Tuesday, May 05, 2026

બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત

બંગાળમાં ભાજપની જંગી જીતનાં ઉત્સાહી વિશ્લેષણોમાં અપાયેલાં મુખ્ય કારણો અને સંબંધિત હકીકત.
1. લોકો મમતાની ગુંડાગીરીથી કંટાળી ગયા હતા.
- મમતા બેનરજીની ગુંડાગીરી જાણીતી છે. તેનાથી લોકો કંટાળે એ ચોક્કસ એક કારણ હોઈ શકે. પરંતુ ગુંડાગીરીથી કંટાળેલા લોકો મોદી-શાહને પસંદ કર? અને તેમનો આટલાં વર્ષોનો રાજ્યોનો અને કેન્દ્રનો રેકોર્ડ સદંતર ન જુએ?
2. મમતા બહુ ભ્રષ્ટાચારી છે.
- એકેય નેતાના ભ્રષ્ટાચારી ન હોવા વિશે બાંહેધરી આપી શકાય એવું રહ્યું નથી. એક સમય હતો જ્યારે મમતા ભૂરી પટ્ટીની સ્લીપર પહેરીને ફરતાં હતાં ને સામાન્ય ઘરમાં રહેતાં હતાં. પછી તો હુગલીમાંથી બહુ પાણી વહી ગયાં. પરંતુ વાંધો મમતાના ભ્રષ્ટાચાર સામે હોય તો તેનો વિકલ્પ રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યના સ્તરે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડનાર ભાજપ હોઈ શકે?
3. લોકોને વિકાસ જોઈએ છે અને મમતા વિકાસવિરોધી છે.
- મોદીની ભાજપે અપનાવેલું વિકાસનું મોડેલ હવે આટલાં વર્ષે ઉઘાડું પડી ગયું છે. ખુલ્લી આંખે જોઈ શકતા કોઈ પણ માણસને સમજાય કે પહેલાં લોકોની સુવિધા માટેનાં કામ થતાં હતાં અને તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, જ્યારે હવે તોતિંગ અને અભૂતપૂર્વ સ્તરનો ભ્રષ્ટાચાર કરવા માટે અનિવાર્ય આડપેદાશ તરીકે વિકાસનાં કામ ઊભાં કરવામાં આવે છે, અને તેનો અમલ કેવો થાય છે, એ તો તેની ગુણવત્તા પરથી સ્પષ્ટ છે.
વર્ષ 2014માં ગુજરાતબહારનું કોઈ સામાન્ય માણસ કહે કે અમે વિકાસ માટે મોદીને મત આપ્યો, તો તેની દલીલ સમજી શકાય, પણ 2026માં નિષ્ફળ વિદેશ નીતિ, નિષ્ફળ અર્થનીતિ,તોતિંગ ભ્રષ્ટાચારની અનિવાર્ય પેદાશ તરીકે ઊભી થતી માળખાકીય સુવિધાઓનું અણઘડ આયોજન, લોકોની સુવિધાને બદલે પોતાના જયજયકારને કેન્દ્રમાં રાખીને થતા વેનિટી પ્રોજેક્ટ--આ બધા પછી પણ મોદીના વિકાસના વાવટા ફરકાવવા માટે ને વિશ્લેષણોમાં તેને આગળ કરવા માટે જબરી બેશરમી જોઈએ.
5. મોદીની યોજનાઓ અને વચનોની સામાન્ય લોકો પર બહુ અસર થાય છે.
- શક્ય છે, પણ ચૂંટણી વખતે ચૂંટણીપંચની રહેમનજર તળે, સત્તાવાર સરકારી લાંચ તરીકે જાહેર કરાતી આ યોજનાઓના અમલનો ઇતિહાસ કોઈ નહીં જોતું હોય? જોકે, હકીકત એ પણ છે કે મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોમાં એ બધાને સાવ ઓછું સ્થાન મળે છે.
6 .મમતા મુસલમાનતરફી છે ને એ જીતશે તો બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે.
- મમતા મુસલમાનતરફી છે એ સાબીત કરવું અઘરું પડી શકે, પણ ભાજપ મુસલમાનવિરોધી છે અને ડોગવ્હિસલિંગ કરવામાં--મુસલમાનો સામે સરેઆમ ઉશ્કેરણી ફેલાવવામાં--અતિશય ઉત્સાહી છે, એનો લાંબો ઇતિહાસ અને વર્તમાન છે. તેને પ્રતિસાદ મળે અને તેના લીધે મતોમાં ફાયદો થાય, ત્યારે વિશ્લેષકોએ તેને સ્ટ્રેટેજી કે ચાણક્યનીતિ તરીકે વધાવવાનું હોય કે ચિંતા વ્યક્ત કરવાની હોય?
7. મમતાની આપખુદશાહી ભારે પડી.
-- અને લોકોએ મમતાની આપખુદશાહીથી કંટાળીને મોદી-શાહની ભાજપને મત આપ્યો. 😃 😃 😃
8. મમતાના લાંબા સમયના શાસનથી લોકો કંટાળી ગયા હતા. એટલે સત્તાપક્ષવિરોધી લાગણી- એન્ટીઇન્કમ્બન્સી-એ કામ કર્યું.
- બરાબર. એ લાગણી તો ફક્ત વિપક્ષોની સરકારને જ નડે. કારણ કે, ભાજપની સરકારોમાં તો સુશાસનનો પાર નથી. (જીતના વરઘોડામાં જોડાઈને નાચવાનું ચાલુ કરી દીધા પછી હકીકત ગૌણ બની જાય છે અને કંઈ પણ કહી શકાય છે.)
9. ભાજપના કાર્યકરોએ બહુ મહેનત કરી. અમિત શાહે જોરદાર આયોજન કર્યું.
- આ બંને બાબતો સાચી, પણ અમિત શાહના 'આયોજન'ની વિવિધ દિશાઓ અને પદ્ધતિઓ વિશે પણ પ્રકાશ પાડવાનો કે નહીં?
*

ચૂંટણીપંચ અને અદાલતની સંદેહાસ્પદ ભૂમિકા તથા લાખો મત કપાઈ ગયાની વાત જે વિશ્લેષણમાં પૂરા વજન સાથે ન આવતી હોય અને સાહેબલોકનો, તેમની વ્યૂહરચનાનો, તેમના વક્તૃત્વનો, તેમના આયોજનનો, તેમની રણનીતિનો, તેમની મહેનતનો ગણીગણીને, વીણીવીણીને જયજયકાર થતો હોય, તેને વિશ્લેષણ ન કહેવાય. શું કહેવાય તે અલગથી કહેવાની જરૂર નથી. 

No comments:

Post a Comment