Wednesday, July 01, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૧)

૧૯૭૧માં ચૂંટણીવિજય અને ડિસેમ્બર, ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીત છતાં, ત્રણ જ વર્ષમાં ઇંદિરા ગાંધીની લોકપ્રિયતા ઓસરી ગઇ. ભ્રષ્ટાચાર, કુશાસન, બેકારી જેવાં કારણો તેના માટે જવાબદાર હતાં. જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ ઇંદિરા ગાંધી સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડાતાં, તેમની સ્થિતિ હાલકડોલક બની અને અલાહાબાદ હાઇકોર્ટે (સરકારી સંસાધનોના દુરુપયોગ બદલ, ૧૯૭૧માં થયેલી) તેમની ચૂંટણી રદબાતલ ઠરાવતાં અને છ વર્ષ માટે તેમને ગૃહના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવતાં, ઇંદિરા ગાંધી માટે અસ્તિત્ત્વનો સવાલ આવ્યો.
Part of Allahabad Court Judgement
સર્વોચ્ચ અદાલતે આપેલા શરતી મનાઇહુકમથી સ્થિતિ વણસી. એક રસ્તો માનભેર સત્તા છોડી દેવાનો હતો, જે ઇંદિરા ગાંધીને કે તેમના પુત્ર સંજય ગાંધીને મંજૂર ન હતો. તેમણે આંતરિક અશાંતિના નામે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો રસ્તો અપનાવ્યો. ભારતમાં લોકશાહીના પાયા મજબૂત કરનાર જવાહરલાલ નેહરુની પુત્રીએ છડેચોક લોકશાહી પર એવો કારી ઘા કર્યો કે તે મૂર્છિત બની.  ત્યાર પછીના ૧૯ મહિનામાં (જૂન, ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭ દરમિયાન) આચરાયેલાં અનિષ્ટો-અત્યાચારોને મુખ્યત્વે કેટલાક  ભાગમાં વહેંચી શકાય :

‘મિસા’/MISA અને પોલીસ અત્યાચાર
Proclamation of emergency by President FakruddinAli Ahmed
કટોકટીનો સૌથી પહેલો આશય ‘અરાજકતા’ દૂર કરવાનો હતો. ૨૫ જૂનની રાત્રે રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરતા વટહુકમ પર સહી કરી અને મધરાત પછી મોટા પાયે ધરપકડો શરૂ થઇ. સવાર સુધીમાં લગભગ તમામ વિપક્ષી નેતાઓને પકડી લેવામાં આવ્યા. ઇંદિરા ગાંધીનું આસન ડોલાવી દેનાર જયપ્રકાશ નારાયણને લાવવા ૨૫મીની રાત્રે ત્રણ વાગ્યે પોલીસ પહોંચી ચૂકી હતી. તેમના સાથીદાર રાધાકૃષ્ણને  જેપીને લોકો માટે કોઇ સંદેશો આપવા કહ્યું, ત્યારે જેપી બોલ્યા,‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’.

ન્યાયીપણાની ચિંતા રાખ્યા વિના, ઇચ્છા મુજબ ધરપકડો કરી શકાય એ માટે ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ’ (MISA/‘મિસા’)ના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા. (જેમ કે, ‘મિસા’ હેઠળ કરાયેલી ધરપકડોને અદાલતમાં પડકારી ન શકાય).


કટોકટી દરમિયાન એક અંદાજ પ્રમાણે એકથી દોઢ લાખ લોકોની ધરપકડ અથવા અટકાયત થઇ. વિવિધ વિચારધારાના રાજનેતાઓ અને ચળવળકારોથી માંડીને સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ કે પોલીસને ખટકતા બિનરાજકીય લોકો સામે ‘મિસા’નો છૂટથી પ્રયોગ કરવામાં આવ્યો. (એ વખતેે જયપ્રકાશના શિષ્ય લાલુપ્રસાદ યાદવે પોતાની દીકરીનું નામ ‘મિસા’ પાડ્યું હતું.)

