Thursday, December 17, 2009

નોટીઝ- નામા ૨૦૦૦-૦૯ : એકવીસમી સદીનું ‘સમજ્યા હવે!’

‘નોટીઝ’ તરીકે ઓળખાતો ૨૦૦૦-૨૦૦૯નો દાયકો પૂરો થવામાં છે ત્યારે, દાયકાના હળવાશભર્યા સરવૈયામાં કેટલીક એવી બાબતો યાદ કરીએ, જેમણે એકવીસમી સદીના પહેલા જ દાયકામાં પોતાનો મોભો અને તેની સાથે સંકળાયેલી નવાઇ ગુમાવી દીધાં. જેમને જોઇને દાયકાની શરૂઆતમાં લોકોની આંખો ચાર થઇ જતી હતી અને હવે એમના અસ્તિત્વની નોંધ પણ લેવાતી નથી અથવા કંઇક તુચ્છકારથી લેવાય છે.

સેલફોનઃ નેવુના દાયકાના અંત સુધી સેલફોન ગૌરવભેર હાથમાં પકડવાની કે કમરે લટકાવવાની ચીજ હતો. શરૂઆતનાં વર્ષોમાં આઉટગોઈંગનો મિનીટ દીઠ ૧૬ રૂ. અને ઇનકમિંગનો મિનીટ દીઠ ૮ રૂ. ભાવ જોતાં ફોન વાપરનારનો વટ પડે એ બરાબર હતું. ફોનનું વજન પણ એવું કે કોઇને છૂટોે માર્યો હોય તો ફોનને બદલે સામેવાળાના કપાળની ચિંતા કરવી પડે, પણ આ દાયકામાં ફોનના સામાજિક દરજ્જાનું એટલું ઝડપી અવમૂલ્યન થયું છે કે ‘મારો સેલનંબર? સોરી, હું સેલફોન નથી રાખતો.’ એમ કહેવામાં મોભો ગણાય છે. પચીસ-પચાસ લાખની વૈભવી કાર ફેરવનારા શેઠો-સાહેબોથી માંડીને, ઘરેથી સાયકલ લઇને કારના ડ્રાઇવર તરીકે નોકરી કરવા આવનાર સુધીના સૌને સેલફોન પોસાય છે. ‘અમે અમારા બધા માણસોને એકેક સેલફોન આપી દીધા છે. એટલે કોઇ જાતની મગજમારી જ નહીં’ આવા ઉદગારો ઓફિસના બોસના મોઢેથી બોલાવા લાગે, એટલે સેલફોનના સ્ટેટસની, બકૌલ મુન્નાભાઇ, કેવી વાટ લાગી હશે એ કહેવાની જરૂર રહેતી નથી.

કારઃ ‘ગાડી’ એટલે ‘એમ્બેસેડર’ એવી વ્યાખ્યા ભારતમાં દાયકાઓ સુધી ટક્યા પછી એકાદ-બે દાયકા માટે ‘નવી ગાડી’ એટલે ‘મારૂતિ’ એવો જમાનો આવ્યો. હાથમાં ગાડીની ચાવીની હોય કે ઘરના બારણે ગાડી પાર્ક થયેલી હોય (ભલે કોઇ સગાવહાલાની કે મિત્રની) તો પણ વટ પડતો હતો. એકવીસમી સદીમાં હવે સેલફોનની જેમ કારથી પણ કોઇ અંજાતું નથી. એની સૌથી વધારે ચિંતા કારમાલિકોને છે. કારણ કે દેખાદેખીથી કે રોલા પાડવા માટે લોન લઇને તેના આકરા હપ્તા વેઠીને કાર ખરીદનારાની સંખ્યા મોટી હોય છે. ગ્લોબલ વોર્મંિગ અને પેટ્રોલખાઉ વાહનોથી થતા પ્રદૂષણ વિશે જાણકારી હોવા છતાં, હવે ‘મોટી ગાડી’થી છાકા પાડવાનો જમાનો છે. ફક્ત ‘ગાડી લીધી’ એવું કહેવાથી પ્રભાવ તો બાજુ પર, કોઇ નોંધ પણ લેતું નથી એવું લાગતાં, ઉત્સાહી લોકો કહે છે,‘હમણાં મોટી ગાડી લીધી.’ સાંભળનારા મોટે ભાગે સહિષ્ણુ હોવાથી ‘એમાં અમે શું કરીએ?’ અથવા ‘મોટી એટલે? મોટા હપ્તાવાળી?’ એવું કહી શકતા નથી. મોટી ગાડીવાળા ભલે થોડાં વર્ષ હરખાઇ લે, કારણ કે આવતા દાયકાના અંત સુધીમાં ગ્રીન ટેકનોલોજી ધરાવતી ગાડીઓ બજારમાં પ્રવેશીને ફેશન બની ચૂકી હશે.

