Sunday, May 06, 2012
પ્રેમચંદ અને મંટો : ફિલ્મકંપનીઓના પગારદાર લેખક તરીકે
હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદ/Munshi Premchand અને ઉર્દુમાં સઆદત હસન મંટો./Saadat Hasan Manto
Munshi Premchand, Saadat Hasan Manto |
‘આલમઆરા’ બનાવ્યા પછીનાં વર્ષોમાં આર્થિક ભીંસમાં આવી પડેલા ઇરાનીએ વઘુ એક વાર જુગાર ખેલવાનો નિર્ણય કર્યો. ભારતની પહેલી રંગીન ફિલ્મ બનાવવા માટે તેમણે વિદેશથી મશીન મંગાવ્યાં. એ ફિલ્મનું નામ હતું: ‘કિસાનકન્યા’ (૧૯૩૭).
મંટોએ પોતે ‘મેરી શાદી’ લેખમાં નોંઘ્યું છે તેમ, આ ફિલ્મની કથા ડાયરેક્ટર મોતી ગિડવાણીના કહેવાથી મંટોએ લખી હતી. પણ ‘ભારતની પહેલી બોલતી રંગીન ફિલ્મનો લેખક કોઇ નવોસવો મુન્શી છે’ એવું શેઠ ઇરાનીને શી રીતે કહેવું? એટલે કોઇ મોટા નામ માટે તલાશ ચાલી. છેવટે ‘શાંતિનિકેતન’માં ફારસી ભણાવતા પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું. એ મંટોના પરિચિત હતા. મંટોએ તેમને પત્ર લખીને આ કાવતરામાં સામેલ થવા વિનંતી કરી. પ્રોફેસર માન ગયા. એટલે ‘કિસાનકન્યા’માં ‘સ્ટોરી-સ્ક્રીનપ્લે’ માટે પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું અને મંટોને ફક્ત ‘સિનારીયો’ની ક્રેડિટ મળી.
ભૂતિયા લેખક તરીકેની શરૂઆત પછી મંટોએ વચ્ચે ‘ફિલ્મ સિટી’ કંપનીમાં ડાયરેક્ટર એ.આર.કારદાર માટે એક વાર્તા લખવાનું શરૂ કર્યું, પણ ‘ઇમ્પિરીયલ’ના ઇરાનીશેઠને આ વાતની જાણ થતાં, તેમણે ‘ફિલ્મ સિટી’ને એવો રેચ આપ્યો કે તેમણે મંટોને તેમની વાર્તા સહિત ‘ઇમ્પિરીઅલ’માં પાછા મોકલી આપ્યા. અલબત્ત, પગાર બમણો થઇ ગયોઃ મહિને રૂ.૪૦માંથી સીધો રૂ.૮૦ અને વાર્તાના અલગ.
પણ રૂપિયા મળે ત્યારે ને? કંપનીની હાલત એટલી ખરાબ હતી કે કર્મચારીઓને પગાર નહીં, ખપ પૂરતો ઉપાડ જ મળતો. મંટોના લખ્યા પ્રમાણે, તેમના દોઢેક હજાર રૂપિયા કંપનીમાં જમા હતા. પરંતુ ૧૯૩૯માં લગ્ન થયું, ત્યાં સુધી તેમને એ રૂપિયા મળ્યા નહીં. મંટોએ લખ્યું છે કે ઇરાનીશેઠની દાનત ખરાબ ન હતી. સારા દિવસોમાં સ્ટાફના પ્રસંગો તેમણે કંપનીના ખર્ચે ઉજવ્યા હતા. કોઇ કર્મચારીઓ લગ્ન માટે રૂપિયા માગે અને પોતે ન આપી શકે, એ સ્થિતિ પણ તેમને ખટકતી હતી. એટલે રૂપિયા આપવાને બદલે તેમણે મંટો સાથે પોતાનો માણસ મોકલીને, પોતાના અંગત ખાતામાંથી કપડાં અને ઘરેણાંની ખરીદી કરાવી દીધી.
મંટોની લખેલી પહેલી ફિલ્મ ‘કિસાનકન્યા’ સદંતર નિષ્ફળ નીવડી. એટલું જ નહીં, ફિલ્મના રીવ્યુમાં ફિલ્મની નબળી અપીલ માટે સંવાદલેખકને મહદ્ અંશે જવાબદાર ગણાવવામાં આવ્યો. ‘ઇમ્પીરિયલ’ છોડ્યા પછી મંટો બીજા એક ગુજરાતી નાનુભાઇ દેસાઇની ‘સરોજ મુવિટોન’માં જોડાયા. એ કંપની બે મહિના ચાલી- ન ચાલી ને તેનું દેવાળું નીકળતાં, નાનુભાઇએ ‘હિંદુસ્તાન સિનેટોન’ ઊભી કરી દીધી. એ કંપની માટે મંટોએ એક વાર્તા લખીઃ ‘કીચડ’. એ ફિલ્મ ‘અપની નગરિયા’ જેવા નામે ૧૯૪૦માં રજૂ થઇ. શોભના સમર્થ, કે.એન.સિંઘ, જયંત (અમજદખાનના પિતા) જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનું કામ ચાલતું હતું એ દરમિયાન, વેવિશાળના એકાદ વર્ષ પછી મંટોનું લગ્ન નક્કી થયું.
