Wednesday, May 02, 2012

બોફર્સ : પચીસ વર્ષે પુનરાગમન


બોફર્સ/Bofors તોપની ખરીદીમાં કટકીનું કૌભાંડ ૧૯૮૭માં જાહેર થયું તેનાં ૧૯ વર્ષ પહેલાં એક બ્રિટિશ ફિલ્મ આવી હતીઃ ‘ધ બોફર્સ ગન’. અસલમાં ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ ગન’ એવા સફળ નાટક પરથી બનેલી આ ફિલ્મનું કથાવસ્તુ બહુ સાદું હતું : મિત્રદેશોના કબજા તળેના જર્મનીમાં એક બોફર્સ ગનનું સામ્યવાદી હુમલાની સંભાવના સામે રક્ષણ કરવાનું છે. એ જવાબદારી એક બ્રિટિશ સૈનિકટુકડીને આપવામાં આવી છે. એ ટુકડીના ઉપરી અને બીજા લોકો વચ્ચેના સંવાદ, તનાવ, તેમની સમસ્યાઓ વિશે જ આખું નાટક ચાલે છે. બોફર્સ તોપ તેમાં નિમિત્તમાત્ર છે.

ભારતમાં પણ બોફર્સ કૌભાંડને નિમિત્ત બનાવીને, તેની આજુબાજુનાં પાત્રો, તેમનું રાજકારણ, આંતરિક ખેંચતાણો, લોભ, લાલસા, મહત્ત્વાકાંક્ષા, જૂઠાણાં, રહસ્ય જેવા તત્ત્વોને ગુંથીને ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ સીક્રેટ’ જેવું કોઇ નાટક લખી શકાય એમ છે.

રાજીવ ગાંધી સરકારે ૧૯૮૬માં સ્વિત્ઝર્લેન્ડની એબી બોફર્સ કંપની સાથે ૪૧૦ તોપની ખરીદીનો સોદો કર્યો. કુલ રકમ હતીઃ રૂ.૧,૪૩૭ કરોડ. બોફર્સ કંપની એ અરસામાં શસ્ત્રો વેચવાની બાબતે નિયમોના ઉલ્લંઘન માટે શંકાના દાયરામાં હતી જ. એ તપાસમાંથી રેડિયોના પત્રકારોએ આકસ્મિક રીતે મેળવેલી માહિતીના આધારે,એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ સ્વીડિશ રેડિયો પરથી જાહેર થયું કે સોદો પાર પાડવા માટે બોફર્સ કંપનીએ ભારતીય નેતાઓને કટકી (લાંચ) આપી છે.

આ જાહેરાતના પગલે જાગેલા વંટોળીયાને ગયા મહિને પચીસ વર્ષ પૂરાં થયાં. દરમિયાન ઘણું બની ગયું. ‘મિસ્ટર ક્લીન’ની કોરી પાટી સાથે રાજકારણમાં આવેલા રાજીવ ગાંધી/Rajiv Gandhiની છબી બોફર્સ કૌભાંડમાં સાવ ખરડાઇ ગઇ. ઇંદિરા ગાંધીની હત્યા પછીના સહાનુભૂતિથી છલકાતા વાતાવરણમાં ૧૯૮૪ની લોકસભા ચૂંટણી થઇ ત્યારે ૪૦૪ બેઠક મેળવનારા રાજીવ ગાંધી બોફર્સના મુદ્દે ૧૯૮૯ની ચૂંટણી હારી ગયા. આ સોદામાં ઇટાલિયન ‘બિઝનેસમેન’ (વચેટિયા) ઓટ્ટાવિઓ ક્વોત્રોકી/ Ottavio Quattrocchi સામે આંગળી ચીંધાઇ, જે ગાંધી પરિવારની નિકટ મનાતા હતા. (ઘણાં વર્ષો સુધી તેમનો ઉલ્લેખ ‘ક્વાત્રોચ્ચી’ તરીકે થતો હતો.)

