવતા બ્રજેશસિંહ સાથે ભારત આવવાની મંજૂરી મળી ન હતી, પણ તેમનાં અસ્થિ ગંગામાં પધરાવવા માટે રશિયાની સરકારે તેમને પરવાનગી આપી. દિલ્હીમાં સ્વેતલાનાને થયેલા અનુભવો બીજી કથાનો વિષય છે, પણ દોઢ વર્ષના સાથી બ્રજેશસિંહનાં અસ્થિ ગંગામાં પધરાવીને તેમણે હૉસ્પિટલથી શરૂ થયેલા પ્રેમસંબંધનું ભાવસભર તર્પણ કર્યું.

(નોંધ : સ્વેતલાનાનું અવસાન ૮૫ વર્ષની વયે ૨૨ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમેરિકામાં થયું. અમેરિકામાં એક લગ્ન પછી તેમનું નામ હતું : લાના પીટર્સ)

1 comment:

  1. Very very interesting....thanks for sharing this wonderful piece......

    ReplyDelete