Monday, September 25, 2017

શનિ નડતર કે નવતર? પૂછો કાસિનીને

‘એક યુગનો અંત આવ્યો... વીસ વર્ષના આયખામાં કેટકેટલું કામ કર્યું...તેમના સંશોધને માનવજાતના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી, સજીવની ઉત્પત્તિના આરંભિક સંજોગોની સંભાવનાઓ વિશે પ્રકાશ ફેંક્યો, આપણી સૂર્યમાળાના બધા ગ્રહોમાં વલયોથી શોભતા શનિ અને તેના ચંદ્રો (ઉપગ્રહો) વિશે એટલી માહિતી આપી કે તેના અર્થઘટનમાં હજુ સમય લાગશે.

...અને કામ માટેની નિષ્ઠા પણ કેવી? છેલ્લી ઘડી સુધી કામ ચાલતું જ રહ્યું.  વિદાય પણ અત્યંત ભવ્ય અને તેમની આજીવન કામગીરીને છાજે એવી. વિદાયનો સમય નક્કી જ હતી. એટલે ઓચિંતાપણાનો આઘાત કોઈને લાગ્યો નહીં. પણ તેનું દુઃખ અનુભવનારા કેટકેટલા લોકો હતા.. અલગ અલગ રીતે કામ કરતા લોકો તેના નિમિત્તે મળ્યા અને તેમનો એક પરિવાર બન્યો. તે આ પરિવારની ધરી સમાન બની રહ્યા. હવે એ પરિવાર પણ વિખરાઈ જશે...’

આવી અંજલિઓ વાંચતાં પહેલી નજરે એવું જ લાગે, જાણે યુવાન વયના કોઈ મહાન વિજ્ઞાનીમૃત્યુ પામ્યા હશે. પણ આ પ્રકારની અનેક લાગણી--હા, નકરી આંકડાકીય માહિતી નહીં, લાગણી-- શનિની પ્રદક્ષિણા કરનારા પહેલા યાન કાસિની/Cassiniની વિદાયના અહેવાલોમાં છલકાતી હતી.  કાસિની હકીકતમાં 22 ફીટ ઉંચું, 13 ફીટ પહોળું, 2,523 કિલો વજનનું યાન હતું.  કાસીની સાથે હગન્સ/Huygens નામના તપાસસાધન/Probeની જોડીને શનિ ગ્રહનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવા માટે 15 ઓગસ્ટ, 1997ના રોજ પૃથ્વી પરથી રવાના કરવામાં આવ્યાં. આ અમેરિકાની અવકાશ સંસ્થા નાસા, યુરોપીઅન સ્પેસ એજન્સી અને ઇટાલીઅન સ્પેસ એજન્સીનું સહિયારું સાહસ હતું.
Cassini spacecraft 
અગાઉ વોયેજર-1, વોયેજર-2 જેવાં યાન સૂર્યમાળાના છેક દૂરના ગ્રહો સુધી મોકલવામાં 'નાસા'ને સફળતા મળી હતી. તે શનિને થપ્પો કરીને પસાર થયાં અને પહેલી વાર શનિ તથા તેના વલયોને લગતી થોડી માહિતી પૃથ્વી સુધી વહેતી કરી, ત્યારે સંશોધકોના રોમાંચનો પાર ન હતો. પણ આ માહિતીથી તરસ છીપવાને બદલે ઉઘડી. તેને શમાવવા માટે કાસિની યાન બનાવવામાં આવ્યું. તેનું જોડીદાર હગન્સ યુરોપીઅન સ્પેસ એજન્સીએ શનિના ઉપગ્રહ ટાઇટન પર ઉતરવા માટે તૈયાર કર્યું હતું. આ બન્નેની જોડી પૃથ્વીથી રવાના થયાનાં સાતેક વર્ષ પછી, આશરે 2.2 અબજ માઇલનું અંતર ખેડીને 30 જુલાઇ, 2004ના રોજ શનિના ઇલાકામાં પહોંચ્યાં.  હગન્સ સફળતાપૂર્વક ટાઇટન પર ઉતર્યું અને આપણી સૂર્યમાળાના (પૃથ્વી સિવાયના) કોઈ પણ ગ્રહના ઉપગ્રહ પર ઉતરનારું તે પહેલું સાધન બની રહ્યું. રેકોર્ડની ભાષામાં વાત કરીએ તો, સૂર્યમાળાના પૃથ્વી સિવાયના ગ્રહની ફરતે આટલા લાંબા સમય સુધી પ્રદક્ષિણા કરનારું કાસિની પહેલું યાન બની રહ્યું.