રાજીવ ગાંધીની ૧૯૯૧માં હત્યા થઇ, પણ બોફર્સનું કલંક પણ તેમની સાથે વળગેલું રહ્યું. સરકારી તપાસસંસ્થાઓ અને કાયદાની આંટીધૂંટીમાં રાજીવ ગાંધી કદી સીધી રીતે દોષિત પુરવાર થઇ શક્યા નહીં, પણ તેમની છાપ એટલી હદે બગડી ગઇ કે ‘ગલી ગલીમેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ’ એવું એક બાળકી લાઇવ રેડિયો પ્રસારણ દરમિયાન બોલી ગઇ. કોંગ્રેસના લાખ પ્રયાસ છતાં અને ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે બોફર્સ કૌભાંડમાંથી રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છતાં, તેમની પર લાગેલો બોફર્સનો ધબ્બો સદંતર દૂર થઇ શક્યો નહીં. એ જ તેમના માટે ખરી સજા બની.

આખો મામલો સોદા પેટે બોફર્સ કંપનીએ ચૂકવેલી રૂ.૬૪ કરોડની કટકીનો હતો. સ્વીડિશ રેડિયોની જાહેરાતનાં ૧૨ વર્ષ પછી સીબીઆઇએ ક્વોત્રોકી, શસ્ત્રસોદાના ‘બિઝનેસમેન’વિશ્વેશ્વરનાથ ચઢ્ઢા અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ એસ.કે.ભટનાગર જેવા લોકો સામે આરોપનામું રજૂ કર્યું.  ધરપકડ ટાળવા ૧૯૯૩માં જ વિદેશ સરકી ગયેલા ક્વોત્રોકીના પ્રત્યાર્પણ માટે- તેમની ભારતને સોંપણી થાય એ માટે- કમને થતા હોય એવા પ્રયાસ આરંભાયા. પરંતુ તપાસની ગતિ ધીમી અને  ઇરાદા મોળા હતા. વર્ષ ૨૦૦૧માં ચઢ્ઢા અને ભટનાગર પણ રાજીવ ગાંધીની જેમ મૃતકોની યાદીમાં જોડાઇ જતાં, મોટા આરોપીઓમાં ક્વોેત્રોકી જ બચ્યા. મલેશિયાની સરકારે ક્વોત્રોકીની ધરપકડ તો કરી, પણ ભારતને તેમની સોંપણી કરવાની ના પાડી દીધી. બ્રિટને ૨૦૦૩માં ક્વોત્રોકીનાં બેન્કખાતાં સ્થગિત કરી દીધાં. પરંતુ બે વર્ષ પછી સીબીઆઇએ બ્રિટનની તપાસસંસ્થાને કહી દીઘું કે ક્વોત્રોકીના બ્રિટિશ ખાતાંમાં રહેલાં નાણાં બોફર્સકાંડ સાથે સંબંધિત નથી. બોફર્સકાંડના મુદ્દે રહસ્યના કેન્દ્રરૂપ બની ગયેલા ‘મિસ્ટર ક્યુ’ ઉર્ફે ક્વોત્રોકીની ૨૦૦૭માં આર્જેન્ટિના સરકારે ધરપકડ કરી, પણ ફરી એક વાર સીબીઆઇ તેમનો કબજો મેળવી શકી નહીં.

વચ્ચે થોડા અરસા માટે બોફર્સકાંડમાં હિંદુજાબંઘુઓનાં નામ (સીબીઆઇના ચાર્જશીટમાં) આવ્યાં, પણ દિલ્હીની વડી અદાલતે તેમને નિર્દોષ ઠરાવ્યા. ત્યાર પહેલાં, રાજીવ ગાંધીની હયાતીમાં તેમના ખાસ મિત્ર તરીકે રાજકારણમાં આવેલા અમિતાભ બચ્ચન અને તેમના ભાઇ અજિતાભ બચ્ચનનાં નામ પણ કેટલાંક પ્રસાર માઘ્યમોએ બોફર્સ સાથે સાંકળ્યાં. બચ્ચનબંઘુઓની છબી પર એટલી હદે કીચડ ઉછળ્યો કે વ્યથિત થયેલા બિમાર કવિ-પિતા હરિવંશરાયે અમિતાભને એક વાર ‘આ બઘું સાચું છે?’ એવું પૂછવું પડ્યું. પિતા સમક્ષ અમિતાભે પોતાની નિર્દોષતાની ખાતરી આપી, પણ ‘બાબુજી’એ આ સવાલ પૂછવો પડ્યો એ જ અમિતાભને બહુ વસમું લાગ્યું.

