Thursday, December 03, 2009
દીક્ષાયાત્રાઃ ત્યાગ પહેલાંનો ભોગ
બે દિવસ પહેલાં ઓફિસ જવાના રસ્તે આ વરઘોડો જોવા મળ્યો. હકીકતે એ દીક્ષાર્થીની યાત્રા હતી, પણ તેનો દેખાવ જોઇને સહજ રીતે ‘વરઘોડો’ શબ્દ જ સૂઝે.
દીક્ષાના વિષયમાં મને પીચ પડતી નથી. એના સિદ્ધાંતો સમજાતા નથી, પણ મેં આ શોભાયાત્રા બહુ રસથી જોઇ. દીક્ષાર્થી બહેન તેમાં વિવિધ વસ્તુઓ અને ક્યારેક ચલણી નોટો ઉછાળીને લુંટાવતી હતી. ચીજવસ્તુઓ પેકેટ સ્વરૂપે પણ ખરી ને એક તસવીરમાં દેખાય છે તેમ, ચોખા જેવું કંઇ પણ તે ઉછાળતી હતી. એ વખતે તેના હાથ બિલકુલ ગરબા મુદ્રામાં છટાથી લહેરાતા હતા. શોભાયાત્રા જે રસ્તેથી પસાર થવાની હતી, ત્યાં ઠેકઠેકાણે રસ્તા પર રંગોળી કરેલી હતી તેનો પણ એક ફોટો મૂક્યો છે.
બેન્ડવાજાં સમજ્યા, પણ ચાંદીના રથથી માંડીને ફુગ્ગા અને એકાદ કાર્ટૂન કેરેક્ટર ... આ બઘું મારી સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવું ન હતું. મને ભારેખમ અને અસ્વાભાવિક સાઘુઓના બદલે સ્વાભાવિક સંસારીઓનું આકર્ષણ વધારે રહે છે. શોભાયાત્રાના અંતે દીક્ષાર્થી છોકરીને બગીમાંથી ઉતારીને કેટલાંક સગાંસ્નેહીઓએ ઊંચકી લીધી હતી, તેનો પણ એક ફોટો છે. (ફોટો ક્લિક કરવાથી મોટા દેખાશે)
મને એમ થાય કે ત્યાગ પહેલાં ભરપૂર ભોગ કરવો હોય તો ભલે. સમજ્યા. પણ એ જરા વધારે ટેસ્ટફુલી, વધારે ગરીમાપૂર્વક અને બીજા વરઘોડાઓ જેટલું જ ન્યૂસન્સ પેદા કર્યા વિના ન થઇ શકે? કમ સે કમ, એ આખી પ્રવૃત્તિનું ધાર્મિક ચરિત્ર આખી યાત્રામાં મને ક્યાંય દેખાયું નહીં. એને બદલે, શોભાયાત્રામાં આગળના ભાગમાં લોકો બેન્ડવાજાના સૂર પર અને એક ભાઇના સ્વર પર ઝૂમી ઝૂમીને નાચતા હતા. ઊંટગાડીઓમાં અનેક લોકોનું ચડી બેસવું જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત સાથે કેટલું સુસંગત હશે એવા સવાલ પણ થાય.
Subscribe to:
Post Comments (Atom)
સંતોની લાલસાઓ પણ ક્યાં ઓછી હોય છે!બીજું કશું જોવાને બદલે તેમની આગળ લગાડેલાં વિશેષણો જોઇ લો,તો ખ્યાલ આવી જશે.આ બધાને જોઇને સાહિરની પંક્તિઓ યાદ આવી જાય- સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે!
ReplyDeleteઆ તો નિર્દોશ આનંદ છે. પણ દીક્ષા લીધેલાઓના ભોગો?
ReplyDeleteThis may not be related to your post, but i think that you should visit this blog..................
ReplyDeletehttp://o3.indiatimes.com/gujarati
એક પત્રકાર તરીકે તમને દરેક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની આદત હોઇ શકે છે. પણ પોતાની સમજણ દર વખતે 100% સાચી ના પણ હોઇ શકે. દરેક વસ્તુ જે તમે નોંધી છે એ દરેક વસ્તુ કરવા પાછળનો કોઇ મર્મ છે જૈન શાસ્ત્ર મુજબ.