મંઝિલ સુધી પહોંચ્યા પછી તરત કાસિની યાને પોતાનું કામ શરૂ કરી દીધું. તેનું કામ શનિ અને તેના ઉપગ્રહોની ફરતે સલામત અંતરે રહીને પરિભ્રમણ કરવાનું અને એવા આંટાફેરામાંથી શનિ વિશે પહેલવહેલી વાર મળનારી અઢળક માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાનું હતું. ત્યારશી શરૂ કરીને 15 સપ્ટેમ્બર, 2017ના રોજ તેણે શનિના વાતાવરણમાં પ્રવેશીને આત્મવિલોપન કર્યું ત્યાં સુધી  અઢળક માહિતી કાસિનીએ મોકલીઃ આશરે સાડા ચાર લાખ તસવીરો અને 653 ગીગાબાઇટ જેટલી વૈજ્ઞાનિક માહિતી, જેના પૃથક્કરણના આધારે અનેક સંશોધનો થઈ શક્યાં અને હજુ થશે.  (એક અહેવાલ પ્રમાણે કાસિની તરફથી મળેલી વિગતોના આધારે અત્યાર સુધીમાં ચારેક હજાર સંશોધનપત્રો લખાયાં છે.)

કાસિની મિશન વિશે વખાણનાં આટલાં ગાડાં શા માટે? અને તે આટલું મહાન હતું તો તેને આત્મવિલોપનના રસ્તે દોરી જવાની શી જરૂર હતી?

‘નાસા’ના દાવા પ્રમાણે તેના કાસિની યાન અને યુરોપીઅન સ્પેસ એજન્સીના હગન્સ પ્રોબની તપાસનાં પરિણામોથી જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિશે માણસજાતની સમજણમાં ઘણો વધારો થયો. વલયધારી શનિ વિશે ઉત્સુકતા જાગવાનું એક મોટું કારણ એ પણ હતું કે તેના એકાદ ઉપગ્રહ પર સજીવ પાંગરેલા કે પાંગરી શકે એમ હોય તો પરગ્રહ પર જીવસૃષ્ટિની શોધમાં એ માહિતી અત્યંત ઉપયોગી થઈ પડે.  કાસિની મિશનના અંતે એ આશા પૂરેપૂરી ફળી નથી, પણ એ દિશામાં આગળ વધવાના સગડ જરૂર મળ્યા. શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન પૃથ્વી સાથે સામ્ય ધરાવતી પરિસ્થિતિ, હવામાન અને ભૂસ્તર જોવા મળ્યાં. (એવી પૃથ્વી, જ્યાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી) આપણી આખી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય ફક્ત ટાઇટન જ એવી જગ્યા છે, જેની સપાટી પર પ્રવાહી સ્વરૂપ સ્થાયી રીતે અસ્તિત્વ ધરાવતું હોય. ફરક એટલો કે ટાઇટનમાં પાણીનો નહીં, પ્રવાહી હાઇડ્રોકાર્બનનો વિશાળ જથ્થો છે. પાણીની જેમ હાઇડ્રોકાર્બનના વહેણને લીધે પણ ટાઇટનની સપાટી પર અવનવી ભાતો રચાય છે--ક્યાંક સરોવર તો ક્યાંક દરિયો, ક્યાંક પ્રવાહીના નાના ફાંટા, તો ક્યાંક કોતરો.

પૃથ્વીને વધારે સારી રીતે સમજવામાં ટાઇટન સાથેની તેની સરખામણી અને તફાવતો ઉપયોગી નીવડી શકે છે. અગાઉ ટાઇટન અને એન્સેલેડસ ઉપરાંતના બીજા ઉપગ્રહો વિશે અગાઉ મોટે ભાગે અટકળો કે પાંખી માહિતી ઉપલબ્ધ હતી. કાસિનીનાં જુદાં જુદાં પરિભ્રમણો અને હગન્સની તપાસને લીધે બીજા ઉપગ્રહોના ચરિત્ર વિશે ઉંડાણભરી માહિતી જાણવા મળી. ઉપરાંત શનિના વલયો સાથે સંકળાયેલી અને તેમના વિશેની સમજને વ્યાપક બનાવતી માહિતી તો ખરી જ.