સેટેલાઇટ લોન્ચિંગઃ એંસી-નેવુના દાયકામાં ‘ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન’- ઇસરોએ અવકાશમાં ઇન્સેટ ઉપગ્રહો ચડાવવાની ટેકનોલોજી સિદ્ધ કરી લીધી. દૂરદર્શનના એ યુગમાં ‘ઇસરો’નો ઉપગ્રહ ‘ઇન્સેટ’ એ હવામાનના નકશાનો પર્યાય બની ગયો હતો. ઉપગ્રહો અને તેને લોન્ચ કરવાનાં વેહીકલમાં માસ્ટરી મેળવનાર ‘ઇસરો’એ ૨૦૦૦ના દાયકાના પહેલા જ વર્ષમાં, ઇન્સેટ સિરીઝની ‘ત્રીજી પેઢી’નો ઉપગ્રહ ઇન્સેટ ૩-બી તૈયાર કરીને અવકાશમાં મોકલ્યો અને બીજા વર્ષે, ૨૦૦૧માં, પોતાના પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ (પીએસએલવી) મારફતે પોતાના એક ઉપરાંત જર્મની અને બેલ્જિયમના પણ એક-એક સેટેલાઇટ રવાના કરી આપ્યા. ત્યાર પછીનાં વર્ષોમાં ઉપગ્રહો ચડાવવાની બાબતમાં ‘ઇસરો’નો સિક્કો વિશ્વસ્તરે જામી ગયો. ગયા વર્ષે ઇસરોએ સફળતાપૂર્વક ચંદ્ર પર યાન મોકલીને અને આ વર્ષે સપ્ટેમ્બરમાં એક જ વેહીકલ (પીએસએલવી- સી ૧૪) દ્વારા સામટા સાત સેટેલાઇટ ભ્રમણકક્ષામાં ગોઠવીને બધી નવાઇઓનો જાણે અંત લાવી દીધો છે. સમાનવ ચંદ્રયાત્રાનું લક્ષ્યાંક આવતા દાયકા માટે ઉભું છે, પણ સેટેલાઇટ લોન્ચિંગ સાથે સંકળાયેલો અહોભાવ ‘ઇસરો’એ પોતાની કાબેલિયતથી સમાપ્ત કરી દીધો છે.

સેટેલાઇટ ચેનલઃ દૂરદર્શનના એકધારા, બીબાઢાળ અને ઉત્તમ ધારાવાહિકોને બાદ કરતાં ‘સરકારી’ કહેવાય એવા પ્રસારણ છતાં તેની સાથે નવાઇ અને મઝાનાં તત્ત્વો સંકળાયેલાં હતાં. સેટેલાઇટ ચેનલ ત્યારે વિજ્ઞાનકથાનો વિષય હતી. નેવુના દાયકામાં સી.એન.એન. અને સ્ટાર જેવી ચેનલો ભારતમાં દેખાવા લાગી ત્યારે દર્શકો રોમાંચિત થઇ ગયા અને ભારતમાં ન્યૂઝચેનલો આવશે ત્યારે કેવી મઝા પડી જશે તેની કલ્પના કરવા લાગ્યા. એકવીસમી સદીના પહેલા દાયકામાં એ કલ્પના સાકાર થઇ. ૨૦૦૧માં ટીવી પર પહેલો ધરતીકંપ અને ૨૦૦૨માં પહેલી વાર દિવાનખાનામાં (ગુજરાતની) કોમી હિંસા લોકોએ જોઇ. પણ જેટલાં વર્ષોથી સેટેલાઇટ ચેનલોની પ્રતિક્ષા થઇ રહી હતી, તેનાથી પા ભાગના સમયમાં ચેનલોનો રંગ ઉતરી ગયો.

