Tuesday, October 19, 2010
મારા પિતા મારી સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતાઃ ગોપાલકૃષ્ણ ગાંધી (Full Interview)
ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ નિમિત્તે અમદાવાદ આવેલા ગોપાલકૃષ્ણ ગાંધીની સૌથી સહેલી અને સૌથી અઘૂરી ઓળખ ગાંધીજીના પૌત્ર તરીકે આપી શકાય. કેમ કે, ગોપાલકૃષ્ણ ગાંધી નિવૃત્ત આઇ.એ.એસ., બબ્બે રાષ્ટ્રપતિઓના સચિવ, બે દેશોમાં ભારતના હાઇકમિશનર જેવા અનેક જવાબદારભર્યા હોદ્દા નિભાવી ચૂક્યા છે- અને તેમાં એમની ‘ગાંધી’ અટકનો કોઇ ફાળો નથી. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ શુદ્ધ ગુજરાતી અને હિંદીમિશ્રિત અંગ્રેજીમાં ઘણી યાદો તાજી કરી હતી.
ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા દેવદાસ ગાંધી ગુજરાતી અને માતા લક્ષ્મી રાજગોપાલાચારીનાં પુત્રી એટલે ઘરમાં તમિળ, ગુજરાતી, હિંદી, અંગ્રેજી- બધી ભાષા ચાલે, પણ ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ‘પિતાજી બીજા કોઇની સાથે નહીં, પણ મારી સાથે તો ગુજરાતીમાં જ વાતચીતનો આગ્રહ રાખતા હતા.’
દેવદાસ ગાંધી ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી હતા, એટલે ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે ‘અમારૂં બાળપણ શાહીની સુગંધ અને પ્રિન્ટિંગ પ્રેસની વચ્ચે વીત્યું.’ ગોપાલકૃષ્ણ કિશોરાવસ્થા વટાવે તે પહેલાં દેવદાસ ગાંધીનું અવસાન થયું. ‘તેમના ગયા પછી ગુજરાતી ભાષા બોલવાનું કોઇ ઠેકાણું મારા માટે ન રહ્યું.’
તેમ છતાં, ૬૫ વર્ષના ગોપાલકૃષ્ણ ગાંધી ફાંકડુ ગુજરાતી બોલી શકે છે. ચંદુલાલ દલાલનું ‘ગાંધીજીની દિનવારી’ તેમનું અત્યંત પ્રિય ગુજરાતી પુસ્તક છે. ‘એ પુસ્તક હું હંમશાં વાંચું છું. એની તોલે આવે એવું બીજું કોઇ પુસ્તક નથી.’
દસ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન્ના સચિવ હતા. તેમણે દુષ્કાળની પરિસ્થિતિનો જાતઅનુભવ કરવા માટે ગુજરાત આવવાની રજા માગી. રાષ્ટ્રપતિએ રજા તો આપી, સાથોસાથ એમ પણ કહ્યું કે ‘મારૂં ચાલે તો હું પણ તમારી સાથે આવું.’
ગોપાલકૃષ્ણ ગાંધી ચુનીભાઇ વૈદ્યની મદદથી ચાર દિવસ સુધી પોતાની ઓળખ છતી કર્યા વિના પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠાના કુંડળિયા ગામે રહ્યા, ઉનાળાની બળબળતી ગરમીમાં રાહતકાર્યો માટે થતી મજૂરીનો જાતઅનુભવ લીધો, સાંજે-સાંજે આજુબાજુનાં ગામોમાં ફર્યા, રાહતકાર્યોનું તંત્ર જોયું અને જાતમાહિતી લઇને દિલ્હી પાછા ફર્યા. એ પ્રસંગ અંગે ગાંધી કહે છે,‘ગામના લોકોની રીસોર્સફુલનેસ ગજબની હતી. એ લોકો જરાય બિચારાપણું અનુભવતા ન હતા.’
જે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો, એ જ દક્ષિણ આફ્રિકામાં વર્ષો પછી નેલ્સન મંડેલા પ્રમુખ હતા ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી ભારતના હાઇકમિશનર તરીકે નીમાયા. એ કહે છે, ‘આમ તો આવી ઘટનાને આપણે જીવનભરનો લહાવો કહીએ, પણ આ ઘટના મારા માટે એક નહીં, અનેક જીવનનો લહાવો કહેવાય એવી હતી.’