સમાધાનની ફોર્મ્યુલા તરીકે નાનુભાઇએ રૂ.૧,૮૦૦ને બદલે આગલી તારીખનો રૂ.૯૦૦નો ચેક આપ્યો. ચેક વટાવવાની તારીખ આવી ત્યારે નાનુભાઇએ કહ્યું કે ખાતામાં રૂપિયા નથી. છેવટે ‘ભાગતા ભૂતની લંગોટી’ ન્યાયે રૂ.૫૦૦ રોકડા લઇને મંટોને સંતોષ માનવો પડ્યો. અંગ્રેજીમાં ‘મડ’ (કીચડ) નામ ધરાવતી ફિલ્મ ‘અપની નગરિયા’ વ્યાવસાયિક રીતે સફળ થઇ, પણ જાન્યુઆરી, ૧૯૪૧માં મંટોએ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દિલ્હીની નોકરી સ્વીકારતાં તેમની ફિલ્મ કારકિર્દીનો પૂર્વાધ પૂરો થયો. દોઢેક વર્ષ પછી શરૂ થનારો એનો ઉત્તરાર્ધ છેક ૧૯૪૮ સુધી ચાલવાનો હતો. મુખ્યત્વે તેના પરિપાકરૂપે મંટો ફિલ્મી હસ્તીઓ વિશેના ચટાકેદાર ચરિત્રલેખો (‘ગંજે ફરિશ્તે’) લખ્યા. (એ ભાગની કથા આવતા સપ્તાહે)
મંટો મુંબઇ આવ્યા તેના એકાદ વર્ષ પહેલાં મુન્શી પ્રેમચંદ ભારે અવઢવ અને ખચકાટ સાથે મુંબઇનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. ‘મહાલક્ષ્મી સિનેટોન’ના નાનુભાઇ વકીલે પ્રેમચંદની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાના હકો રૂ.૭૫૦માં ખરીદ્યા. ફિલ્મના મુહુર્ત માટે પ્રેમચંદને ખાસ મુંબઇ તેડાવવામાં આવ્યા. તેમની હાજરીમાં અને લીલાવતી મુનશીની વિશેષ ઉપસ્થિતિમાં મુહુર્ત થયું. એ પ્રસંગે પ્રેમચંદે આપેલું ટૂંકું પ્રવચન ફિલ્મની શરૂઆતમાં જોડી દેવામાં આવ્યું. એ વખતે પ્રેમચંદ બનારસ પાછા આવી ગયા, પણ તેમનાં સામયિકો ‘હંસ’ તથા ‘જાગરણ’ અને પોતાની માલિકીના ‘સરસ્વતી પ્રેસ’નું આર્થિક નુકસાન એટલું વધી ગયું હતું કે તેમને એ બોજ દૂર કરવા માટે મુંબઇ જવું જરૂરી લાગ્યું.
‘અજંતા સિનેટોન’ના માલિક મોહન ભાવનાનીએ પ્રેમચંદને આમંત્રણ આપ્યું અને વર્ષે રૂ.૮ હજારના કોન્ટ્રાક્ટની ઓફર મૂકી. એ સ્વીકારતી વખતે પ્રેમચંદને હતું કે એકાદ વર્ષ ત્યાં રહીને થોડા રૂપિયા મેળવી લેવાય, તો સામયિકોનું અને પ્રેસનું ગાડું ગબડ્યા કરે. ત્યાર પછી કંપની સાથે એવી કંઇક વ્યવસ્થા કરવી કે મુંબઇ ગયા વિના હું એમને વર્ષે ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને મને રૂપિયા મળ્યા કરે.