છેવટે, સપ્ટેમ્બર ૨૦૦૯માં સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરીને ક્વોત્રોકી સામે પુરાવાના અભાવનું કારણ આગળ કરીને, બધા કેસ પાછા ખેંચી લીધા. તેમ છતાં, જાન્યુઆરી ૨૦૧૧માં ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે બોફર્સકાંડમાં ક્વોત્રોકી અને વિન ચઢ્ઢાને રૂ.૪૧.૨૪ કરોડની લાંચ અપાઇ હતી, જેનો ભાર દેશની તિજોરી પર આવ્યો હતો. આ જાહેરાત પછી પણ સીબીઆઇને ક્વોત્રોકી સામેના કેસ પાછા ખેંચવાના વલણમાં ફેરફાર કરવાની જરૂર લાગી નહીં.

સરવાળે, (અપાયેલી લાંચ કરતાં ઘણા વધારે), કરોડો રૂપિયાના ખર્ચે અને પચીસ વર્ષે એટલું સાબીત થયું કે બોફર્સની ખરીદીમાં કોઇ પણ પ્રકારે લાંચની આપ-લે થઇ હોય એવા પુરાવા મળ્યા નથી.

સીધી વાત, વિરોધાભાસી દાવા

પચીસ વર્ષમાં બીજું શું ન બને? ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુદ્ધ થયું. તેમાં બોફર્સ તોપે એવો રંગ રાખ્યો કે ‘બોફર્સ’ નામ એટલા સમય પૂરતું, થોડુંઘણું વાંચતાલખતા લોકોમાં, ભ્રષ્ટાચારને બદલે ગૌરવનું પ્રતીક બન્યું. કારગીલની પહાડીમાં બોફર્સ તોપને તેની મૂળ બનાવટ કરતાં જુદી અને મૌલિક રીતે કામે લગાડવા બદલ, ભારતીય સૈન્યની ઘણી પ્રશંસા થઇ. બોફર્સ કંપની પોતે પોતાની બનાવેલી તોપની નવી ક્ષમતાઓ-નવા ઉપયોગથી પરિચિત થઇ. લોકો એટલું માનતા થયા કે બોફર્સની ખરીદીમાં કટકી થઇ, પણ તોપોની ગુણવત્તામાં કશો વાંધો નથી.

બોફર્સ કૌભાંડનો પત્તો લાગ્યા પછી,સ્વીડિશ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે એકાદ વર્ષ સુધી આ રહસ્યો કોની સમક્ષ ખુલ્લાં કરવાં, તેની પૂરતી ચકાસણી કરી અને ‘ધ હિંદુ’નાં સ્વીડન ખાતેનાં પ્રતિનિધિ ચિત્રા સુબ્રમણ્યમ પર તેમણે પસંદગી ઉતારી. તત્કાલીન તંત્રી એન.રામ સ્વીડન ગયા અને તેમની હાજરીમાં લિન્ડસ્ટોર્મે દસ્તાવેજોનો પહેલો જથ્થો ચિત્રા સુબ્રમણ્યમને આપ્યો. એ સાથે જ ‘ધ હિંદુ’માં બોફર્સ કૌભાંડ વિશે વિગતવાર માહિતી આવવા લાગી. અલબત્ત, તેમાં સનસનાટીથી દૂર રહીને તથ્યોનું પૂરું ઘ્યાન રખાતું હતું. (તેનો એક નમૂનોઃ ‘ધ હિંદુ’ના અહેવાલોમાં બોફર્સકાંડ સંબંધે કદી અમિતાભ બચ્ચન સામે આંગળી ચીંધવામાં આવી ન હતી.) વર્ષો સુધી ચાલેલા બોફર્સ વિશેના અહેવાલોમાં ચિત્રા સુબ્રમણ્યમ પત્રકારત્વનાં નાયિકા તરીકે ઉભરી આવ્યાં. વાસ્તવમાં તેમની સાથે એન.રામ અને ‘ધ હિંદુ’ના બીજા પત્રકારોનો પણ મહત્ત્વનો હિસ્સો હતો, જે રામે હંમેશાં જાહેરમાં સ્વીકાર્યો છે.