R to L : Laluprasad Yadav, Misa, other children & Rabdidevi
Snehlata reddy
વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓ પકડાઇ ગયા, પણ રેલવેની હડતાળ દ્વારા દેશનું કામકાજ ખોરવી નાખનાર તેજતર્રાર યુનિઅન લીડર જ્યોર્જ ફર્નાન્ડિસનો પત્તો ન હતો. તેમની ભાળ મેળવવા માટે તેમના ભાઇ લૉરેન્સ ફર્નાન્ડિસ પર બૅંગ્લોરની પોલીસે બેસુમાર અત્યાચાર ગુજાર્યા. તેમનાં પારિવારિક મિત્ર-અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીને પણ પોલીસે મહિનાઓ સુધી જેલમાં નાખી દીધાં. સ્નેહલતા રેડ્ડી હોય કે પછી રાજપરિવારનાં ગાયત્રીદેવી (જયપુર)- વિજયારાજે સિંધીયા (ગ્વાલિયર), જેલમાં તેમને સામાન્ય કેદીઓ સાથે રાખીને શક્ય એટલી હેરાનગતિ પહોંચાડવામાં આવી. સ્નેહલતા રેડ્ડીનું આરોગ્ય કથળવા છતાં એ તરફ કશું ધ્યાન અપાયું નહીં. (જેલમાંથી છૂટ્યાના પાંચ દિવસ પછી હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું)

જયપ્રકાશ નારાયણની તબિયત કથળ્યા પછી જ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. જેલમાં ક્ષમતા કરતાં વધારે સંખ્યામાં કેદીઓ ઠાંસવામાં આવ્યા હતા. અંગ્રેજોના રાજ વખતે અપાય એટલી સુવિધાઓ પણ રાજકીય કેદીઓને મળતી ન હતી.  આપખુદ નેતાઓ અને તેમના અભય તળે બેફામ બનેલા કેટલાક પોલીસ અધિકારીઓએ કટોકટી દરમિયાન કેદીઓ પર થર્ડ ડિગ્રીના સિતમ ગુજાર્યા, જે સાદી મારઝૂડ કરતાં અનેક ગણા અમાનુષી હતા. કંઇકના એન્કાઉન્ટર થયાં ને કેટલાય રહસ્યમય રીતે ગુમ થયા. આવી થોડી કરુણ કથાઓનું આલેખન આનંદ પટવર્ધનની દસ્તાવેજી ફિલ્મ ‘પ્રિઝનર્સ ઑફ કોન્શન્યન્સ’/Prisoners of Conscience (‘ઝમીરકે બંદી’, ૧૯૭૮)માં જોવા મળે છે.

ગુજરાતની વાત કરીએ તો, ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનને લીધે કૉંગ્રેસી સરકારના પતન પછી થયેલી ચૂંટણીમાં, પહેલી વાર બિનકૉંગ્રેસી સરકાર રચાઇ. જનતા મોરચાની એ સરકારના મુખ્ય મંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ હતા. એ સમયગાળામાં ‘મિસા’ હેઠળ ધરપકડો ન થઇ. પરંતુ માર્ચ ૧૯૭૬માં (કટોકટીના નવ મહિના પછી) ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લદાયું. ‘મિસા’ હેઠળ સંખ્યાબંધ લોકોને જેલભેગા કરવામાં આવ્યા. તેમાં જયપ્રકાશ-આચાર્ય કૃપાલાણી જેવા દિગ્ગજોના સાથી, ખોંખારીને કટોકટીનો વિરોધ કરનાર સત્યાગ્રહી પ્રકાશ ન.શાહનું નામ મોખરે હતું.

તેમણે દસ મહિના જેલવાસ ભોગવ્યો અને ‘મિસા’ અંતર્ગત થયેલી જેલ માટે ‘મિસાવાસ્યમ્‌’ જેવો પ્રયોગ વહેતો મૂક્યો. તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં સ્થાનિક સૂચનાથી કે વ્યક્તિગત વાંધાને કારણે અત્યાચારના કિસ્સા બન્યા, પણ સેન્સરશીપને બાદ કરતાં, સરકારના ઇશારે જેલમાં કે જેલની બહાર વ્યાપક દમનના પ્રસંગોથી ગુજરાત એકંદરે મુક્ત રહ્યું.