જયશંકર પ્રસાદ જેવાએ પ્રેમચંદને મુંબઇ ન જવાની સલાહ આપી. પણ પ્રેમચંદના જ શબ્દોમાં ‘ચિરસંગિની ગરીબી’ મુંબઇ ભણી ખેંચતી હતી. જૂન, ૧૯૩૪માં મુંબઇ પહોંચ્યા પછી બે મહિનામાં તેમણે ત્રણ વાર્તાઓ લખી નાખી. પણ સંતોષ ન થયો. તેમણે ૩ ઓગસ્ટ, ૧૯૩૪ના પત્રમાં લખ્યું,‘સિનેમા માટે વાર્તાઓ લખવાનું અઘરૂં પડી રહ્યું છે. (તેમને) એવી વાર્તાઓની જરૂર છે જેમને ભજવી શકાય અને એ ભજવનારા એક્ટર મળી રહે.’ પ્રેમચંદની વાર્તા પરથી ‘અજંતા’માં બનેલી પહેલી ફિલ્મ હતી ‘મજદૂર’ ઉર્ફે ‘ધ મિલ’ (૧૯૩૪). બોલ્ડ દૃશ્યો પ્રત્યે ઉદારભાવ રાખતા બ્રિટીશ સેન્સરને મજૂરએકતા, રાષ્ટ્રભક્તિ અને સામ્યવાદની છાંટ ધરાવતી આ કથા સામે વાંધો પડ્યો. મુંબઇના સેન્સર બોર્ડમાં અટવાયેલી એ વાર્તા લાહોરના સેન્સર બોર્ડે પાસ કરી અને ત્યાં ફિલ્મ રજૂ થઇ શકી. પરંતુ પ્રેમચંદનો આશાવાદ ઝડપથી ઘેરી નિરાશામાં પલટાઇ રહ્યો હતો.
ફિલ્મી કથા માટે જરૂરી મનોરંજકતા લાવવાનું પ્રેમચંદને અનુકૂળ આવતું ન હતું. તેમણે લખ્યું હતું,‘હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ધૂસી જાય છે અને મને કહેવામાં આવે છે કે તેમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ નથી.’ (૭ ફેબુ્રઆરી, ૧૯૩૫) ત્યાર પહેલાં ૨૮ નવેમ્બર, ૧૯૩૪ના એક પત્રમાં તેમણે બળાપો કાઢતાં લખ્યું હતું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો એન્ટરટેનમેન્ટ વેલ્યુ કહે છે...મેં શિક્ષિત સમાજને જોવાનું મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન ચાલે તો?’
પ્રેમચંદનો ફિલ્મ કંપની સાથેનો કરાર મે, ૧૯૩૫ સુધીનો હતો. પણ ૨૫ માર્ચ, ૧૯૩૫ના રોજ તેમણે નિરાશ થઇને મુંબઇ છોડી દીઘું. એટલે કોન્ટ્રાક્ટની પૂરી રકમ (રૂ.૮ હજાર)ને બદલે તેમને રૂ.૬,૩૦૦ જ મળ્યા. બનારસ પાછા જઇને તેમણે સિનેમાને ‘તાડી-શરાબની દુકાન’ બનાવી દેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ‘જનતા મારધાડ અને સનસનાટીપૂર્ણ તથા ઘાંટાઘાંટવાળી ફિલ્મો જ પસંદ કરે છે એવી માન્યતા ભ્રમ છે. તે પ્રેમ, ત્યાગ, દોસ્તી અને કરુણાથી સભર ફિલ્મો પણ રસથી જોવા આવે છે.’ એવો પ્રેમચંદનો દૃઢ વિશ્વાસ તેમના મૃત્યુ પછી બનેલી ઘણી ફિલ્મોએ સાચો પાડ્યો. ખુદ પ્રેમચંદની કથાઓ પરથી શતરંજકે ખિલાડી, ગોદાન, ગબન, સૌતેલા ભાઇ જેવી નોંધપાત્ર ફિલ્મો બની. તેમની સરખામણીમાં મંટોની કૃતિઓ એવી વિશિષ્ટ રીતે હચમચાવનારી છે કે તેની પરથી નાટકો બન્યાં છે, પણ હજુ સુધી એકેય ફિલ્મ બની હોય એવું ઘ્યાનમાં નથી.
Labels:
film/ફિલ્મ,
literature,
manto
Subscribe to:
Post Comments (Atom)
Marvellous, Urvish. This is the centenary year of Manto as well. What the likes of Manto and Premchand went through makes for exceptionally tragic reading. And those rare pictures are a treat. The story on Prof. Ziauddin is a classic tale of the film industry's myopic search for names rather than talent.
ReplyDeleteThe fact is even today the film industry has little use for original content. They would be far more relaxed financing sequels of Houseful even if they tank at the box office but try getting them to back a project with some intellectual value and they will balk even if it's made by a Dibakar Baneerjee.
બહુ સરસ. પ્રેમચંદ અને મંટો વિશેની આ લીંક જબરી શોધી કાઢી છે. મંટો વિશેના બીજા ભાગનો ઇન્તેઝાર રહેશે...
ReplyDelete