ભારતમાં દેશીવિદેશી બઘું મળીને અત્યારે ૫૦૦થી પણ વઘુ ચેનલ છે અને બીજી લગભગ ૧૫૦ ચેનલોની અરજીઓ માહિતી-પ્રસારણ મંત્રાલયમાં પડી છે. પરંતુ પ્રમાણભાન જાળવ્યા વગર જે મળ્યું તેને ચગાવવાની વૃત્તિ અને સાવ તુચ્છ બાબતોને ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે ચમકાવવાની રસમને કારણે ન્યૂઝ ચેનલો લોકોની ગાળો ખાય છે, જ્યારે મોટા ભાગની સ્થૂળ અને ઢંગધડા વગરની સિરીયલોને લીધે એન્ટરટેઇનમેન્ટ ચેનલો વિશે પણ લોકોના મનમાં જરાય ભાવ રહ્યો નથી. ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રોફિક જેવી ચેનલોએ તેમનો જ્ઞાનવિજ્ઞાનનો ગઢ જાળવી રાખ્યો છે, પણ એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા ઉશ્કેરે-દૃઢ બનાવે એવા સમાચારો-કાર્યક્રમોનો મારો ચલાવતી મોટા ભાગની ચેનલોને કારણે ઘણી વાર લોકોને લાગે છે કે ચોવીસ કલાકની ચેનલોની શી જરૂર છે? દિવસમાં ત્રણ ટાઇમ સમાચાર મળે તો બહુ છે.

કેમેરાઃ કેસેટ કેમેરા તરીકે ઓળખાતા કંપાસછાપ અને સાવ પ્રાથમિક કેમેરાને બાદ કરો તો, વીસમી સદીમાં કેમેરા વાપરવો એ કસબનું અને અમુક હદે કળાનું પણ કામ ગણાતું. એસ.એલ.આર. તરીકે ઓળખાતા પ્રોફેશનલ કેમેરાની કિંમત પાંચ આંકડામાં, ઉપરથી ‘રોલ’ તરીકે ઓળખાતી ફિલ્મનો ખર્ચ અને છેલ્લે ફિલ્મ ડેવલપ કરાવીને પ્રિન્ટ કઢાવવાનો ચાંલ્લો. એમાં કેટલા ફોટા સારા આવ્યા ને કેટલામાં માથાં કપાયાં એ સવાલો તો ખરા જ. એ સ્થિતિમાં સારા (એટલે ‘ચોખ્ખા’- ચહેરો દેખાય એવા) ફોટા પાડનારનો દબદબો રહેતો. પોતાના ફોટા પડાવવા લોકો ફોટોગ્રાફરોને વિનંતી કરતા અને સાધતા. કમ્પ્યુટર ન હોય એટલે ફોટોશોપ પણ નહીં. એટલે એક વાર જે ફોટો પડ્યો તે વિધીના લેખ જેવો. એમાં કશી મીનમેખને અવકાશ નહીં. પણ ફોટોગ્રાફીનો ડિજિટલ યુગ શરૂ થતાં જ આ બધી વાતો સદીઓ જૂની હોય એવી લાગવા માંડી છે. કોઇ પણ પ્રસંગે એકાદ-બે રોકેલા ફોટોગ્રાફરની સાથે પોતપોતાના ડિજિટલ કેમેરા અને સેલફોનમાં જડેલા કેમેરા સાથે આઠ-દસ માણસોનું ટોળું ફોટા પાડવાનો આનંદ લેતું હશે અને વ્યાવસાયિક ફોટોગ્રાફર નિઃસાસા સાથે વિધિના પલટાયેલા ખેલ જોતા હશે.

ભાજપનું હિંદુત્વઃ બે દાયકા પહેલાં અડવાણીની સોમનાથથી અયોઘ્યા યાત્રાના પગલે શરૂ થયેલું ભાજપી હિંદુત્વનું મોજું આખરે ૨૦૦૦ના દાયકામાં ઓસર્યું છે અને વિશાળ મોજું ઓસર્યા પછીનો કાદવકીચડ દેખાવા લાગ્યો છે. લોકસભામાં બે બેઠકો ધરાવતો ભારતીય જનતા પક્ષને હિંદુત્વની લાગણી ઉશ્કેરીને જોતજોતાંમાં સાથીપક્ષોની મદદથી સરકાર બનાવવા સુધી પહોંચી ગયો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પરાજિત ભાજપ હિંદુત્વના મુદ્દે અવઢવમાં છે. ‘સંઘ ખેંચે સીમ ભણી ને સાથીપક્ષો ખેેચે ગામ ભણી’ એવો તેના ઘાટમાં હિંદુત્વ કોરાણે મુકાઇ ગયું છે. ગુજરાત જેવા રાજ્યમાં રાજકીય સ્તરે ભાજપી હિંદુત્વની જગ્યા ‘મોદીત્વ’એ લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સંઘર્ષ થયો ત્યારે ભાજપે હિંદુ રાજકારણ ખેલવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો, પણ ગુજરાત જેવી સફળતા બીજે ક્યાંય મળી નથી. ભાજપી હિંદુત્વની લહેરો જ્યાંથી સર્જાઇ હતી, એ ઉત્તર પ્રદેશમાં ભાજપ શોઘ્યું જડે એમ નથી.