બોફર્સકાંડનાં પચીસ વર્ષે બે યોગાનુયોગ બન્યાઃ અમેરિકાની કોલંબિયા સ્કૂલ ઓફ જર્નાલિઝમના શતાબ્દિવર્ષ નિમિત્તે, તેમણે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા મહત્ત્વના ૫૦ અહેવાલોની એક યાદી જાહેર કરી. તેમાં ૧૯૬૮માં પાસ થયલા તેમના વિદ્યાર્થી એન.રામના બોફર્સ વિષયક અહેવાલોનો સમાવેશ થતો હતો.
 એન.રામનાં એ વખતનાં સહકર્મી અને હવે સક્રિય પત્રકારત્વ છોડીને સ્વીડનમાં જ વસેલાં ચિત્રા સુબ્રમણ્યમે, પડદા પાછળ રહીને આખું કૌભાંડ બહાર પાડનારા સ્વીડિશ પોલીસવડા લિન્ડસ્ટોર્મનો ઇન્ટરવ્યુ કર્યો. એ સાથે જ, પહેલી વાર બોફર્સકાંડમાં વ્હીસલબ્લોઅર- અનીતિ સામે અવાજ ઉઠાવનાર- તરીકે લિન્ડસ્ટોર્મની ઓળખ જાહેર થઇ. લિન્ડસ્ટોર્મે ઘણી મુદ્દાની વાતો કરી, પરંતુ ભારતમાં બને છે તેમ, કોઇને સમગ્ર ચિત્રમાં રસ ન હતો. પચીસ વર્ષ પછી પણ દરેકે લિન્ડસ્ટોર્મની વાતમાં ક્યાંથી, કેટલો રાજકીય ફાયદો લઇ શકાય છે એ જ જોયું. એટલે કે, શસ્ત્રખરીદીનાં કૌભાંડોનું પ્રતીક બની રહેલા બોફર્સકાંડના પચીસ વર્ષ પછી પણ, ભારતીય નેતાઓ કશું શીખ્યા નથી. કદાચ તેમણે એટલો જ બોધપાઠ લીધો લાગે છે કે કૌભાંડોમાં ઝડપી-પ્રામાણિક તપાસ કરીને, તેમને કદી તાર્કિક અંત સુધી પહોંચાડવાં નહીં.

લિન્ડસ્ટોર્મે ચિત્રા સુબ્રમણ્યમ ‘ધ હૂટ’ વેબસાઇટ માટે આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘રાજીવ ગાંધીએ પોતે લાંચ લીધી નથી, પરંતુ ત્યાર પછી ક્વાત્રોકીના મુદ્દે થયેલા ઢાંકપીછોડામાં તેમની સક્રિય ભૂમિકા હતી.’ આ વાતને કેટલાક કોંગ્રેસીઓ રાજીવ ગાંધીને આપેલી ‘ક્લીનચીટ’ તરીકે ખપાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કરે છે, તો કેટલાક કોંગ્રેસીઓ ‘સ્વીડનના ભૂતપૂર્વ પોલીસવડાનાં વિધાનોને આટલું મહત્ત્વ અપાતું હશે?’ એવી વાહિયાત દલીલ કરી રહ્યા છે. પરંતુ રાજીવ ગાંધીએ કરેલા ભીનું સંકેલવાના પ્રયાસ વિશે અત્યાર સુધી જે કેવળ છાપ હતી, તે લિન્ડસ્ટોર્મની મુલાકાતમાંથી હકીકત બનીને બહાર આવે છે. પાછલાં વર્ષોમાં અનેક કૌભાંડોમાં ખરડાઇ ચૂકેલી કોંગ્રેસને ભ્રષ્ટ સાબીત કરવા માટે હવે બોફર્સકાંડની જરૂર નથી. બોફર્સ સાથે કોંગ્રેસનો સંબંધ હવે ફક્ત રાજીવ ગાંધીની ‘પ્રતિષ્ઠા’ અને ક્વાત્રોકીના ગાંધી પરિવાર સાથેના સંબંધો પૂરતો જ રહ્યો છે.

વિપક્ષો- ખાસ કરીને ભાજપ- આનાથી ખુશખુશાલ થઇને...બીજું તો શું કરે? સંસદની કાર્યવાહી ખોરવી રહ્યા છે. કોંગ્રેસને (યોગ્ય રીતે જ) ભ્રષ્ટાચારથી ખદબદતી અને ભાજપને તેનાથી ચડિયાતો માનનારાના લાભાર્થે બે હકીકતઃ લિન્ડસ્ટોર્મે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘એક વાર અમે સત્તામાં આવીશું તો પછી આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું’ એવી બડાશો કંઇક લોકો મારી ઓફિસમાં આવીને મારી ગયા. પછી ભારતમાં (ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સહિત) બધાની સરકાર આવી ગઇ, પણ કોઇએ બોફર્સના મુદ્દે કશું નક્કર કામ કર્યું નથી. લિન્ડસ્ટોર્મે એટલી હદ સુધી કહ્યું કે પહેલી ટીમને બાદ કરતાં, બીજી એક પણ ભારતીય તપાસટુકડી સ્વીડનમાં આવ્યા પછી મને મળી નથી.