સામાન્ય રીતે હાઇકમિશનરે પોતાના ક્રેડેન્શિયલ રજૂ કરવા માટે પ્રમુખ સમક્ષ જવાનું હોય - અને એ વિધિ બહુ ઔપચારિક હોય, પણ ગાંધીને ગુરૂ માનનારા નેલ્સન મંડેલા પ્રમુખ હોય અને ગાંધીના અભ્યાસી પૌત્ર ગોપાલકૃષ્ણ હાઇકમિશનર હોય ત્યારે સમીકરણો કેવાં બદલાઇ જાય?
‘હાઇકમિશનરે માંડ પાંચ-છ મિનીટ બોલવાનું હોય. એને બદલે હું લગભગ બમણું બોલ્યો. ત્યાર પછી નેલ્સન મંડેલા બોલવા ઉભા થયા. તેમણે મારા પ્રવચનમાં બાકાત રહી ગયા હોય એવા કેટલાક ઉલ્લેખો કર્યા- અને એ ઉલ્લેખો દક્ષિણ આફ્રિકાની લડતમાં પ્રદાન કરનાર ભારતીયો વિશેના હતા! જેમ કે, મંડેલાએ મહંમદ કરીમ ચાગલાને યાદ કર્યા.’
ગોપાલકૃષ્ણ ગાંધી કહે છે,‘હું હાઇકમિશનર તરીકે ગયો ત્યારે દક્ષિણ આફ્રિકામાં સ્પીકર તરીકે પારસી ગુજરાતી ફ્રેની જીનવાલા હતાં. મુખ્ય ન્યાયાધીશ ભારતીય હતા. મંત્રીમંડળમાં પણ છ-સાત ભારતીયો હતા. કોઇએ નેલ્સન મંડેલાને પૂછ્યું કે ‘ભારતીયોની વસ્તીના પ્રમાણમાં આપણી સરકારમાં તેમનું બહુ પ્રતિનિધિત્વ નથી?’ ત્યારે ‘મડીબા’ના લાડકા નામે ઓળખાતા મંડેલાનો જવાબ હતો,‘ભારતીયોનું પ્રતિનિધિત્વ એમની વસ્તીના પ્રમાણમાં નહીં, એમના પ્રદાનના પ્રમાણમાં છે.’
દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગાંધીની કામગીરી, તેમના જ શબ્દોમાં ‘ફક્ત સેન્ટીમેન્ટલ કે રોમેન્ટિક નહીં, પણ હાર્ડકોર રેલેવન્સ/નક્કર પ્રસ્તુતતા ધરાવનારી’ બની રહી. તેના પરિણામરૂપે આજે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા- ટૂંકમાં ‘ઇબ્સા’/IBSA- તરીકે ઓળખાતા સંગઠનના ત્રણે દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું બિનકાયમી સભ્યપદ ધરાવે છે. ‘ત્રણે દેશોનું સહયોગી સંગઠન ગ્લોબલ ટેરર, ગ્લોબલ મેલ્ટડાઉન અને ગ્લોબલ વોર્મંિગ એમ ત્રણ મોટી આફતોમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે’ એવું ગાંધીએ ભારપૂર્વક કહ્યું.
અસ્પૃશ્યતાનિવારણને જીવનકાર્ય બનાવનાર ગાંધીજીના આ વિદ્વાન પૌત્ર દેશના પહેલા દલિત રાષ્ટ્રપતિ કે.આર.નારાણયન્ના સચિવ બન્યા, એ પણ એક સુખદ યોગાનુયોગ હતો. નારાયણન્ને ‘ટાવરિંગ ઇન્ટલેક્ટ’ (પ્રચંડ બૌદ્ધિકતા) ધરાવનાર વ્યક્તિત્વ તરીકે યાદ કરીને બ્રિટન જતાં પહેલાં ૨૫ વર્ષની ઊંમરે કે.આર.નારાયણન્ ગાંધીજીને મળ્યા હતા, એ કિસ્સો ગોપાલકૃષ્ણ ગાંધીએ યાદ કર્યો.
‘મને ગાંધીજી અને નારાયણન્ બન્ને માટે પક્ષપાત/બાયસ છે’ એવું કહેતા ગોપાલકૃષ્ણ ગાંધીના મતે ‘નારાયણન્ના સવાલો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા અને ગાંધીજીના જવાબો પણ ફર્સ્ટ ક્લાસ હતા. નારાયણને પહેલો સવાલ પૂછ્યો કે ‘બ્રિટનમાં ભારતના હરિજન સવાલ વિશે મને પૂછવામાં આવે તો મારે ભારતીય તરીકે જવાબ આપવો કે હરિજન તરીકે?’
મૌનવારને કારણે ગાંધીજીએ લેખિતમાં આપેલો જવાબ હતો,‘જ્યારે તમે દેશની બહાર જાવ ત્યારે તમારે એમ જ કહેવું જોઇએ કે એ અમારો આંતરિક મામલો છે અને અંગ્રેજોના ગયા પછી અમે ઉકેલી લઇશું.’
