Saturday, February 14, 2009
ગુજરાતી બચાવો રેલીઃ સવા સો માણસની સભા
on stage, L to R : Yogendra Vyas, Raghuvir Chowdhary, Girish Patel, Suresh Dalal, Gunvant Shah, Kanubhai Jani
આજે સવારે ગુજરાતી ભાષા પરિષદ અને બીજી ચૌદેક વન-મેન સંસ્થા, ટુ-મેન સંસ્થા, થ્રી-મેન સંસ્થા અને કેટલીક મોટી સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે એક રેલી નીકળવાની હતી. ગુજરાત (કે ગૂજરાત?) વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ ગાંધીજીના પૂતળે થઇને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં આવેલી (શ્વ્લેષ વાંચવો હોય તો તમારી મરજી) ગુજરાતી સાહિત્ય પરિષદ - આ તેનો માર્ગ હતો.
રેલી ગુજરાત વિદ્યાપીઠથી એટલે ઘ્યાન રહે, વિદ્યાપીઠની અંદરથી નહીં, બહારથી - તેના દરવાજેથી- નીકળવાની હતી. એ અંગેની અપ્રિય લાગે એવી સ્પષ્ટતાઓ પણ આગળના દિવસોમાં થઇ ચૂકી હતી. વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્રભાઇ ખીમાણીએ તા.૩૧-૧-૦૯ના એક પત્રમાં ભાષા પરિષદને લખ્યું હતું કે
શ્રીમાન,
ગુજરાતીબચાવ ઝુંબેશ રેલી તા. ૧૪-૨-૦૯ના રોજ વિદ્યાપીઠથી સાહિત્ય પરિષદ સુધીની કાઢવાના છો એવી પત્રિકા મળી છે. ગૂજરાત વિદ્યાપીઠની અંદરથી જો આ રેલી નીકળવાની હોય તો તે માટે ગૂજરાત વિદ્યાપીઠની પરવાનગી લેવી આવશ્યક બને છે. આપને વિનંતી છે કે જો આવી કોઇ પરવાનગી તમે લીધી ન હોય તો ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી આ રેલીનું આયોજન ના થાય તેની તકેદારી રાખશો અને જરૂર જણાય તો આ બાબતે ફરી પરિપત્ર કરીને બધાને જાણ કરશો કે આ રેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી નીકળવાની નથી.’
પત્રનો સૂર સ્પષ્ટ હતો. ‘વિદ્યાપીઠમાં પેઠા તો તમારી ખેર નથી’ એવું લખવાનું ખીમાણીસાહેબે બાકી રાખ્યું. ભાષા પરિષદની મુખ્ય પ્રવૃત્તિ એવી ઉંઝા જોડણી સામે સાર્થ જોડણીકોશની માતૃસંસ્થા એવી વિદ્યાપીઠનો વિરોધ જાણીતો છે. પણ ઉપરનો પત્ર વાંચીને ચોક્કસપણે એવું થાય કે આ વાત જરા વધારે લાગણીપૂર્વક કે પ્રેમથી કહી શકાઇ હોત. ભાષા પરિષદ વતી ઇન્દુકુમાર જાનીએ ૪-૨-૦૯ના રોજ આ પત્રના જવાબમાં લખ્યું,
શ્રીમાન,
ઉપરના વીષયમાં ઉપરના પત્રના સંદર્ભમાં નીચે પ્રમાણે વીદીત થાયઃ
૧. ગુજરાત વીદ્યાપીઠની અંદરથી રેલી નીકળવાની હોય અથવા રેલીમાં કોઈપણ રીતે વીદ્યાપીઠની જગા વાપરવાની હોય તો વીદ્યાપીઠની પરવાનગી અમે લઈએ જ. એટલી સામાન્ય સમજ અને વીવેક અમારામાં હોય જ.
૨. 'ગુજરાતી બચાવ ઝુંબેશ રેલી' (૧) માતૃભાષામાં શીક્ષણ (૨) ભાષાનું સરળીકરણ (૩) ગુજરાતી સાહીત્ય પ્રસાર અને (૪) અંગ્રેજી–ઘેલછાથી મુક્તી માટે યોજી છે. અમારા નમ્ર મત પ્રમાણે આ ધ્યેયો માટે ગુજરાત વીદ્યાપીઠનો સહકાર પણ મળી રહેવો જોઈએ. અમારી તો આશા એવી હોય કે ગુજરાત વીદ્યાપીઠ પણ રેલીમાં જોડાય અને રેલીને સમર્થન આપે.
