Wednesday, May 09, 2012
ચમચી કે હાથ? સભ્યતા કે સંસ્કૃતિ?
ભારતીય લોકજીવનમાં અંગ્રેજી ભાષા પછીનું અંગ્રેજોનું સૌથી મહત્ત્વનું પ્રદાન ચમચા-ચમચીનું ગણી શકાય. આખેઆખા દેશોના દેશો વગર ચમચાએ કોળિયો કરી જતા અંગ્રેજોને ભાણે બેસતી વખતે ચમચા-ચમચી વિના ચાલતું ન હતું. ભારતીય ભોજનમાં એ વખતે હાથની બોલબાલા હતી. (અંગ્રેજોના રાજમાં મોટા ભાગના ભારતીય હાથ જમવા અને સલામ મારવામાં-કુરનીસ બજાવવામાં જ વપરાતા હતા.) હાથથી જમવા ટેવાયેલા ભારતીયને ચમચી વાપરવામાં, ગાય-ડુક્કરની ચરબી ધરાવતી કારતૂસો મોઢેથી ખોલવાની હોય એ પ્રકારનો ભાવ જાગતો હતો. ‘આપણે ચમચી વાપરીશું તો આપણી ભવ્ય પરંપરાનું શું થશે? એ ભ્રષ્ટ નહીં થાય? ભોજનમાંથી મળતા સંતોષનું અને અસલી સ્વાદનું શું થશે?’
વિમાનથી પ્લાસ્ટિક સર્જરી સુધીનું બઘું સૌ પહેલાં ભારતમાં શોધાયું હતું, એવું માનનારા પણ ચમચી વિશે આવો દાવો કરતા નથી. રામાયણ-મહાભારતમાં કે રાજા રવિવર્માના ચિત્રોમાં ક્યાંય ભોજનક્રિયામાં ચમચી જોવા મળતી નથી. જમવામાં ચમચી વાપરવામાં મોટા ભાગના ભારતીયોને સ્વાવલંબનનું અપમાન લાગતું હતું. ચમચી વાપરવાનું સૂચવાય ત્યારે ‘કેમ? આપણા હાથ ભાંગી ગયા છે તે ચમચી વાપરીએ?’ એવી તેમની પ્રતિક્રિયા રહેતી. રોટલી-ભાખરી કે લાડુ-મોહનથાળમાં ચમચીની જરૂર ન પડે એ તો સમજ્યા, પણ દૂધપાક-બાસુંદીમાં તે ચમચી વગર સુખેથી ચલાવી લેતા. બલ્કે, એમાં ચમચી વાપરવાને એ સંકુચિતતાની નિશાની ગણતા હતા.
જ્ઞાતિભોજનોમાં ખાખરાનાં પાનમાંથી બનાવેલાં પડિયા-પતરાળાં હોય, પણ કદી ખાખરાના પાનની ચમચી સાંભળી છે? પડિયા કે માટીનાં બટેરામાં દૂધપાક-બાસુંદી પીરસાયા પછી ચમચી વાપરવી એટલે ટીપે ટીપે (પેટનું) સરોવર ભરવા જેવું ગણાય. જીવ અને શિવના મિલનની જેમ પડિયો અને હોઠ એકાકાર થવા તલપી રહ્યા હોય, ત્યારે તેમની વચ્ચે ચમચી જેવી બાહરી વસ્તુઓની શી ગરજ? પડિયામાંથી ચમચી-ચમચી કરીને દૂધપાક ખાનાર માણસ, ભોજન કરવા નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત પડિયો ઉલેચવા બેઠો હોય એવું લાગે. કેટલાક અઠંગ ભોજનવીરો પડિયો ભરીને આગળ વધતા પીરસણીયાને ત્યાં જ અટકાવી દે અને તેની હાજરીમાં એક શ્વાસે આખું બટેરું ગટગટાવી જાય, ચહેરા પર વિજયી સ્મિત ફરકાવે અને ખાલી બટેરું પતરાળામાં મૂકીને પીરસણીયાને ઇશારતથી કહે, ‘તે આખું ભર્યું હતું ને? તો લે, મેં એક વારમાં ખાલી કર્યું. હવે ફરી ભર. જોઇએ, આજે કોણ પહેલું થાકે છે.’ આ પ્રકારનો વીરરસ ચમચીના ઉપયોગમાં ક્યાંથી સંભવે?