બીજો સવાલ વધારે ફિલસૂફીભર્યો હતો. નારાયણને કહ્યું,‘તમે લોકોને હંમેશાં સત્ય-અસત્ય, હિંસા-અહિંસાની વાત કરતા હો છો. તેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું સત્યની કે અહિંસાની જ પસંદગી કરૂં, પણ જીવનમાં ઘણી વાર એવું બને છે કે પસંદગી બે સત્યો વચ્ચે કરવાની આવે. એ વખતે શું કરવું?’ ગાંધીજીએ સંભવતઃ થાકને કારણે આ સવાલનો વિગતે જવાબ આપવાનું ટાળીને, પોતાનાં લખાણમાંથી તેનો જવાબ શોધી લેવા કહ્યું.
ગાંધીજીને લગતાં અભ્યાસપુસ્તકોથી માંડીને વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો હિંદીમાં અનુવાદ કરનાર ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સૌમ્ય છતાં સ્વતંત્ર મિજાજ દાખવી શક્યા. હાલમાં તે પોતાના નાના સી.રાજગોપાલાચારીએ ગાંધીજીને, દેવદાસ ગાંધીને અને પાછળથી ગોપાલકૃષ્ણ ગાંધીને- એમ ગાંધી પરિવારની ત્રણ પેઢીને લખેલા પત્રોનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.
(Extended Part)
ગાંધીજીની બહેનના પૌત્ર મથુરાદાસ ત્રિકમજી વિશે પૂછતાં ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારે આદરપૂર્વક કહ્યું હતું કે ‘મથુરાદાસ અને રાજાજી ગાંધીજીના જીવનનાં બે લાઇટહાઉસ (દીવાદાંડી-પથપ્રદર્શક) હતાં.’
વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો અનુવાદ કરવાનું કેવી રીતે બન્યું? એ વિશે તેમણે કહ્યું,‘વિક્રમ સાથે આમ જ ગપસપ ચાલતી હતી. વિક્રમે કહ્યું કે આ નવલકથા મૂળે તો મારા મનમાં હિંદુસ્તાનીમાં જ હતી. મેં મનોમન એનું અંગ્રેજી કરીને લખ્યું છે અને હવે મારે એ હિંદુસ્તાનીને પાછું આપવું છે. મેં નવલકથાની સંભવિત હિંદી ભાષા વિશે થોડી વાત કરી અને તેના નમૂના આપ્યા, એટલે વિક્રમ કહે કે તમે જ શા માટે અનુવાદ નથી કરતા?’
ત્રણે ભાઇઓ-રામુ ગાંધી, રાજમોહન ગાંધી અને ગોપાલકૃષ્ણ ગાંધી સાથે છેલ્લા ક્યારે મળ્યા હતા?
તરત તેમણે કહ્યું,‘રામુભાઇ ગયા તેના ત્રણ જ દિવસ પહેલાં. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં. રામુભાઇની વર્ષગાંઠ હતી એ નિમિત્તે મળ્યા હતા.’
‘તમે ત્રણે મળો તો કઇ ભાષામાં વાતચીત કરો?’
‘હિંદી અને અંગ્રેજીમાં. બન્ને ભાષાઓને એકબીજા વિના ન ચાલે.’
અલપઝલપ વાતચીતમાં જુથિકા રોયની યાદ અપાવતાં એમને થોડી નવાઇ લાગી અને હસીને કહે,‘તમે બહુ બઘું શોધીને લાવ્યા છો.’ એટલે મેં જુથિકા રોય સાથે થયેલી મારી વાતચીતનો હવાલો આપ્યો અને એકાદ વસ્તુ યાદ કરાવી. વાતચીતના અંતે તેમને જુથિકા રોયની આત્મકથાના ગુજરાતી અનુવાદની એક નકલ અને ‘સરદારઃસાચો માણસ, સાચી વાત’ની એક નકલ આપી.