ખેર, તમે સુચવેલી તકેદારી રાખીશું જ, પણ અમે જાણે કોઈ અનુચીત પ્રવૃત્તી કરતા હોય તેવો ભાવ તમારા પત્રમાં ડોકાય છે. વીદ્યાપીઠ પાસેથી ગાંધીજીએ પ્રબોધેલી સહીષ્ણુતા અને સંવાદની અપેક્ષા સહેજે રહે.
***
આજે સવારે દસ વાગ્યે રેલીનો સમય હતો. પોણા અગિયાર જેવું થશે એવી ગણતરી હતી. પણ મારે પહોંચતાં અગિયાર થયા. ત્યાં સુધીમાં રેલી નીકળીને વિદ્યાપીઠથી પરિષદ પહોંચી ચૂકી હતી. મિત્રો પાસેથી જાણ્યું કે દસ વાગ્યાનો સમય હોવાથી પોલીસ સમયપાલનની ઉતાવળ કરી રહી હતી. પોલીસને સમજાવવાના થોડા પ્રયાસ થયા, પણ છેવટે દસ ને વીસ-પચીસે રેલી નીકળી ગઇ. તેમાં સો-સવાસો માણસો હશે. એ ઓછા કહેવાય કે વધારે, એનો આધાર તમારા દૃષ્ટિબિંદુ પર છે.ગુજરાતી ભાષા માટે આટલા માણસો પણ ક્યાંથી? એવું એક સહજ આશ્વાસન હાથવગું હોય છે, પણ કેટલીક વાર લોકો સુધી વાત પહોંચતી ન હોવાને કારણે અને એથી પણ ખરાબ શક્યતામાં વઘુ લોકોને સામેલ ન થાય એ રીતે સંખ્યામર્યાદા રાખવામાં આવતી હોય છે. આ રેલીના કિસ્સામાં કયો વિકલ્પ સાચો હતો એ ખબર નથી. આમજનતાના ગણાતા માતૃભાષાના સવાલ માટે નીકળેલી રેલીના અંતે ભરાનારી સભા પરિષદ જેવી સંસ્થામાં, જેની પોતાની લોકાભિમુખતાના પ્રશ્નો છે ત્યાં શા માટે રાખવી જોઇએ, એવો પણ સહજ સવાલ થાય.
પરિષદમાં સભા શરૂ થતાં પહેલાં હું પહોંચી ગયો હતો. મંચ પર (ડાબેથી જમણેના ક્રમમાં) યોગેન્દ્ર વ્યાસ, રધુવીર ચૌધરી, ગિરીશ પટેલ, સુરેશ દલાલ, ગુણવંત શાહ, કનુભાઇ જાની હતા. સંચાલન મનીષી જાની કરતા હતા. મંચસ્થ મહાનુભાવોમાંથી કનુભાઇ જાની સજોડે રેલીમાં હતા. નાદુરસ્ત તબિયતને કારણે તે એક ખુલ્લા વાહનમાં રેલીની આગળ હતા. તેમની સાથે યોગેન્દ્રભાઇ હતા. રધુવીરભાઇ, ગુણવંતભાઇ અને સુરેશભાઇ રેલીમાં ઉપસ્થિત ન હતા.
સભા એકંદરે જ નહીં, બધી રીતે નબળી રહી. ત્યાં હાજર સો-સવાસો માણસો ભાષા વિશે ચિંતા ધરાવતા અને બધા પ્રશ્નોથી અમુક હદે વાકેફ હોવાથી જ આવ્યા હતા. એમની આગળ હવે પછી શું એની વાત કરવાની હોય. એને બદલે કેટલાક વક્તાઓએ મુખ્ય મુદ્દાનું પુનરાવર્તન કર્યું, તો આત્મકથા કહેવાના શોખીન વક્તાઓએ પોતે કયા દેશોમાં ફર્યા ને ત્યાં એમને કોણે શું કહ્યું ને પોતે જવાબમાં શું કહ્યું, એવી બધી અપ્રસ્તુત કથાઓ કરી. કેટલીક નોંધપાત્ર /ખટકે એવી/ જાણવાજોગ વાતો. ગિરીશભાઇએ માતૃભાષાનું મહત્ત્વ ફક્ત સાહિત્યને બદલે વ્યાપક લોકસમુદાયના સંદર્ભમાં મુકી આપ્યું.