એ ખરૂં કે દાળને દૂધપાક જેટલી માત્રામાં ગટગટાવવાની ન હોય. તેને વચ્ચે વચ્ચે ચટકા લેવાના હોય. તેમાં ચમચી હોય તો સારું પડે એવો વિચાર કોઇને આવી શકે, પણ હાથની પાંચે આંગળીઓથી દાળ ‘ખાઇ’ શકનારા લોકોને જોઇને અંગ્રેજોને પહેલી વાર તો એ ‘ભારતીયોની યૌગિક સિદ્ધિ’ જ લાગી હશે. એ ક્રિયા કરનારના ચહેરા પર તરવરતો સંતોષ ‘અપના હાથ જગન્નાથ’ જેવી કહેણીને સાર્થક કરનારો હતો. ચોખલિયા અંગ્રેજોને હાથથી દાળ ખાવી એ હાથ બગાડવા બરાબર લાગ્યું હશે. એટલે તેમણે ચમચા-ચમચીની કુમક લીધી. ‘છાશ લેવા જવું ને દોણી સંતાડવી’ એની જેમ ‘જમવું ને હાથ ન બગાડવા’ એ કેવો વિચિત્ર આગ્રહ? એ વખતે ઘણા ભારતીયોને થયું હશે કે ચાલો, એક વાત તો એવી છે જે આપણને આવડે છે, ધોળાઓને નથી આવડતી. છતાં, આપણી આવડતનો ઉપયોગ આપણે તેમની સેવા માટે કરવો પડતો નથી.
‘જે કામ સોયથી થાય, તેના માટે તલવાર શા માટે વાપરવી?’ એવી રણનીતિ ધરાવતા અંગ્રેજોએ ‘જે કામ ચમચીથી થઇ જતું હોય તે કરવા હાથ શા માટે બગાડવા?’ એમ વિચારીને ભોજનમાં ચમચીની પ્રતિષ્ઠા કરી, પણ આ જ તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ફરક છે. અંગ્રેજો ભોજનને વ્યૂહરચનાથી કરવાનું ‘કામ’ ગણતા હતા, જ્યારે આપણા પૂર્વજો માટે તે એ ક્રિયા યજ્ઞસમાન પવિત્ર હતી. જે માણસ બીજો કોઇ યજ્ઞ કરી કે કરાવી ન શકે, તે પોતાના જઠરાગ્નિમાં આહુતી આપીને પણ દેવતાઓે પ્રસન્ન કરી શકે. તો પછી હવનમાં હાડકાં કે થાળીમાં ચમચીનું શું કામ?
પરંતુ ધર્મભાવના લુપ્ત થઇ અને સ્વાવલંબનનું સ્થાન મશીનોએ લીઘું તેમ, ભોજનમાં પણ ચમચીએ પગપેસારો -કે હાથપેસારો કર્યો. ફાવે કે ન ફાવે તો પણ, અંગ્રેજ રીતભાતથી સુધરેલા બનવા માટે લોકો ચમચી અપનાવતા થયા. તેમણે થોડી રાહ જોઇ હોત તો અંગ્રેજો કદાચ ચમચીને બદલે હાથ વાપરતા થઇ જાત, પણ બધા અંગ્રેજ સાહેબો ચમચીને બદલે હાથ વાપરતા થઇ જશે, તો તેમને ભારતમાંથી હાંકી કાઢવાનું અઘરૂં પડશે, એવો વિચાર કદાચ કોઇને આવ્યો હશે.
ભારતીય જમણમાં થાળી અને વાટકી સાથે ચમચીનો સત્તાવાર પ્રવેશ થયા પછી લાંબા સમય સુધી તેનો વિરોધ ચાલુ રહ્યો. થાળીમાં મુકાયેલી ચમચીને તુચ્છકારપૂર્વક, ન્યાતબહાર કાઢતા હોય તેમ, થાળીબહાર કાઢીને લોકો ગૌરવપૂર્વક હાથનો ઉપયોગ કરતા હતા. ‘આપણા વડવાનો વારસો એમ ચમચીઓ પર થોડો ન્યોચ્છાવર કરી દેવાય?’ એવી ભાવનામાં ભારતવર્ષની દુર્લભ એકતાનાં દર્શન થતાં હતાં. પણ અંગ્રેજી ભણતરથી તૈયાર થયેલી નવી પેઢીને ચમચી સામે કશો વાંધો ન હતો. ગાંધીજી જેવા ચુસ્ત સ્વદેશીપ્રેમી પણ લાકડાની ચમચી વાપરતા હતા. ભારતને આઝાદી મળવામાં વિલંબ થયો, તેમાં ગાંધીજીનો આ દોષ જવાબદાર ગણાય કે નહીં, એ નવા-વિવાદાસ્પદ- બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તકનો વિષય બની શકે એમ છે.
