Tuesday, July 28, 2015

કટોકટીની આપખુદશાહીનો ભોગ બનેલો રાજકીય કટાક્ષની પાંખી પરંપરાનો વીરલ નમૂનો : ‘કિસ્સા કુર્સીકા’

 
Kissa Kursee Ka/ કિસ્સા કુર્સીકા
ઇંદિરા ગાંધીએ આણેલી કટોકટીને ગયા મહિને ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે કટોકટી વિશે અને તેની આસપાસ ઘણું લખાયું. પણ કટોકટી સાથે સીધો સંબંધ ધરાવતી ફિલ્મ કિસ્સા કુર્સીકા’/ Kissa Kursee Ka વિશે બહુ વાત ન થઇ. તેની પર મૂકાયેલા પ્રતિબંધથી વિશેષ કોઇ વાત ન થઇ. એ ફિલ્મ બાડમેર (રાજસ્થાન)ના કોંગ્રેસી સાંસદ અને ઇંદિરા ગાંધીની નીતિરીતિઓથી નારાજ થઇને છેડો ફાડનાર અમૃત નાહટાએ બનાવી હતી. ઇંદિરાપુત્ર સંજયે ગુંડાગીરી આચરીને આ ફિલ્મની નેગેટિવ-પોઝિટિવ બધું મુંબઇથી જપ્ત કરાવ્યું. એ સામગ્રી હરિયાણામાં આવેલી સંજય ગાંધીની મારૂતિફેક્ટરીમાં લઇ જવામાં આવી અને સર્વોચ્ચ અદાલતના આદેશને નેવે મૂકીને ફિલ્મનાં રીલને દીવાસળી ચાંપી દેવાઇ. એ સાથે જ આઝાદ ભારતની સંભવતઃ પહેલી રાજકીય કટાક્ષફિલ્મનું નામોનિશાન મટી ગયું.

ત્યાર પછી હિંદી ફિલ્મોમાં કરૂણતાનો ઘેરો રંગ ધરાવતા કટાક્ષની વાત નીકળે ત્યારે જાને ભી દો યારોં’ (૧૯૮૩)ને યાદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં, તેનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, તેના વિશે લેખ લખાયા અને નવેસરથી તેના માહત્મ્યને તાજું કરવામાં આવ્યું. જાને ભી દો યારોંની લીટી જરાય ભૂંસ્યા વિના, ઐતિહાસિક ખરાઇ ખાતર કહેવું જોઇએ કે કડવી વાસ્તવિકતાને હાસ્યાસ્પદ બનાવીને કરુણાંત સાથે રજૂ કરવામાં કિસ્સા કુર્સીકાઘણી વહેલી અને ઠીક ઠીક આગળ હતી.

કિસ્સા કુર્સીકાની વિશેષતા એ હતી કે તેમાં સામાન્ય કટાક્ષ ઉપરાંત કેટલાંક ખાસ પાત્રોનો ઠઠ્ઠો કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી-સંજય ગાંધી સાથે ચહેરાનું કે નામનું સામ્ય ધરાવતાં પાત્રો ભલે તેમાં ન હતાં, પણ ફિલ્મમાં દેખાડાયેલું સત્તાધીશનું પાત્ર ઇંદિરા ગાંધીની એ સમયની રાજકીય ભાષામાં બોલતું હતું અને તેની પોકળતા છતી કરતું હતું. મદારીના જંબુરામાંથી સત્તાધીશ બનેલો ગંગુ ઉર્ફે ગંગારામ મારી સરકારનો એક જ કાર્યક્રમ છેઃ ગરીબી હટાવો’- એમ કહે ત્યારે ઇંદિરા ગાંધી સિવાય બીજું કોણ યાદ આવે? સંજય ગાંધીના માનીતા અને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે બહુચર્ચિત બનેલી છોટી કાર’ (મારુતિ) ફિલ્મમાં ગંગારામના ચૂંટણીપ્રતિક તરીકે બતાવાઇ હતી. ગંગારામના ધૂર્ત સચિવનું પાત્ર ઇંદિરા ગાંધીના કાવાદાવાબાજ દરબારી આર.કે.ધવન પર આધારિત લાગતું હતું, તો ઇંદિરા-દરબારમાં દબદબો ધરાવતા ધીરેન્દ્ર બ્રહ્મચારી પ્રકારનું પાખંડી પાત્ર ઉત્પલ દત્તે ભજવ્યું હતું. (તેમણે ઘણા સંવાદમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે પોતાના સ્વાભાવિક અવાજ કરતાં જુદો અવાજ કાઢ્‌યો હતો.) ફિલ્મના એક મહત્ત્વના ગ્લેમરસ સ્ત્રીપાત્રનું નામ હતું રૂબી ડિક્સાના, જે કટોકટી વખતે સંજય ગાંધીનાં ખાસ મનાતાં પેજ-૩સાથીદાર રૂખસાના સુલતાનાની યાદ અપાવનારું હતું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રતિભાશાળી કલાકાર મનોહર સિંઘને ગંગારામનું મુખ્ય પાત્ર મળ્યું.