સેન્સરશિપ 

ફક્ત સરકાર ઇચ્છે એટલી માહિતી લોકો સુધી પહોંચે, એ કટોકટી ટકાવવા જરૂરી હતું. એ માટે અખબારો-સામયિકો પર સેન્સરશીપ લાદવામાં આવી. જૂના માહિતી-પ્રસારણ મંત્રી આઇ.કે.(ઇન્દરકુમાર) ગુજરાલ ‘નરમ’ લાગતાં, સંજય ગાંધીના દરબારી વી.સી.(વિદ્યાચરણ) શુક્લને એ હોદ્દે બેસાડી દેવાયા.
V C Shukla/ વિદ્યાચરણ શુક્લ
વી સી શુક્લે દિલ્હીમાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખ્યો અને તંત્રીઓની મિટિંગ બોલાવીને બહાદુરીથી કહ્યું પણ ખરું કે સેન્સરશીપનું તંત્ર બરાબર ગોઠવાઇ રહે ત્યાં લગી, ગમે તેવી અફવાઓ ન ફેલાય એ માટે વીજપુરવઠો કાપી નખાયો હતો. દિલ્હી સિવાય બીજે કેટલાંક અખબારો તંત્રીલેખની જગ્યા કોરી મૂકીને કે ગાંધી-નેહરુ-ટાગોરનાં વ્યક્તિસ્વાતંત્ર્ય-લોકશાહી વિશેનાં અવતરણો મૂકીને વિરોધ વ્યક્ત કરતાં હતાં. શુક્લે એવાં છાપાંને ધમકાવ્યાં અને શું નહીં છાપવાનું તેની યાદી જારી કરી. તેમાં સરકારવિરોધી પ્રદર્શનોથી માંડીને વિપક્ષી નેતાઓની હિલચાલ, જેલની સ્થિતિ જેવા વિષયો ઉપરાંત ગાંધી-નેહરુ-ટાગોરના વિચારો અને કોરી જગ્યા સુદ્ધાં ન છાપવાની કડક સૂચના હતી.
Abu Abraham on censorship

સરકારી માહિતી કચેરીઓ સેન્સરની ઑફિસ બની. જે છાપાં-સામયિકો સ્વતંત્ર રીતે સામગ્રી આપવા કોશિશ કરે, તેમની પર પ્રી-સેન્સરશીપ ઠોકી બેસાડાતી હતી. (ઉમાશંકર જોશીએ રાજ્યસભામાં કહ્યું હતું તેમ, અંગ્રેજી રાજમાં પણ પ્રી-સેન્સરશીપ લદાઇ ન હતી.) છાપું કે મેગેઝીન તૈયાર કરીને પ્રેસમાં મોકલતાં પહેલાં સેન્સરની ઑફિસે મોકલવાનું. સેન્સર મન પડે તે સમાચાર પર ચોકડી મારે અને ‘સુધારેલું’ છાપું રાતે પાછું આપે. પાઠ શીખવવો હોય તો ક્યારેક બીજા દિવસે સવારે પણ પાછું આપે. તાકાત હોય તો છાપો ને વેચો.

છાપાંમાં તંત્રીઓને બદલે માલિકો કે મેનેજરો સાથે વાત કરવાનું શુક્લ અને તેમની ગેંગને સહેલું પડતું હતું. આઝાદ મિજાજ તંત્રીઓને નોકરીમાંથી પાણીચું પકડાવવાનું કહી દેવામાં આવે. કુલદીપ નાયર સહિત સંખ્યાબંધ પત્રકારોની ધરપકડ થઇ હતી. ‘ધ સ્ટેટ્‌સમેન’ અને ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જેવાં અખબારોએ કિન્નાખોર સરકારની ભારે હેરાનગતિ વેઠીને, અદાલતોના આશરે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખ્યું. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના કે.કે.બિરલા સરકારના ખોળે હતા. નાનાં સામયિકો-વિચારપત્રોને હેરાન કરવામાં કોઇ કસર ન રખાઇ. પ્રિન્ટિંગ પ્રેસવાળાને ધમકાવવામાં આવતા, જેથી એ લોકો સરકારવિરોધી સામયિક છાપવા તૈયાર ન થાય. ધાકધમકીઓ ન ચાલે તો પછી તંત્રી પાસેથી મોટી રકમની જામીનગીરી માગવામાં આવતી. રાજમોહન ગાંધીના અંગ્રેજી સામયિક ‘હિંમત’નાં તંત્રી કલ્પના શર્માએ લખ્યું છે કે મુંબઇનું કોઇ પ્રેસ ‘હિંમત’ છાપવા તૈયાર ન હતું. છેવટે, વાચકોને અપીલ કરીને ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાંથી બે નાનાં મશીન ખરીદીને ‘હિંમત’ ચાલુ રખાયું.