કાસિની કે વોયેજર પ્રકારનાં પૃથ્વીથી કરોડો-અબજ માઇલ દૂર જતાં યાન ન્યુક્લીઅર બેટરી (રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર્સ-RTG)થી ચાલે છે. તેમાં રહેલો પ્લુટોનિયમ-238 જેવા બળતણનો જથ્થો કંજૂસની દોલતની જેમ એટલો બધો ચાલે છે કે યાન ખતમ થઈ જાય, પણ બળતણ ન ખૂટે.  કાસિનીએ છેલ્લે આત્મવિલોપન કરવું પડ્યું, તેના માટે બળતણનો અભાવ જવાબદાર ન હતો. અસલી ચિંતા શનિના ઉપગ્રહોને દૂષિત કરવાની હતી.

નક્કી કરેલી મુદત કરતાં વધારે સમય સુધી સફળતાપૂર્વક પરિભ્રમણ કર્યા પછી કાસિની માટે એવી સંભાવનાઓ ઉભી થઈ રહી હતી, જેમાં ટાઇટન કે એન્સેલેડસ જેવા ગુરુના ઉપગ્રહ સાથે તેની ટક્કર થઈ જાય. આ બન્ને ઉપગ્રહો જીવસૃષ્ટિની સંભાવના ધરાવતા મુરતિયા છે.  હાલની પૃથ્વીની સરખામણીમાં સાવ વિષમ લાગતા વાતાવરણમાં બને કે સાવ બીજા અને પૃથ્વીવાસીઓને કલ્પના પણ ન આવે એવા પ્રકારની સૂક્ષ્મજીવસૃષ્ટિ પાંગરી શકે. એવું થયું હોય કે થવાની સંભાવના હોય, તેમાં રેડિયોએક્ટિવ બળતણ ધરાવતું આ યાન ટાઇટન કે અેન્સેલેડસ પર ખાબકે, તો ત્યાં પ્રદૂષણ ફેલાય અને જીવસૃષ્ટિ કે તેના માટેના સંજોગોને નુકસાન પહોંચવાની સંભાવના રહે. તે નિવારવા માટે અને તેને લગતા આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવા માટે કાસિનીને શનિના વાતાવરણમાં મોકલી દેવાનું આયોજન હતું--અને તે સફળતાથી પાર પડ્યું.  શનિના વાતાવરણમાં પ્રવેશતાં જ કાસિનીમાંથી પૃથ્વી સુધી પહોંચતા સિગ્નલ બંધ થઈ ગયા--જાણે ધબકારા સૂચવતા મોનિટર પર ઊંચાનીચા આલેખને બદલે સીધી રેખા થઈ ગઈ.

વોયેજરથી જાગેલી જિજ્ઞાસા કાસિનીએ ભાંગી, તો તેના પગલે ટાઇટન-એન્સેલેડસ પર જીવસૃષ્ટિ અંગેની સંભાવનાઓની ચકાસણી માટે ઓશનસ નામે નવું પ્રોબ મોકલવાની વાત ચાલે છે. પરંતુ કાસિની-હગન્સની જોડીએ બતાવેલાં કારનામાં હજુ ઘણી નવી માહિતી અને શોધોના ખજાના જેવાં બની રહેશે. 

3 comments:

  1. કેટલું રોમાંચક અભિયાન! વળી એકદમ ટૂંકમાં તમે ઘણું બધું કહી દીધું. લેખ ખાસ્સો રસપ્રદ બન્યો છે.

    ReplyDelete
  2. Nice informativearticle

    ReplyDelete
  3. 'કાસિની' યાન વિષે નો એકદમ માહિતીસભર અને સરસ લેખ ગુજરાતીમાં આપવા બદલ અભિનન્દન.
    એક વાત કહેવાનું મન થાય છે કે આ 'પ્રોજેક્ટ'માં જોડાયેલા બુદ્ધિમાન વૈજ્ઞાનિકોએ કોઈ વાર પોતની સફળતા માટે 'ઈશ્વર ઈચ્છા'જેવો શબ્દ વાપર્યો નથી તે એક નોંધવા જેવી વાત છે! નથી તેમને કોઈ 'બડાશ' મારી !
    બસ 'કર્મણે માં ફલેષુ કદાચનમ'.

    ReplyDelete