સુરેશ દલાલ
- અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકો દ્વારા બોલાતી ઈંગ્લીશને સુરેશ દલાલે સુરેશીય બાનીમાં ‘ખાંડવીના વાટાની જેમ નીકળતી’ અને ‘કાન આગળથી ગલીપચી કરીને ચાલી જતી’ કહી.
- સુરેશભાઇએ અને તેમના પછીના બે-ત્રણ વક્તાઓએ કહ્યું કે સંતાનોને ગુજરાતીમાં ભણાવ્યાં/ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ સંતાનોનાં સંતાનોને ઈંગ્લીશ મીડિયમથી રોકી શક્યો નથી. તેમણે કહ્યું મારાં છોકરાંને રોકી શકતો નથી, તો સમાજને કેવી રીતે રોકીશું?
- સુરેશભાઇએ વઘુ એક વાર સુરેશવિશેષ બાનીમાં કહ્યું કે ‘ગુજરાતીઓ એક્સપ્રેસ કરવા નહીં, પણ ઇમ્પ્રેસ કરવા માટે અંગ્રેજી બોલે છે.’ આ સભામાં સુરેશભાઇના પ્રવચનની એ મોટી મર્યાદા રહી કે તેમનામાં ફક્ત શબ્દોનાં ઝુંડ જ નહીં, આખેઆખાં વાક્યો અંગ્રેજીમાં આવ્યાં. સુરેશભાઇના અંગ્રેજી વિશે કોઇ શંકા નથી. એ ‘એક્સપ્રેસ’ કરવા જ બોલ્યા હશે, છતાં...
- સુરેશભાઇએ કહ્યું કે ગોકળીબાઇ હાઇસ્કૂલમાં ૨૩ હજાર વિદ્યાર્થીઓમાંથી ૪ હજાર વિદ્યાર્થીઓ જ ગુજરાતીમાં ભણે છે અને તે પણ આર્થિક મજબૂરીને કારણે. ગરીબ માતા-પિતાનાં એ સંતાનોને દફતર-પાઠ્યપુસ્તકોથી માંડીને યુનિફોર્મ અને ભોજન સંસ્થા પૂરાં પાડશે. પણ ગુજરાતી માઘ્યમના અંગ્રેજી સાથે એ બહાર જશે અને એમને જે લધુતાગ્રંથિ થશે એનું શું?
- સુરેશભાઇની છેલ્લી ‘ઝલક’: ‘મારા માટે સંસ્કૃત ભાષા બેઝમેન્ટ, ગુજરાતી ડ્રોઇંગ રૂમ-બેડરૂમ, મરાઠી ભાષા બાલ્કની અને અંગ્રેજી અગાશી છે, જ્યાં ઊભો રહીને વિશ્વ સાથે વાત કરૂં છું.’
ગુણવંત શાહ
- ગુણવંત શાહે કહ્યું કે એમનાં પૌત્રો ઈંગ્લીશ મીડિયમમાં ભણે છે એટલે એમની સાથે સંવાદોમાં ગાબડાં પડ્યાં છે.
- એમના પ્રવચનનો ટૂંક સાર એ હતો કે એ દેશવિદેશમાં ફર્યા છે ને મોટા-મોટા લોકોને મળ્યા છે.
- ગુજરાતીમાં ભણેલા ગાંધીજીનું અંગ્રેજી કેવું ફક્કડ હતું તેનો નમૂનો બતાવવા (એ બતાવવાની શી જરૂર હશે એ તો ગુણવંતભાઇ જ જાણે) ગુણવંતભાઇ એમની શૈલીમાં એક દળદાર પુસ્તક સાથે લાવ્યા હતા, જેમાં મુકી રાખેલો એક ફ્લેપ વારેવારે વક્તાની વિદ્વત્તાની યાદ અપાવતો હતો. એમાંથી ગુણવંતભાઇએ વાંચી તો એક લીટી જ અને એ પણ શ્રોતાઓના આગ્રહથી. તો પછી પુસ્તક ઊંચકી લાવવાને બદલે ફક્ત એનો રેફરન્સ લખી લાવ્યા હોત તો ઊંચકવાની મહેનત ન બચત? આવા બધા પામર વિચારો એમનું પ્રવાસવર્ણન સરખું વક્તવ્ય સાંભળતી વખતે આવતા હતા.