કોઇ પણ દિશામાં ફૂટી શકતી તોપ જેવી પ્રતિષ્ઠા ધરાવતા ડો.સુબ્રમણ્યમ્‌ સ્વામીએ એટલી હદે કહ્યું કે સોનિયા ગાંધીની પૂછપરછ થવાનો તબક્કો આવ્યો ત્યારે ભાજપની આગેવાની હેઠળ એનડીએની જ સરકાર હતી. છતાં, એ સરકારે સોનિયાની પૂછપરછ થવા દીધી નહીં.

લિન્ડસ્ટોર્મના ઇન્ટરવ્યુ પછી વિપક્ષો નવેસરથી તપાસની માગણી કરી રહ્યા છે- અને આમ કરવામાં તેમને જરાય શરમ નથી આવતી. કારણ કે, તેમને બોફર્સકાંડના સત્ય સુધી પહોંચવામાં નહીં, પણ તેનો બને એટલો રાજકીય ઉપયોગ કરી લેવામાં રસ છે.

1 comment:

  1. આઝાદી પછીનાં લગભગ ૪૦ વર્ષ સુધી આયાતનાં અવેજીકરણની મોટી મોટી વાતો થતી રહી,પરંતુ અંદરખાને માત્ર સરકાર કે જાહેર સાહસો કે ખાનગી સાહસો જ નહીં, વ્યક્તિગત નાગરીક પણ આયાતી વસ્તુ જ સારી તેવી વૃત્તિથી પીડાતા રહ્યા.
    તેમાં વસ્તુ કે સેવાની ગુણવત્તા કે ભાવ ફરક જેવાં પરીબળો ઉપરાંત પૈસાની લાંચ ન લે પણ વેપારીને ખર્ચે હરવા ફરવા જવામાં છોછ ન રાખનાર ભારતીય માટે, આયાત કરીશું તો તે બહાને વિદેશ ફરવા જવા મળશે તે આકર્ષણ પણ મહત્વનું પરીબળ ગણાતું હતું. દેશી વેપારીઓ તો તે સામે દેશમાં રૂપિયા આપે તો તેનો તો ભાવ ગગડતો જતો હોય એટલે તેને ફાયદાકારક્રીતે સાચવવામાટે કંઇ કેટલાય નુસ્ખા અજમાવવા પડે જ્યારે ડૉલરમાં મળતી કટકી તો સહેલાઇથી બહાર પણ રહે અને બીજું કંઇ ન થાય તો ડૉલરના વધતા ભાવ જેટલો ફાય્દો તો ખરો જ.
    ૧૯૯૧માં જ્યારે વિદેશી હુંડીયામણની તિજોરીનાં તળીયાં દેખાઇ ગયાં ત્યારે આયત અવેજીકરણને મને કમને ખરા અર્થમાં અમલ કરવાના વારા આવ્યા, જેના ફાયદાઓ તો સુવિદિત જ છે.
    પરંતુ આમ છતાં શસ્ત્રોની આયાત કદી ઘટી નહીં. અરે, સાવ સામાન્ય એવી ટાટ્રા ટ્રક, જે આજકાલ વિવાદનાં વમળમાં ફસાયેલ છે, તે પણ ઑટૉમૉબાઇલ ક્ષેત્રે વિશ્વ કક્ષાની ઉત્પાદન ક્ષમતા ધરાવવાનો દાવો કરતા દેશમાં આજે પણ [લગભગ] આયાત કરવામાં આવે છે તેની પાછળ માત્ર ભ્રષ્ટાચારનું આકર્ષણ જ નથી, વિદેશોના શસ્ત્ર બનાવવાનાં અર્થકારણની એક મોટી માયાજાળ છે.
    આ સંદર્ભે બાજૂમાં જ દેખાતી બ્લૉગ 'એક નજર આ તરફ...'પરનો લેખ 'પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ' શસ્ત્ર આયાતનાં અન્ય પરીબળો પર વેધક પ્રકાશ પાડે છે.

    ReplyDelete