પ્રચલિત માન્યતાથી વિપરીત, ‘કિસ્સા કુર્સીકાકટોકટી વખતે બની ન હતી. સમાજવાદનું સગવડીયું રટણ કરીને આપખુદશાહી તરફ આગળ વધી રહેલાં ઇંદિરા ગાંધીથી દુભાયેલા અમૃત નાહટાએ કટોકટી પહેલાં આ ફિલ્મ બનાવી દીધી હતી. તેમાં મનોહરસિંઘ ઉપરાંત રાજ બબ્બર, શબાના આઝમી અને રેહાના સુલતાન જેવા કલાકાર હતાં. ફિર ભીફિલ્મના નિર્દેશક શિવેન્દ્ર સિંહાને નિર્દેશન સોંપાયું. ફિલ્મની કથામાં હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઇનાં સલાહસૂચન લેવામાં આવ્યાં અને ફિલ્મના ટાઇટલ માટે વિખ્યાત  કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમ પાસે વીસ કાર્ટૂન તૈયાર કરાવાયાં. 
 
Amrit Nahta/ અમૃત નાહટા
સન ૧૯૭૪-૭૫માં આશરે રૂ.૯ લાખના કરકસરિયા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ સામે સેન્સર બોર્ડે વાંધાવચકા પાડ્યા. સાંસદ-નિર્માતા અમૃત નાહટા સર્વોચ્ચ અદાલતમાં ગયા. ત્યાં સુધીમાં કટોકટી આવી ચૂકી હતી. અદાલતમાં કાનૂની જંગ ચાલ્યો. છેવટે એવું ઠર્યું કે ન્યાયાધીશો ફિલ્મ જોઇને ચુકાદો આપશે. તેમને ફિલ્મ બતાવવાની તારીખ નક્કી થઇ, પણ એ તારીખ પહેલાં સંજય ગાંધી અને માહિતી-પ્રસારણમંત્રી વી.સી.શુક્લના સાગરીતોએ ફિલ્મના રીલ અને તેની એકમાત્ર પોઝિટિવ હસ્તગત કરી લીધાં અને તેમનો નાશ કર્યો.

કટોકટી ઉઠી ગયા પછી અમૃત નાહટાએ આખી ફિલ્મ નવેસરથી બનાવી, જે ૧૯૭૮માં રજૂ થઇ. (એ આખી ફિલ્મ યુટ્યુબ પર જોવા મળે છે) તેમાં થોડા કલાકારો બદલાયા. રાજ બબ્બર અને રેહાના સુલતાન નવી કિસ્સા કુર્સીકામાં ન હતાં, પણ જનગણ દેશની જનતાના પાત્રમાં શબાના આઝમી રહ્યાં. શ્યામ બેનેગલની અંકુર’(૧૯૭૪)થી ફિલ્મોમાં આવનાર શબાના શરૂઆતમાં મસાલા ફિલ્મો કરતાં હતાં. કિસ્સા કુર્સીકામાં તેમની ભૂમિકા મૂંગી જનતા’ (પ્રજા)ની હતી. તેથી આખી ફિલ્મમાં શબાના આઝમીનો એક પણ સંવાદ ન હતો. ફિલ્મનાં કેટલાંક મુખ્ય પાત્રોની જેમ જનતાનો પણ કરુણ અંત આવ્યો.
Shabana Azami in Kissa Kursee Ka
  
નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાફિલ્મમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને કટોકટીની જાહેરાતને પણ આવરી લેવાયાં. કટોકટી જાહેર કર્યા પછી ઇંદિરા ગાંધીએ સવારના પહોરમાં બોલાવેલી સાંસદોની મિટિંગનું ફિલ્મી દૃશ્ય સ્થૂળ હાસ્યનો ઉત્તમ નમૂનો કહેવાય એવું હતું. તેમાં સૌ સાંસદો પોતપોતાના નાઇટડ્રેસમાં, બગાસાં ખાતાં ને આશંકાઓ કરતા, હાંફળાફાંફળા થઇને હાજર થઇ જતા બતાવાયા હતા.