‘ફક્ત પંદર મિનીટ’ની વાતચીત નિરાંતે, કોઇ મહત્ત્વનો પ્રશ્ન બાકી ન રહી જાય ત્યાં સુધી ચાલી. પ્રસાર માઘ્યમોથી દેખીતાં કારણોસર દૂર રહેતા ગોપાલકૃષ્ણ ગાંધીની મુલાકાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ શીખવતા મિત્ર અશ્વિન ચૌહાણના પ્રેમાળ પ્રયાસોને કારણે શક્ય બની. મુલાકાત દરમિયાન તે સાથે હતા અને છેલ્લે તેમણે ગોપાલકૃષ્ણ ગાંધીને ગાંધીજીના જીવનની એક સૌથી યાદગાર ઘટના અંગે પૂછ્યું, ત્યારે ‘એ કહેવું તો બહુ અઘરૂં છે’ એમ કહીને, થોડી વાર વિચારીને ગાંધીએ બે ઘટનાઓ યાદ કરીઃ એક ગાંધીજીની અને એક નેહરૂની. ગાંધીજી કોલકાતામાં એક મુસ્લિમ પરિવારને ત્યાં ઉતર્યા હતા, ત્યારે એક હિંસક ટોળું વિવાદાસ્પદ મુસ્લિમ નેતા સુહરાવર્દીને મારવા ફરતું, ‘ક્યાં છે સુહરાવર્દી?’ એમ કહેતું આવી પહોંચ્યું. પથ્થરમારો ચાલુ થયો. એક પથ્થર ગાંધીજીની સાવ નજીકથી સનનન કરતો નીકળી ગયો, પણ જરાય ડગ્યા વગર ગાંધીજી ટોળાંને ઉદ્દેશીને બોલ્યા,‘તમારે મારવો જ હોય તો પહેલાં મને મારો.’
એવી જ રીતે દિલ્હીમાં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ‘ગાંધીજીને મરવા દો’ એવું કોઇ ટોળામાંથી બોલ્યું ત્યારે પંડિતજી ઉશ્કેરાઇ ગયા. (ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું તેમ, ‘એ એક પુત્રની પ્રતિક્રિયા હતી. એ જુદી હોય.) ગુસ્સે થયેલા પંડિતજીએ કહ્યું, ‘કોણ બોલ્યું? કોણ બોલ્યું કે ગાંધીને મરવા દો? પહેલાં મને મારો.’
Subscribe to:
Post Comments (Atom)
ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વ્યક્તિત્વ આજ-કાલ ઓછા જ જોવા મળે છે. 'ગાંધી પરિવાર'માં હોવાનો ભાર સહન કરીને પણ ભાર વગર ફરવું તે બહુ અઘરું જ હશે. તેથી જ ઉર્વીશભાઈ તમારી ઈર્ષા થાય છે. શું યાર, આમને આમ દુનિયાના મહાન લોકોને મળી આવો છો? 'મહાત્મા મંદિર' વિષે તેમનું કોઈ મંતવ્ય હતું કે?
ReplyDelete:-) he didn't comment on it. but we can, in fact anyone can, assume.
ReplyDeleteindeed a fine post.
ReplyDeletea good journalist can bring in great information through interviews and this is an example !
આટલું સરળ જીવન અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ અત્યારના રાજકીય વર્તુળમાં શોધવું ખુબજ મુશ્કેલ છે.આજના રાજકીય મહાનુભાવો જ્યારે ગાંધી ને ઉધારમાં વેચી દઇને રાજકીય રોકડી કરવાની ફિરાકમાં છે ત્યારે શ્રીમાન ગોપાલકૃષ્ણ ગાંધીનું વ્યક્તિત્વ અંધકારમાં ઉજાસનો પ્રભાવ છોડી જાય છે.
ReplyDeleteશ્રીમાન ગોપાલકૃષ્ણ ગાંધી આવતીકાલ નાં રાષ્ટ્રપતી પદ ના ઉમેદવાર છે.અને જો આમ બને તો તે ભારતનું સદભાગ્ય હશે.
ક્લ્પેશ સથવારા
I think, all of MK Gandhi's family members have kept his values intank, more or less. Same applies to Sardar, Shubhashbabu and many except Jawaharlal.
ReplyDeleteI also wonder, what is people's take on 'Rajghat'. As far as I have understood Gandhiji, he never would have allowed this type of waste of land in his name or for that matter, any of his statue to be erected too.
Imarat buland hone ki kuch khaas baat hai.
ReplyDeleteCONGRATULATIONS for a usual Very Urvish brand article.... unassuming and simple presentation with details so to the point.
ReplyDelete15 minutes of meeting and friends see what a wealth of information he could bring out. Great work. My complements Urvish and a Big Thank You to Ashwinbhai also for arranging this interview.
Students of journalism can really learn a lot from Urvish's work.... on second thoughts, may be in some cases, even the established writers can also take a leaf from such fantastic work.