ReplyDeleteજે વૈભવ દેખાડવામાં આવ્યો છે એની પાછળનો મર્મ એ છે કે તમામ દુન્યવી સુખ, સમૃધ્ધિ, પૈસો, એશોઆરામ છોડીને દિક્ષાર્થી વૈરાગ્યના માર્ગે જઇ રહ્યો છે. જે પણ રંગોળી કે નાચગાન કે વરઘોડા જેવું હોય છે એનો મર્મ એ છે કે પરિવારજનો ખુશ છે કે દિક્ષાર્થી પાવનમાર્ગે જઇ રહ્યો છે અને કુળનું નામ રોશન કરી રહ્યો છે અને આ ખુશીને દરેક સાથે વહેંચીને વધૂ લોકોને આ માર્ગ અપનાવવા માટે પ્રેરિત કરવા. આવી રીતે દરેક વસ્તુઓનું કોઇ ને કોઇ તાર્કીક મહત્વ છે. પણ અહીં એ ચર્ચા કરવી શક્ય નથી અને એ ચર્ચામાં ઉતરવા માટે હું સક્ષમ પણ નથી.
આજ કાલ અમુક વસ્તુ થોડી વધૂ દેખાડા સાથે થઇ રહી છે અને દિક્ષાર્થીઓના મન પણ મજબૂત નથી રહ્યા એ અલગ ચર્ચાનો વિષય છે.
આ સંદર્ભમાં તમારે હીરાના વેપારી અતુલ શાહની દિક્ષા વિશે જાણવું રહ્યું. એમના પરિવારનો એન્ટવર્પમાં હીરાનો ધીખતો ધંધો હતો છતાં ભરજુવાનીમાં એમણે દુન્યવી મોહ બાજુમાં મૂકીને દિક્ષા લીધી હતી. એમની દિક્ષા અત્યાર સુધીની દિક્ષાઓમાં સૌથી વધૂ ભવ્ય માનવામાં આવે છે અને લખલૂટ ખર્ચો થયો છે. મને વર્ષ યાદ નથી પણ ચિત્રલેખામાં આ વિશે વિસ્તારપૂર્વકનો લેખ પણ હતો. આજે આ અતુલ શાહ જ હિતરુચિ મહારાજ સાહેબના નામ સાથે ખૂબ સાત્વિક અને સમ્યક જીવન જીવી રહ્યા છે. એમની દિક્ષા અને એમનું જીવન એ ઘણાં યુવાનો માટે આજે પણ પ્રેરણારૂપ છે. દિક્ષા પાછળ લખલૂટ ખર્ચો કરવાનો અને પ્રસંગને ભવ્ય બનાવવા પાછળનો ઉદ્દેશ એ પણ છે કે બીજા પણ પ્રેરિત થાય જોયા બાદ.
મેં મારી ખૂબ જ મર્યાદિત જાણકારી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
"એક પત્રકાર તરીકે તમને દરેક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની આદત હોઇ શકે છે. પણ પોતાની સમજણ દર વખતે 100% સાચી ના પણ હોઇ શકે." આમ માની લેવામાં પણ પોતાની સમજણ દર વખતે 100% સાચી ના હોઇ શકે.
ReplyDeleteમૂળ વાત એ કે શાસ્ત્રોમાં ઘણું બધું કહેલું છે,જેને લોકો અનૂકુળ રીતે પોતાના મનગમતા બીબામાં ઢાળી દે છે.મોટે ભાગે તો લોકો સ્થૂળ પ્રતિકોને પકડી રાખે છે અને તેની પાછળનો મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે. એ કોઇ પણ ધર્મ કેમ ન હોય!પોતપોતાના સંપ્રદાયની માન્યતા તેમને મુબારક, પણ એક વાત તો સાચી કે સૌથી વધુ બબાલ ધર્મને લઇને જ થઇ છે. બધા ધર્મનો સાર એક જ હશે, પણ એ તો લખેલા ધર્મનો. તેનું આચરણ તો માનવો જ કરે છે, એટલે તેમાં માનવસહજ ખામી-મર્યાદાઓ આવી જાય છે, બલ્કે વધુ ગાઢ રીતે જોવા મળે છે.