ઘણા રાષ્ટ્રવાદીઓ કારકુનો તૈયાર કરનારી શિક્ષણપદ્ધતિના જનક તરીકે મેકોલેને ગાળો દે છે. તેમના ઘ્યાનમાં એ હકીકત આવતી નથી કે ચમચીનો સ્વીકાર પણ મેકોલેની શિક્ષણપદ્ધતિની આડપેદાશ છેઃ ‘આજે જમવા માટે જે માણસ પોતાનાં આંગળાં વાપરવાનું છોડી દેશે, તે કાલે વિચારવા માટે પોતાનું મગજ પણ નહીં વાપરે.’ પણ આવી કોઇ થિયરી રાષ્ટ્રવાદી દિમાગમાં, ચમચીના વપરાશને કારણે જ, નહીં આવી હોય?
લાંબા સંઘર્ષ પછી, અંગ્રેજી ભાષાની જેમ ચમચા-ચમચી પણ હવે ‘ભારતીય’ બન્યાં છે. દાળ-કઢી ને દૂધપાકથી માંડીને કેરી, તરબૂચ ને સીતાફળ સુદ્ધાં લોકો ચમચીથી ખાતા થયા છે. મમરા-પૌંઆ-ચવાણું તો ઠીક, પેંડા અને હલવો ખાવામાં લોકો ચમચી વાપરે છે. છતાં, ‘દાળભાત હાથથી ખાવાં કે ચમચીથી?’ એવા કેટલાક મુદ્દે સંઘર્ષનો અગ્નિ હજી સળગી રહ્યો છે. દક્ષિણ ભારતનાં સાંસ્કૃતિક મૂળીયાં આર્યોના આગમન પહેલાંના હોવાથી, ત્યાં રસમ-ભાત કે સંભાર-ભાતના ભોજનમાં હજુ ચમચી વપરાતી નથી. પણ પરિવર્તનશીલ ગુજરાતમાં લોકો રોટલો ને ઓળો ચમચીથી ખાઇ શકે છે.
પાશ્ચાત્ય સંસ્કારનો પર્યાય ગણાતો પિત્ઝા ખાનાર પેઢી, ચમચી-કાંટાનો ઉપયોગ કરવાને બદલે પિત્ઝાના ટુકડા હાથમાં લઇને બાટકી પડે, એ જોઇને વિચાર આવે છેઃ સાંસ્કૃતિક પરિવર્તનો પણ બદલો લેતાં હશે?
Labels:
food,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
Last line is just "Wah" ! "Sanskrutik Parivartano pan Badlo leta hashe?"
ReplyDeleteMajo Majo!!
Good One!
પાંચ આંગળીના 'ચમચા'થી એક ટીપું પણ મોં સિવાય બી જે કશે ન પડે તે અદાથી જે રીતે નાતનાં સમુહ જમણમાં કેટલાયે ચેમ્પિયનો દાળને રસપૂર્વક આરોગતા તે કળા તો આજે બુફેની ખેંચાખેચીમાં ચમચીથી પણ શક્ય નથી બનતું.
ReplyDeleteતેમાં પણ એ પાંચ આંગળીના જુગાડી ચમચાથી જ્યારે દાળનો રસભર્યો કોળીયો લાડુ જેવાં ફાડેલાં મોંની ગુફામાં 'સબડકા'ના નાદથી અદ્રશ્ય થતો જતો જોવો [કે સાંભળવો?] તે અમે [તે સમયનાં] બાળકોમાટે ઇર્ષ્યાભર્યો લ્હાવો હતો.
વાહ, ઉર્વીશભાઇ, તમે તો ટાઇમ મશીનમાં ૫૦ વર્ષ પહેલાંનાં સમુહ જમણની યાદ અપાવીને તર કરી નાખ્યા!