બાયપાસ સર્જરીઃ એંસી-નેવુના દાયકામાં બાયપાસ સર્જરી કરાવવી એ આર્થિક અને શારીરિક બન્ને રીતે સાહસનું કામ હતું. સરકારી નોકરી કરતા લોકો કે માલેતુજારોને જ એ પોસાય એવું હતું. ડોક્ટરો પણ દર ત્રીજા (કે ચોથા) દર્દીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસના લાંબાપહોળાઊંડા ખાડામાં ધકેલતા ન હતા. બાયપાસ કરાવી આવનાર વ્યક્તિ હિમાલય ચઢીને પાછી આવી હોય તેમ લોકો અમને મળવા, ખબર કાઢવા અને એમના બાયપાસના અનુભવોની કથાનાં પ્રકરણો સાંભળવા જતા હતા. હવે બાયપાસ કરાવવામાં કશું ગૌરવ રહ્યું નથી, પણ કેટલાકને બાયપાસ ન કરાવવામાં શરમ લાગતી હોય- અને સમાજના મહેણાનો ડર લાગતો હોય એવું બને. (અરે? તમે હજુ બાયપાસ નથી કરાવી? કેમ ફાયનાન્શ્યલ પ્રોબ્લેમ છે?) કોઇ ‘બાયપાસ’ કરાવનારા જાહેર જગ્યાએ પોતાનો વિશેષાધિકાર જમાવવા કહે કે ‘જરા આઘા ખસો. મેં બાયપાસ કરાવી છે.’ તો ટોળામાંથી બીજા ચાર-છ-આઠ અવાજો ‘અમે પણ બાયપાસ કરાવી છે. તેથી શું થઇ ગયું?’ એમ કહેતા ઉભા થઇ જાય એવો પૂરો સંભવ છે.

સ્ટીંગ ઓપરેશનઃ હજુ સુધી ‘સ્ટીંગ ઓપરેશન’નું હિંદી ‘કાંટા લગા’ કરવાનું કોઇને કેમ સૂઝ્યું નહીં હોય, એવી નવાઇ બાજુ પર રાખીએ તો અત્યારે કોઇને કહીએ તો માન્યામાં ન આવે કે માંડ એક-બે દાયકા પહેલાં ટેપરેકોર્ડરથી સ્ટીંગ ઓપરેશન થતાં હતાં. અહેવાલ છાપનાર તેમાં લખે કે ‘અમારી પાસે આ વાતચીતના રેકોર્ડેડ પુરાવા છે’ એટલે ખલાસ! ‘આઉટલૂક’ સામયિકે ટચૂકડા વિડીયો કેમેરા વડે મેચ ફિક્સિંગ જેવા વિષયોમાં સ્ટીંગ ઓપરેશન કર્યું, ત્યારે કેટલાય ક્રિકેટરો મેદાનની બહાર ફિલ્ડિંગ ભરતા થઇ ગયા. ત્યાર પછી ‘તહલકા’ની ટીમે સ્ટીંગ ઓપરેશનનો વારસો આગળ વધાર્યો અને ભારતીય લોકશાહીની પવિત્ર ગાય ગણાતા સૈન્યના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો. તેનાથી તરખાટ બહુ થયો, પણ સરકારે સ્ટીંગ ઓપરેશન કરનારાને સાણસામાં લેવાનું વલણ દાખવ્યું. ‘સાધનશુદ્ધિ’ની અને વિશ્વસનીયતાની ચર્ચાઓ જાગી. ત્યાર પછી ‘તહલકા’ના દરેક સ્ટીંગ ઓપરેશન વખતે ‘સ્ટીંગ’ (ડંખ)ની અસર ઉત્તરોત્તર ઘટતી ગઇ. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતની કોમી હિંસા અંગે તહલકાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ઘણો બારૂદ હોવા છતાં, એની પર લોકોની ઉપેક્ષાનું ટાઢું પાણી રેડાઇ ગયું.

2 comments:

  1. નોટીઝ-નામા માં માત્ર ભાજપ/મોદી/હિંદુત્વની જ "નોટીસ" લીધી (કે લેવી પડે) એ મારા જેવા માટે તો ગર્વની વાત કહેવાય. એની બડી ધેર?

    ReplyDelete
  2. રજનીભાઇ,
    100% સહમત. દુ:ખ એ વાતનું છે કે બીજી પાર્ટીઓની દંભી બિનસાંપ્રદાયિકતા નથી ખૂંચતી પણ ભાજપનું હિંદુત્વ ખૂંચે છે.

    ReplyDelete