- છેલ્લે એમણે એક સૂચન કર્યું કે પરિષદ દ્વારા જોડણીઆયોગની રચના થવી જોઇએ, જેમાં ભાષાવિદે હોય ને એ સૌ ચર્ચા કરીને નક્કી કરે. આ સૂચન ઉંઝા જોડણીની ચર્ચામાં કામ લાગે તો લાગે, પણ મુખ્ય મુદ્દો ગુજરાતી ભાષાનો હતો. એના વિશે વક્તાને ‘બીજી કોઇ ભાષામાં નરસિંહ મહેતા બતાવો ને બીજી કોઇ ભાષામાં મુકુંદરાય હોય તો બતાવો’ એ સિવાય ખાસ કંઇ કહેવાનું ન હતું.
રધુવીર ચૌધરી
- રધુવીર ચૌધરીએ કહ્યું કે પરીક્ષાનાં પેપરમાં જોડણી વિષયક સવાલો પૂછાવા જોઇએ નહીં, જેથી ખરીખોટી જોડણીનો વિવાદ ન થાય.
- ‘સાહિત્ય પરિષદે આ વિચાર એક તબક્કે કરેલો’ એવો ઉડતો રેફરન્સ તેમણે આપીને બીજી વાતો કરી. તેમણે સરકાર પાસેથી પગલાંની અપેક્ષા રાખી અને ‘મુખ્ય મંત્રીની નજીક જઇ રહેલા ગુણવંતભાઇ’ (રધુવીરભાઇના શબ્દો) સમક્ષ એમ પણ કહ્યું કે મુખ્ય મંત્રી ગુજરાતમાં જ બોલતા હોય તો પણ ભાવાવેશમાં આવે ત્યારે હિંદીમાં કેમ બોલે છે?’ હસાહસ વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે ‘હવે તો એ (મોદી) થોડુંઘણું ઈંગ્લીશમાં પણ બોલવા લાગ્યા છે.’ ફરી હસાહસ.
- સરકારે ૧ થી ૧૨ ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત કરવું જોઇએ એવું રધુવીરભાઇએ કહ્યું. એમણે ગુણવંતભાઇની સામે જોઇને પૂરા રધુવૈર્ય સાથે કહ્યું કે તમે- બક્ષીસાહેબ બધા લોકસાહિત્યની મજાક ઉડાવતા હતા, પણ એ જ ભાષા બચાવશે.
પ્રો.યોગેન્દ્ર વ્યાસ
યોગેન્દ્ર વ્યાસે કેટલાક વૈજ્ઞાનિક મુદ્દા કહ્યા. તેમાં એક સૌથી નવાઇ લાગે એવો છતાં સાચો મુદ્દો ગણિતશાસ્ત્રી ડો.પી.સી.વૈદ્યના અભ્યાસને ટાંકીને કહ્યો. વૈદ્યસાહેબે એક અભ્યાસ પછી તારણ કાઢ્યું કે ગણિત એટલે ફક્ત આંકડા એ માન્યતા ખોટી છે. સારૂં ગણિત શીખવવામાં આંકડા જેટલું જ મહત્ત્વ ભાષાનું હોય છે.
કનુભાઇ જાની
છેલ્લે કનુભાઇ જાનીએ આભારવિધી સાથે શ્રોતાઓમાં અધિરાઇ પ્રેરે એવું પ્રવચન આપ્યું. તેમાં એક મુદ્દો એ હતો કે ‘ફક્ત શ્રીકૃષ્ણ કમિશનના અહેવાલો જ દબાવી દેવામાં આવે એવું નથી. પરિષદે ૧૯૮૭માં એક ઇ-ઉ અપનાવવાનો ઠરાવ કરેલો. એ જો હજુ હશે કે રહેવા દીધો હશે તો જોવા મળશે. પણ પછી એ દબાવી દેવામાં આવ્યો.’
***
આખા કાર્યક્રમની ફળશ્રુતિ
- ઉંઝા જોડણીના ટેકેદારોને કાર્યક્રમ સફળ લાગ્યો હશે. કારણ કે કનુભાઇએ કહ્યું તેમ, ‘અમે અત્યાર સુધી ટકોરા માર-માર કરતા હતા, પણ આજે ચાવીરૂપ પુરૂષ રધુવીરભાઇએ ઉંઝા જોડણી માટે તાળાં ખોલ્યાં.’