-Salil
ઉર્વીશભાઈ તમારો ખુબ ખુબ આભાર...કે તમે શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીની અમારી એટલે કે,આધુનીક અને ગાંધી વિચારો સાથે ઓળખાણ કરાવી.વર્ષો પહેલાં મારા એક મિત્ર જે આફ્રિકામાં હતાં,એમણે મને કહ્યું હતું કે,આફ્રિકાના હાઈકમિશ્નર ગાંધીજીના પૌત્ર છે.....અને આજે ગોપાલકૃષ્ણ ગાંધી જોડે અમે પર્સનલી મુલાકાત લીધી હોય એવી લાગણી તમારા આ ૧૫ મિનિટના ઈન્ટર્વ્યું દ્વારા થઇ.
ReplyDeleteએક પત્રકાર તરીકે ઈન્ટર્વ્યું અને વ્યક્તિ પરિચય એ બંને ખુબ જ અગત્યના અને મહત્તવના હોય છે , કારણ કે,એમાં પત્રકારે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પોતાના વિચારો ઉમેર્યા વગર લખવાનું હોય છે....અહિયાં એ કામ સુપેરે થયેલું જોવા મળે છે....
ફરીથી તમારો આભાર આ નવીન અને તરોતાજા મુલાકાત કરાવા બદલ...
superb interview. Once again, maan gaye ustad!! we bloody misssssssssssed it
ReplyDelete- Dhaivat Trivedi
vaah....
ReplyDeletemaja padi... as usual... :)
One more story of unsung and law profile person from you Urvish bhai...enjoyed...thx and keep on doing this interivews plz..:)
ReplyDeleteપસ્તુત સાક્ષાત્કારમાં એક ઓર સાક્ષાત્કાર પચીસ વર્ષીય કે. આર. નારાયણન્ અને ગાંધીજી વચ્ચેનો પણ છે. બે સત્યો વચ્ચેની પસંદગીમાં ગાંધીજીને સંભવત: તેમનો મૌનવાર અને થાક આડે આવી ગયાં, ને વાત પાટે ચડી ન શકી. (નિષ્ણાતોના મતે, ગાંધીજીનું મૌનએ અસરકારક કમ્યૂનિકેશનનું ટૂલ હતું) ગાંધીજીને તેમના ખુલ્લાપણાંને કારણે આ સંવાદ તેમને હરિજનોના મુદ્દે નવેસરથી વિચારવા પ્રેરી શક્યો હોત, એ સંભવને નકારી ન શકાય. “ આખરે તો મારું કામ બોલશે, મેં જે કંઈ કહ્યું છે કે લખ્યું છે તે નહીં. ” તેમ કહેનાર ગાંધીએ નારાયણન્ને પોતાનાં લખાણોમાંથી જવાબ શોધી લેવા કહ્યું. દેશનો યુવાન અસ્પૃશ્યતાના મુદ્દે સવાલ કરે છે અને ગાંધીજી તેમના થાક ને મૌનને બેઘડી બાજુ પર ન મૂકી શક્યાં તે પણ સત્ય છે. માની લઈએ કે ગાંધીજી પરિસ્થિતિવશ જવાબ નહીં આપી શક્યાં હોય, અથવા મનમનાવીએ કે એક પ્રશ્નનો જવાબ તો મળ્યો.
ReplyDeleteબાકીનું પછી ફોડી લઈશું તેમ માનનાર ગાંધીજીને મન આઝાદીની લડત મુખ્ય હતી. અસ્પૃશ્યતાનિવારણને તેમણે રચનાત્મક કાર્યક્રમોમાં સ્થાન આપીને આ મુદ્દાને આપી શકાયો તેટલો સમય ને ન્યાય આપ્યો છે. જોકે આ મુદ્દે ખાસ કશું રચનાત્મક થઈ શક્યું નથી.
વિદ્ધાન ગોપાલકૃષ્ણ ગાંધીની વાત પ્રસ્તુત મુલાકાતમાં નિરાળી છે. તેમણે અસ્પૃશ્યતાનિવારણને જીવનકાર્ય બનાવ્યું છે. ગોપાલકૃષ્ણ ગાંધીને મન અસ્પૃશ્યતાનિવારણ એ આજની મુખ્ય લડત છે. મુલાકાતમાં નોંધવા જેવી આ મહત્ત્વની બીના છે.
ડો.અશ્વિન ચૌહાણના સિંહફાળાને કારણે ગોઠવાયેલી, ગોપાલકૃષ્ણ ગાંધીની ખૂબીઓની બખૂબી ઝાંખી કરાવતી આ મુલાકાત બદલ અભ્યાસી મુલાકાતી ઉર્વીશ કોઠારીને સલામ!
-કીકા
બહુ મજા પડી. સરસ મુલાકાત. મુલાકાત કેમ લઇ શકાય એ શીખવા મળ્યું.
ReplyDelete