સાહિત્યક્ષેત્રની હસ્તીઓમાં ઉમાશંકર જોશી રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. તેમણે ગૃહમાં અને તેમના માસિક ‘સંસ્કૃતિ’નાં પાનાં પર કટોકટીની આકરી ટીકા કરી. (ગુજરાતમાંથી સત્તાવાર વિરોધનું બીજું ઉદાહરણ, ઇંદુલાલ યાજ્ઞિકના અવસાન પછી ખાલી પડેલી લોકસભાની બેઠક પર અપક્ષ ચૂંટાયેલા પુરૂષોત્તમ ગણેશ માવળંકરે પૂરું પાડ્યું.)  મહારાષ્ટ્રનાં દુર્ગા ભાગવત ખુલ્લમ્‌ખુલ્લા સરકારના વિરોધમાં આવ્યાં.
Durga Bhagwat/ દુર્ગા ભાગવત
કૉંગ્રેસી મુખ્ય મંત્રી યશવંતરાવ ચવાણના ગામ કરાડમાં ૧૯૭૬માં યોજાયેલા મરાઠી સાહિત્ય પરિષદના અધિવેશનમાં દુર્ગા ભાગવત પરિષદપ્રમુખ હતાં ને ચવાણ સ્વાગતસમિતિના પ્રમુખ. દુર્ગા ભાગવતે કટોકટીની કડક ટીકા કરી અને મંચ પરથી જ તેમણે સૌને બે મિનીટ ઊભા થઇને, (મુંબઇની જસલોક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા) જયપ્રકાશ નારાયણના આરોગ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું. બીજા લોકોની સાથે મુખ્ય મંત્રી યશવંતરાવને પણ ન છૂટકે ઊભા થવું પડ્યું. અનેક પ્રવચનોમાં કટોકટીની આકરી ટીકા કરનારાં દુર્ગા ભાગવતની પછીથી ધરપકડ કરવામાં આવી. ‘તીસરી કસમ’ અને ‘મૈલા આંચલ’ જેવી ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિઓના લેખક ફણીશ્વરનાથ રેણુએ કટોકટીના વિરોધમાં ‘પદ્મશ્રી’નું સન્માન પાછું વાળ્યું.

આવા થોડા અપવાદરૂપ, સલામને લાયક કિસ્સાને બાદ કરતાં, મોટી સંખ્યામાં પત્રકારો અને તંત્રીઓ ચૂપ થઇ ગયા, તાબે થયા અથવા ખુશામતમાં જોડાઇ ગયા. ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’ના તંત્રી-વિખ્યાત લેખક ખુશવંતસિંઘ સંજય ગાંધીની અવિરત ભાટાઇ કરતા હતા. તેમના ભાવનું કારણ ગમે તે હોય, પણ તેનું પરિણામ શરમજનક હતું. લાલકૃષ્ણ અડવાણીના યાદગાર વિધાન પ્રમાણે, સરકારે ઝૂકવાનું કહ્યું ને પ્રસાર માઘ્યમો સરકારના ચરણોમાં આળોટી પડ્યાં હતાં.
(ક્રમશઃ)

3 comments:

 1. ધરખમ પોસ્ટ છે. તમે દસ્તાવેજોના ફોટા અને બહુ ઓછી જાણીતી હકીકતો આપીને લેખમાં પ્રાણ રેડ્યા છે.

  ReplyDelete
 2. નાનો સુધારો. લાલુ યાદવની પુત્રીનું નામ મિસા છે. શરતચૂકથી પુત્ર લખાયું છે.

  ReplyDelete
  Replies
  1. સુધારો કરી લીધો છે. આભાર.

   Delete