- મારા જેવા ઘણા મિત્રો ઉંઝા જોડણીની ચર્ચા કરતાં ગુજરાતી ભાષા પર ઈંગ્લીશ મીડિયમનો મારો અને ધસારો ખાળવાનું યુદ્ધ વધારે મોટું અને વધારે મહત્ત્વનું માને છે. એ દિશામાં શું થઇ શકે, એ મુદ્દે આખા કાર્યક્રમમાં કશી ચર્ચા ન થઇ. એ વિશેની ઉપલબ્ધિ શૂન્યવત્ રહી.
Subscribe to:
Post Comments (Atom)
ખુબ સરસ રિપોર્ટ.તમારી કલમ તેમાં ઉશ્કેરાટ લાવે છે.ગુજરાતી બચાવવાની વાત ઇંગ્લિશમાં કહેવામાં આવી ત્યારે લાગ્યું કે સારું થયું સવાસો માણસોની હાજરી હતી.નાસ્તા પાણી રાખ્યા હોત તો વધારે ભેગા થયા હોત.
ReplyDeleteજેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તેનો આટલી બધી ઝડપથી હેવાલ આપવા માટે ખુબ ખુબ આભાર .
ReplyDeleteસાવ સામાન્ય અને વતનથી હજારો માઈલ દુર રહેતા આ માણસને શાંતી થઈ કે, અમારા જેવાના હીત માટે આટલા માણસો પણ ભેગા થયા; અને મીત્રતાથી હળ્યા, મળ્યા અને ચર્ચા કરી.
હવે બે હાથ જોડીને સૌને વીનંતી કે, આ પ્રક્રીયા ચાલુ રાખજો; અને કાંઈક કરજો જેથી , ગુજરાતી ભાષા મટીને એક બોલી ન બની જાય.
બાકી સામાન્ય માણસને તો બોસ! આમાં કેટલા ટકા?
જો સાહીત્ય જીવાતા જીવનનો ધબકાર નહી ઝીલે અને શીક્ષણ સામાન્ય માણસને ઉન્નત નહીં કરે; તો બધા સાહીત્યકારો અને શીક્ષકો અને ભાષાશાસ્રીઓનો વાણી વીલાસ જ બની રહેશે,એ સામેની દીવાલ પર લખી રાખજો.
સામાન્ય માણસોના વીચાર જાણવા હોય તો આ લેખ અને તેની ઉપરની 26 કોમેન્ટો વાંચવા વીનંતી ..
http://gadyasoor.wordpress.com/2009/02/12/gujarati_bachav_jhumbesh/
Your concern for Gujarati language shows in the fact that you remained connected and reported so fast. Your contempt for the speakers and outcome is apparent in what you say. Not that you are wrong, as an outsider any concerned Gujarati will think so. So will your readers.
ReplyDeleteFor their understanding I will like to put the outcome in perspective. Making issues of language public, without resorting to politics of language is very challenging. Particularly how you discuss jodni, lipi, tatsam, tadbhav with a layman and say that these are the problematic area! This GujBachav Zumbesh is part of the strategy to make language a public issue, where anybody who is 'bhashapremi' is welcome. People on dais are bigger stakeholders and attention-holders of Gujarati n Gujarat. They've contributed, whatever they can; which is good for Gujarati. Whether it is good for you n me is a different question.
But surely, wonderful contribution by you Urvish, in reporting this so well so much in time.
- Kiran Trivedi
This is poor show for Gujarati language.
ReplyDeleteI am not able to write in Gujarati, Pl guide. In fact I would like to say that Aaa badha fifa khandvano have samay nathi. Besides, by putting the child in English Medium or a Gujarati medium school should not be the criterion for ones love for Gujarati. We need to create an interesting context to love Gujarati. We should get down to action. And if there is something that can be called a step in the direction of drawing attention towards Gujarati language then it's the 'Megh Dhanush' series by Shyaml and Saumil Munshi. Why don't we produce something that would compel Gujaraties or the rest to look at Gujarati Bhasha!
ReplyDeleteKeep old timers like Suresh Dalal, Gunvant Shah & others out of this and let this campaign be led by young generation. Then only this campaign will be successful.
ReplyDeleteRead your blog.
ReplyDeletenice info.......
ReplyDeletevery curious to know
what they are going to do something
for Gujarati ?
but read "falshruti" in the end
and ....... the end !!
Urvishbhai.very good article.save gujarati language-is very large topic.gunvant shah and suresh dalal both have their history,but now their mix gujarati english speech cannot help gujarati language.and gunvant shah-was a good author(yes,he was.),but now I pray to god-please relieve gujarati from so called great authors.by the way,in gunvant shah's blog TAHUKO is published in English.he has double standard.he prove that.
ReplyDelete