ફિલ્મમાં સંગીત જયદેવનું હતું અને ગીતો પણ કટાક્ષમય હતાં. તેમની કોરિઓગ્રાફી શાસ્ત્રીય નૃત્ય પ્રકારની હતી, પણ વાર્તાના પ્રવાહમાં તે અવરોધરૂપ હતાં. આવી કેટલીક દેખીતી મર્યાદાઓ છતાં ૧૯૭૮માં નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાઅતિચિત્રણ-અતિશયોક્તિ દ્વારા પેદા કરાયેલાં કટાક્ષ-રમૂજની બાબતમાં નમૂનેદાર કહેવાય એવી હતી. ભારતની હાસ્યપ્રધાન ફિલ્મોમાં (જીવંત પાત્રોની વાજબી ઠેકડી ઉડાડવાનો) આવો પ્રયોગ ત્યાર પહેલાં થયો હોય એવું જાણમાં નથી. ફિલ્મના એક દૃશ્યમાં, સફળ નેતા બનાવવા માટે ગંગુને ઇન્કિલાબની ગોળી અને સમાજવાદનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે તે ઊભા થઇને જોશભેર ઇન્કિલાબ ઝિંદાબાદના નારા અને સમાજવાદનાં ભાષણ આપવા લાગે છે. (કટોકટી પહેલાંના અરસામાં ઇંદિરા ગાંધીએ કહેવાતા સમાજવાદના નામે ઘણાં વિવાદાસ્પદ પગલાં લીધાં હતાં.)

સત્તા હાંસલ કર્યા પછી ગંગુ ઉર્ફે ગંગારામ ખુરશી પર બેસવા જાય છે, ત્યારે ખુરશી તેને અષ્ટોપદેશ’ (આઠ ઉપદેશ) આપે છે. તેમાંનો પહેલો જ ઉપદેશ હતો : જે સીડી પર ચડીને અહીં સુધી પહોંચ્યો એ સીડીને ફેંકી દે, જેથી બીજું કોઇ તેની પરથી ચડી ન શકે.બીજા કેટલાક ઉપદેશ :  જે દોસ્તોએ તારી મદદ કરી તેમને ભૂલી જા, જનતાને કરેલા વાયદા ભૂલી જા, ખાઇ-પીને એશ કર, મારા (ખુરશીના) રક્ષણ માટે તું જે કંઇ કરીશ તે યોગ્ય જ ગણાશે.

કટોકટી વખતે થયેલા અનેક ગંભીર અત્યાચારોમાં કિસ્સા કુર્સીકાની સેન્સરશીપનો કેસ મામુલી લાગે, પણ આ એક જ ગુનો સંજય ગાંધીના જેલવાસ માટે નિમિત્ત બન્યો. ફરજિયાત નસબંધીથી માંડીને બીજા અનેક અપરાધોના સૂત્રધાર કે પ્રેરકસંજય ગાંધી પુરાવા (ફિલ્મની પ્રિન્ટો) નષ્ટ કરવાના ગુનામાં દોષી ઠર્યા. સર્વોચ્ચ અદાલતે તેમને અને વી.સી.શુક્લને નિર્દોષ છોડ્યા, ત્યાર પહેલાં સંજય ગાંધીને તિહાર જેલમાં એક મહિનો ગાળવો પડ્યો. આ એ જ જેલ હતી, જ્યાં કટોકટી વખતે સંજય ગાંધીએ ઘણા લોકોને મોકલ્યા હતા.

કટોકટી દૂર થયા પછી અમૃત નાહટાએ જનતા સરકારના માહિતી પ્રસારણ મંત્રી અડવાણી પાસેથી નષ્ટ થયેલી ફિલ્મનો પતો અથવા તેનું વળતર માગ્યું હતું. અમૃત નાહટાના ફિલ્મનિર્માતા પુત્ર રાકેશ નાહટાએ વર્તમાન એનડીએ સરકાર પાસેથી અસલ ફિલ્મનો પત્તો અને તે નષ્ટ થઇ હોય તો તેના વળતરની માગણી કરી છે. અસલ ફિલ્મ બચી હોય એવી શક્યતા ઓછી છે, પણ ૧૯૭૮ની કિસ્સા કુર્સીકાઅચૂક જોવા જેવી છે. ભારતમાં ભાગ્યે ખેડાયેલા કટાક્ષફિલ્મના પ્રકારની સાથોસાથ કાળી રાજકીય વાસ્તવિકતાનો ઠીકઠીક અંદાજ તેમાંથી મળી શકે છે.


2 comments:

  1. Really nice movie. Found it relevant even today.

    ReplyDelete
  2. Yes..A very eye opener movie..Still our politicians do not understand....Do not want to understand...

    ReplyDelete